CSK vs DC : સંજુ સેમસને T20માં 400 છગ્ગા પૂર્ણ કર્યા, જાણો તેમણે ધોનીનો કયો રેકૉર્ડ તોડ્યો?

વાંચવાનો સમય: 4 મિનિટ

CSKએ આખરે આ આઈપીએલ 2026 સિઝનમાં બે અંક મેળવ્યા છે. સતત ત્રણ હાર બાદ ટીમે શનિવારે દિલ્હી કૅપિટલ્સને 23 રને હાર આપી છે.

આ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ પર રમાયેલી આ મૅચમાં ટૉસ જીતીને દિલ્હી કૅપિટલ્સે પહેલી બૉલિંગ લીધી હતી. સીએસકેએ પહેલી બૅટિંગ કરીને 212 રન બનાવ્યા, પરંતુ જવાબમાં દિલ્હીની ટીમ માત્ર 189 રન જ બનાવી શકી. આમ આ દિલ્હી કૅપિટલ્સની સતત બીજી હાર છે.

આઈપીએલ (ઇન્ડિયન પ્રિમિયર લીગ) 2026ના 18મા મુકાબલામાં સંજુ સેમસને તોફાની બૅટિંગ કરી આ સિઝનની પહેલી સદી નોંધાવી.

દિલ્હી કૅપિટલ્સ સામે રમાયેલી તેમની ઇનિંગ દરમિયાન તેમણે T20 ક્રિકેટમાં પોતાના 400 છગ્ગા પૂરા કર્યા.

આઈપીએલ 2026ના 18મા મુકાબલામાં સંજુ સેમસને વિસ્ફોટક ઇનિંગ રમીને આ સિઝનની તેમની પહેલી સદી પૂર્ણ કરી.

રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે સામેલ

દિલ્હી કૅપિટલ્સ સામેની આ ઇનિંગ સાથે સંજુ T20 ક્રિકેટમાં 400 છગ્ગા પૂર્ણ કરનાર ખેલાડી બન્યા અને રોહિત શર્મા તથા વિરાટ કોહલીની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયા.

શનિવાર (11 એપ્રિલ)ના રોજ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે રમાયેલી મૅચમાં સંજુ સેમસને શાનદાર બૅટિંગ કરી ઇતિહાસ રચ્યો.

ખરાબ ફૉર્મથી ઝઝૂમી રહેલા સંજુએ આ મૅચમાં શાનદાર વાપસી કરી અને 115 રનની અણનમ ઇનિંગ રમી.

સંજુએ 56 બૉલમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી આ સદી ફટકારી અને IPL 2026 સિઝનની પહેલી સદી પોતાના નામે કરી.

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સદી કરીને સંજુ ત્રણ અલગ-અલગ IPL ટીમો માટે શતક નોંધાવનાર બીજા બૅટ્સમૅન બન્યા છે. આ પહેલાં તેઓ દિલ્હી કૅપિટલ્સ અને રાજસ્થાન રૉયલ્સ માટે પણ સદી ફટકારી ચૂક્યા છે.

સંજુ પહેલાં કેએલ રાહુલે પણ પંજાબ કિંગ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કૅપિટલ્સ માટે રમતાં સદી નોંધાવી હતી.

આ મૅચ દરમિયાન સંજુએ T20 ક્રિકેટમાં પોતાના 400 છગ્ગા પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો અને એવું કરનાર ચોથા ભારતીય બૅટ્સમૅન બન્યા.

આ પહેલાં આ ખાસ યાદીમાં 400 છક્કા પૂર્ણ કરનારા ખેલાડીઓમાં માત્ર રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ થતો હતો.

છગ્ગાનો રેકૉર્ડ

જો ભારત માટે T20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનારા બૅટ્સમૅનની યાદી જોઈએ તો રોહિત શર્મા ટોચ પર છે, જ્યારે સંજુ સેમસને હવે આ એલીટ ક્લબમાં પોતાનું સ્થાન હાંસલ કર્યું છે.

ભારતીય T20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર બૅટ્સમૅન:

રોહિત શર્મા – 465 મૅચ, 554 છગ્ગા

વિરાટ કોહલી – 415 મૅચ, 440 છગ્ગા

સૂર્યકુમાર યાદવ – 362 મૅચ, 421 છગ્ગા

સંજુ સેમસન – 334 મૅચ, 401 છગ્ગા

આટલું જ નહીં, વિકેટકીપર બૅટ્સમૅન તરીકે સંજુ સેમસન IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શતક મારનાર પ્રથમ ખેલાડી પણ બન્યા.

તેમણે 52 બૉલમાં આ સદી ફટકારી અને એમએસ ધોનીના વિકેટકીપર તરીકે IPLમાં બનાવેલા સૌથી મોટા સ્કોર 84 રનના (2019) રેકૉર્ડને પણ તોડી નાખ્યો.

શાનદાર કમબૅક કર્યું

મૅચની વાત કરીએ તો, ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલી બૅટિંગ કરતાં 212 રનની મોટો સ્કોર ઊભો કર્યો. ટીમ માટે સંજુ સેમસન (115*) સિવાય આયુષ મ્હાત્રે (57 રન)એ પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.

દિલ્લી કૅપિટલ્સ સામે રમતાં ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર સંજુ સેમસને અદભૂત ઇનિંગ રમી.

આ પહેલાં IPL 2026માં સંજુ સંપૂર્ણપણે ફ્લૉપ રહ્યા હતા અને તેમની ફૉર્મને લઈને ચિંતા જોવા મળી હતી. સંજુ T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર ફૉર્મમાં હતા, પરંતુ IPL શરૂ થતાં જ તેમનું બૅટ શાંત થઈ ગયું હતું.

સંજુ સતત ત્રણ મૅચમાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ દિલ્હી કૅપિટલ્સ સામે તેમણે જોરદાર કમબૅક કર્યું. તેમણે માત્ર સદી જ નથી ફટકારી પરંતુ રેકૉર્ડ્સ પણ બનાવ્યા.

IPL 2026 પહેલાં બૅટ્સમૅન સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રૉયલ્સ પાસેથી ટ્રેડ દ્વારા પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. CSKને આશા હતી કે સંજુ T20 વર્લ્ડકપનું ફૉર્મ આગળ વધારશે, પરંતુ પ્રથમ ત્રણ મૅચમાં તેમનું પ્રદર્શન નબળું રહ્યું.

ત્રણ મૅચ બાદ સંજુએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું અને 52 બૉલમાં ભવ્ય સદી ફટકારી. આ તેમના IPL કારકિર્દીની ચોથી સદી છે.

તેમણે પાંચ વર્ષ બાદ IPLમાં સદી નોંધાવી છે. છેલ્લે તેમણે 2021માં પંજાબ સામે સદી નોંધાવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન