સુરત તક્ષશિલા કાંડ : 'સાત વર્ષથી અમારાં બાળકોને ન્યાય અપાવવા ઝઝૂમીએ છીએ'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
"સાત વર્ષથી અમે અમારાં બાળકોને ન્યાય મળે તે માટે ઝઝૂમી રહ્યા છીએ. નાણાકીય રીતે બધા બરબાદ થઈ ગયા છીએ, પણ ન્યાય ક્યારે મળશે તેની કોઈ ખાતરી નથી."
આ શબ્દો છે સુરતના રહેવાસી દિનેશભાઈ કેવડિયાના જેમણે મે 2019માં સુરતના એક કોચિંગ ક્લાસિસમાં લાગેલી આગમાં પોતાની પુત્રી ગુમાવી હતી.
સુરતની એ ભયંકર ઘટનાને તક્ષશિલા કાંડ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તક્ષશિલા આર્કેડ નામની ઇમારતમાં લાગેલી આગમાં કુલ 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં જેમાં ચાર વિદ્યાર્થી અને 18 વિદ્યાર્થિનીઓ હતાં.
આગ માટે શૉર્ટ સર્કિટનું કારણ આપવામાં આવ્યું હતું. કોચિંગ સેન્ટરમાં કટોકટી વખતે બહાર નીકળવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી જાનહાનિ વધી ગઈ હતી.
24 મે, 2019ના દિવસે બનેલી એ ઘટનાએ સુરત શહેરને હચમચાવી દીધું હતું. હતભાગી બાળકોના વાલીઓ અને બીજા નાગરિકો દર વર્ષે આ દિવસે પ્રાર્થના સભા યોજે છે.
આ ઘટનાએ શહેરની રહેણાક અને કૉમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા, તંત્રની લાપરવાહી સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા. જોકે તે સમયના સુરતના મેયરે ડૉ જગદીશ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં ઘટના વખતે ત્વરિત કાર્યવાહી કર્યાનો દાવો કર્યો હતો.
સાત વર્ષ પછી પણ ઘણા સવાલોના જવાબ નથી મળ્યા, 22 બાળકોના પરિવારો ન્યાય માટે સંઘર્ષ કરે છે અને આ કેસ હજુ નીચલી કોર્ટથી આગળ ચાલ્યો નથી.
તક્ષશિલા અગ્નિકાંડમાં કોર્ટના ધક્કા ચાલુ છે, ન્યાયની રાહ જોવાય છે

ઇમેજ સ્રોત, Dinesh Bhai
દિનેશભાઈ કેવડિયા અને તેમના જેવા બીજા વાલીઓ માટે ન્યાયનો સંઘર્ષ બહુ પીડાદાયક અને આર્થિક રીતે નીચોવી નાખનારો સાબિત થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિનેશભાઈની પુત્રી યશ્વીનું આ ઘટનામાં મૃત્યુ થયું હતું.
તેઓ કહે છે કે "અમારી સાથે જે થયું તેવી ઘટના દેશમાં દરરોજ ઘણા લોકો સાથે બની રહી છે, છતાં સખત પગલાં લેવાતાં નથી."
"તેથી અમે આ કેસ ફાસ્ટ-ટ્રૅક કોર્ટમાં ચલાવવામાં આવે તે માટે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. તેનો હજુ સુધી નિર્ણય આવ્યો નથી."
તેઓ કહે છે કે, "આવા ઘણા કેસ 15-20 વર્ષ સુધી કોર્ટમાં છે અને ચુકાદો આવતો જ નથી. અમારો કેસ હજુ સેશન્સ કોર્ટમાં જ છે."
તેઓ કહે છે કે "શરૂઆતમાં અમને કહેવામાં આવ્યું હતું કે કોઈ જવાબદાર વ્યક્તિને છોડવામાં નહીં આવે, પરંતુ પછી બધાએ ટેકો આપવાનું છોડી દીધું."
આ કેસમાં વાલીઓ સ્પેશિયલ પ્રૉસિક્યુટરની મદદથી કેસ લડી રહ્યા છે. આ કેસના 14 આરોપીઓને જામીન મળી ગયા છે.
અહેવાલો અનુસાર આ 14 આરોપીઓમાંથી આઠ સરકારી અધિકારીઓ હતા અને છ બિલ્ડર તથા કોચિંગ સેન્ટર સાથે સંકળાયેલા હતા.
આરોપીઓમાં બિલ્ડિંગના સંચાલનકર્તા, બિલ્ડિંગના ચાર માલિકો તથા કોચિંગ સેન્ટરના માલિકનો સમાવેશ થાય છે. પરાગ મુન્શી અને જયેશ સોલંકીની પણ ધરપકડ કરાઈ હતી જે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા. આ ઉપરાંત સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના અન્ય અધિકારીઓ વિનુ પરમાર, હિમાંશુ ગજ્જર, બંને ડેપ્યુટી એન્જિનિયર અતુલ ગોરસાવાલા, સંજય આચાર્ય, કીર્તિ મોઢની પણ ધરપકડ થઈ હતી. દક્ષિણ ગુજરાત વિજ કંપનીના અધિકારીની પણ ધરપકડ કરાઈ હતી.
દિનેશભાઈ કહે છે કે, "આ કેસના બધા આરોપીઓ જામીન પર છૂટી ગયા છે. એકાદ આરોપીનું તો મૃત્યુ પણ થયું છે. સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને જે અધિકારીઓને લાપરવાહી બદલ સસ્પેન્ડ કર્યા હતા, તેમને નોકરી પર પાછા લઈ લીધા છે. પરંતુ અમે બરબાદ થઈ ગયા છીએ."
તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારોની આર્થિક હાલત કફોડી

ઇમેજ સ્રોત, GSTV
સુરતના વરાછા વિસ્તારમાં દવાની દુકાન ચલાવતા જયસુખભાઈ ગજેરાની પુત્રી ગ્રિષ્માનું તક્ષશિલા આર્કેડની આગમાં મૃત્યુ થયું હતું.
તેઓ કહે છે કે, "કોર્ટના ધક્કા, સરકારી કાગળ તૈયાર કરાવવા અને બીજી દોડધામમાં પીડિત પરિવારોને ભારે નાણાકીય બોજ પડ્યો છે. મોટા ભાગના લોકો બહુ સાધારણ પરિવારમાંથી આવે છે અને તેમના માટે આ લડત બહુ મુશ્કેલ બની છે."
કાપડના વેપાર સાથે સંકળાયેલા દિનેશભાઈ કેવડિયા કહે છે કે "22 પરિવારોમાંથી 17 પરિવારો તો એવા છે જેઓ 12-15 હજાર રૂપિયાના પગારે નોકરી કરે છે."
"તેમનો આધાર પણ છીનવાઈ ગયો છે. આ દેશમાં જીવન બહુ સસ્તું છે પરંતુ ન્યાય મેળવવો ઘણો મોંઘો છે તેની ખબર અમને આ કાયદાકીય લડતમાં પડી."
તેઓ કહે છે કે "આખી દુનિયાએ જોયું કે તક્ષશિલા આર્કેડમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા જ ન હતી. અમારાં બાળકોને ફાયર ડિપાર્ટમેન્ટ બચાવી ન શક્યું. અમને તો બાળકોની માત્ર રાખ આપી હતી."
"જે બાળકો બચી ગયાં તે પોતાની રીતે બચી ગયાં અથવા ત્યાં હાજર લોકોએ તેમને બચાવ્યાં હતાં."
"સરકાર પાસે આ ઘટનામાંથી બોધપાઠ શીખીને ફાયર સેફ્ટીની વ્યવસ્થા સુધારવાની તક હતી, પરંતુ તેમણે એવું ન કર્યું."
તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોની ફાસ્ટ-ટ્રૅક કોર્ટમાં કેસ ચલાવવા માંગ

ઇમેજ સ્રોત, Jaysukh Gajera
તક્ષશિલાકાંડમાં સંતાન ગુમાવનારા કેટલાક પરિવારો પોતાનું ઘર વેચીને ભાડે રહેવા મજબૂર બન્યા છે.
તેઓ કહે છે કે તક્ષશિલાની ઘટના પછી કોરોના આવ્યો, ઘણાની રોજગારી જતી રહી. કોઈ સાધારણ નોકરી કરતું હોય અને કોર્ટમાં જવા માટે કામમાં રજા માગે તો શેઠ રજા ન પણ આપે. તેથી અમુક પીડિતોને તો બીજા પીડિત પરિવારો આર્થિક મદદ કરે છે.
દિનેશભાઈ કહે છે કે "અમારી નાણાકીય સ્થિતિ એવી નથી કે અમે સ્થાનિક સ્તરે પણ સારા વકીલ રાખી શકીએ, સુપ્રીમ કોર્ટના વકીલનો બોજ ઉઠાવવો દૂરની વાત છે. તેથી અમે સુપ્રીમ કોર્ટમાં મેં જાતે હાજર રહીને દલીલો કરી છે."
"સુપ્રીમે પીઆઈએલ ગ્રાહ્ય રાખી છે, પરંતુ તેના પર કોઈ નિર્ણય નથી લેવાયો. અમે એવી રજૂઆત કરી છે કે અમારી જેવી સ્થિતિ છે તેવી હાલત ભારતમાં બીજા હજારો પરિવારોની છે."
"તેઓ વીસ-વીસ વર્ષ સુધી અદાલતના ધક્કા ખાવા મજબૂર બને છે, તેથી તેમના કેસ ફાસ્ટ-ટ્રૅક ધોરણે ચાલવા જોઈએ."
જયસુખભાઈ ગજેરા કહે છે કે "હજુ સેશન્સ કોર્ટમાં ઘણા સાક્ષીઓનાં નિવેદનો લેવાનાં બાકી છે તેથી કેસમાં ઘણો સમય લાગી શકે છે."
તેઓ કહે છે, "ઘટના બની ત્યારે અમને ભરોસો અપાયો હતો કે ઝડપથી ન્યાય મળશે. પરંતુ સમય જતાં બધું બદલાઈ ગયું."
"અત્યારે અમે ધંધા-પાણી છોડીને અમદાવાદ અને દિલ્હીના ધક્કા ખાઈએ છીએ. બધા જ વાલીઓ સામાન્ય લોકો છે અને હાલત કફોડી છે. સાત વર્ષમાં અમારે ઘણા ખર્ચ થઈ ગયા છે."

ઇમેજ સ્રોત, Dharmesh Amin
દિનેશભાઈ કેવડિયા કહે છે કે "આ કેસમાં 22 પરિવારમાંથી કોઈને પોતાના અલગથી વકીલ રાખવાની મંજૂરી નથી અપાઈ. આ ઘટનામાં ફરિયાદી તરીકે પોલીસ છે, પીડિતોના પરિવારોનું ક્યાંય નામ જ નથી."
તેઓ કહે છે કે "અમે હાલમાં સુપ્રીમ કોર્ટ સુધી ધક્કા ખાઈ રહ્યા છીએ જેના માટે 22 પરિવારો બે-બે હજાર રૂપિયા ફંડ એકઠા કરીને ખર્ચ કરે છે."
"આવી સ્થિતિમાં અમને ન્યાય મળશે કે નહીં તે વાતની શંકા છે. પરંતુ અમારાં બાળકો માટે અમે કંઈ ન કર્યું તેવો અફસોસ ન થાય તે માટે અમારાથી થાય તે બધું કરીએ છીએ."
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન તક્ષશિલા અગ્નિકાંડ વિશે શું કહ્યું?
સુરતમાં તક્ષશિલાની ઘટના બની ત્યારે ડૉ. જગદીશ પટેલ શહેરના મૅયર હતા.
બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "તક્ષશિલાકાંડ એ સુરતના લોકોને એક અત્યંત દુખદ ઘટના તરીકે હંમેશાં યાદ રહેશે."
"જે ઇમારતમાં આગ લાગી તેમાં ગેરકાયદે રીતે કેટલાક ઍક્ઝિટના માર્ગ બંધ કરી દેવાયા હતા જેના કારણે બાળકોને બહાર નીકળવાની તક મળી ન હતી."
તેઓ કહે છે કે "આ ઘટના પછી ત્વરિત કામગીરી કરવામાં આવી હતી અને જવાબદાર લોકો સામે કેસ કરવામાં આવ્યો હતો."
"તેમાં જે અધિકારીઓ જવાબદાર હતા તેમની સામે પણ ફરિયાદ દાખલ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ પોતાની સમક્ષ રજૂ કરાયેલી હકીકતના આધારે કામ કરી રહી છે."
આગની ઘટનાઓ માટે ફાયર બ્રિગેડ કેટલું સજ્જ

ઇમેજ સ્રોત, Shrusti Dhobi
તક્ષશિલાની ઘટના પછી સુરતમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા અને ફાયર બ્રિગેડની તૈયારીઓને લઈને ઘણા સવાલ પેદા થયા હતા.
સુરતમાં કૉમર્શિયલ ઇમારતો, ટેક્સ્ટાઇલ માર્કેટ તથા બીજા ઔદ્યોગિક વિસ્તારોમાં આગની ઘટનાઓ સતત બનતી રહે છે, જ્યારે ફાયર બ્રિગેડ વિભાગનો દાવો છે કે તેઓ પહેલાં કરતા વધારે સજ્જ અને આધુનિક છે.
સુરતના ડૅપ્યુટી ચીફ ફાયર ઑફિસર સૃષ્ટિ ધોબીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "સુરતમાં તક્ષશિલા આર્કેડની ઘટના બની ત્યારે શહેરમાં 12થી 13 ફાયર સ્ટેશન હતાં, જેની સંખ્યા હવે વધારીને 25 કરવામાં આવી છે."
"તે સમયે સુરતમાં ટીટીએલ (ટર્ન ટેબલ લેડર) અને હાઇડ્રોલિક પ્લૅટફૉર્મની સંખ્યા ઓછી હતી. હવે પાંચ ટીટીએલ અને હાઇડ્રોલિક પ્લૅટફૉર્મ છે."
"અમે સૌથી વધુ 104 મીટરની હાઈટના ટીટીએલ માટે ટેન્ડર બહાર પાડ્યાં છે."
"તે સમયે ફાયર ડિપાર્ટમેન્ટ પાસે 600થી 700ને મેનપાવર હતો જેને હવે વધારીને 1500 કરવામાં આવ્યો છે."
જોકે, સુરત શહેરની વધતી જતી વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં લેતા ફાયર સેફ્ટીનું કામ સરળ નથી તેમ તેઓ કહે છે. ડેપ્યુટી સીએફઓ સૃષ્ટિ ધોબીએ કહ્યું કે, "અમે હવે શાળાઓ અને કૉમર્શિયલ બિલ્ડિંગો, હાઈ-રાઇઝ બિલ્ડિંગોને ફાયર સેફ્ટીની તાલીમ આપીએ છીએ."
"સુરતની વસ્તી હવે લગભગ 85 લાખથી વધારે છે અને હાઈ રાઇઝ બિલ્ડિંગો પણ વધી છે. અમારી અપીલ છે કે દર 15 દિવસે પાણીની લાઈન ચાલુ કરીને ચેક કરો, દર છ મહિને અગ્નિશામક બૉટલો ઑપરેટ કરો."
એસીમાં શૉર્ટ સર્કિટથી જીવલેણ દુર્ઘટના
તક્ષશિલાકાંડમાં મૃત્યુ પામેલાં બધાં બાળકો કોચિંગ સેન્ટરના વિદ્યાર્થી હતાં.
તેઓ ઇન્ટિરિયર ડિઝાઇન અને આર્કિટેક્ચરના કોર્સ માટે તૈયારી કરતાં હતાં. તક્ષશિલા આર્કેડમાં ચોથા માળે ગેરકાયદે ફ્લોર બનાવાયો હતો.
આગ લાગી ત્યારે મોટા ભાગનાં બાળકો શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ પામ્યાં હતાં જ્યારે કેટલાંક બાળકો ગભરાઈને ઊંચાઈએથી કૂદી પડવાના કારણે મૃત્યુ પામ્યાં હતાં.
પોલીસ ફરિયાદ પ્રમાણે આખો ચોથો માળ ગેરકાયદે હતો એટલું જ નહીં, કારના ટાયર, લાકડાનાં ડેસ્ક સહિતની જ્વલનશીલ ચીજો ત્યાં રાખવામાં આવી હતી.
પહેલા માળ પર એક એસી યુનિટમાં આગ લાગી અને પછી ઝડપથી ઉપરના માળ સુધી પ્રસરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























