'કૉક્રોચ જનતા પાર્ટી'ની સ્થાપના કોણે કરી અને આ પક્ષ કેમ ચારેકોર ચર્ચામાં છે?

ઇમેજ સ્રોત, @abhijeet_dipke
- લેેખક, આશય યેડગે
- પદ, બીબીસી મરાઠી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે યુવાઓ અને કૉક્રોચ(વંદા) અંગે આપેલાં નિવેદન પછી સોશિયલ મીડિયા કૅમ્પેઇન 'કૉક્રોચ જનતા પાર્ટી' અતિશય ચર્ચામાં છે.
જોકે, જસ્ટિસ સૂર્યકાંતે શનિવારે જ તેમની ટિપ્પણી અંગે સફાઈ આપતાં કહ્યું હતું કે મીડિયાના એક વર્ગે તેમની વાતોને ખોટી રીતે રજૂ કરી.
જસ્ટિસ સૂર્યકાંતનાં નિવેદન પછી એક વ્યંગ્યાત્મક સોશિયલ મીડિયા કૅમ્પેઇન અતિશય ચર્ચામાં છે. આ ચર્ચાના કેન્દ્રમાં છે 'કૉક્રોચ જનતા પાર્ટી'.
ઇન્ટરનેટ પર તેના નામની વેબસાઇટ પણ બની ગઈ છે અને તેના ઇન્ટાગ્રામ પર 53 લાખથી વધારે ફૉલોઅર્સ થઈ ગયા છે. એવું જણાવાઈ રહ્યું છે કે આ પાર્ટીમાં સામેલ થવા માટે બે લાખથી વધારે લોકોએ તેની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
કૉક્રોચ જનતા પાર્ટી શું છે અને કેવી રીતે તેની શરૂઆત થઈ?
કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અને સંયોજક અભિજિત દીપકે છે.
બીબીસી ન્યૂઝ મરાઠીએ અભિજિત દીપકે સાથે વિગતવાર વાત કરી હતી. તેમણે આ પ્રકારનું સોશિયલ મીડિયા અભિયાન કેમ શરૂ કર્યું તે સમજાવ્યું હતું.
આવા સોશિયલ મીડિયા અભિયાનનો વિચાર ક્યાંથી આવ્યો?
આ સવાલના જવાબમાં અભિજિત દીપકે કહે છે, "હું ઍક્સ પર ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતનું એક નિવેદન જોઈ રહ્યો હતો જ્યાં તેમણે દેશના યુવાનોની તુલના સિસ્ટમની ટીકા કરવા અને પોતાના મંતવ્યો વ્યક્ત કરવા બદલ વંદા (કૉક્રોચ) અને પરજીવીઓ સાથે કરી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"મને આ ખૂબ જ હાસ્યાસ્પદ લાગ્યું કારણ કે મુખ્ય ન્યાયાધીશ દેશના બંધારણના રક્ષક માનવામાં આવે છે. એ બંધારણ કે દરેકને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, તેના તેઓ સંરક્ષક છે. હવે, આવી વ્યક્તિ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે કેવી રીતે યુવાનોની તુલના વંદા અને પરોપજીવી સાથે કરી શકે?"
"આનાથી મને ગુસ્સો અને હતાશાનો અનુભવ થયો અને મેં ઍક્સ પર મારો અભિપ્રાય વ્યક્ત કર્યો. મેં પૂછ્યું કે જો બધા કૉક્રોચ એકીસાથે આવી જાય તો શું થશે. મને જેન ઝી અને 25 વર્ષ સુધીના યુવાનો તરફથી અદ્ભુત પ્રતિભાવો મળ્યા. તેમણે કહ્યું કે આપણે સાથે આવીને એક પ્લૅટફૉર્મ બનાવવું જોઈએ."
"આનાથી મને વિચાર આવ્યો કે આપણે કૉક્રોચ જનતા પાર્ટી નામની ઓનલાઈન પૅરોડી પાર્ટી બનાવવી જોઈએ. જો તમે અમને કૉક્રોચ કહી રહ્યા છો, તો ઠીક છે, અમે કૉક્રોચ જનતા પાર્ટી બનાવીશું."
"મેં આ પાર્ટીમાં જોડાવા માટેની લાયકાત માટે માપદંડ નક્કી કર્યા છે. જેમ કે, સીજેઆઈએ કહ્યું તેમ તમારે આળસુ હોવું જોઈશે. બેરોજગાર હોવા જોઈએ અને મુખ્ય ન્યાયાધીશે કહ્યું તેમ તમારે સતત ઑનલાઈન રહેવું પડશે."
"જે શબ્દોને તેમણે યુવાનોનું અપમાન કરવા માટે વાપર્યા હતા, તેને જ અમે પાર્ટીના સદસ્ય બનવા માટેની લાયકાત તરીકે રાખ્યા છે."
તેઓ કહે છે કે, "થોડા કલાકોમાં જ તેણે ચમત્કાર કર્યો અને દરેક લોકો આના પર પ્રતિક્રિયા આપવા લાગ્યા. લોકો તેમાં નોંધણી કરાવવા લાગ્યા."
"આ પછી, અમને લાગવા લાગ્યું કે કંઈક મોટું થવા જઈ રહ્યું છે અને આ વાત કોઈ મજાક બનીને નહીં રહી જાય. કારણ કે લોકોમાં નિરાશા દેખાઈ રહી હતી. આથી, અમે એક વેબસાઇટ બનાવી અને પાર્ટીનો મૅનિફેસ્ટો બનાવ્યો. ઇન્સ્ટાગ્રામ પર અમારા બે મિલિયન ફોલોઅર્સ છે (હવે પાંચ મિલિયનથી વધુ) અને બે લાખથી વધુ લોકોએ કૉક્રરોચ જનતા પાર્ટીના સભ્ય તરીકે પોતાને નોંધાવ્યા છે. લાંબા સમય પછી ભારતીય રાજકારણમાં આ અભૂતપૂર્વ ઘટના છે."
આ અભિયાનને મળેલી સફળતાનું કારણ શું છે?

અભિજિત દીપકેના આ અભિયાનને ઘણા પ્રખ્યાત લોકોએ પણ ટેકો આપ્યો છે.
અભિજિત કહે છે, "ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ કીર્તિ આઝાદે કહ્યું હતું કે તેઓ પાર્ટીમાં જોડાવા માંગે છે. તૃણમૂલનાં સાંસદ મહુઆ મોઇત્રાએ પણ અમને ટેકો આપ્યો હતો. આ ઉપરાંત, ઘણા લોકોએ અમને ટેકો આપ્યો છે, અને આજે આ અભિયાન ચર્ચાનો વિષય છે. દિવસેને દિવસે એ આગળ વધી રહ્યું છે."
જ્યારે અમે આ વિષય પર ડિજિટલ માર્કેટિંગના લોકો સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે આ ડિજિટલ મીડિયામાં એક વિક્ષેપ જેવું છે.
સોશિયલ મીડિયા પર 40 લાખથી વધુ ફૉલોઅર્સ કેમ થઈ ગયા, આ વિશે તમારું શું માનવું છે?
આ પ્રશ્નના જવાબમાં અભિજિત કહે છે, "હું એમ નહીં કહું કે મેં આ બધું હાંસલ કર્યું. લોકો સાથે આવ્યા છે. આપણે સમજવું જોઈએ કે એવું શું બન્યું કે આટલા બધા લોકો એકત્રિત થયા. જો આજે કોઈ ડિજિટલ એજન્સી કે રાજકીય પક્ષે આવું કંઈક કર્યું હોત, તો પણ તેઓ આટલી ઝડપથી આ સફળતા પ્રાપ્ત ન કરી શક્યા હોત."
"તેમણે કેટલા પૈસા ખર્ચ્યા છે તેનાથી પણ કોઈ ફરક પડતો નથી. કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ કોઈને આવો પ્રતિભાવ ન મળ્યો હોત."
"યુવાનોમાં વર્ષોથી રહેલી હતાશા અને ગુસ્સો આટલી મોટી પ્રતિક્રિયાનું કારણ છે. સરકારની નિષ્ફળતાઓને કારણે યુવાનો બેરોજગાર છે. તેમને એક એવું પ્લૅટફૉર્મ મળી ગયું છે જ્યાં તેઓ પોતાની હતાશા અને ગુસ્સો ઠાલવી શકે છે."
અભિજિત દીપકે કોણ છે?

ઇમેજ સ્રોત, @abhijeet_dipke
કોઈપણ રાજકીય પક્ષ કે ચળવળ માટે નેતા ખૂબ જ જરૂરી છે.
અભિજિત દીપકે કોણ છે?
આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "હું મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરનો છું. હું ગ્રૅજ્યુએશન માટે પુણે ગયો હતો. આ પછી, મને થોડાં વર્ષો માટે આમ આદમી પાર્ટી સાથે કામ કરવાની તક મળી જ્યાં હું તેમની કૉમ્યુનિકેશન ટીમમાં હતો."
"આરોગ્ય અને શિક્ષણ પરના તેમના કાર્યને કારણે હું તેમના તરફ આકર્ષાયો હતો. ભારતીય રાજકારણમાં પહેલીવાર આ કંઈક નવું થઈ રહ્યું હતું. જેમ આજે કૉક્રોચ જનતા પાર્ટી નવી છે, તેમ મને લાગ્યું હતું કે એ પાર્ટી કંઈક નવું પરિવર્તન લાવશે. મેં તેમની સાથે થોડો સમય કામ કર્યું, પછી મને લાગ્યું કે મારે વધુ અભ્યાસ કરવાની જરૂર છે અને મેં માસ્ટર્સની તૈયારી શરૂ કરી. મારી પસંદગી બૉસ્ટન યુનિવર્સિટીમાં થઈ. હું બે વર્ષથી ત્યાં છું અને મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે."
કૉક્રોચ જનતા પાર્ટીનો ઢંઢેરો ખૂબ જ ધ્યાન ખેંચે તેવો છે. અભિજિત કહે છે, "મને લાગે છે કે આ ઢંઢેરો ભારતીય લોકશાહીની વર્તમાન સ્થિતિ અને વર્તમાન રાજકીય પરિસ્થિતિને પ્રતિબિંબિત કરે છે. આપણે સતત એવા ન્યાયાધીશો જોઈ રહ્યા છીએ જેમને નિષ્પક્ષ રહેવાનું હોય છે પરંતુ તેઓ નિવૃત્તિ પછી સરકાર પાસેથી લાભ લેતા હોય છે. આ ખૂબ જ ખતરનાક છે કારણ કે ન્યાયતંત્ર સ્વતંત્ર હોય છે એવું માનવામાં આવે છે. જો ન્યાયતંત્ર પણ સરકારને રસ્તે ચાલશે તો શું બચશે? તો પછી લોકશાહી કોણ બચાવશે?"
"બીજી વાત મહિલાઓના પ્રતિનિધિત્વની છે. બાળપણથી હું સાંભળતો આવ્યો છું કે મહિલાઓને 33 ટકા અનામત મળશે, પરંતુ આજ સુધી આવું થયું નથી. જો તમે મહિલાઓને અનામત આપવા માંગતા હો, તો તેમને 50 ટકા અનામત આપો."
ભારતના 'જેન ઝી'ની ચર્ચા

ઇમેજ સ્રોત, CJP
નેપાળ અને શ્રીલંકામાં 'જેન ઝી'નાં આંદોલનો જોવા મળ્યાં છે. નેપાળમાં વિરોધપ્રદર્શનો બાદ સરકારને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
શ્રીલંકા અને નેપાળમાં 'જેન ઝી'ની સરખામણી ભારતના 'જેન ઝી' સાથે કરવી જોઈએ કે નહીં?
આ સવાલના જવાબમાં અભિજિત કહે છે કે, "ભારતના 'જેન ઝી'ની સરખામણી શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશના 'જેન ઝી' સાથે કરવી એ 'મોટું અપમાન' હશે કારણ કે તેઓ હિંસા ભડકાવી રહ્યા નથી.
અભિજિત કહે છે, "ભારતીય 'જેન ઝી' વ્યંગ્ય દ્વારા પોતાનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. વંદાનો પોશાક પહેરીને, તેઓ યમુના સાફ કરી રહ્યા છે અને કચરો દૂર કરી રહ્યા છે. તેઓ તેનાથી સિસ્ટમની મજાક ઉડાવી રહ્યા છે."
"તેઓ રસ્તાઓ પર ઊતરીને હિંસા ભડકાવી રહ્યા નથી, અને જો તેઓ કાલે રસ્તાઓ પર ઊતરશે, તો પણ તેઓ લોકશાહી ઢબે અને શાંતિપૂર્ણ રીતે આમ કરશે. આ 'જેન ઝી' એ આપણા કેન્દ્રીય મંત્રીમંડળ કરતાં વધુ શિક્ષિત છે. આપણે પ્રશ્ન એ કરવો જોઈએ કે આપણા પર અશિક્ષિત લોકો શા માટે શાસન કરી રહ્યા છે."
કૉક્રોચ જનતા પાર્ટીનું ભવિષ્ય શું હશે? શું તે ફક્ત એક વ્યંગ્યાત્મક સોશિયલ મીડિયા ઝુંબેશ જ રહેશે?
અભિજીત કહે છે કે, "આ તો ફક્ત શરૂઆત છે. આવનારા સમયમાં વધુ યુવા સંગઠનો ઊભરી આવશે."
તેઓ કહે છે, "યુવાનો વર્તમાન રાજકીય વ્યવસ્થાથી કંટાળી ગયા છે. આગામી થોડા વર્ષોમાં, તમે જોશો કે યુવાનો પરિવર્તનની માંગ કરશે કારણ કે છેલ્લાં 10-12 વર્ષોમાં, યુવાનોએ 'હિન્દુ-મુસ્લિમ' ઉપદેશ સિવાય કંઈ સાંભળ્યું નથી."
"યુવાનો આ રાજકીય વ્યવસ્થાને બદલવા માંગે છે. તેઓ એવી વ્યવસ્થા ઇચ્છે છે જ્યાં આપણે ટૅક્નૉલૉજીની રીતે અદ્યતન હોઈએ અને જ્યાં આપણને રોજગાર પણ મળે. આગળ વધતી વખતે આપણે આપણી સરખામણી વિશ્વના શ્રેષ્ઠ દેશો સાથે કરવી જોઈએ. ક્યાં સુધી આપણે નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે આપણી સરખામણી કરતા રહીશું? ભારતના 'જેન ઝી' આવું ઇચ્છે છે અને તેઓ પોતાની સાથે વંદા જેવો વ્યવહાર થાય એવું ઇચ્છતા નથી."
જ્યારે અભિજિતને પૂછવામાં આવ્યું કે શું તેઓ અમેરિકાથી ભારત પાછા ફરશે? ત્યારે તેમણે કહ્યું કે તેઓ ચોક્કસ પાછા આવશે.
તેમણે કહ્યું, "મેં ગત અઠવાડિયે જ મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. હું ભારત આવીશ અને તેને આગળ લઈ જઈશ કારણ કે લોકો સાથે આવી રહ્યા છે અને તેઓ કંઈક સારું કરવા પરિવર્તન ઇચ્છે છે. અમારી સ્થાપનાના ચોથા જ દિવસે અમારી પાસે બે લાખથી વધુ નોંધાયેલા સભ્યો છે. આ એક સંકેત છે કે 'જેન ઝી' ઇચ્છે છે કે તેમનો પોતાનો એક રાજકીય મોરચો હોય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























