"શક્ય છે કે મારો અવાજ છેલ્લી વાર સાંભળો" - ઈરાનમાં ફાંસીની રાહ જોનારની વ્યથા

ઇમેજ સ્રોત, KURDPA
- લેેખક, કૅરોલિન હૉલી
- પદ, બીબીસી સંવાદદાતા
- લેેખક, ગૉન્ચેહ હબીબીઝાદ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
લાઇનમાં કશોક ખખડાટ થતો હોય એમ લાગે છે, પણ મેહરાબ અબ્દુલ્લાઝાદેહનો અવાજ સ્પષ્ટ છે અને હાલની સ્થિતિ જોતાં તેમના અવાજની સ્થિરતા નવાઈ ઉપજાવનારી છે.
તેઓ પશ્ચિમી ઈરાનમાં તેમની મોતની સજાની રાહ જોઈ રહ્યા હતા. તેઓ ઝડપથી બોલતા હતા, જાણે તેમની પાસે સમય ઓછો હોય. તેમનો સંદેશો વ્યથિત કરી મૂકનારો હતો.
કુર્દિસ્તાન હ્યુમન રાઇટ્સ નેટવર્કને મળેલી એક વોઇસ નોટમાં મેહરાબ બોલે છે, "તમે ઉરુમિયા સૅન્ટ્રલ જેલમાંથી મારો અવાજ સાંભળી રહ્યા છો અને કદાચ તમે આ છેલ્લી વખત મારો અવાજ સાંભળી રહ્યા છો."
"મારી ધરપકડ થઈ તેના પહેલા જ દિવસથી તેમણે મારા પર ત્રાસ ગુજાર્યો અને મને ધમકી આપી, મને એવા ગુનાની કબુલાત કરવાની ફરજ પાડવામાં આવી, જે સાવ ખોટા હતા. મારી સામેનો એક પણ આરોપ સાચો નથી. તેઓ પણ આ જાણે છે અને ઈશ્વર પણ જાણે છે કે હું નિર્દોષ છું."
2022માં સમગ્ર ઈરાનમાં જ્યારે વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં હતાં, તે સમયે મેહરાબની ધરપકડ થઈ હતી.
આ દેખાવો યોગ્ય હિજાબ ન પહેરવા બદલ અટકાયતમાં લેવાયેલ યુવાન મહિલા મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું તે પછી શરૂ થયા હતા.
મેહરાબ ઉપર ઈરાનના બાસિજ મિલિશિયા અર્ધ-લશ્કરી દળના એક સભ્યની હત્યામાં સંડોવણી હોવાનો આરોપ હતો.
42 મહિના ભયના ઓથાર હેઠળ પસાર કર્યા પછી અને જાગતા વીતાવેલી રાતો પછી, ચાલુ મહિનાના પ્રારંભમાં મેહરાબને ફાંસી આપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં રાજકીય અને સુરક્ષા સંબંધિત આરોપો પર લોકોને મોતની સજા ફટકારવાના પ્રમાણમાં ભારે ઉછાળો આવ્યો છે.
રાજકીય કેદીઓને મોતની સજાના વધી રહેલા મામલા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા અને ઇઝરાયેલે 28મી ફેબ્રુઆરીના રોજ ઈરાન ઉપર હુમલો કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે, તે પછી તેણે ઓછામાં ઓછા 32 રાજકીય કેદીઓને અપાયેલા મૃત્યુદંડની પુષ્ટિ કરી છે.
માનવ અધિકાર સંગઠન ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલના જણાવ્યા અનુસાર, આ બાબત દર વર્ષે ફાંસીની સજામાં થઈ રહેલો વધારો દર્શાવે છે.
ઈરાનમાં 2025માં રાજકીય હેતુઓ બદલ લગાવવામાં આવેલા આરોપો હેઠળ કુલ 45 લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી.
યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ ઓફિસે ચેતવણી આપી છે કે, રાજકીય અસંમતીને ડામવા માટે મૃત્યુદંડનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.
આ વર્ષે માર્યા ગયેલા ઘણા લોકો ઉપર ઇઝરાયેલ કે સીઆઇએ માટે જાસૂસી કરવાનો આરોપ હતો, જ્યારે અમુક લોકો ઉપર દેશનિકાલ કરી દેવાયેલાં વિરોધી જૂથો સાથે સંબંધ ધરાવવાનો આરોપ હતો.
તે પૈકીના 14 લોકોની જાન્યુઆરીમાં થયેલા બળવાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. આ બળવો હિંસક રીતે કચડી દેવામાં આવ્યો હતો, જેમાં ઈરાનના હજારો નાગરિકોનો ભોગ લેવાયો હતો.
ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલનું શું કહેવું છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલનાં નસીમ પાપાયાની કહે છે, "ઈરાનમાં સત્તાધિકારીઓ ફાંસી આપીને મૃત્યુદંડની સજાનો અમલ કરે છે. તેઓ વહેલી સવારે ફાંસી આપે છે. લગભગ રોજ સવારે કોઈની ફાંસીની સજાની જાહેરાત સાથે જ ઈરાનના લોકોની સવાર પડે છે."
"તેઓ રાજકીય દમનના સાધન તરીકે, લોકોમાં ભય જન્માવવા માટે અને કોઈ પણ પ્રકારના વિરોધને સંપૂર્ણપણે દબાવી દેવા માટે મૃત્યુદંડનો ઉપયોગ કરે છે."
યુએન હ્યુમન રાઇટ્સ ઓફિસના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે, મૃત્યુદંડની કેટલીક સજાઓ જાહેર કરવામાં આવે છે, પણ તેઓ ગુપ્ત રાહે આપવામાં આવતી ફાંસીને લઈને ચિંતિત છે.
ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલના જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષે ઈરાને 2,159 લોકોને ફાંસી આપી હતી, જે 1989 પછીનો સૌથી ઊંચો આંક છે.
તેઓ કહે છે કે, આ પૈકીના મોટાભાગના કેસ નશીલાં દૃવ્યોને લગતા અપરાધો કે હત્યાના હતા.
યુનાઇટેડ નેશન્સને બીક છે કે, આ વર્ષે આ આંકડો હજુયે ઊંચો જઈ શકે છે.
કુર્દિસ્તાન હ્યુમન રાઇટ્સ નેટવર્કના કાવેહ કેરમાનશાહીના જણાવ્યા અનુસાર, "જાન્યુઆરીમાં બળવા અને યુદ્ધ પછી શાસનની છબિને નુકસાન પહોંચ્યું હતું, તે પછી મૃત્યુદંડનો ઉપયોગ વધારીને શાસન તેની સત્તા પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે."
તેઓ કહે છે, "ઈરાનનું શાસન જ્યારે આંતરિક અને બાહ્ય કટોકટીનો સામનો કરી રહ્યું છે, તેવા વખતે તે આકરા દમન અને વધુ ફાંસીઓ આપીને પોતાની શક્તિ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને એવો સંદેશો મોકલી રહ્યું છે કે, અમે હજુયે અહીં જ છીએ અને પરિસ્થિતિ હજુયે અમારા નિયંત્રણમાં જ છે."
હજુ ગયા મહિનાના અંતે સરકારી ટેલિવિઝને સાસન આઝાદવારને અપાયેલી ફાંસીની સજા પરનો એક અહેવાલ પ્રસારિત કર્યો હતો.
સાસન ઇસ્ફહાન શહેરના 21 વર્ષના કરાટે ચેમ્પિયન હતા.
ઈરાનનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, IRAN HUMAN RIGHTS
તેમને જાન્યુઆરીનાં વિરોધપ્રદર્શનો દરમિયાન 'મોહરેબેહ' અથવા તો 'ઈશ્વર સામે યુદ્ધ છેડવા'ના તેમજ પોલીસ દળો પર હુમલો કરવા બદલ 'દુશ્મનો સાથે જોડાવા' માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
તેમને પોલીસની કારની બારી તોડવા માટે લાકડીનો ઉપયોગ કર્યાની અને આગ લગાવવા માટે પેટ્રોલ માગ્યું હોવાની કબુલાત કરતા દર્શાવવામાં આવ્યા છે.
પરંતુ, તેઓ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ મૃત્યુદંડની સજા આપવા માટેના કાનૂની માપદંડ હેઠળના કોઈ ગંભીર ગુનાના આરોપી નહોતા.
મૃત્યુદંડના વધી રહેલા ઉપયોગ વિશે બીબીસીએ ઈરાનના અધિકારીઓને ટિપ્પણી કરવા વિનંતી કરી હતી, પણ આ અંગે કોઈ તાત્કાલિક પ્રતિભાવ મળ્યો નહોતો.
તેમાં આઝાદવારને આપવામાં આવેલી સજા અને યાતનાના આરોપોનો પણ સમાવેશ થાય છે.
પરંતુ, 20મી એપ્રિલના રોજ ઈરાનના ન્યાયતંત્રના વડા ગુલામ હુસૈન મોહસેની એજેઇએ મૃત્યુદંડની સજા પર થઈ રહેલી આંતરરાષ્ટ્રીય આલોચનાને નકારી દીધી હતી.
તેમણે કહ્યું હતું કે, તેમની અદાલતોને આ આલોચનાથી કોઈ ફેર પડશે નહીં.
મોતની સજા મેળવનારી દરેક વ્યક્તિની તેની પોતાની કહાણી છે, પણ માનવ હક્કોના કાર્યકર્તાઓ કેટલાંક વ્યથિત કરી મૂકનારાં પાસાં તરફ ઈશારો કરે છે.
દેશમાં લઘુમતી સમુદાયોના સભ્યો સામે મૃત્યુદંડનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઍરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર્સના 29 વર્ષના વિદ્યાર્થી ઈરફાન શકુરઝાદેહને 11મી મેના રોજ ફાંસી આપવામાં આવી હતી.
ઈરાનની ન્યાયવ્યવસ્થાએ જણાવ્યું હતું કે, ઈરફાન ઇઝરાયેલ અને અમેરિકાની જાસૂસી સંસ્થાઓને ગુપ્ત માહિતી આપવા બદલ દોષિત ઠર્યા હતા.
'અનેક લોકોનો જીવ ખતરામાં'

ઇમેજ સ્રોત, Anonymous/Getty Images)
પરંતુ, નોર્વે સ્થિત માનવ અધિકાર સંગઠન 'હેંગાવ'એ એક નોંધ પ્રકાશિત કરી હતી, જે તેના જણાવ્યા મુજબ, ઈરફાને તેમના મોત પહેલાં લખી હતી.
ઈરફાને લખ્યું હતું, "જાસૂસીના ખોટા આરોપો બદલ મારી ધરપકડ કરવામાં આવી હતી તથા સાડા આઠ મહિના સુધી રિબાવ્યા પછી અને એકાંત કેદ પછી મને ખોટી કબૂલાત કરવાની ફરજ પાડવામાં આવી હતી. બીજા કોઈ નિર્દોષ જીવનને આ રીતે શાંતિપૂર્વક જવા ન દેશો."
હેંગાવે જણાવ્યું હતું કે, જે ઝડપથી સુનાવણીઓ થઈ રહી છે, સજાઓ અપાઈ રહી છે અને ફાંસીનો અમલ થઈ રહ્યો છે, તેનાથી તે ચિંતિત છે.
વધુમાં ન્યાય પ્રક્રિયામાં પારદર્શકતાનો સદંતર અભાવ પણ ચિંતાનો વિષય છે.
આ જૂથના અયવાર શેખીએ બીબીસીને જણાવ્યું હતું, "ઇસ્લામિક રિપબ્લિકે તેની વસતીનું દમન કરવાનું ચાલુ રાખ્યું છે. તેઓ અસંતુષ્ટો અને આલોચકો સામે કોઈ નક્કર અને ભરોસાપાત્ર પુરાવા રજૂ કર્યા વિના કે નિષ્પક્ષ સુનાવણીની બાંહેધરી આપ્યા વિના મનસ્વી રીતે તેમના પર 'ઇઝરાયેલી જાસૂસ' હોવાનો આરોપ લગાવે છે."
વધુમાં તેમણે કહ્યું હતું કે, 'ઈરાનમાં ઘણા લોકોના જીવ જોખમમાં છે.'
મેહરાબ અબ્દુલ્લાઝાદેહે તેમની ફાંસી પહેલાં જેલમાંથી મોકલેલા એક વોઇસ મૅસેજમાં મૃત્યુદંડની સજાની રાહ જોવા દરમિયાન તેઓ જે માનસિક યાતનામાંથી પસાર થઈ રહ્યા હતા, તેના વિશે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું, "મોતની સજા પામેલી વ્યક્તિ દિવસ-રાત એ જ વિચાર્યા કરે છે કે, કોઈપણ ક્ષણે તેને બોલાવવામાં આવશે અને ફાંસી આપવા માટે લઈ જવાશે."
"મોતની સજા પામેલી વ્યક્તિને રાતે એક વાગ્યા પછી જ થોડી શાંતિ મળે છે, કારણ કે, કદાચ તે સમય પછી જ તેના દિમાગમાં ચાલતા વિચારોનું તોફાન શાંત થઈ શકતું હશે અને તે બે-ત્રણ કલાક શાંતિથી ઊંઘી શકે છે."
કુર્દિસ્તાન હ્યુમન રાઇટ્સ નેટવર્ક અનુસાર, 29 વર્ષના એક કુર્દિશ દુકાનદારને ફાંસી આપવામાં આવી હતી.
તેમના સંબંધીઓ કે વકીલોને આગોતરી નોટિસ આપવામાં આવી નહોતી અને તેમનો મૃતદેહ પણ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો નહોતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























