પશ્ચિમ બંગાળ ચૂંટણી : 'દીદી'ના ભવાનીપુરમાં વસે છે 'મિની ગુજરાત'

    • લેેખક, પ્રચેતા પંજા
    • પદ, બીબીસી બાંગ્લા, ભવાનીપુર
  • વાંચવાનો સમય: 6 મિનિટ

"કેમ છો?" — કોલકાતાના ભવાનીપુરમાં આ શબ્દો સાંભળીને ચોક્કસ આશ્ચર્ય થયા વિના ન રહે. પણ, શહેરના આ ભાગમાં ગુજરાતી ભાષા કાને પડવી સામાન્ય છે.

અહીંથી પસાર થતાં તમને ઠેર-ઠેર ગુજરાતી વાક્યો સાંભળવા મળશે. એટલું જ નહીં, ઢોકળાં, થેપલાં અને ખાખરા જેવા ગુજરાતી નાસ્તા પણ અહીંની સ્થાનિક દુકાનોમાં સરળતાથી મળી રહે છે.

તેનું કારણ એ છે કે, ભવાનીપુરમાં ગુજરાતી લોકો નોંધપાત્ર સંખ્યામાં રહે છે - એટલા મોટા પ્રમાણમાં કે, ઘણી વખત તેને "મિની ગુજરાત" તરીકે ઓળખવામાં આવે છે.

ઘણા પરિવારો અહીં દાયકાઓથી વસેલા છે, તો કેટલાક પેઢીઓથી અહીં રહે છે અને બંગાળ લાંબા સમયથી તેમનું ઘર બની ચૂક્યું છે. અન્ય રહેવાસીઓની માફક, આ સમુદાયના સભ્યો પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે.

પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન યોજવાની જાહેરાત કરાઈ છે. 23 એપ્રિલના રોજ વિધાનસભાની 152 બેઠકો પર અને બીજા તબક્કામાં 142 બેઠકો પર 29 એપ્રિલના રોજ મતદાન યોજાશે.

આસામ, કેરળ, પુડુચેરી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામ એક સાથે 4 મેના રોજ જાહેર કરાશે.

નોંધનીય છે કે વર્ષ 2011માં ભવાનીપુર બેઠકની વિધાનસભાની પેટાચૂંટણીમાં 54000 મતના માર્જિનથી જીત મેળવીને મમતા બેનરજી રાજ્યમાં ડાબેરી શાસનનો અંત લાવી પ્રથમ વખત મુખ્ય મંત્રી બનવામાં સફળ રહ્યાં હતાં. વર્ષ 2011માં ભવાનીપુરથી જીત હાંસલ કર્યા બાદ તેમણે લોકસભાનાં સાંસદપદેથી રાજીનામું આપી દીધું હતું.

આ સિવાય વર્ષ 2021માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સુવેંદુ અધિકારી સામે નંદિગ્રામ વિધાનસભા બેઠક પર હારનો સામનો કર્યા બાદ તેઓ ભવાનીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં પોતાના અગાઉના રેકૉર્ડને તોડીને 58 હજાર મત કરતાં વધુની સરસાઈ મેળવવામાં સફળ રહ્યાં હતાં અને પોતાનું મુખ્ય મંત્રીપદ સફળતાપૂર્વક જાળવી રાખ્યું હતું.

ભવાનીપુર વિધાનસભા બેઠક અને ગુજરાતી મતદાતા

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં ભવાનીપુરની ગણના હાઇ-પ્રોફાઇલ વિધાનસભા બેઠકમાં થાય છે. હાલમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી તેનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે, જેઓ સપ્ટેમ્બર, 2021માં વિક્રમી માર્જીન સાથે આ બેઠક પર જીતી આવ્યાં હતાં.

2026ની વિધાનસભા ચૂંટણી પહેલાં, ભવાનીપુર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે, પશ્ચિમ બંગાળનાં વર્તમાન મુખ્ય મંત્રી તૃણમૂલ કૉંગ્રેસનાં ઉમેદવાર તરીકે ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે, તો સામે પક્ષે વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી ભાજપના ઉમેદવાર તરીકે મમતાની સામે મેદાનમાં ઊતર્યા છે.

ભવાનીપુર શહેરી બેઠક છે, જ્યાં બંગાળી, શીખ, ગુજરાતી તથા જૈન સમુદાયોની વૈવિધ્યપૂર્ણ વસતી આવેલી છે.

ભવાનીપુરમાં ગુજરાતીઓનું મહત્ત્વ કેમ છે?

અહીંની કુલ પૈકીની આશરે 40 ટકા વસતી ગુજરાતીઓની છે.

ભવાનીપુરમાં તેઓ ઐતિહાસિક રીતે પ્રભાવશાળી સમુદાય તરીકેનો દરજ્જો ધરાવે છે.

કોલકાતા મ્યુનિસિપલ કૉર્પોરેશનના વૉર્ડ નંબર 70, 71 અને 72માં મુખ્યત્વે ગુજરાતીઓ રહે છે. તેઓ મૂળ વ્યવસાય તેમજ ધંધાર્થે દાયકાઓથી અહીં આવીને વસ્યા છે. તેઓ તેમની પોતાની શિક્ષણ સોસાયટી, એનજીઓ, કલ્યાણકારી સંગઠનો ચલાવે છે, જ્યાં તેઓ અન્ય સમુદાયને પણ મદદ કરે છે.

ભવાનીપુરમાં ગુજરાતીઓની ઐતિહાસિક હાજરી

એવું કહેવાય છે કે, જ્યારે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તત્કાલીન કલકત્તાને મહત્ત્વનું વેપાર કેન્દ્ર બનાવ્યું, ત્યારે પશ્ચિમ ભારતના વેપારીઓ આ પ્રદેશમાં આવવા માંડ્યા.

ગુજરાતીઓ - ખાસ કરીને વાણિયા, જૈન અને વૈષ્ણવ વેપારીઓ કપાસ, અફીણ અને કાપડના વેપાર, બૅન્કિંગ અને નાણાં ધીરવા માટે અહીં આવ્યા.

શરૂઆતમાં તેઓ ભવાનીપુરમાં નહીં, બલ્કે બડા-બઝાર જેવા વ્યાવસાયિક વિસ્તારોની નજીક વસતા હતા, જે કોલકાતાનું સૌથી મોટું બજાર હતું.

20મી સદીના પ્રારંભ દરમિયાન કોલકાતાનું વિસ્તરણ થયું, તે સાથે ગુજરાતી સમુદાય ભીડભાડભર્યા વિસ્તારોથી દૂર જઈને દક્ષિણ તરફ જવા માંડ્યો. તેમણે ભવાનીપુરની પસંદગી કરી, કારણ કે, આ વિસ્તાર તેમના વ્યવસાયના વિસ્તારોની નજીક હતો.

અહીં ભવાનીપુર ગુજરાત એજ્યુકેશન સોસાયટી, ગુજરાતી યુવાનો માટે શાળા અને કૉલેજો, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને ધર્મશાળા જેવાં ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં. આ તમામ પરિબળોને કારણે સંસ્કૃતિમાં ભાષાનું સંવર્ધન કરવામાં મદદ મળી અને વધુને વધુ ગુજરાતીઓને અહીં આવીને વસવાટ કરવાનું ઇજન મળ્યું. ભવાનીપુર દક્ષિણ કોલકાતામાં ગુજરાતીઓનો મહત્ત્વનો વિસ્તાર બની ગયો.

ભવાનીપુરની ચૂંટણીમાં ગુજરાતી સમુદાયનો પ્રભાવ

તમામ રહીશોની માફક, ભવાનીપુરના ગુજરાતીઓ ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લે છે. આ વિસ્તારમાં થતો ચૂંટણી પ્રચાર આ વૈવિધ્યનું પ્રતિબિંબ પાડે છે - ઠેક-ઠેકાણે ગુજરાતીમાં પોસ્ટરો અને બૅનરો લાગેલાં જોવા મળે છે.

શરત બોઝ માર્ગ ઉપર, "મમતા બેનરજીને મત આપો" - એવો અનુરોધ કરતાં ગુજરાતીમાં લખેલાં લખાણો દીવાલો પર જોઈ શકાય છે. જુદી-જુદી ભાષાઓમાં આપવામાં આવેલા રાજકીય સંદેશાઓ નિર્ણાયક મતદાતા વર્ગ તરીકે આ સમુદાયનું મહત્ત્વ દર્શાવે છે.

આગામી ચૂંટણી વિશે ગુજરાતી રહેવાસીઓ શું કહી રહ્યા છે?

'શ્રી કલકત્તા ગુજરાતી સમાજ'ના ટ્રસ્ટી રાજેશ વાઘાણીએ જણાવ્યું હતું, "અમે ત્રણ પેઢીઓથી અહીં રહીએ છીએ. મારા દાદા ગુજરાતના ભાવનગરથી અહીં આવ્યા હતા અને તેમણે તેમનો વ્યવસાય શરૂ કર્યો હતો. મારો જન્મ તથા ઉછેર અહીં જ થયો છે. આ પક્ષ 15 વર્ષ પહેલાં સત્તા પર આવ્યો હતો. અમારા માટે તો આ એક સામાન્ય ચૂંટણી જ છે, કારણ કે, અમે આ અગાઉ ઘણી ચૂંટણીઓ જોઈ ચૂક્યાં છીએ."

મમતા બેનરજીને "દીદી" તરીકે સંબોધતાં તેમણે કહ્યું હતું, "અહીંની બેઠક પર દીદી છે અને જે કોઈ પણ મુખ્ય મંત્રી સામે ઊભું રહેશે, તેને લઈને ચર્ચા તો થવાની જ. ભવાનીપુર એક સમૃદ્ધ જગ્યા છે. સુવેન્દુ અધિકારી મમતા બેનરજી સાથે રાજકીય ઇતિહાસ ધરાવે છે. તેમણે નંદિગ્રામમાં મમતા બેનરજીને હરાવ્યાં હતાં. આથી, અહીં શું થાય છે, તે જોવા સૌ ઉત્સુક છે. આ કૉસ્મોપોલિટન મતવિસ્તાર છે. અહીં તમને દર વખતે જુદી ભાષાઓમાં ચૂંટણીનાં લખાણો લખેલાં જોવા મળશે."

પશ્ચિમ બંગાળમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવીઝન (એસઆઇઆર) હેઠળ લગભગ 91 લાખ લોકોનાં નામ હટાવવામાં આવ્યાં હતાં. તે વિશે વાત કરતાં વાઘાણીએ કહ્યું હતું, "અમે દાયકાઓથી અહીં રહીએ છીએ. હાલના તબક્કે તો અમારા સમુદાયમાં કોઈ મતદારનું નામ અતાર્કિક રીતે દૂર કરવામાં આવ્યું નથી."

ભવાનીપુરમાં ગુજરાતી મહિલાઓ દ્વારા 'શ્રી ગુજરાતી મહિલા મંડળ' નામની સ્વૈચ્છિક સંસ્થા ચલાવવામાં આવે છે.

આ મહિલાઓ વિવિધ પ્રકારનાં થેપલાં, ખાખરા, પાપડી અને નાસ્તાઓ બનાવીને તેમનું વેચાણ કરે છે. તેમને ચૂંટણી કરતાં એલપીજી કટોકટીની ચિંતા વધુ સતાવી રહી છે. સોસાયટીનાં મૅનેજર દર્શના શાહે બીબીસીને કહ્યું હતું, "હું લગ્ન થયાં બાદ અહીં આવી હતી. હું વર્ષોથી અહીં રહું છું. ચૂંટણી આવે છે અને જાય છે, પણ વર્તમાન સ્થિતિમાં વ્યવસાય ચલાવવાનું મુશ્કેલ બની રહ્યું છે. અગાઉ અમને 1900 રૂપિયામાં કૉમર્શિયલ સિલિન્ડર મળી રહેતો હતો, પણ હવે એ જ સિલિન્ડર માટે અમારે 4,300 રૂપિયા ચૂકવવા પડે છે. તેમ છતાંયે સમયસર સિલિન્ડર મળતો નથી. તેના વિશે કોઈ વાત નથી કરતું."

સમુદાયનાં અન્ય સભ્ય સ્મિતા શાહે જણાવ્યા પ્રમાણે, "અમે જરૂરિયાતમંદ મહિલાઓની સહાયાર્થે એનજીઓ ચલાવીએ છીએ. અહીં 10 મહિલાઓ કામ કરે છે. તેઓ ગુજરાતી નાસ્તા બનાવે છે અને લોકો તે ખરીદે છે. માત્ર ગુજરાતી જ નહીં, બલ્કે અમે બંગાળી સહિતના તમામ સમુદાયોને મદદ કરીએ છીએ. અહીં કોઈ એવી સીમાઓ આંકેલી નથી. અહીં રહેવામાં અમને કોઈ મુશ્કેલી પડતી નથી."

ગુજરાતીને લઈને થયેલા વિવાદો

તાજેતરમાં જ તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો હતો.

જોકે, ભવાનીપુરના ઘણા રહેવાસીઓએ આને લઈને આકરી પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું અને જણાવ્યું હતું કે, શાસક પક્ષે તે ટિપ્પણીઓથી અંતર કરી લીધું હતું.

ભવાનીપુર કોલકાતાની કૉસ્મોપોલિટન ઓળખનું અનોખું દૃષ્ટાંત છે. અહીં વિવિધ સંસ્કૃતિઓનો સમન્વય થાય છે. અહીંના ગુજરાતી સમુદાય માટે આગામી ચૂંટણી મહત્ત્વની છે, પણ સાથે જ, વ્યવસાય તથા સ્થિરતા પણ એટલાં જ અગત્યનાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન