મહાત્મા ફુલે અને ડૉ. આંબેડકર બંને એકબીજાને ક્યારેય મળ્યા નહોતા, છતાં ગુરુ-શિષ્ય કેવી રીતે બન્યા?

    • લેેખક, કેશવ વાઘમારે
    • પદ, બીબીસી માટે
  • વાંચવાનો સમય: 6 મિનિટ

મહાત્મા જ્યોતિબા ફુલે એવા પ્રથમ વિચારક હતા જેમણે શૂદ્ર, અતિશુદ્ર અને મહિલાઓની તમામ પ્રકારની ગુલામી સામે આંદોલન ચલાવ્યું.

આ સંઘર્ષ કરતી વખતે તેમની કહેણી અને કરણીમાં ક્યારેય કોઈ વિસંગતતા નહોતી દેખાઈ.

તેઓ વૈજ્ઞાનિક અભિગમ, ધર્મનિરપેક્ષતા અને માનવતાનાં મૂલ્યોને આધારે ભારતીય સમાજનું પુનર્ગઠન કરવા માંગતા હતા.

ડૉ. આંબેડકરે બુદ્ધ અને કબીરની સાથે જ્યોતિબા ફુલેને પણ પોતાના ગુરુ બનાવ્યા હતા.

તે બંનેનું મિલન ક્યારેય સંભવ નહોતું, કારણ કે ફુલેનું 1890માં અવસાન થયું હતું અને 1891માં ડૉ. આંબેડકરનો જન્મ થયો હતો.

જ્યોતિબા અને આંબેડકર, બંને ક્યારેય એકબીજાને મળ્યા નહોતા, છતાં ગુરુ અને શિષ્ય હતા. તેમની વચ્ચે ઊંડી વૈચારિક સમાનતા હતી.

ડૉ. આંબેડકરે જાહેર જળાશયો પર નાગરિક અધિકારો સ્થાપિત કરવા માટે ૧૯૨૦ના દાયકામાં મહાડમાં જે સંઘર્ષ શરૂ કર્યો હતો, તેની પ્રસ્તાવના જ્યોતિબા ફુલેએ બાંધી આપી હતી.

1850માં, બ્રિટિશ કાળના કાયદા હેઠળ શહેરી વસાહતો માટે નગરપાલિકાઓની સ્થાપના કરવામાં આવી હતી અને નાગરિકો માટે જાહેર પાણી પુરવઠાની વ્યવસ્થા બનાવવામાં આવી હતી.

આ જાહેર જળ સ્ત્રોત પર પાણી ભરવાને લઈને પહેલી વાર, તે સમયના અહમદનગર શહેરમાં પાણીનો વિવાદ ઊભો થયો. એક અસ્પૃશ્ય મહિલાએ કૂવાનું પાણી દૂષિત કર્યું હોવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.

પાણીના હકો માટે ક્યારેક કોર્ટમાં દાવાઓ પણ દાખલ કરવામાં આવતા હતા.

આવા જ એક કોર્ટ કેસમાં, નાગર ગાયકવાડ કેસમાં, ન્યાયમૂર્તિ રાનડે દ્વારા અસ્પૃશ્યોને જાહેર જળસ્ત્રોતો પરથી પાણી ભરવા પર પ્રતિબંધ મૂકતો ચુકાદો આપવામાં આવ્યો હતો.

પુણેમાં જાહેર જળાશયોની સ્થિતિ પણ એવી જ હતી. પુણેમાં પેશ્વાઓએ ઠેર ઠેર તળાવો બનાવડાવ્યાં હતાં, પરંતુ ત્યાં મહાર અને માંગા જાતિના લોકો માટે પાણી મેળવવાની કોઈ સુવિધા નહોતી.

પુણે નગરપાલિકા પણ તેમના પર ધ્યાન આપતી નહોતી. એપ્રિલ અને મે મહિનામાં પાણીની ખૂબ તંગી પડતી હતી, એવા સમયે ઘણા કિલોમીટર દૂરથી આવેલા દલિતો આજીજી અને વિનવણી કરતા હોવા છતાં તેમને પાણી ભરવા દેવામાં આવતું નહોતું. ઘણીવાર તેઓ તરસથી તરફડીને મરી પણ જતા હતા.

જ્યોતિરાવ એ કહેવતમાં માનતા હતા કે લોકો ઉપદેશ કરતાં ઉદાહરણ દ્વારા જલદી સમજે છે.

તેમણે 1867માં, સનાતનીઓના શાપ-ગાળથી ડર્યા વિના મહાર અને મંગા જાતિના લોકો માટે પોતાના ઘરની નજીકનો પાણીનો હોજ ખુલ્લો મૂક્યો હતો.

આનાથી સનાતનીઓનો ગુસ્સો ભડક્યો. શહેરમાં જ્યોતિબા ફુલે વિરોધી મોજું ઊભું થયું, પરંતુ તેમણે બહાદુરીથી તેનો સામનો કર્યો.

જ્યોતિબાએ સૌપ્રથમ એવા દલિતોના મનમાં આત્મ-સુધારણાનો પ્રકાશ ઉત્પન્ન કર્યો, જેઓ વર્ષોથી નિર્ભરતા, લાચારી અને પરાધીનતાની લાગણીથી પીડાતા હતા.

આંબેડકરે મહાત્મા ફુલે વિશે શું કહ્યું હતું

જ્યોતિબા ફુલેએ ડૉ. આંબેડકરની પહેલાં દલિત ચળવળ શરૂ કરનાર દાપોલીના ગોપાલ બાબાવલંકરને પણ માર્ગદર્શન આપ્યું હતું.

આ બાબતે ડૉ. આંબેડકરને ખૂબ ગર્વ હતો. પરંતુ જ્યોતિબા ફુલે અને તેમના સત્ય-શોધક સમાજના સાચા વારસા વિશે વાત કરનારા કેટલાક સત્ય-શોધક નેતાઓ જ્યોતિબાની ફિલસૂફી વિરુદ્ધ વિચારો કહેવા અને વર્તવા લાગ્યા હતા.

જ્યોતિબા ફુલેએ મનુસ્મૃતિને અપવિત્ર ગણાવી હતી, કારણ કે તેમાં શૂદ્રો પર ગુલામી લાદવામાં આવી હતી.

મહાડ સત્યાગ્રહ દરમિયાન ડૉ. આંબેડકરે આ જ મનુસ્મૃતિને બાળી નાખી હતી.

સત્યશોધક સમાજના નેતા ભાસ્કરરાવ જાદવે મનુસ્મૃતિને ટેકો આપવાનું શરૂ કર્યું હતું.

તેના પર ગુસ્સો વ્યક્ત કરતા ડૉ. આંબેડકરે કહ્યું હતું, "મને ક્યારેય જ્યોતિબાનો અનુયાયી કહેવામાં શરમ નથી લાગી."

"હું આજે પણ વિશ્વાસપૂર્વક કહી શકું છું કે હું એકમાત્ર એવો છું જે ખરેખર જ્યોતિબા પ્રત્યે વફાદાર રહ્યો છે."

"મને ખાતરી છે કે આ દેશમાં લોકોના સર્વાંગી હિત માટે જે કોઈ પક્ષ આગળ આવશે, તે કોઈ પણ નામ ધારણ કરે, તેને જ્યોતિબાની નીતિ, તેમના વિચાર અને તેમના કાર્યક્રમો લઈને જ આગળ વધવું પડશે."

"એ જ સાચી લોકશાહીનો માર્ગ છે. મહાડના સંઘર્ષથી શરૂ થયેલો માનવમુક્તિનો સંઘર્ષ આગળ પણ જ્યોતિબાના વિચારો અને નીતિ મુજબ જ ચાલતો રહેશે."

ડૉ. આંબેડકરે જ્યોતિબાના ધાર્મિક શિક્ષણ, શૂદ્રો, અતિશૂદ્રો અને મહિલાઓના વિકાસ, તેમના નાગરિક અધિકારો અને લોકશાહીના વ્યાપક વિસ્તરણ માટે સંઘર્ષ ચાલુ રાખ્યો.

આ સંઘર્ષમાં, કોઈપણ વિચારની શરૂઆત ધાર્મિક સમીક્ષાથી થાય છે. ધર્મની સમીક્ષા કરવાની આ આંતરદૃષ્ટિ તેમને જ્યોતિબા ફુલે પાસેથી મળી હતી.

ભારતીય ઇતિહાસ અને ગુલામીનો ભેદ સમજાવવા માટે જ્યોતિબા ફુલેએ 'ગુલામગિરી' અને 'અસ્પૃશ્યોની કેફિયત' જેવા ગ્રંથો લખ્યા.

મહાત્મા ફુલેએ જે આંતરદૃષ્ટિ આપી હતી, એ જ ડૉ. આંબેડકરે લખેલા પુસ્તક "હુ વેર ધ શુદ્ર્સ બિફોર?"માં જોવા મળે છે. શૂદ્રો મૂળ ક્ષત્રિય હતા. આ પુસ્તક જ્યોતિબા દ્વારા રજૂ કરાયેલી વિચારધારાનો સૈદ્ધાંતિક વિકાસ છે.

આ પુસ્તક જ્યોતિબા ફુલેને સમર્પિત કરતા અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, ડૉ. આંબેડકરે કહ્યું હતું, "આધુનિક ભારતના મહાન શૂદ્રોએ હિન્દુ સમાજના નીચલી જાતિના લોકોને ઉચ્ચ વર્ગો તરફથી કરવામાં આવતી ગુલામીથી વાકેફ કરાવ્યા અને સમજાવ્યું કે ભારતમાં સામાજિક લોકશાહી વિદેશીઓ પાસેથી મળેલી સ્વતંત્રતા કરતાં વધુ મહત્ત્વની છે."

સામાજિક સુધારા પહેલાં આવે કે રાજકીય સુધારા, તે અંગેના વૈચારિક સંઘર્ષમાં ફસાયા વિના, તેઓ જ્યોતિબાએ પહેલેથી તૈયાર કરેલી વિચારધારાને વળગી રહ્યા.

પરંતુ જ્યોતિબાની જેમ, આંબેડકર પણ સામાજિક વલણ અપનાવતા હતા, અને એ હકીકત ક્યારેય ભૂલ્યા નહીં કે અંગ્રેજોએ મહાર, માંગ, ખેડૂતો, મહિલાઓ અને મજૂરોની અવગણના કરી હતી.

જ્યોતિબાની ફરિયાદ એવી હતી કે રાષ્ટ્રીય સભા (તે સમયની કૉંગ્રેસ) નીચલા વર્ગનાં હિતો તરફ ધ્યાન આપતી નથી. આ જ સ્થિતિ પાછળથી ડૉ. આંબેડકરના સંઘર્ષમાં પણ જોવા મળી.

પ્રત્યક્ષ સામાજિક સંઘર્ષ ટાળીને માત્ર દયાભાવથી જ શૂદ્ર, અતિશૂદ્ર અને મહિલાઓની સમસ્યાઓનું નિરાકરણ કરવાના બંને વિરોધી હતા.

તેથી જ આંબેડકર પહેલાં જ્યોતિબા ફુલેએ કહ્યું હતું કે 'હિન્દુ સમાજના પુનર્નિર્માણ માટે જાતિ નાબૂદ કરવી જોઈએ'.

ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટીના કાર્યક્રમમાં, મહાત્મા ફુલેની જય! ખેડૂતોનો વિજય હો! મજૂરોનો વિજય હો! મૂડીવાદનો નાશ હો! ભિક્ષુકશાહીનો નાશ હો! જેવા નારા ગૂંજી ઊઠ્યા હતા.

જ્યોતિબાની જન્મજયંતિ અને પુણ્યતિથિ, જે પછીનાં વર્ષોમાં આંબેડકરનાં આંદોલનોમાં વ્યાપકપણે ઊજવવામાં આવતી હતી, તે કોંકણમાં ખેડૂતોના શોષણ, હિન્દુ ધર્મના કડક વર્તન, અસ્પૃશ્યો માટે શરૂ થયેલી શૈક્ષણિક ચળવળ, મહિલાઓના મુદ્દાઓ, ફિલસૂફી, નીતિઓ અને કાર્યક્રમો સામે મોટી સંખ્યામાં ઊજવાવા લાગી.

આંબેડકર કહે છે, "જ્યોતિબા બ્રાહ્મણો સિવાયના લોકોના સાચા ગુરુ છે. ફુલેએ જ દરજી, કુંભાર, વાળંદ, માછીમારો, મહાર, માંગ, ચમારોને માનવતા પાઠ શીખવાડ્યા."

"પહેલાં રાજકારણમાં અમે જ્યોતિબાના માર્ગ પર જ ચાલતા હતા. પાછળથી, મરાઠાઓ અમારાથી અલગ થઈ ગયા. કેટલાક પોતાના ફાયદા માટે કૉંગ્રેસમાં જતા રહ્યા."

"તેમાંથી, અમારામાંથી રા. બોલે હિન્દુ મહાસભામાં ગયા. કોઈ પણ ગમે ત્યાં જાય, પણ અમે જ્યોતિબાના માર્ગે જ ચાલીશું."

"અમે કાર્લ માર્ક્સ કે બીજા કોઈને પણ સાથે રાખીએ, પરંતુ જ્યોતિબાનો માર્ગ ક્યારેય છોડીશું નહીં. મારું જીવન તેમના ઉપદેશોથી ઘડાયું છે."

જ્યોતિબા ફુલેની પ્રતિમા સ્થાપિત કરવા બાબતે વિરોધ કેમ થયો?

'જનતા' અખબારમાં પંઢરીનાથ પાટીલ દ્વારા લખાયેલ જ્યોતિરાવના પ્રથમ જીવનચરિત્ર અને 'પ્રધાન' દ્વારા પ્રકાશિત અંગ્રેજી જીવનચરિત્રના અનુવાદ અંગે ફુલેના શતાબ્દી સમારોહ નિમિત્તે એક મોટી જાહેરાત શરૂ કરવામાં આવી.

ડૉ. આંબેડકરના મતે આ પુસ્તક જ્યોતિરાવની સિદ્ધિઓને સમજવામાં ખૂબ મદદરૂપ થાય તેમ હતું.

તેમની જન્મજયંતિ નિમિત્તે, 'જનતા' મેગેઝિને ફુલેના વિચારો અને તેમના વિશે લખાતા પ્રશંસાત્મક લેખો તથા જ્યોતિબા વિશે દેશમાં યોજાતા કાર્યક્રમોના અહેવાલ છાપવાનું શરૂ કર્યું.

1924માં પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશને તિલક અને વિષ્ણુ શાસ્ત્રી ચિપલુણકરની પ્રતિમાઓ શહેરમાં સ્થાપિત કરી. પરંતુ પુણેના 'સનાતની બ્રાહ્મણો' ફુલેની પ્રતિમા સ્થાપિત કરવા બાબતે વિરોધ કરતા હતા.

આ ઉપરાંત, તિલકના પક્ષે 'સત્ય શોધક કે ખ્રિસ્ત સેવક?' નામની પુસ્તિકા લખીને જ્યોતિરાવને બદનામ કરવાનો નિંદાજનક પ્રયાસ પણ થયો હતો.

અને જ્યોતિરાવના ઘરમાં ઉછેરેલું અનાથ બાળક તેમનાથી જન્મેલી વિધવાનું બાળક હોવાના પાયાવિહોણા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

આના જવાબમાં દિનકર જબાલકરે 'દેશાચે દુશ્મન' નામનું પુસ્તક લખ્યું.

આ પુસ્તક સામે ચિપલુણકરના પૌત્રે જેધે અને જબાલકર સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારે જેધે અને જબાલકર વતી કોઈ વકીલ કેસ લડવા તૈયાર નહોતો.

તે સમયે આંબેડકરે જેધે અને જબાલકરનો કેસ હાથમાં લીધો અને તેમને આ કેસમાંથી નિર્દોષ છોડાવ્યા.

પુણે શહેરમાં ફુલેની પ્રતિમાની સ્થાપનાને લઈને મ્યુનિસિપાલિટીમાં ફાટી નીકળેલી લડાઈમાં આંબેડકરના અનુયાયી પી.એન. રાજભોજ જેવા સત્યશોધક નેતાઓ જેધે અને જબાલકર સાથે લડ્યા હતા.

આંબેડકરના કહેવાથી જ્યોતિબા ફુલેની પ્રતિમા સ્થાપિત કરવા અંગે તેમણે કેશવરાવ જેધે ઉપરાંત નગરપાલિકામાં પણ ઠરાવ કરાવ્યો હતો.

પોતાના ગુરુ જ્યોતિબાનું જીવનચરિત્ર અંગ્રેજીમાં લખવાની ડૉ. આંબેડકરની તીવ્ર ઇચ્છા હતી.

તેઓ જ્યોતિબાનાં ક્રાંતિકારી અને ઐતિહાસિક કાર્યોનું મૂલ્યાંકન કરીને એક વ્યાપક જીવનચરિત્ર લખવા માંગતા હતા. આ માટે તેમણે જ્યોતિબાના બધાં ગ્રંથો એકત્રિત કર્યાં હતાં.

કેટલાંક પુસ્તકોની નકલો ઉપલબ્ધ ન થઈ, ત્યારે પ્રબોધનકર ઠાકરે દ્વારા અખબારમાં જાહેરાત આપવામાં આવી હતી કે તે પુસ્તકો પૂરાં પાડવામાં આવે.

તે સમયે ફોટોકૉપી અને ઝેરૉક્સની સુવિધા ઉપલબ્ધ નહોતી, તેથી તેમણે મુંબઈની એશિયાટિક લાઇબ્રેરી અને પુણેના ઇતિહાસ સંશોધન બોર્ડમાંથી સંદર્ભગ્રંથોની હસ્તલિખિત નકલો કરાવડાવી લીધી હતી.

આ ઉપરાંત, જ્યારે આચાર્ય અત્રેએ મહાત્મા ફુલે ફિલ્મ બનાવી, ત્યારે બોલવાની તાકાત ન હોવા છતાં તેઓ ફિલ્મના ઉદ્ઘાટનમાં ગયા હતા. તેમણે તેમની પાસેથી ઉપયોગમાં લેવાયેલા દસ્તાવેજો માંગ્યા.

માઈ આંબેડકરનાં સ્મરણ અનુસાર, આ ફિલ્મ જોતી વખતે ફુલેનાં કાર્યો અને બલિદાનને યાદ કરીને આંબેડકરની આંખો ભરાઈ આવી હતી.

ડૉ. આંબેડકરે તેમના જીવનમાં ક્યારેય વ્યક્તિપૂજા સ્વીકારી નહોતી. તેમનો દૃઢ મત હતો કે વ્યક્તિપૂજા વ્યક્તિ અને સમાજને અધોગતિ અને સરમુખત્યારશાહી તરફ દોરી જાય છે.

શિષ્ય ફક્ત તેના ગુરુ પાસેથી માર્ગદર્શન લે છે. તે પોતાના ગુરુનાં નિષ્કર્ષોને સ્વીકારવા બંધાયેલો નથી.

શિષ્ય પોતાના ગુરુના સિદ્ધાંતો કે નિષ્કર્ષોને ન સ્વીકારે તો તેમાં કોઈ કૃતઘ્નતા નથી.

કારણ કે, ભલે તે તે બાબતોનો ઇનકાર કરે, પણ તે તેના ગુરુ પ્રત્યે પૂરા આદર સાથે આ સ્વીકારવા બંધાયેલો છે: "તમે મને મારા પોતાના અસ્તિત્વના જ્ઞાન માટે જાગૃત કર્યો; તેના માટે હું તમારો આભારી છું." ગુરુને આનાથી ઓછું મેળવવાનો કોઈ અધિકાર નથી. શિષ્ય પણ વધુ આપવા માટે બંધાયેલો નથી.

બુદ્ધનું જીવન, કબીરના ઉપદેશો અને ફુલેના કાર્યના પ્રભાવમાં હોવા છતાં, ડૉ. આંબેડકર કહે છે, "કોઈ શિષ્ય પોતાના ગુરુના સિદ્ધાંતો અને નિષ્કર્ષો સાથે પોતાને બાંધે તે ગુરુ અને પોતાની દૃષ્ટિએ ખોટું છે."

"શિષ્યનું કર્તવ્ય છે કે તે આ સિદ્ધાંતો શીખે અને જો તે તેમનાં મૂલ્યો અને શુદ્ધતા પ્રત્યે સહમત હોય, તો તેનો પ્રચાર કરે. દરેક ગુરુની આ ઇચ્છા હોય છે."

તેથી, આંબેડકરે જ્યોતિબાનો આદર કરીને તે પ્રમાણે જ કર્યું.

સંદર્ભગ્રંથોઃ

1. મહાત્મા જ્યોતિરાવ ફુલેઃ – ધનંજય કીર

2. ડૉ. આંબેડકરના સહવાસમાં – ડૉ. સવિતા આંબેડકર

3. ડૉ. આંબેડકર લેખન અને ભાષણો ખંડ 18 ભાગ 3

4. કેશવરાવ જેધે ચરિત્ર – ય. દિ. ફડકે

5. સાવલીચા શોધ – નરેન્દ્ર ચપળગાવકર

6. સમતા વર્તમાન પાક્ષિક

7. જનતા

(આ લેખમાં વ્યક્ત કરાયેલા વિચાર લેખકના અંગત છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન