You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
EPFO 3.0 : પ્રોવિડન્ટ ફંડને લગતા કેવા ફેરફારો થવાના છે, ATMમાંથી રૂપિયા ક્યારે ઉપાડી શકાશે?
એમ્પ્લૉયીઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓની કામગીરીમાં કેટલાક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. હવે ઇપીએફઓ 3.0 લૉન્ચ થવાનું છે જેનાથી પ્રોવિડન્ટ ફંડની કામગીરી બૅન્કિંગ જેવી થઈ જશે.
હવેથી ઇપીએફઓ 3.0માં યુપીઆઈ આધારિત ફંડ ઉપાડની વ્યવસ્થા કરવામાં આવશે અને પ્રોવિડન્ટ ફંડની આખી સિસ્ટમ સરળ બની જશે. દેશમાં લગભગ સાત કરોડ લોકો ઇપીએફઓના સભ્ય છે જેમનું કામ ઝડપી બનશે તથા પેપરવર્ક ઘટી જશે.
પોતાની મૂડી બચાવીને સુરક્ષિત વળતર ઇચ્છતા લોકો માટે ઈપીએફ એ બહુ સારો વિકલ્પ છે જેમાં 2025-26 માટે સરકારે 8.25 ટકાના વ્યાજદરની જાહેરાત કરી છે.
EPFO 3.0 કઈ રીતે કામ કરશે?
ઇપીએફઓને લગતી સૌથી મોટી ફરિયાદ એ છે કે તેમાં કામગીરી બહુ ધીમી થાય છે અને ઘણાં બધાં કાગળિયાં જમા કરાવવાં પડે છે. પરંતુ EPFO 3.0નું કામ બૅન્કિંગ જેવું હશે જેમાં ઝડપથી રૂપિયા ઉપાડી શકાશે.
દેશમાં નવા લેબર કોડ લાગુ થયા છે ત્યારે પ્રોવિડન્ટ ફંડની કામગીરીમાં પ્રોસેસિંગ ટાઇમ ઘટાડવા માટે EPFO 3.0 લૉન્ચ કરવામાં આવશે.
EPFOમાં હવે શું બદલાશે?
EPFOના જૂના માળખાની સરખામણીમાં નવું માળખું ઘણું સરળ હશે. તેનાં કેટલાંક ઉદાહરણ આપીએ તો અગાઉ ઇપીએફઓમાંથી ઉપાડ કરવા માટે અલગ અલગ 13 જોગવાઈઓ હતી. હવે તેને મર્જ કરીને ત્રણ સરળ જોગવાઈઓ કરવામાં આવશે. તેથી (1) આવશ્યક જરૂરિયાતો (2) મકાનની જરૂરિયાત અને (3) વિશેષ સંજોગો માટે નાણાં ઉપાડી શકાશે.
આવશ્યક જરૂરિયાતોમાં બીમારી, શિક્ષણ, લગ્નનો સમાવેશ થાય છે. શિક્ષણ માટે હવે 10 વખત નાણાં ઉપાડી શકાશે જ્યારે લગ્ન માટે પાંચ વખત રૂપિયા ઉપાડ કરી શકાશે. અગાઉ માત્ર ત્રણ વખત નાણાં ઉપાડી શકાતાં હતાં.
આ ઉપરાંત મકાન ખરીદવા, મકાન બાંધવા, મકાનની લોન ચુકવવા માટે પ્રોવિડન્ટ ફંડની રકમ ઉપાડી શકાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ પીએફના નાણાં ઉપાડવા માટે નોકરીના સમયગાળાના અલગ અલગ નિયમો હતા. તેમાં અમુક કૅટેગરી માટે સાત વર્ષ સુધીની સર્વિસ જરૂરી બનતી હતી. પરંતુ હવે દરેક કૅટેગરી માટે આ સમયગાળો ઘટાડીને 12 મહિના કરવામાં આવ્યો છે.
અગાઉ માત્ર કર્મચારીનું યોગદાન ઉપરાંત વ્યાજ (50થી 100 ટકા સુધી)ની રકમ ઉપાડી શકાતી હતી. હવેથી એમ્પ્લૉયરનું યોગદાન ઉપરાંત વ્યાજ ઉપાડી શકાશે.
અગાઉના માળખામાં પ્રોવિડન્ટ ફંડની રકમ ઉપાડવા પર મર્યાદાઓ હતી. પરંતુ હવે કોઈ પણ સમયે 75 ટકા સુધી રકમ ઉપાડી શકાશે.
પ્રોવિડન્ટ ફંડમાં ડૉક્યુમેન્ટેશનનું કામ પણ સરળ બનશે. અગાઉ ઘણાં બધાં કાગળ જમા કરાવવાં પડતાં હતાં, પરંતુ હવેથી ઘણા કિસ્સામાં ડૉક્યુમેન્ટેશન વગર 75 ટકા સુધી ઉપાડ કરી શકાશે.
બેરોજગાર વ્યક્તિ અગાઉ આંશિક ઉપાડ કરી શકતી હતી, પરંતુ હવે બેરોજગાર થયા પછી તરત 75 ટકા સુધી પીએફની બૅલેન્સ ઉપાડી શકાશે.
બાકીની 25 ટકા રકમ બેરોજગારીના 12 મહિના પછી ઉપાડી શકાશે.
અગાઉ નિવૃત્તિ પછી જ સમગ્ર રકમ ઉપાડી શકાતી હતી. પરંતુ નવા માળખામાં 55 વર્ષની ઉંમર પછી, વિકલાંગતા, નોકરીમાંથી છટણી, વીઆરએસ અથવા કાયમી ધોરણે દેશ છોડવા પર સંપૂર્ણ ઉપાડ કરી શકાશે.
ઇપીએસ પેન્શનની વાત કરીએ તો અગાઉ માત્ર બે મહિનાનો વેઇટિંગ પિરિયડ હતો અને બે મહિના પછી પેન્શન ઉપાડી શકાતું હતું, જ્યારે હવે 36 મહિના પછી ઉપાડ કરી શકાશે.
આ ઉપરાંત પ્રોવિડન્ટ ફંડના લઘુતમ બૅલેન્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી 25 ટકા જેટલાં યોગદાનને જાળવી રાખવામાં આવશે જેથી નિવૃત્તિના ભંડોળની બચત થઈ શકે. તેના કારણે પ્રોવિડન્ટ ફંડ ધારકો લાંબા ગાળાની બચત કરી શકશે.
ATM અને UPI દ્વારા પ્રોવિડન્ટ ફંડ ઉપાડ
ઇપીએફઓ 3.0ની નવી સિસ્ટમ હજુ લાગુ નથી થઈ પરંતુ આગામી મહિનાઓમાં તેનો અમલ થવાની શક્યતા છે. તેની એક ખાસ વાત એ હશે કે તેમાં મેમ્બર્સ માટે એક એટીએમ કાર્ડ લૉન્ચ કરવામાં આવી શકે છે. આ કાર્ડ પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ સાથે લિંક કરેલું હશે અને બૅન્કના એટીએમમાંથી ડેબિટ કાર્ડની જેમ જ ઉપાડ કરી શકાશે. જોકે, તેના માટે એક રકમની મર્યાદા રાખવામાં આવશે.
એટીએમ અને યુપીઆઈથી ઉપાડની વ્યવસ્થા માટે ઇપીએફઓના મેમ્બરનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) ઍક્ટિવ હોવો જરૂરી છે. આ યુએએન સાથે એક મોબાઇલ નંબર લિંક્ડ હશે. તેને આધાર, પાન નંબર, બેન્ક એકાઉન્ટ વગેરે સાથે જોડીને કેવાયસી અપડેટ કરેલું હોવું જરૂરી છે.
પર્સનલ વિગતોમાં ફેરફાર
ઇપીએફઓના ઘણા સભ્યો પોતાનું નામ, જન્મતારીખ, જેન્ડર વગેરે સુધારા કરાવવા માગે ત્યારે ઘણું પેપરવર્ક કરવું પડે છે અને એમ્પ્લૉયર પાસેથી ડૉક્યુમેન્ટ્સ મેળવવાં પડે છે.
પરંતુ નવા ફેરફારો પછી એમ્પ્લૉયર કે ઇપીએફઓની મંજૂરી વગર જ નામ, જન્મતારીખ, લિંગ, વૈવાહિક સ્થિતિ, નોકરીમાં જોડાયાની કે નોકરી છોડવાની તારીખમાં ફેરફાર કરી શકાશે. 1 ઑક્ટોબર, 2017 અગાઉ જે યુએએન ઇશ્યૂ થયાં હશે જેમાં ઇપીએફઓની મંજૂરી વગર કરેક્શન કરી શકાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન