ગુજરાતમાં શું ડીઝલની અછત છે, પેટ્રોલ પંપ પર ટ્રકોની લાંબી લાઇન કેમ જોવા મળે છે?

બીબીસી ગુજરાતી ગુજરાત પેટ્રોલ ડીઝલ અથત પેટ્રોલ પંપ ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઓઇલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ગુજરાતમાં છેલ્લા 10થી 12 દિવસથી ઘણી જગ્યાએ પેટ્રોલ પંપ પર વાહનોની મોટી લાઇનો જોવા મળે છે. ખાસ કરીને ડીઝલ ભરાવવા માટે ટ્રકો લાંબી લાઇનમાં ઊભી હોય તેવાં દૃશ્યો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય થઈ ગયાં છે.

રાજ્યના ટ્રક ઑપરેટરો કહે છે કે તેમને ડીઝલનો પુરવઠો પહેલાં જેટલો નથી મળતો અને માત્ર બે-ત્રણ હજાર રૂપિયાનું ડીઝલ ભરી આપવામાં આવે છે, જે ટ્રક માટે બહુ ઓછો કહેવાય. બીજી તરફ સત્તાવાર રીતે એવો દાવો કરવામાં આવે છે કે પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી.

બીબીસીએ કેટલાક ટ્રક ઑપરેટરો અને પેટ્રોલ પંપના માલિકો સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે અસલમાં સ્થિતિ શું છે.

ગુજરાતમાં ટ્રક માલિકોએ કહ્યું 'ડીઝલ માટે કલાકો સુધી રાહ જોવી પડે'

બીબીસી ગુજરાતી ગુજરાત પેટ્રોલ ડીઝલ અથત પેટ્રોલ પંપ ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઓઇલ

ઇમેજ સ્રોત, Sachin Pithwa

ઇમેજ કૅપ્શન, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણી જગ્યાએ ડીઝલનો પુરવઠો મળતો ન હોવાની ફરિયાદ છે.

કચ્છમાં ગાંધીધામ, મુંદ્રા, કંડલા સહિતના વિસ્તારોમાં હાઇવે પર પેટ્રોલ પંપ પર ટ્રકોની લાંબી કતારો જોવા મળે છે.

ટ્રક ઑપરેટરો કહે છે કે તેમને જરૂરિયાત સામે બહુ ઓછું ડીઝલ આપવામાં આવે છે જેના કારણે ધંધાને અસર પડી છે.

અંજારસ્થિત એક ટ્રક ઑપરેટર જયદીપ ગઢવીએ જણાવ્યું કે, "અમે 10 હજાર રૂપિયાનું ડીઝલ માગીએ તેની સામે માંડ અઢીથી ત્રણ હજાર રૂપિયાનું ડીઝલ મળે છે. તેના માટે કેટલાય કલાક રાહ જોવી પડે છે."

"પેટ્રોલ પંપના માલિકોનું કહેવું છે કે તેમની પાસે જે જથ્થો આવે છે તેમાં આટલું જ ડીઝલ આપી શકાશે, નહીંતર પંપમાં ઈંધણ ખૂટી જશે."

બીજી તરફ સૌરાષ્ટ્રમાં મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશનના પ્રમુખ પ્રભાતભાઈ આહીરે કહ્યું કે, અમને માંડ ત્રણ-ચાર હજાર રૂપિયાનું ડીઝલ મળે છે તેમાં ટ્રક કેવી રીતે ચલાવવી? ખરેખર તો ટ્રકને ઓછામાં ઓછા 10 હજારનું ડીઝલ મળે ત્યારે માંડ અઢીસોથી 300 કિમી ચાલી શકે.

તેમના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ આવી સ્થિતિ છે અને કચ્છની સ્થિતિ તો વધુ ખરાબ છે. તેમણે સવાલ કર્યો કે, મોરબીમાં 200 પંપ છે જેમાં રોજના પાંચ લાખ લીટર ડીઝલ આવે છે અને ટ્રકને ડીઝલ આપતા નથી, તો તે ક્યાં જાય છે તે સમજાતું નથી.

પ્રભાતભાઈ આહીર કહે છે કે "ડીઝલનો ભાવ ભલે વધારીને 100 રૂપિયા કરી નાખો, પરંતુ તેનો સપ્લાય આપો."

"ડીઝલનો ભાવ વધશે તો અંતિમ બોજ ગ્રાહકો પર નાખવામાં આવશે, પરંતુ ડીઝલનો પુરવઠો જ નહીં મળે તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કેવી રીતે ચાલશે."

તેઓ કહે છે કે "અગાઉ પણ ડીઝલની અછત હતી, પરંતુ હવે સ્થિતિ કપરી બની છે. અગાઉ રાજસ્થાનથી પણ ડીઝલ ભરાવી લેતા હતા, પરંતુ હવે ત્યાં પણ 10 હજાર રૂપિયાનું ડીઝલ નથી આપતા."

ગુજરાતના ટ્રક ઑપરેટરોએ કહ્યું 'લોન ભરવી મુશ્કેલ પડશે'

બીબીસી ગુજરાતી ગુજરાત પેટ્રોલ ડીઝલ અથત પેટ્રોલ પંપ ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઓઇલ

ઇમેજ સ્રોત, Faruq Qadri

ઇમેજ કૅપ્શન, સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ખેડૂતો ટ્રૅક્ટર માટે ડીઝલ પૂરાવવા પેટ્રોલ પંપ પર પહોંચે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડીઝલનો જથ્થો ન મળવાના કારણે ટ્રક-ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બહુ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે.

કચ્છમાં ડમ્પર ઓનર્સ ઍસોસિયેશનના પ્રમુખ શિવજી આહીરે બીબીસીને જણાવ્યું કે, "કચ્છમાં ઓછામાં ઓછા 70 હજાર લોકો ટ્રાન્સપોર્ટના બિઝનેસ પર આધારિત છે. તેમાં ટ્રક ઑપરેટરોથી લઈને પેટ્રોલ પંપ સંચાલકો, ડ્રાઇવરો, મિકેનિક્સ વગેરે સામેલ છે."

"છેલ્લાં બે અઠવાડિયાંથી ડીઝલની જે રીતે અછત જોવા મળે છે તેના કારણે ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. અમે સરકારને ઘણી રજૂઆતો કરી, પરંતુ તેનો કોઈ ઉકેલ મળ્યો નથી."

ટ્રાન્સપોર્ટર જયદીપ ગઢવીએ કહ્યું કે "આવી સ્થિતિમાં જેમણે લોન પર ટ્રક ખરીદી હોય તેમની હાલત ખરાબ થઈ જાય છે. ટ્રક ઊભી રહે તે પોસાય નહીં અને ડીઝલ ન મળે તો આ ધંધો જ બંધ કરવો પડે."

તેમણે કહ્યું કે "બે-ત્રણ મહિનાથી ધંધામાં નરમાઈ ચાલે છે, ઉદ્યોગો પાસે પણ કામ ઘટી ગયું છે અને મજૂરો પોતાના વતન જતા રહ્યા છે. તેવામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે આ નવો ફટકો છે."

મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશનના પ્રમુખ પ્રભાતભાઈ આહીર કહે છે કે "હપતેથી ટ્રક લીધી હોય તેણે પોતાની ટ્રક ફાઇનાન્સ કંપનીને પાછી કરવી પડે અથવા તો ખોટ ભોગવવી પડે."

અલગ અલગ ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશને આ વિશે સરકારને રજૂઆત કરી છે અને ડીઝલના પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉદ્યોગ ઠપ થઈ જશે એવું કહેવું છે.

પ્રભાતભાઈએ જણાવ્યું કે, "એક મહિના સુધી આવી જ સ્થિતિ રહેશે તો અમારે ઘરે બેસી રહેવાનો વારો આવશે."

બીબીસી ગુજરાતી ગુજરાત પેટ્રોલ ડીઝલ અથત પેટ્રોલ પંપ ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઓઇલ

ઇમેજ સ્રોત, Sachin Pithwa

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં લોકો ડીઝલ ભરાવવા માટે કેરબા લઈને લાઇનમાં ઊભા રહે છે.

ગાંધીધામસ્થિત એક ઑટોમોબાઇલ ડીલર મુકેશ દૈયાએ બીબીસીને જણાવ્યું કે તેમણે કેટલાક દિવસો પહેલાં મુંબઈથી વાહનો મગાવ્યાં હતાં, પરંતુ તેમનો માલ હજુ રસ્તામાં જ છે અને ટ્રકચાલકનું કહેવું છે કે તેને હાઈવે પર ડીઝલ મળતું ન હોવાથી અટકી અટકીને ચાલવું પડે છે.

તેઓ કહે છે કે "મેં કેટલાય દિવસ અગાઉ મગાવેલો માલ મને ક્યારે પહોંચશે તેની મને પણ ખબર નથી."

તેવી જ રીતે કચ્છ ડમ્પર્સ ઍસોસિયેશનના પ્રમુખ શિવજીભાઈ આહીરે કહ્યું કે, "કચ્છમાં ઓછામાં ઓછા 15 હજાર ટ્રક દોડે છે, પરંતુ હાલમાં સ્થિતિ એવી છે કે 50 ટકા ટ્રકો ઊભી રાખી દેવી પડી છે. અમે એક દિવસ ટ્રક ચલાવીએ અને એક દિવસ ડીઝલ માટે લાઇનમાં ઊભા રહીએ એવી હાલત છે."

"તેના કારણે ડ્રાઇવરો, ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓ બધા પરેશાન છે."

તેમણે કહ્યું કે, "રોજના ઓછામાં ઓછા 200 લીટર ડીઝલ મળે તો જ આ ધંધો થઈ શકે, પણ 10-15 દિવસથી આખા કચ્છમાં ડીઝલના પંપ ડ્રાય થઈ ગયા છે."

"જેમણે લોન પર ટ્રક ખરીદી હશે તેઓ વધુમાં વધુ એક મહિના સુધી હપતા ભરી શકશે. ત્યાર પછી લોન ભરી નહીં શકે."

"તેથી અમે સરકારને વિનંતી કરી છે કે અમને લોનના હપતામાં ચાર-પાંચ મહિનાની રાહત આપો. કારણ કે ધંધામાં 70થી 80 ટકા લોકો લોન લઈને ટ્રક ખરીદતા હોય છે."

સૌરાષ્ટ્રમાં ખેતપેદાશોના પરિવહનને કેવી અસર થઈ

બીબીસી ગુજરાતી ગુજરાત પેટ્રોલ ડીઝલ અથત પેટ્રોલ પંપ ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઓઇલ

ઇમેજ સ્રોત, Faruq Qadri

ઇમેજ કૅપ્શન, સરકારના કહેવા પ્રમાણે ડીઝલનો સપ્લાય પૂરતો છે અને ક્યાંય ઈંધણની અછત નથી.

ટ્રાન્સપોર્ટર્સને પૂરતું ડીઝલ મળતું ન હોવાથી માલસામાનના પરિવહનને પણ અસર થઈ રહી છે, જેના કારણે ખેડૂતોને પણ અસર થાય છે.

ઉદાહરણ તરીકે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં કોડિનાર માર્કેટિંગ યાર્ડે હાલમાં અમુક જણસ ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે.

કોડિનાર એપીએમસીના પ્રમુખ સુભાષભાઈ ડોડિયાએ કહ્યું કે, "હાલમાં અડદ, મગ અને તલનું જે ઉનાળુ વાવેતર થયું હોય તેની ભારે આવક ચાલુ છે અને રોજના 400થી 500 ખેડૂતો વેચાણ માટે આવે છે."

"બીજી કોમોડિટીનું કામકાજ પણ ચાલુ છે. છેલ્લા ત્રણ દિવસમાં માર્કેટિંગ યાર્ડમાં માલનો એટલો બધો ભરાવો થયો છે કે ખેડૂતોને માલ ઉતારવા માટે રાહ જોવી પડે તેમ છે."

તેમણે કહ્યું કે "અમે મંગળવારથી આ ત્રણ કોમૉડિટીની આવક લેવાનું બંધ કર્યું છે. 700થી 800 ખેડૂતોનો માલ ગ્રાઉન્ડમાં પડ્યો છે."

"આ ત્રણેય કોમૉડિટી ગુજરાત બહાર જાય છે, પરંતુ ટ્રક માટે ડીઝલ મળતું ન હોવાથી ટ્રાન્સપોર્ટરો માલ લઈ જવા તૈયાર નથી."

"આ બધી આઇટમો મોંઘી છે. અડદનો ભાવ 1800થી 2200 વચ્ચે ચાલે છે અને તલનો ભાવ તો તેના કરતા પણ વધુ છે."

"જે વેપારીઓ સક્ષમ છે તેઓ અહીં યાર્ડમાં જ માલ રાખે છે, પરંતુ જેમની પાસે ફંડિંગની વ્યવસ્થા નથી તેઓ ખસતા જાય છે."

તેમણે કહ્યું કે "અમે કોડિનાર એરિયામાં ખેડૂતોને ટ્રેક્ટરની ટાંકી ભરાય એટલું ડીઝલ અપાવીએ છીએ, પણ માલ લઈ જતા ટ્રકને રસ્તામાં ડીઝલ મળે તેની કોઈ ગૅરંટી નથી."

પેટ્રોલ પંપ શું કહે છે?

બીબીસી ગુજરાતી ગુજરાત પેટ્રોલ ડીઝલ અથત પેટ્રોલ પંપ ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઓઇલ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસીએ આ વિશે કેટલાક પેટ્રોલ પંપ માલિકો અને સંચાલકો સાથે વાત કરીને તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ગાંધીધામસ્થિત એક પેટ્રોલ પંપના માલિક કમલેશ બલદાનિયાએ કહ્યું કે, "હાલમાં અમને ડીઝલનો મર્યાદિત સ્ટૉક મળે છે અને તેમાં પણ સમય લાગે છે."

"તેના કારણે અમે કોઈ ટ્રકને 100-200 લીટર પેટ્રોલ પણ આપી શકતા નથી. મને ચાર દિવસ પછી ડીઝલનો જથ્થો મળ્યો છે."

તેમનું કહેવું છે કે "ટ્રાન્સપોર્ટર્સને આપવા માટે અમારી પાસે એક એવરેજ ક્વોટા હોય છે, તે પ્રમાણે જ અમે આપીએ છીએ."

"તેનાથી વધારે ડીઝલ આપી શકીએ તેમ નથી. દાખલા તરીકે હું રોજના 6000 લીટરથી વધારે વેચાણ કરું તો મારં પંપ જ ડ્રાય થઈ જાય. તેથી મારે માપસર વેચાણ કરવું પડે છે."

તેમ તેમણે કહ્યું હતું કે, "ઑઇલ કંપનીઓ લગભગ બે મહિનાથી ડીઝલનો આવી રીતે સપ્લાય કરે છે."

બીજા એક પેટ્રોલ પંપ માલિકે કહ્યું કે ઘણા લોકો જરૂરિયાત કરતા વધારે ડીઝલ ભરાવી જાય છે તેના કારણે ડીઝલ માટે લાઇન લાગે છે. જોકે, તેમણે સ્વીકાર્યું કે બે-ત્રણ અઠવાડિયાં અગાઉ આવી સ્થિતિ ન હતી.

ગુજરાત સરકારે શું કારણ આપ્યું?

બીબીસી ગુજરાતી ગુજરાત પેટ્રોલ ડીઝલ અથત પેટ્રોલ પંપ ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઓઇલ

ઇમેજ સ્રોત, Getty Images

સૌરાષ્ટ્ર-કચ્છમાં ડીઝલની અછતના અહેવાલ વચ્ચે સરકારનો દાવો છે કે ડીઝલનો સપ્લાય પહેલાં જેટલો જ છે અને ટ્રક સંચાલકો બલ્કના બદલે રિટેલમાંથી સસ્તા દરે ડીઝલ ખરીદી માટે વળ્યા હોવાથી પેટ્રોલ પંપ પર લાઇનો જોવા મળે છે.

કચ્છના કલેક્ટર અનિલ રાણાવસિયાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે "કચ્છમાં પેટ્રોલ પંપ પર ડીઝલનો સપ્લાય અગાઉ જેટલો જ છે."

તેમણે કહ્યું કે, "અગાઉ ટ્રાન્સપોર્ટરો બલ્કમાં ડીઝલ ખરીદતા હતા, જ્યારે સામાન્ય લોકો રિટેલ પંપ પરથી ઈંધણ ભરાવતા હતા."

"હવે ખાનગી કંપનીઓમાં ડીઝલની જથ્થાબંધ ખરીદીનો ખર્ચ વધી ગયો હોવાથી ટ્રક ઑપરેટરો રિટેલ પંપ તરફ વળ્યા છે. આમ ભાવના તફાવતના કારણે આ સ્થિતિ સર્જાઈ છે."

જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, "અમે ગઈકાલે જ ટ્રાન્સપોર્ટર્સ અને ઑઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે વાત કરી છે અને જથ્થાબંધ ખરીદીનો ડીઝલનો વધારાનો જથ્થો રિટેલ પેટ્રોલ પંપ તરફ વાળવા આગ્રહ કર્યો છે. અમને આશા છે કે તેનાથી આ સ્થિતિનો ઉકેલ આવી જશે."

કચ્છના જિલ્લા પુરવઠા અધિકારી એ. એસ. હાશ્મીએ જણાવ્યું કે "કચ્છમાં ડીઝલનું વેચાણ કરતા 352 રિટેલ આઉટલેટ છે અને 1.42 લાખ લીટરની ઇન્સ્ટોલ્ડ કૅપેસિટી છે."

"તેમાંથી 30 ટકા સ્ટૉક, એટલે કે લગભગ 42 લાખ લીટર ડીઝલ દરરોજ આવે છે. આ ઉપરાંત કચ્છમાં ટ્રાન્સપોર્ટર્સ માટે 131 કન્ઝ્યુમર પેટ્રોલ પંપ છે જ્યાંથી તેઓ બલ્કમાં ખરીદી કરતા હોય છે."

અત્યારની સ્થિતિ વિશે વાત કરતા કચ્છના પુરવઠા અધિકારીએ જણાવ્યું કે "ક્રૂડ ઑઇલના ભાવ વધવાથી ખાનગી કંપનીઓમાં ડીઝલના ભાવ 128થી 140 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે, જ્યારે રિટેલ પંપ પર ડીઝલનો ભાવ ઘણો નીચો છે."

"તેના કારણે માઇનિંગ ઉદ્યોગ, નમક ઉદ્યોગ અને બીજા ટ્રાન્સપોર્ટર્સ રિટેલ પંપ પર ખરીદી કરવા જઈ રહ્યા છે. બાકી ડીઝલની ઉપલબ્ધતાનો કોઈ પ્રશ્ન નથી."

દરમિયાન રાજ્યના પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ પણ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "રૂટિનમાં જે સરેરાશ ડીઝલ આપવામાં આવે છે તેમાં કોઈ ઘટાડો થયો નથી."

"કોઈ જગ્યાએ ખેડૂતના કારણે અથવા બીજા કારણથી ડિમાન્ડ વધી હોય તેવું બને, બાકી કોઈ અછત નથી."

"કચ્છ અને બીજા જગ્યાએ ટ્રાન્સપોર્ટર્સની જે ફરિયાદ છે તેના માટે અમે બેઠકો કરી છે અને તેનો ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન