ભારતમાં ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, 10 દિવસમાં ત્રીજી વાર વધ્યા - ન્યૂઝ અપડેટ

ગુજરાત, ભારત, અમેરિકા, ઈરાન, બીબીસી ગુજરાતી, ગુજરાતના સમાચાર

ઇમેજ સ્રોત, Mykola Tys/SOPA Images/LightRocket via Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભારતમાં શનિવારે એટલે કે 23 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે.

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલના ભાવ 87 પૈસા વધીને 99.51 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે અને ડીઝલ પ્રતિ લિટર 92.49 રૂપિયા થયું છે.

15 મેથી અત્યાર સુધીમાં આ ત્રીજી વાર ભાવ વધ્યા છે. સતત થતા આ ભાવવધારા પાછળ મધ્યપૂર્વનું તણાવ પણ કારણભૂત છે, જેના કારણે ભારતમાં ઑઇલ પુરવઠામાં અવરોધ આવ્યો છે.

અગાઉ આ મહિના 15 મેના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયા પ્રતિ લિટરે વધારો થયો હતો. એ પછી 19 મેના રોજ અંદાજે 90 પૈસાનો બીજી વાર વધારો થયો હતો.

PM કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મેળવવા વાર્ષિક e-KYC ફરજિયાત

ગુજરાત, ભારત, અમેરિકા, ઈરાન, બીબીસી ગુજરાતી, ગુજરાતના સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હવેથી પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂતોએ દર વર્ષે e-KYC ફરજિયાત કરાવવાનું રહેશે (પ્રતીકાત્મક તસવીર)

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, આ ફેરફાર મુજબ હવેથી પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂતોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઑથેન્ટિકેશન દ્વારા વાર્ષિક e-KYC ફરજિયાત કરાવવાનું રહેશે.

એટલે કે આ યોજના હેઠળ સહાય માત્ર એવા જ લાભાર્થીઓને મળશે જેમણે બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન દ્વારા e-KYC પૂર્ણ કર્યું હોય.

ખેતી નિયામક કચેરીએ જણાવ્યા મુજબ લાભાર્થીઓએ દર નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

ચાલુ વર્ષ 2026-27 માટે વાર્ષિક e-KYCની પ્રક્રિયા હાલમાં શરૂ કરી દેવાઈ છે.

પ્રેસ રિલીઝ અનુસાર, ગુજરાતના ખેડૂતોએ આગામી 30 જૂન સુધીમાં e-KYC કરાવી લેવું પડશે.

e-KYC કેવી રીતે કરવું?

ફેસ ઑથેન્ટિકેશન: ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઑફિસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઇલ ઍપ દ્વારા ફેસ ઑથેન્ટિકેશન કરાવી શકાશે

બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન: નજીકના કૉમન સર્વિસ સેન્ટર (CSC) અથવા 'ઇ-ગ્રામ' કેન્દ્ર પર જઈને પણ e-KYC કરાવી શકાશે

PM કિસાન મોબાઇલ ઍપ (જાતે): લાભાર્થી પોતે પોતાની મોબાઇલ એપમાં 'Beneficiary' તરીકે લોગીન કરી પોતાના આધાર નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દ્વારા ફેસ ઑથેન્ટિકેશન કરી શકે છે. આ રીતથી એક લાભાર્થી પોતાનું અને અન્ય 100 લાભાર્થીઓનું e-KYC પણ કરી શકશે

ભારતનો વિદેશી મુદ્રા ભંડાર આઠ અબજ ડૉલર ઓછો થયો

ગુજરાત, ભારત, અમેરિકા, ઈરાન, બીબીસી ગુજરાતી, ગુજરાતના સમાચાર

ઇમેજ સ્રોત, RAVEENDRAN/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, આ વર્ષે ફૉરેક્સ રિઝર્વ 27 ફેબ્રુઆરીએ સૌથી ઊંચા સ્તરે (728.494 અબજ અમેરિકન ડૉલર) પહોંચી ગયો હતો

મધ્યપૂર્વમાં ચાલતાં સંઘર્ષ દરમિયાન ભારતનો વિદેશી મુદ્રા ભંડાર (ફૉરેક્સ રિઝર્વ) ઓછો થયો છે. દેશનો વિદેશી મુદ્રા ભંડાર 8.094 અબજ (અમેરિકન ડૉલર) ઘટીને હવે 688.894 અબજ (અમેરિકન ડૉલર) પર આવી ગયો છે.

સમાચાર એજન્સી પીટીઆઇએ ભારતીય રિઝર્વ બૅન્કના હવાલાથી જણાવ્યું કે આ ઘટાડો 15 મેના રોજ સપ્તાહના અંતમાં થયો છે.

જોકે તેના અગાઉ 8 મેના રોજ સપ્તાહના અંતમાં ફૉરેક્સ રિઝર્વ 6.295 અબજથી (અમેરિકન ડૉલર) વધીને 696.988 અબજ (અમેરિકન ડૉલર) થઈ ગયો હતો.

હકીકતમાં આ વર્ષે ફૉરેક્સ રિઝર્વ 27 ફેબ્રુઆરીએ સૌથી ઊંચા સ્તરે (728.494 અબજ અમેરિકન ડૉલર) પહોંચી ગયો હતો.

પરંતુ ત્યાર બાદ મધ્યપૂર્વમાં સંઘર્ષ શરૂ થયા બાદ અનેક અઠવાડિયાં સુધી તેમાં ઘટાડો થયો છે. આ દરમિયાન રૂપિયા પર દબાણ વધ્યું છે અને આરબીઆઇએ ડૉલર વેચીને વિદેશી મુદ્રા બજારમાં દખલ દેવી પડી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન