ગુજરાતમાં ચોમાસા પહેલાં ક્યાં વરસાદની આગાહી અને હવામાન કેવું રહેશે?

ગુજરાત હવામાન, ચોમાસું, ઉનાળો, ગુજરાત, બીબીસી ગુજરાતી, હવામાન વિભાગ, વરસાદની આગાહી, વેધર અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભારતમાં ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે અને હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં અને બંગાળની ખાડીમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ પેદા થઈ છે.

સ્કાયમેટ વેધર અનુસાર, 23 મેની આસપાસ અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બની શકે છે અને એ અનુસાર, આગામી 24-48 કલાક સિસ્ટમ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

જોકે આ સંભવિત સિસ્ટમ અંગે હવામાન વિભાગનાં અલગ-અલગ મૉડલ જુદા સંકેત આપે છે. આ દરમિયાન ગુજરાતમાં આગામી દિવસોમાં કેટલાંક સ્થળોએ વરસાદ પડે તેવી શક્યતા છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં વરસાદની આગાહી છે?

ગુજરાત હવામાન, ચોમાસું, ઉનાળો, ગુજરાત, બીબીસી ગુજરાતી, હવામાન વિભાગ, વરસાદની આગાહી, વેધર અપડેટ

ઇમેજ સ્રોત, imd

ગુજરાત હવામાન વિભાગ અનુસાર, ચોમાસાની શરૂઆત પહેલાં રાજ્યમાં કેટલાંક સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી છે.

ખાસ કરીને આગામી બે દિવસમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના બુલેટિન અનુસાર, 22 અને 23 મેના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દાદરા અને નગરહવેલી વિસ્તારોમાં કેટલાંક સ્થળોએ વરસાદની શક્યતા છે. તો તાપી અને દમણના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

ભારતમાં ચોમાસું ક્યાં પહોંચ્યું અને ગુજરાતમાં ક્યારે આવશે?

ગુજરાત હવામાન, ચોમાસું, ઉનાળો, ગુજરાત, બીબીસી ગુજરાતી, હવામાન વિભાગ, વરસાદની આગાહી, વેધર અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

હાલમાં દરિયાકાંઠે આવેલા આંધ્ર પ્રદેશ અને નજીકના પ્રદેશમાં એક સાઇક્લોનિક સર્ક્યુલેશનની પરિસ્થિતિ સર્જાઈ છે. તેના કારણે કેરળ પર એક લૉ-પ્રેશર એરિયા રચાઈ શકે છે જેમાં લક્ષદ્વીપનો કેટલોક ભાગ પણ આવી જશે. તેના કારણે કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું બેસે તેનાથી પહેલાં જ ઘણી જગ્યાએ જોરદાર વરસાદ પડી જવાની શક્યતા છે.

ઉપરાંત આંદામાન સમુદ્રના બાકીના ભાગો અને બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસું પ્રગતિ કરશે.

કેરળ પર 26 મેએ દક્ષિણપશ્ચિમ ચોમાસાનું આગમન થશે જેમાં ચાર દિવસ આગળ-પાછળ થઈ શકે છે.

ચોમાસું આ તારીખથી ચાર દિવસ વહેલું અથવા મોડું પણ બેસી શકે છે અને તેનો આધાર હવામાનની સ્થિતિ પર રહેશે.

કેરળમાં પ્રવેશ કર્યા પછી દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધતું જશે અને 15 જૂન સુધીમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી પહોંચવાની શક્યતા છે.

20મી જૂન સુધીમાં ચોમાસું સામાન્ય રીતે ગુજરાત, રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારને કવર કરી લે છે અને ઉત્તરાખંડ સુધી પહોંચી જાય છે.

ગુજરાતમાં 18 જૂનથી 25 જૂન દરમિયાન ચોમાસું બેસી જવાની આગાહી છે. મહારાષ્ટ્રમાં લગભગ 8થી 15 જૂન દરમિયાન ચોમાસું આવી જશે તેવી ધારણા છે.

ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે

જોકે ગુજરાત સહિત મધ્ય ભારતમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. છેલ્લા બે દિવસમાં મધ્ય અને ઉત્તર ભારતમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ જોવા મળ્યું હતું. ગુજરાતમાં પણ તાપમાન 40ની આસપાસ રહ્યું હતું.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી સહિત ઉત્તર અને મધ્ય ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આ આખા અઠવાડિયામાં ભીષણ ગરમી રહેશે.

હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી.

જ્યારે આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા સ્થળે લઘુતમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે રહેવાની આગાહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન