ભારતમાં કાયદા હોવા છતાં ભેળસેળયુક્ત ભોજનથી મુક્તિ કેમ નથી?

ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, નિકિતા યાદવ
    • પદ, દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ભારતનાં ઘણાં ઘરોમાં મસાલા દુકાનોમાંથી ખરીદવાને બદલે ઘરે જ પીસવામાં આવે છે.

ભારતની રાજધાની દિલ્હીમાં રહેતાં 55 વર્ષનાં નિર્મલ રાવ તેમના રસોડામાં હળદરના ગાંઠિયા બપોરે તડકામાં સૂકવવા માટે ટ્રેમાં ફેલાવે છે.

તેની બાજુમાં, તેઓ ગઈ કાલના સૂકાઈ ગયેલા ગાંઠિયાને ધીમે-ધીમે મિક્સરમાં નાખીને પીસે છે અને બારીક પાઉડર બનાવે છે.

હજુ હમણાં સુધી રાવે કદી કલ્પના પણ નહોતી કરી કે, તેઓ રોજ સાંજે ઘરે મસાલા પીસવા બેસશે.

પીસેલી હળદરને જારમાં ભરતાં તેઓ કહે છે, "આમ તો, મસાલા પીસવાની જરૂર નથી, પણ બજારમાં મળતી વસ્તુઓ ઉપર હવે ભરોસો મૂકી શકાય એમ નથી."

આવું માનનારાં રાવ એકલાં નથી. ભારતનાં તમામ શહેરોમાં, કેટલાંક મધ્યમવર્ગીય કુટુંબો ઘરે મસાલા દળીને, ઘરે પનીર બનાવીને તેમજ અનાજ સીધું ખેતરોમાંથી ખરીદીને તેમનાં ઘરોને નાનાં ફૂડ-પ્રોસેસિંગ યુનિટ્સમાં ફેરવી રહ્યાં છે. આ પરિવર્તન જૂની યાદો કરતાં વધારે, અવિશ્વાસથી પ્રેરિત છે.

સરકારી આંકડા દર્શાવે છે કે, 2022 અને 2025ની વચ્ચેના ગાળામાં અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવેલા પ્રત્યેક છ ખાદ્ય નમૂનામાંથી એક નમૂનો ખાદ્ય સુરક્ષાના માપદંડો સંતોષવામાં નિષ્ફળ ગયો હતો. સમાન ગાળા દરમિયાન, ખાદ્ય વ્યવસાયોનાં 1,100 કરતાં વધારે લાઇસન્સ રદ કરવામાં આવ્યાં હતાં.

નિષ્ણાતો કહે છે કે, આ નિષ્ફળ મામલા માટે સ્વચ્છતાનાં નબળાં ધોરણો અને લેબલિંગના ભંગથી માંડીને ગંદકી કે ભેળસેળ સુધીનાં કોઈપણ કારણો જવાબદાર હોઈ શકે છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ગયા મહિને હૈદરાબાદમાં ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ 3,000 કિલોગ્રામ કરતાં વધારે ભેળસેળયુક્ત ચા પાઉડર જપ્ત કર્યો હતો, જેમાં ચાનો દેખાવ અને નફો વધારવા માટે તેમાં કૃત્રિમ રંગ, ગોળનો રસ અને ઍક્સપાયરી ડેટ વટાવી ગયેલી ચા ભેળવવામાં આવ્યાં હતાં.

ભારતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કોઈ નવી વાત નથી.

પણ વ્યાપક અનૌપચારિક ખાદ્ય અર્થવ્યવસ્થા સાથે તાલમેળ બેસાડવામાં સંઘર્ષ કરી રહેલી નિયમનકારી વ્યવસ્થા અને સરકારી તંત્ર પ્રતિસાદ આપે એ પેહલાં, સોશિયલ મીડિયામાં આ મામલે જે રીતે ભય ફેલાઈ રહ્યો છે, તેનાથી લોકોમાં અવિશ્વાસ વધી રહ્યો છે.

હજુ થોડા જ દાયકાઓ પહેલાં, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવી એટલે દૂધમાં પાણી નાખીને તેને પાતળું કરી દેવું કે પછી અનાજમાં કાંકરા નાખી દેવા. જ્યારે આજે, દરોડા પાડતાં ડિટર્જન્ટ મેળવેલું દૂધ અને સિન્થેટિક રંગો નાખેલા મસાલા મળી આવે છે.

ભારતમાં ખાદ્ય સુરક્ષાના કાયદાની 'નબળી અમલીકરણ ક્ષમતાનું વિઘ્ન'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, લાખો ભારતીયો દુકાનમાંથી ખરીદવાને બદલે ઘરે જ મસાલા પીસે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં આ દૂષણની રોકથામ કરવા માટેના નિયમો છે.

2006ના કાયદા હેઠળ સ્થાપવામાં આવેલી ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઇ) ભોજન કેવી રીતે બને છે, તેનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવે છે, તેનું પરિવહન કઈ રીતે કરવામાં આવે છે અને વેચાણ કઈ રીતે કરવામાં આવે છે, તેનું નિયમન કરે છે.

નિયમો હેઠળ, વિશાળ ફૂડ કંપનીઓથી લઈને નાનાં ભોજનાલયો સુધી તમામે લાઇસન્સ મેળવવું જરૂરી છે. જ્યારે ખાદ્ય સુરક્ષા અધિકારીઓને ચકાસણી, નમૂનાનું એકત્રીકરણ તથા ફરિયાદોની તપાસનું કામ સોંપવામાં આવે છે.

એફએસએસએઆઇના ભૂતપૂર્વ વડા પવન અગરવાલ કહે છે, "તે વિશ્વના સૌથી આધુનિક ખાદ્ય સુરક્ષા કાયદાઓમાં સ્થાન ધરાવે છે. તે ભોજન કેવી રીતે વેચાવું જોઈએ અને કેવી રીતે ન વેચાવું જોઈએ, તેના માટેના સ્પષ્ટ માપદંડો નક્કી કરે છે."

પણ વ્યવહારમાં તેનો ઘણો-ખરો હિસ્સો ત્યારે જ સક્રિય થાય છે, જ્યારે કોઈ ગરબડ થઈ જાય.

અગરવાલે કહ્યું હતું, "મોટી કંપનીઓ બજારમાં ઉત્પાદનો પહોંચાડતાં પહેલાં તેમનું પરીક્ષણ કરે, તે અપેક્ષિત છે, પણ ખાદ્ય અર્થવ્યવસ્થાનો મોટાભાગનો હિસ્સો એ રીતે કામ કરતો નથી."

"મોટાભાગે ફરિયાદો આવ્યા પછી કે શંકા ગયા પછી જ ખાદ્ય ઉત્પાદનોનું પરીક્ષણ કરવામાં આવે છે."

ત્યાં સુધીમાં તો ભેળસેળયુક્ત સામાન શહેરોમાં કે રાજ્યોમાં પ્રસરી ચૂક્યો હશે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં લાખો અનિયમિત ભોજનાલયો આવેલાં છે.

સાથે જ તેઓ યોગ્ય બ્રાન્ડિંગ કે પૅકેજિંગ વિના નાની માત્રામાં વેચવામાં આવતાં તેલ, લોટ અને મસાલા જેવાં ઉત્પાદનોને કારણે ઊભા થતા પડકાર તરફ પણ ધ્યાન દોરે છે.

નિષ્ણાતો જણાવે છે કે, સમગ્ર ભારતમાં અગણિત નાના વિક્રેતાઓ, અનરજિસ્ટર્ડ દુકાનો અને અનૌપચારિક ફૅક્ટરીઓ નજીવા પેપરવર્ક સાથે આ પ્રકારના સામાનનું વેચાણ, રિપૅકેજિંગ અને વિતરણ કરે છે, જેના લીધે બિનસલામત ઉત્પાદનો ક્યાંથી આવ્યાં હતાં કે ક્યાં પહોંચ્યાં, તે જાણવું લગભગ અશક્ય બની રહે છે.

આ દરમિયાન, ખોરાકનું પરીક્ષણ કરવાની વ્યવસ્થામાં પણ માળખાગત ખામીઓ રહેલી હોવાનું ફૂડ ટેસ્ટિંગ લૅબ ઔરિગા રિસર્ચના મૅનેજિંગ ડિરેક્ટર સૌરભ અરોરાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, "વ્યવસાયોએ દર છ કે 12 મહિને માત્ર એક વખત જ સૅમ્પલ્સ મોકલવાનાં રહે છે. પણ તે મર્યાદિત પરીક્ષણ અવધિનો પણ ઘણી વખત દુરુપયોગ કરવામાં આવે છે."

"તેઓ ઘણી વખત સુનિશ્ચિત કરે છે કે, પરીક્ષણ કરવામાં આવેલી બૅચ માપદંડો સંતોષે - ભલે બીજી બૅચ માપદંડો ન સંતોષે."

નિષ્ણાતો કહે છે કે, નબળી અમલીકરણ ક્ષમતા પણ વધુ એક અવરોધ છે.

મહારાષ્ટ્રમાં 500 કરતાંયે ઓછા ફૂડ સેફ્ટી અધિકારીઓ હજ્જારો રજિસ્ટર્ડ ફૂડ બિઝનેસની સાથે-સાથે અગણિત અનૌપચારિક સંચાલકોની દેખરેખ કરતા હોવાનું ખાદ્ય સુરક્ષા નિષ્ણાત સંજય ઈંદાની જણાવે છે, જેઓ નિયમનકારી સાથે કામ કરી ચૂક્યા છે.

"દરેક બાબત પર દેખરેખ રાખવી લગભગ અશક્ય છે."

નિષ્ણાતો કહે છે કે, ઇટાલી અને બ્રિટન જેવા દેશો ચુસ્ત દસ્તાવેજી સપ્લાય ચેઇન થકી ઝડપથી ઉત્પાદનોની ભાળ મેળવી શકે છે અને તેમને પરત મગાવી શકે છે.

જ્યારે તેનાથી ઊલટું, ભારતમાં દૂષિત બૅચની ભાળ મેળવવાના પ્રયત્નોમાં પણ કેટલાંક અઠવાડિયાં લાગી શકે છે અને આમાં સફળતા પણ ઓછી મળતી હોય છે.

સમસ્યાની ગંભીરતા ટોચનાં કાર્યાલયો સુધી પહોંચી ચૂકી છે.

ગયા મહિને, ભારતના નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશને ખાદ્ય સલામતી અંગે બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં અધિકારીઓએ એવી ચેતવણી આપી હતી કે, અધિકારીઓ દૂષિત ઉત્પાદનોની ઓળખ કરી શકે, તે પહેલાં જ વ્યાપક સ્તરે ફેલાઈ શકે છે, ત્યારે તેમને દુકાનોમાંથી દૂર કરવાની વાત તો ઘણી દૂર છે.

પરંતુ, નક્કર સ્તર પર, ઘણા વપરાશકર્તાઓએ સરળ ઉકેલ શોધી કાઢ્યો છે - વધુ ચુકવણી કરવી, ઓછી ચિંતા કરવી.

મુંબઈમાં રહેતાં 29 વર્ષનાં તિયાશ ડે કહે છે કે, હલ્કી ગુણવત્તાનાં ઉત્પાદનોના ભયને પગલે તેઓ મોંઘાં વિકલ્પો ખરીદવા માટે લાચાર બન્યાં છે.

તેઓ કહે છે, "હું સામાન્યપણે મોટી બ્રાન્ડ્ઝને જ પસંદ કરું છું, પછી ભલે તે મોંઘી હોય અને મારા બજેટને તંગ બનાવતી હોય, પણ મને વિશ્વાસ હોય છે કે, તેમાં ભેળસેળ નથી."

આ ઉપરાંત તેઓ ફાર્મથી ઘર સુધી દૂધ પહોંચાડવાની સેવા માટે બજાર કરતાં આશરે 50 ટકા જેટલી વધુ ચુકવણી કરે છે - આ ખર્ચાળ સેવાને તેઓ માનસિક શાંતિ માટે ઉચિત ગણે છે.

આવું કરનારાં તેઓ એકલાં નથી. સમગ્ર ભારતના શહેરી પ્રદેશોમાં વધુને વધુ ગ્રાહકો ભરોસાપાત્ર ખોરાક માટે વધુ રકમ ચૂકવવા તૈયાર છે.

કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઇઆર)નાં મુખ્ય વિજ્ઞાની ડૉક્ટર મીનાક્ષી સિંહના જણાવ્યા પ્રમાણે, ભારતનું ઑર્ગેનિક ફૂડ માર્કેટ 2033 સુધીમાં 10.81 અબજ ડૉલરે પહોંચવાનો અંદાજ છે.

'સમય સાથે લિવર અને કિડનીને નુકસાન કરી શકે'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા વપરાશકર્તાઓ સલામત અને ભરોસાપાત્ર ભોજન ખરીદવા માટે વધારે કિંમત ચૂકવે છે

ડૉક્ટરોનું કહેવું છે કે, લોકોને તાત્કાલિક બીમાર ન કરે, તેવો ખોરાક વધુ જોખમી હોય છે. ફૂડ પૉઇઝનિંગમાં માણસ અચાનક બીમાર થઈ જાય છે, તેનાથી ઊલટું, દૂષિત કે ખરાબ સામગ્રીના વારંવારના સેવનની અસરો વર્તાતાં વર્ષો લાગી શકે છે.

દિલ્હી નજીક ફોર્ટિસ હૉસ્પિટલમાં ચીફ ઑફ ગેસ્ટ્રોએન્ટરોલૉજીના વડા રિંકેશકુમાર બંસલ જણાવે છે, "ટૂંકા ગાળા માટે લોકોમાં પાચનમાં તકલીફ, માથું દુખવું કે થાક લાગવાં જેવાં લક્ષણો જોવા મળી શકે છે."

"પણ, સમય વીતવા સાથે તે લીવર અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે, હોર્મોનલ સમસ્યાઓ નોતરી શકે છે અને જૂની બીમારીઓનું જોખમ વધારી શકે છે."

પરંતુ નિષ્ણાતો કહે છે કે, વર્તમાન ગભરાટ બીમારીને કારણે ઓછો અને ઑનલાઇન ફેલાવવામાં આવતી જાણકારીને કારણે વધુ ફેલાઈ રહ્યો છે.

અગરવાલ કહે છે, "ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ એકાએક વધી નથી જતી, પણ સોશિયલ મીડિયાના કારણે હવે તેના વિશેની જાણકારી ઝડપથી પ્રસરી જાય છે."

"આપણે આપણી ખાણી-પીણીને લઈને અત્યંત સંવેદનશીલ હોઈએ છીએ અને તે આપણો અત્યંત અંગત મામલો છે. આથી, આ પ્રકારના કોઈપણ સમાચાર તરત જ આપણું ધ્યાન ખેંચે છે."

તેઓ કહે છે કે, વાસ્તવિક દબાણ છેવટે વપરાશકર્તાઓ તરફથી જ આવશે.

"જાગૃતિ વધે અને લોકો સલામત ખોરાકની માગણી કરવા માંડે, તે સાથે વ્યવસાયો પાસે તે માગણી પૂરી કરવા સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં."

સાથે જ તેમણે પરિવર્તનનો એક સંકેત પણ નોંધ્યો હતો - એફએસએસએઆઇ નિયમિતપણે ઘરે ભેળસેળયુક્ત ભોજન ચકાસવા માટેની રીત અંગે માર્ગદર્શન પ્રકાશિત કરતું રહે છે.

સૌરભ અરોરા ઉમેરે છે, "ઉત્પાદકથી લઈને વપરાશકર્તા સુધી તમામ લોકોમાં સ્વામીત્વની ભાવના હોવી જરૂરી છે."

"ભારતમાં ઘણી વખત એવી માનસિકતા પ્રવર્તે છે કે, - હું સ્વયં તેનું સેવન નથી કરતો, આ બીજી કોઈ વ્યક્તિની સમસ્યા છે. કેવળ નિયમનથી તેનો ઉકેલ નહીં આવી શકે."

રાવના દિલ્હી સ્થિત ઘરના રસોડામાં જે શેલ્ફ ઉપર એક સમયે બજારમાંથી ખરીદવામાં આવેલાં પૅકેટ્સ રાખવામાં આવતાં હતાં, ત્યાં હવે ઘરે તૈયાર કરવામાં આવેલા મસાલાની બરણીઓ જોવા મળે છે.

તેઓ સ્વીકારે છે કે, આ પ્રક્રિયા સમય માગી લેનારી છે અને ખાસ કરીને જ્યાં માતા-પિતા બંને ફુલ-ટાઇમ નોકરી કરતાં હોય, તેવા પરિવારોમાં વાસ્તવમાં આ વ્યવહારુ નથી.

"જો પાયાના ભોજનનો જ વિશ્વાસ ન થઈ શકતો હોય, તો સામાન્ય માણસો શું કરશે?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન