ગુજરાત: ગાંધીજીએ દારૂનો વિરોધ કરવાનું કેમ શરૂ કર્યું, તેના વિકલ્પો અંગે શું કહ્યું?

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 6 મિનિટ

એપ્રિલ 2026ના આરંભે ગુજરાત સરકારે એક થ્રી-સ્ટાર હોટેલને, ચોક્કસ શરતોને આધીન, દારૂ વેચવાની મંજૂરી આપી. આવી આ પહેલી છૂટછાટ નથી. છતાં તે ગાંધીજીના જન્મસ્થળ તરીકે જાણીતા પોરબંદરમાં અપાઈ હોવાથી ટીકાનો સૂર ઊઠ્યો.

ગુજરાત રાજ્ય દારૂબંધીના કાયદા જેટલું જ તેના નિષ્ફળ અમલ માટે પણ જાણીતું છે. રાજ્યમાં દારૂબંધીનો કાયદો તેના અમલ માટે જરૂરી દૃષ્ટિ અને નિષ્ઠાના અભાવે મજાક બનીને રહી ગયો છે.

પરિણામે, લોકો કાયદાના અમલને બદલે દારૂબંધીના ટીકાકાર બન્યા છે.

દાયકાઓ પહેલાં ગાંધીજીએ મદ્રાસ (ચેન્નઈ)માં દારૂબંધી વિશે બોલતાં કહ્યું હતું, "સાચી વસ્તુ ખોટી રીતે કરવાનો તમે પ્રયાસ કરો અને પછી ખોટી રીતને વગોવવાને બદલે સાચી વસ્તુને વગોવો…" (6-9-27, ગાંધીજીનો અક્ષરદેહ 34/446) આ ટકોર અને તેના મૂળમાં રહેલી માનસિકતા એક સદીના સમયગાળા પછી પણ બદલાયાં નથી.

'મહાત્મા' બન્યા પહેલાંના અનુભવો

સામાન્ય છાપ એવી છે કે દારૂબંધીની ઝુંબેશ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પછી, સત્યાગ્રહની ચળવળની સાથે ઉપાડી હશે. પરંતુ વાસ્તવમાં એ ક્ષેત્ર ગાંધીજીની નજરમાં બહુ વહેલું આવી ગયું હતું.

વર્ષ 1893માં તે દક્ષિણ આફ્રિકા ગયા, એ જ વર્ષે ત્યાં રહેતા ભારતીય મહિલા-પુરુષોમાં તેમણે દારૂનું વ્યસન અને તેની ખરાબ અસરો જોયાં.

એટલે તેમણે પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું, "શરાબની બદીનો જેટલો મને કડવો અનુભવ થયો છે, તેટલો જાહેર કામ કરનારા સેવકોમાંના કોઈને થયેલો મારી જાણમાં નથી."

"દક્ષિણ આફ્રિકામાં ગિરમીટ (અર્ધગુલામી)માં જતા હિંદીઓમાંના ઘણાને શરાબ પીવાની આદત પડેલી હોય છે…"

"તેઓની જે દશા મેં જોઈ એ અત્યંત કરુણાજનક હતી. તે જોનાર કોઈ દિવસ દારૂ પીવાનું સમર્થન ન કરે…"

"સારા ગણાતા અંગ્રેજોને પણ મેં ગટરમાં આળોટતા જોયા છે. (હરિજનઉદ્ધાર અને દારૂબંધી, ગાંધી પરિચય પુસ્તિકા, સંપાદનઃ વનમાળા દેસાઈ, પૃ 26-27)

દક્ષિણ આફ્રિકામાં તેમણે 'સત્તાવિહોણો માણસ વાપરી શકે એવા બધા ઉપાય' અજમાવી જોયા, પણ એકેયમાં સફળતા ન મળી.

દક્ષિણ આફ્રિકાની અંગ્રેજ સરકારે દારૂ માટે નીમેલા એક કમિશનને ગાંધીજીએ એક નોંધ લખીને આપી. તેનું પણ કશું પરિણામ આવ્યું નહીં. (14-3-29, ગાંધીજીનો અક્ષરદેહ, 40/139)

દારૂના વિરોધનાં કારણ, દારૂબંધીના અમલની રીત

ધર્મ અને નીતિ સાથે અને નીતિને જાહેર જીવન સાથે એકરૂપ કરવાની ગાંધીજીની મથામણ આજીવન રહી. તેમાં દારૂબંધીનો મુદ્દો પણ પહેલેથી છેલ્લે સુધી મહત્ત્વના સ્થાને રહ્યો.

તે સ્પષ્ટપણે માનતા હતા કે, 'સંપૂર્ણ દારૂબંધી કરવી જ્યાં સહેલી હોય એવું એક પણ સ્થાન આ પૃથ્વી પર હોય તો તે હિંદુસ્તાન છે. એનું કારણ એટલું જ કે ઈશ્વરકૃપાએ હજુ અહીં મદ્યપાનને જરાયે પ્રતિષ્ઠા મળી નથી. એને હજુ અધમ વ્યસન ગણવામાં આવે છે.' (નવજીવન, 4-9-27, પૃ.6)

તે માનતા હતા કે કેટલાક પશ્ચિમી દેશોની જેમ ભારતમાં દારૂ પીવો એ 'સામાજિક રિવાજ'નો હિસ્સો ન હતો.

એટલું જ નહીં, હિંદુ અને ઇસ્લામ એ બંને ધર્મોમાં દારૂ પીવાની મનાઈ હોવાથી એ ધર્મવિરુદ્ધ પણ હતું.

પારસીઓની એક સભાને ઉદ્દેશીને તેમણે કહ્યું હતું,'દારૂ પીવાની આદત પારસીમાં ક્યાંથી હશે તે હું નથી જાણતો. જરથુષ્ટ્ર પેગંબરે દારૂ પીવાની રજા આપી હોય એવું હું કબૂલ ન જ કરી શકું, પણ જે અક્કલથી ઊલટું હોય તે શાસ્ત્ર તરીકે ઓળખાય તોપણ શાસ્ત્ર ન હોય. અનીતિ શીખવે એ શાસ્ત્ર ન હોય. ઉત્તર ધ્રુવમાં શરાબની જરૂર ભલે ગણાય. સમશીતોષ્ણ કટિબંધમાં દારૂ પીવો એ તો મહાપાપ છે.' (10-9-21, ગાંધીજીનો અક્ષરદેહ 21/73)

ગાંધીજી દારૂને સૌથી મોટું અને સૌથી ભયંકર વ્યસન માનતા હતા.

કેમ કે, તેનાથી ગરીબ માણસોના તન અને મન બંનેની પાયમાલી થતી હતી.

તે રોકવા માટે ગાંધીજી દારૂબંધીના ચુસ્ત આગ્રહી હતા, પણ તેમના આગ્રહમાં રહેલી કડકાઈ પકડનારા, ગાંધીજીએ આપેલું આખું ચિત્ર જોવાનું ચૂકી ગયા અથવા તેમણે તેને ગણકાર્યું નહીં.

ગાંધીજીએ કહ્યું હતું, "જો મને એક કલાક માટે પણ આખા હિંદનો સરમુખત્યાર નીમવામાં આવે તો સૌથી પહેલું કામ હું એ કરું કે દારૂના એકેએક પીઠાને કશું વળતર આપ્યા વિના બંધ કરી દઉં." આવું કહેનારા ગાંધીજીએ પછી જે વિચાર મુક્યો, તે અત્યંત મહત્ત્વનો હતો.

તેમણે કહ્યું હતું, "કારખાનાવાળા પાસે મજૂરો માટે મનુષ્યને યોગ્ય એવી સ્થિતિ પેદા કરાવું અને આ મજૂરોને જ્યાં નિર્દોષ પીણાં અને તેટલાંજ નિર્દોષ મનોરંજનનાં સાધનો મળે એવાં ઉપાહારગૃહો અને ક્રીડાગૃહો ખોલાવું. કારખાનાંના માલિકો જો નાણાંની તંગીનું કારણ બતાવે તો હું તેમનાં કારખાનાં બંધ કરી દઉં."

મતલબ, ગરીબ-શ્રમજીવી વર્ગ માટે મનોરંજનના બીજા નિર્દોષ વિકલ્પો ઊભા કરવા, એ પણ દારૂબંધીના કડક અમલ માટે ગાંધીજીએ અનિવાર્ય ગણાવ્યું હતું.

દારૂબંધી એટલે કેવળ દંડાત્મક કાર્યવાહી જ નહીં, એવી સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું,"મદ્યનિષેધ [દારૂબંધી]ના કાયદાનો ભંગ કરનારને પકડીને તેના પર કામ ચલાવવું એ મદ્યનિષેધનો નજીવો અને ખંડનાત્મક ભાગ છે."

"હું તેનો ઘણો મોટો અને રચનાત્મક ભાગ સૂચવું છું. લોકો દારૂ પીએ છે તેનું કારણ તેમની દુર્દશા છે. કારખાનામાં કામ કરનાર અને બીજા મજૂરો દારૂ પીએ છે."

"તેમની સ્થિતિ અનાથ જેવી છે. તેમની કોઈ સંભાળ લેતું નથી; તેથી તેઓ દારૂના વ્યસનમાં પડે છે. તેઓ સ્વભાવે દુષ્ટ નથી હોતા, જેમ નહીં પીનારા સ્વભાવે સાધુ નથી હોતા."

"મોટા ભાગના લોકો આજુબાજુના સંજોગોને આધીન હોય છે. (હરિજનઉદ્ધાર અને દારૂબંધી, પૃ. 28)"

આગ્રહ અને આત્યંતિકતા વચ્ચેનો તફાવત

દારૂબંધીના ચુસ્ત આગ્રહી હોવા છતાં ગાંધીજીએ કહ્યું હતું, "મારા યુરોપિયન મિત્રો અને માંદા માણસો જેમને બ્રાંડી કે એવી ચીજની દવા તરીકે જરૂર હોય તે સૌની સરકારી ખરચે હોશિયાર ડૉક્ટરો પાસે તપાસ કરાવડાવું અને જ્યાં જરૂર હોય ત્યાં તેમને પ્રમાણપત્રોવાળા દવાના વેપારીઓ પાસેથી ઠરાવેલા પ્રમાણમાં આ જલદ પીણાં મેળવવાનો અધિકાર આપનારાં પ્રમાણપત્રો આપવામાં આવે એવી ગોઠવણ કરું." (હરિજનોદ્ધાર અને દારૂબંધી, પૃ. 18-19)

દારૂ ન પીવાથી કોઈ સાધુચરિત બની જતું નથી એવી સમજ અને જેને તબીબી ધોરણે જરૂર હોય તેને પૂરતી ચકાસણી પછી દારૂ મળવો જોઈએ એટલી છૂટછાટ–આ બંને બાબતો ગાંધીજીના વલણની વ્યાપકતા સૂચવે છે.

શું ત્યારે કે શું અત્યારે, સરકારો માટે દારૂબંધીના અમલ આડેનું સૌથી મોટું પરિબળ હોય તો તે સરકારને દારૂના સત્તાવાર ધંધામાંથી થતી સત્તાવાર આવક.

તેને આગળ ધરીને એવી દલીલ પણ થતી રહી છે કે દારૂ પરના વેરાની આવક શિક્ષણકાર્ય કે એવાં બીજાં સારાં કામોમાં વપરાય છે અને જો દારૂબંધી કરવામાં આવશે, તો તે કાર્યો પર અસર પડશે.

ખાડો પુરવાની ખટપટ

છેક 1937માં પહેલી વાર દેશના કેટલાક પ્રાંતોમાં કૉંગ્રેસની સરકાર રચાઈ અને સરકારી રાહે દારૂબંધીના અમલનો પ્રશ્ન આવ્યો, ત્યારે ગાંધીજીએ ત્યારની સ્થિતિ વિશે કહ્યું હતું,"પ્રધાનો પાકી વાણિયાશાઈ ઢબે દારૂબંધીના કાર્યક્રમો દોરી રહ્યા છે."

"દારૂબંધીને વિસ્તારવા જતાં સરકારી આવકમાં પડનારો ખાડો જ તેમને આંખ સામે દેખાયા કરે છે." (હરિજનઉદ્ધાર અને દારૂબંધી, 21-22)

ગાંધીજીનો અભિગમ એવો હતો કે લશ્કરી ખર્ચ પર કાપ મૂકવાથી જે રૂપિયા બચશે, તેના કારણે દારૂબંધીથી સરકારને થતી આર્થિક ખોટ સરભર થઈ રહેશે.

આ સિવાય નવા કર નાખીને પણ તે ખોટ ભરપાઈ કરવાનું તેમણે સૂચવ્યું હતું.

તે એવું પણ માનતા હતા કે દારૂબંધીને કારણે મજૂરોને થતો ફાયદો સરવાળે કારખાનાંના માલિકને આર્થિક લાભ કરાવશે.

એટલે, તેમની પાસેથી પણ સરકાર ખોટનો થોડો હિસ્સો ભરપાઈ કરાવી શકે.

દારૂબંધીથી સરકારને આર્થિક ખોટ થાય છે, એવી દલીલ જોરશોરથી કરનારા લોકો માટે તેમણે કહ્યું હતું કે કુદરતી આફતો જેવા પ્રસંગે આખા પ્રાંતને ખોટનો મોટો ખાડો પડે છે. છતાં તે સરકાર અટકી પડતી નથી.

તો પછી દારૂબંધીથી થનારી ખોટ તે કેમ ન સહે? એ વિશે તેમનું વ્યાપક સિદ્ધાંતવાક્ય હતું, "પુણ્ય કહો, શોભા કહો એ તો એમાં જ રહેલું છે કે જે ઉચિત વસ્તુ છે તે યોગ્ય અવસરે કરી છૂટવું અને ફરજિયાત કરવી પડે ત્યાં સુધી તેને ઠેલવી નહીં." (હરિજનઉદ્ધાર અને દારૂબંધી, પૃ.21-22)

બધી દલીલો ખૂટી જાય ત્યારે છેલ્લી દલીલ દારૂ પીનારના 'અધિકાર'ની આવતી હતી. તેને સદંતર ફગાવી દેતાં ગાંધીજીએ કહ્યું હતું કે દારૂ પીનારને તે ટેવમાંથી છૂટવાની ફરજ ન પાડી શકાય એટલું જ નહીં, તેમને એ માટેની સગવડ પણ કરી આપવી જોઈએ એવી દલીલ "ઉપર ઉપરથી તથ્યવાળી ભાસતી છતાં ખરી રીતે પોલી દલીલથી તમે ભરમાશો મા. રાજ્ય પોતાની પ્રજાની બુરી આદતોને માટે બંદોબસ્ત કરી આપતું નથી." (હરિજનઉદ્ધાર અને દારૂબંધી, 30)

દલિત સમાજના લોકો દારૂ છોડે તેની પર ગાંધીજી વિશેષ ભાર મૂકતા હતા.

એ બાબતે તેમની ક્યારેક ટીકા પણ થતી હતી અને એવો સવાલ પણ પૂછાતો હતો કે તમે ફક્ત દલિત સમાજના લોકોને જ કેમ દારૂ છોડવા કહો છો?

ત્યારે તેઓ સ્પષ્ટતા કરતા હતા કે દારૂબંધીનો કાયદો બધાને લાગુ પડવો જોઈએ–ધનિકો અને સૈનિકો સુદ્ધાં તેમાંથી બાકાત રહેવા જોઈએ નહીં. હત્યાનાં ત્રણ અઠવાડિયાં પહેલાં દિલ્હીની પ્રાર્થનાસભામાં તેમણે કહ્યું હતું કે દલિતો માટે તો આરામ અથવા દિલ બહેલાવવાનું બીજું કોઈ સાધન નથી મળતું. તેથી દારૂ પીને એ લોકો પોતાનું દુઃખ ભૂલી જવા ઇચ્છે છે. પરંતુ પૈસાવાળા અને સોલ્જરોને દારૂ પીવાને એટલુંય કારણ નથી…" (8-1-48, પ્રાર્થનાસભા પ્રવચન, દિલ્હી ડાયરી, પૃ 376)

ગાંધીજીને લાગતું હતું કે ભારતમાં દારૂબંધી સફળ થશે, પરંતુ ગુજરાતમાં એ દિશામાં જે કંઈ પ્રયાસો થયા, તેમાં દંડા પર વધારે ને રચનાત્મક પર નહીંવત્ જોર હતું. એટલે પરિણામ અમેરિકાની દારૂબંધી જેવું જ મળ્યુંઃ ભ્રષ્ટાચાર, લઠ્ઠાકાંડો અને લતીફ જેવા ગુંડા, પણ એ નિષ્ફળતા માટે દારૂબંધી કરતાં તેનો અપૂરતો-અયોગ્ય-ભાંગ્યાતૂટ્યો અમલ વધારે કારણભૂત હતો.

ગાંધીજીએ ચીંધેલાં બાકી તમામ મૂલ્યોની બાબતમાં પોરબંદર અને ગુજરાત અવળા રસ્તે એટલાં આગળ નીકળી ચૂક્યાં છે કે દારૂબંધીના મુદ્દે તેમને ગાંધીજીની આણ આપતાં ખચકાટ થાય અને પોરબંદર-ગુજરાત સાથેનો ગાંધીજીનો સંબંધ વર્તમાન સંદર્ભે કેવળ ભૌગોલિક સંયોગ લાગે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન