1857નો બળવો : અંગ્રેજો સામે 15,000 ભારતીય સૈનિકોએ પાંચ મહિના ઘેરો ઘાલ્યો, કોણ જીત્યું એ લડાઈ?

1857નો બળવો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
    • પદ, બીબીસી હિન્દી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

અવધ રજવાડા પર અંગ્રેજોનો કબજો તત્કાલીન હિંદુસ્તાન માટે મોટી ઘટના હતી. અવધનો વિસ્તાર, ગંગા-જમુનાનો દોઆબ એટલે કે બંને નદીઓ વચ્ચેનું મેદાન હતું. તેનું પાટનગર લખનઉ હતું.

આજે એ જ લખનઉ વસ્તીની દૃષ્ટિએ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની રાજધાની છે. આખરે જ્યારે અંગ્રેજોએ ફેબ્રુઆરી 1856માં અવધના નવાબ વાજિદ અલી શાહને સત્તા પરથી પદભ્રષ્ટ કરી દીધા, ત્યારે તેમણે લંડન જઈને રાણી વિક્ટોરિયાને ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો.

લંડન જવા માટે તેઓ માર્ચ 1856માં લખનઉથી કલકત્તા માટે રવાના થયા હતા. (પહેલાં કોલકાતા કલકત્તા કહેવાતું હતું). આ પ્રસંગનો ઉલ્લેખ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પર લખવામાં આવેલા ઇતિહાસકાર રૌશન તકીના પુસ્તક 'લખનઉ 1857 – ધ ટૂ વૉર્સ ઑફ લખનઉ દસ્ક ઑફ એન એરા'માં પણ જોવા મળે છે.

ઇતિહાસકાર રૌશન તકી બીબીસી ન્યૂઝ હિન્દીને કહે છે, "એ સમયે અવધના ઘણા લોકો નવાબ વાજિદ અલી શાહને વિદાય આપવા કાનપુર સુધી ગયા હતા. તેમાંના ઘણા લોકો ગાઈ રહ્યા હતા – 'હઝરત જાતે હૈં લંદન, હમ પર કૃપા કરો રઘુનંદન'."

રૌશન તકી અનુસાર, "પોતાની પ્રજાની લાગણીને સમજતા નવાબ તેમને વધારે તકલીફ આપવા નહોતા માગતા. તેમણે સાથે આવી રહેલા લોકોને આશ્વાસન આપ્યું કે તેઓ લખનઉ પાછા આવશે. આ સાંભળીને અડધા કરતાં વધારે લોકો લખનઉ પાછા ફર્યા અને નવાબ પાછા આવે તેની રાહ જોવા લાગ્યા."

એ અલગ વાત છે કે નવાબ પછી ક્યારેય લખનઉ પાછા ન આવી શક્યા. એ ગંગા-જમુના સંસ્કૃતિનું અનોખું ઉદાહરણ હતું કે ઇસ્લામ ધર્મમાં માનનાર એક શાસકના હક માટે તેમની હિન્દુ પ્રજા પોતાના ભગવાનને પ્રાર્થના કરી રહી હતી.

'નવાબ કલકત્તામાં જ વસી ગયા'

ઇતિહાસ, અંગ્રેજો, મુઘલો, ભારત, લખનઉ, બીબીસી

ઇમેજ સ્રોત, Saiyyad Moziz Imam

ઇમેજ કૅપ્શન, રેસિડેન્સીમાં બનાવાયેલા મ્યૂઝિયમમાં નવાબ વાજિદ અલી શાહની તસવીર

ઇતિહાસકાર રવિ ભટ્ટ બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવે છે, "નવાબ વાજિદ અલી શાહને જનરલ ડેલહાઉસીએ ફેબ્રુઆરી 1856 માં 'અયોગ્ય' જાહેર કરીને સત્તા પરથી હટાવી દીધા હતા."

નવાબ વાજિદ અલી શાહનો ઇરાદો કલકત્તાથી સમુદ્રી માર્ગે લંડન જવાનો હતો, પરંતુ તેઓ પોતે ન જઈ શક્યા. ઇતિહાસકાર રૌશન તકી અનુસાર, "તેમના કેટલાક પ્રતિનિધિ, તેમનાં માતા મલિકા કિશ્વરની સાથે લંડન ગયા હતા પરંતુ અવધની સત્તા તેમને પાછી ન મળી શકી. પછી વાજિદ અલી શાહ કલકત્તામાં જ વસી ગયા."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રૌશન તકી અનુસાર, "તેમનાં માતા મલિકા કિશ્વરનું મૃત્યુ પૅરિસમાં થયું હતું. ત્યાં જ તેમની કબર પણ છે. એ વાત પણ ખોટી છે કે નવાબની અંગ્રેજોએ ધરપકડ કરી હતી, બલકે તેઓ જાતે કલકત્તા ગયા હતા."

નવાબ કલકત્તા ગયા પછી અવધનું નિયંત્રણ સીધું ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં આવી ગયું. ઇતિહાસકાર રૌશન તકી અનુસાર, "એક વર્ષમાં જ લોકોના મનમાં કંપની પ્રત્યે ઘેરો અસંતોષ ફેલાઈ ગયો હતો."

તેઓ જણાવે છે, "આ દરમિયાન એવી અફવા પણ ફેલાઈ ગઈ કે નવી એનફિલ્ડ રાઇફલની કારતૂસોમાં ગાય અને સુવરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે."

આ સમાચારે ભારતીય સૈનિકોની ધાર્મિક લાગણી દૂભવી અને મેરઠ છાવણીમાં વિદ્રોહ થઈ ગયો. એવું મનાય છે કે મંગળ પાંડેના બળવાખોર વલણ પાછળ પણ આ જ કારતૂસનો મુદ્દો હતો.

નોંધવું જોઈએ કે, વર્ષ 1856 પહેલાં ભારતીય સિપાહી 'બ્રાઉન બેસ' નામની બંદૂકનો ઉપયોગ કરતા હતા. ઇતિહાસકાર અમરેશ મિશ્રાના પુસ્તક 'વૉર ઑફ સિવિલાઇઝેશન – ઇન્ડિયા 1857 એડી' અનુસાર, "નવી એનફિલ્ડ પી-53 રાઇફલનો ઉપયોગ કરતાં પહેલાં કારતૂસને દાંતથી તોડવી પડતી હતી. 10 મે 1857 એ મેરઠમાં બળવો શરૂ થયો અને સિપાહીઓ દિલ્હી તરફ કૂચ કરવા લાગ્યા." 1857ના વિદ્રોહને 2026 માં 169 વર્ષ પૂરાં થયાં છે.

લખનઉમાં પહેલાંથી જ વિદ્રોહની આગ ભડકી રહી હતી

ઇતિહાસ, અંગ્રેજો, મુઘલો, ભારત, લખનઉ, બીબીસી

ઇમેજ સ્રોત, Saiyyad Moziz Imam

ઇમેજ કૅપ્શન, રેસિડેન્સીની ઇમારત પર ગોળીઓનાં નિશાન આજે પણ જોઈ શકાય છે

રૌશન તકી પોતાના પુસ્તક 'લખનઉ 1857 – ધ ટૂ વૉર્સ ઑફ લખનઉ દસ્ક ઑફ એન એરા'માં લખે છે, "કંપની વિરુદ્ધ લોકોનો ગુસ્સો સતત વધી રહ્યો હતો. મેરઠમાં થયેલા વિદ્રોહ પછી લખનઉની પાસે મડિયાંવ વિસ્તારની અંગ્રેજ છાવણીમાં ફરજ પરના સિપાહીઓએ પણ વિદ્રોહ કરી દીધો અને તેઓ લખનઉમાં ભેગા થવા લાગ્યા."

રસપ્રદ વાત એ છે કે લખનઉમાં અંગ્રેજોની સત્તા વિરુદ્ધ વિદ્રોહ થયો હોય તેવું પહેલી વાર નહોતું બન્યું. એક વર્ષ પહેલાં વર્ષ 1856 માં પણ લખનઉમાં અંગ્રેજોને સત્તા પરથી ઉતારી મૂકવાનો એક મોટો પ્રયાસ થયો હતો. રૌશન તકી અનુસાર, "ત્યારે અવધના વિલય વિરુદ્ધ વિરોધ દર્શાવવા માટે ઘણા ધાર્મિક નેતા લખનઉમાં એકઠા થયા. એક સૂફી સંત કાદિર અલી શાહે 11 સપ્ટેમ્બર 1856 એ કંપની વિરુદ્ધ વિદ્રોહની તારીખ નક્કી કરી હતી. તેમણે લગભગ 12,000 તાલીમ પામેલા લોકોની એક મોટી સેના પણ તૈયાર કરી લીધી હતી."

રૌશન તકી જણાવે છે, "કાદિર અલી શાહે કાબુલના શાહને મદદ માટે એક પત્ર પણ મોકલ્યો હતો. કાદિર અલી શાહના ગુપ્ત સંગઠનમાં સમાજના નિમ્ન આર્થિક વર્ગના ઘણા લોકો સામેલ હતા. તેનાથી આ આંદોલન જન આધારિત રૂપ લઈ રહ્યું હતું. જોકે, આ પૂર્વનિર્ધારિત વિદ્રોહ સફળ થઈ શક્યો નહીં. અંગ્રેજોને તેની માહિતી મળી ગઈ હતી."

"તેમણે તેને સમય પહેલાં જ દબાવી દીધો. ત્યાર પછી ઘણા મૌલવીઓને લખનઉના ઐતિહાસિક મચ્છી ભવનની પાસે ફાંસી આપી દેવામાં આવી. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે વર્ષ 1857 ના વિદ્રોહની પહેલાં જ અવધમાં ઊંડે સુધી અસંતોષ ફેલાઈ ચૂક્યો હતો."

આ ઘટના પછી અંગ્રેજો સજાગ થઈ ગયા હતા. તેઓ રૅશન અને સૈન્ય-સામાનનો બંદોબસ્ત કરવા લાગ્યા. રૌશન તકી કહે છે, "વિદ્રોહની આશંકાના લીધે અંગ્રેજ અધિકારી રેસિડેન્સીમાં શરણ લેવા લાગ્યા અને જરૂરી સામાન ભેગો કરવા લાગ્યા. આ કામ રાતના અંધારામાં કરવામાં આવતું હતું, જેથી કોઈને તેની કશી જાણ ન થાય."

રેસિડેન્સી નામનો વિસ્તાર વર્તમાન લખનઉના કૈસરબાગની પાસે ગોમતી નદીના ઘાટ પર આવેલો છે. તે લગભગ 33 એકરમાં ફેલાયેલું એક પરિસર છે. અહીં અંગ્રેજ અધિકારી રહેતા હતા. તેનું નિર્માણ વર્ષ 1774માં નવાબ શુજાઉદ્દૌલાએ કરાવ્યું હતું.

તેઓ અવધના ત્રીજા નવાબ હતા. રેસિડેન્સી લખનઉના મુખ્ય દરવાજાને બેલી ગારદ કહેવામાં આવે છે. તેને નવાબ શુજાઉદ્દૌલાના પુત્ર નવાબ સઆદત અલી ખાને લખનઉના રેસિડેન્ટ કૅપ્ટન બેલીના સન્માનમાં બનાવડાવ્યો હતો.

વર્ષ 1857 માં આ ગેટને માટીથી ભરી દેવામાં આવ્યો હતો. બેલીના નામના કારણે લખનઉના સ્થાનિક લોકો તેને બેલી ગારદ પણ કહે છે.

ઇતિહાસકાર રવિ ભટ્ટ જણાવે છે, "અવધના નવાબ અંગ્રેજ અધિકારીઓની મહેમાનનવાજી કરતા હતા, જેનો લાભ લઈને તેમણે રાજકીય હસ્તક્ષેપ વધારી દીધો. 7 ફેબ્રુઆરી 1856 એ વાજિદ અલી શાહને ગાદી પરથી હટાવી દેવામાં આવ્યા."

આજે આ સંરક્ષિત ઇમારત ખંડેરમાં બદલાઈ ગઈ છે. અહીં ગોળીઓનાં નિશાન આજે પણ જોવા મળે છે. તેમાં ચર્ચ, મસ્જિદ અને ઇમામવાડો પણ છે. અહીં પર્યટક પણ ખૂબ આવે છે. રેસિડેન્સીની અંદર અજાયબ ઘર એટલે કે મ્યુઝિયમ છે. તેમાં 1857ની ક્રાંતિના ઇતિહાસને બતાવવામાં આવ્યો છે.

ચિનહટના યુદ્ધમાં અંગ્રેજોની હાર

ઇતિહાસ, અંગ્રેજો, મુઘલો, ભારત, લખનઉ, બીબીસી

ઇમેજ સ્રોત, Saiyyad Moziz Imam

ઇમેજ કૅપ્શન, રેસિડેન્સીમાં ચર્ચ, મસ્જિદ અને ઇમામવાડો પણ છે, હવે અહીં ઘણા પર્યટકો આવે છે

અવધના બીજા બાદશાહ નાસિરુદ્દીન હૈદરનાં બેગમ વિલાયત, જેમનું નામ મખ્દરહ આલિયા પણ હતું, તેમનું રહેઠાણ પણ રેસિડેન્સીમાં હતું. તેઓ બેગમ કોઠીમાં રહેતાં હતાં.

અહીં લાગેલા એક બોર્ડમાં લખવામાં આવ્યું છે કે "તેઓ યુરોપિયન મૂળનાં હતાં. તેમનાં સાવકી બહેન અશરફુન્નિસાંએ મસ્જિદ અને ઇમામવાડાનું નિર્માણ કરાવ્યું હતું."

રવિ ભટ્ટ કહે છે, "આજે તે જર્જરિત અવસ્થામાં છે. જોકે અહીં બધી ઇમારતો એવી જ છે જેવી 1857ની ક્રાંતિ પછી હતી. માત્ર સંરક્ષણનું કામ કરવામાં આવ્યું છે."

ઇતિહાસકાર રૌશન તકી અનુસાર, "અંગ્રેજોએ રેસિડેન્સીને એટલા માટે એમ જ છોડી દીધી, જેથી તેઓ પોતાને પીડિત સાબિત કરી શકે. હકીકતમાં સત્તા ફરીથી મેળવ્યા પછી તેમણે શહેરનો મોટો ભાગ નષ્ટ કરી દીધો હતો."

જોકે રેસિડેન્સીની ઘેરાબંધી પહેલાં અંગ્રેજોએ 'ચિનહટની લડાઈ'માં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ચિનહટનું યુદ્ધ 30 જૂન, 1857 એ થયું હતું, જે એક સુનિયોજિત રણનીતિનું પરિણામ હતું. રૌશન તકી અનુસાર, ભારતીય વિદ્રોહીઓના આગેવાન બરકત અહમદ અને શહાબુદ્દીને અંગ્રેજોને ભ્રમમાં નાખીને જાળમાં ફસાવ્યા.

"તેમણે જાણી જોઈને પોતાની સ્થિતિ નબળી બતાવી. તેનાથી કંપનીના સૈન્ય અધિકારી હેનરી લૉરેન્સને લાગ્યું કે વિદ્રોહીઓ પાછા ખસી ગયા છે. હકીકતમાં ભારતીય વિદ્રોહીઓની સેના સંપૂર્ણ તૈયારી સાથે લાગ જોઈને બેઠી હતી."

તેઓ લખે છે, "આ સેનામાં સિપાહીઓની સાથે સ્થાનિક રાજા, જેમ કે, રાજા જયલાલસિંહ અને રાણા બેની માધો પણ સામેલ હતા. અંગ્રેજ જેવા આગળ વધ્યા, તેઓ સંખ્યા અને રણનીતિ બંનેમાં પાછા પડ્યા. ભારતીય વિદ્રોહીઓની ઘોડેસવાર સેનાનું નેતૃત્વ એક જર્મન યુવક શ્મિડ્ટ કરી રહ્યા હતા, જેઓ પહેલાં અવધની સેનામાં અધિકારી હતા."

સૈન્ય અધિકારી હેનરી લૉરેન્સની લગભગ 600 સૈનિકોની ટુકડી આ હુમલાથી ગભરાઈ ગઈ અને પાછી હટવા લાગી. ઇતિહાસકાર રૌશન તકી જણાવે છે, "અંગ્રેજ હારી ગયા હતા."

ઇતિહાસ, અંગ્રેજો, મુઘલો, ભારત, લખનઉ, બીબીસી

ઇમેજ સ્રોત, Saiyyad Moziz Imam

ઇમેજ કૅપ્શન, નવાબ શુજાઉદ્દૌલાના પુત્ર નવાબ સઆદત અલી ખાને લખનઉના રેસિડેન્ટ કૅપ્ટન બેલીના સન્માનમાં આ ગેટ બનાવડાવ્યો હતો

ઇતિહાસકાર અમરેશ મિશ્રાએ પોતાના પુસ્તક 'વૉર ઑફ સિવિલાઇઝેશન – ઇન્ડિયા એડી 1857'માં તેનો ઉલ્લેખ કર્યો છે. રૌશન તકી કહે છે, "લૉરેન્સની સેના ઉતાવળે લખનઉ પાછી આવી અને રેસિડેન્સીમાં શરણ લઈ લીધું હતું."

ચિનહટના વિજયે બ્રિટિશ સેના અજય હોવાના મિથને તોડી નાખ્યું. લખનઉ અને અવધના દરવાજા વિદ્રોહીઓ માટે ખૂલી ગયા. ઇતિહાસકાર રવિ ભટ્ટ જણાવે છે, "બ્રિટિશ અભિલેખો અનુસાર, આ યુદ્ધમાં 112 યુરોપિયન સૈનિક માર્યા ગયા અને 44 ઘાયલ થયા, કર્નલ કેન્સ અને કૅપ્ટન મૅક્લીન મૃત્યુ પામ્યા, જ્યારે કર્નલ આઇન્સ અને મેજર બૅન્ક્સ ઘાયલ થયા. ભારતીય પક્ષના મૃતકો કે ઘાયલોનો કોઈ સ્પષ્ટ રૅકોર્ડ ઉપલબ્ધ નથી."

અમુક સ્રોતો અનુસાર, "માત્ર 11 વિદ્રોહી મૃત્યુ પામ્યા, મૌલવી અહમદુલ્લાહ શાહ જખમી થયા હતા."

રેસિડેન્સીની ઘેરાબંધી

ચિનહટના યુદ્ધમાં મળેલા પરાજય પછી અંગ્રેજોએ રેસિડેન્સીમાં શરણ લેવા માટે મજબૂર થવું પડ્યું હતું.

ઇતિહાસકાર રવિ ભટ્ટ કહે છે, "આ બળવાનું નેતૃત્વ બેગમ હઝરતમહલ અને મૌલવી અહમદુલ્લાહ શાહે કર્યું."

તેઓ જણાવે છે કે ત્યાર પછી, "ક્રાંતિકારીઓએ વાજિદ અલી શાહ અને બેગમ હઝરતમહલના પુત્ર બિરજિસ કદ્રને અવધના નવાબ જાહેર કરી દીધા."

રવિ ભટ્ટ અનુસાર, "આ ઘેરાબંધી એ સમયે લગભગ પાંચ મહિના ચાલી. નવેમ્બરમાં અંગ્રેજોને ત્યાંથી ભાગી જવામાં સફળતા મળી હતી. તેની પહેલાં ગોળાબારમાં ઘણા અંગ્રેજોનાં મૃત્યુ થયાં હતાં."

"ઘેરાબંધીના સમયે રેસિડેન્સીમાં અંગ્રેજ અધિકારીઓની સાથે લડી શકે તેવા લગભગ 1,500 લોકો હતા. બીજી તરફ, 1,200 મહિલાઓ, બાળકો અને સામાન્ય લોકો હતા. તદુપરાંત, અંગ્રેજો પાસે 30 તોપ અને 23 લાખ રૂપિયા હતા. બહાર લગભગ 8,000 થી 15,000 ભારતીય સૈનિકોએ ઘેરાબંધી કરી હતી."

હજુ પણ રેસિડેન્સીની અંદર એ તોપો છે, જે રેસિડેન્સીમાં મ્યુઝિયમવાળી ઇમારતની બહાર મૂકવામાં આવી છે.

ઇતિહાસ, અંગ્રેજો, મુઘલો, ભારત, લખનઉ, બીબીસી

ઇમેજ સ્રોત, Saiyyad Moziz Imam

ઇમેજ કૅપ્શન, રેસિડેન્સીમાં બનાવવામાં આવેલા મ્યૂઝિયમમાં બેગમ હઝરતમહલની તસવીર

રેસિડેન્સીમાં ડૉક્ટર ફેયરર રેસિડેન્ટ સર્જન હતા. તેમની કોઠી (હવેલી)ની સામે એક બોર્ડ પર લખ્યું છે, "ઘેરાબંધી દરમિયાન સૈન્ય પ્રમુખ સર હેનરી લૉરેન્સને ઘાયલ અવસ્થામાં 2 જુલાઈએ અહીં લાવવામાં આવ્યા હતા અને 4 જુલાઈએ તેમનું મૃત્યુ થઈ ગયું હતું."

ત્યાર પછી સપ્ટેમ્બર સુધી આ ઘેરાબંધી ચાલી, પરંતુ 22 સપ્ટેમ્બર 1857 એ કાનપુરથી અંગ્રેજો માટે પહેલી બચાવ ટુકડી રેસિડેન્સી પહોંચી. સર હેનરી હૅવલૉકના નેતૃત્વમાં મોકલવામાં આવેલી આ સેના પોતે જ ઘેરાબંધીમાં ફસાઈ ગઈ.

ઇતિહાસકાર રૌશન તકી અનુસાર, "એ દિવસને અંગ્રેજ 'ફર્સ્ટ રિલીફ'ના નામે યાદ કરે છે. જોકે, ઘેરાબંધી તોડવાના પ્રયાસ દરમિયાન 25 સપ્ટેમ્બરે કર્નલ નીલ શેર દરવાજાની પાસે મૃત્યુ પામ્યા."

તેઓ જણાવે છે કે આજે પણ કૈસરબાગમાં 'નીલ ગેટ' છે, જે આ ઘટનાની યાદ અપાવે છે. આ ગેટ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઇ) દ્વારા સંરક્ષિત છે.

રૌશન તકી જણાવે છે, "આ પાંચ મહિના દરમિયાન અંગ્રેજ 22 નવેમ્બરે રેસિડેન્સી છોડીને ભાગી જવામાં સફળ થયા અને થોડા સમય માટે અવધ પર ભારતીયોનું નિયંત્રણ રહ્યું."

જોકે આ સ્થિતિ વધારે દિવસ ન રહી. માર્ચ 1858 માં અંગ્રેજોએ અવધ પર ફરી કબજો કરી લીધો.

માર્ક્સિસ્ટ ઇન્ટરનેટ આર્કાઇવ અનુસાર, 30 એપ્રિલ 1858એ ન્યૂ યૉર્ક ડેઇલી ટ્રિબ્યૂનના અંક 'ધ ફૉલ ઑફ લખનઉ'માં ફ્રેડરિક એન્ગેલ્સે ભારતીય વિદ્રોહ પર એક સંપાદકીય લેખ લખ્યો.

તેમાં કહેવામાં આવ્યું, "ભારતીય વિદ્રોહના બીજા સંકટભર્યા કાળની સમાપ્તિ થઈ ગઈ છે. પહેલા સંકટકાળનું કેન્દ્ર દિલ્હી હતું. તેનો અંત એ શહેર પર હુમલા પછી કબજો કરીને કરાયો. બીજાનું કેન્દ્ર લખનઉ હતું અને હવે તેનું પણ પતન થઈ ગયું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન