You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધનવાન બનવામાં માતાપિતાની સંપત્તિ કેવી રીતે મુખ્ય ભૂમિકા ભજવી શકે?
- લેેખક, લુઈસ વિકર્સ અને અન્ના બડ
- પદ, બીબીસી ન્યૂઝ
- વાંચવાનો સમય: 6 મિનિટ
બ્રિટિશ ઇતિહાસકાર એલિજા ફિલ્બીનું કહેવું છે કે તેમને કોઈ કંપનીમાં પ્રવચન માટે આમંત્રિત કરવામાં આવે છે ત્યારે તેઓ કંપનીના માલિકોને એ મહત્ત્વપૂર્ણ મુદ્દો સમજાવવાનો આગ્રહ રાખે છે કે આજના ઑફિસના કામના વાતાવરણને સમજવા માટે જરૂરી બાબતો કઈ છે.
"તમને ખ્યાલ છે કે 45 વર્ષથી ઓછી વયના તમારા કર્મચારીઓ ઘર ખરીદવા માટે તેમના બૉસ પ્રત્યેની વફાદારી કરતાં તેમનાં માતાપિતા પ્રત્યેની વફાદારી પર વધારે આધાર રાખે છે?"
એલિજા ફિલ્બી યુનાઇટેડ કિંગ્ડમમાંના બેસ્ટ સેલર પુસ્તક 'ઇનહેરિટોક્રેસીઃ ઇટ્સ ટાઇમ ટુ ટૉક અબાઉટ ધ બૅન્ક ઑફ મમ ઍન્ડ ડેડ'નાં લેખિકા છે.
એક ચોક્કસ પેઢી – બેબી બૂમર્સ (1946થી 1964ની વચ્ચે જન્મેલા લોકો) દ્વારા સંચિત આર્થિક સંપત્તિએ આર્થિક વ્યવસ્થાને કેવી રીતે આકાર આપ્યો છે અને ભવિષ્યની પેઢીઓ તે અનુસાર કેવી રીતે અનુકૂલન સાધવું પડ્યું છે તથા એ મુજબ કાર્ય કરવું પડ્યું છે તેનું વિશ્લેષણ એલિજા ફિલ્બીએ આ પુસ્તકમાં કર્યું છે.
બીબીસી પૉડકાસ્ટ રેડિકલના હોસ્ટ અમોલ રાજન સાથે વાત કરતાં એલિજા ફિલ્બીએ જણાવ્યું હતું કે પુસ્તકનું શીર્ષક 'ઇનહેરિટોક્રેસી' ખૂબ વિચાર કર્યા પછી પસંદ કરાયું હતું.
તે 'મેરિટોક્રેસી' (યોગ્યતાવાદ)ની બિલકુલ વિરુદ્ધ છે. તેનો અર્થ એ છે કે સખત મહેનત સફળતા અને સારી તકો તરફ દોરી જાય છે.
તેમણે જણાવ્યું હતું કે આપણને વારસામાં મળેલો સમાજ, તમે કેટલી કમાણી કરો છો અથવા કેટલું શીખો છો તેના પર આધારિત નથી, પરંતુ તમારાં માતાપિતાની કેટલી સંપત્તિ તમારી પાસે છે તેના પર આધારિત છે. તે નક્કી કરે છે કે તમારી પાસે કઈ તકો છે, ભવિષ્યમાં તમે આર્થિક રીતે કેટલા સુરક્ષિત રહેશો અને તમારા કાર્યકારી જીવનમાં તમને કઈ તકો મળશે.
ધનવાન બનવાની દિશા કેવી રીતે નક્કી થઈ શકે?
એલિજા ફિલ્બી દલીલ કરે છે કે આ વલણ જનરેશન ઍક્સ (1965થી 1980 વચ્ચે જન્મેલા લોકો), મિલેનિયલ્સ (1981થી 1996 વચ્ચે જન્મેલા લોકો), જનરેશન ઝેડ (1997થી 2012 વચ્ચે જન્મેલા લોકો અને જનરેશન આલ્ફા (2013થી 2024 વચ્ચે જન્મેલા લોકો) પર ઊંડી અસર કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એલિજા ફિલ્બી સમજાવે છે કે "મેરિટોક્રેસી" શબ્દ એક ચેતવણી તરીકે બનાવાયો હતો. આ શબ્દ બ્રિટિશ સમાજશાસ્ત્રી માઇકલ યંગે એક મજાક તરીકે બનાવ્યો હતો.
માઇકલ યંગે તેમના પુસ્તક 'ધ રાઇઝ ઑફ મેરિટોક્રેસી'માં એક એવા સમાજનું વર્ણન કર્યું છે, જેમાં સખત મહેનત અને યોગ્યતા દ્વારા મેળવવામાં આવતી સફળતાને નૈતિક રીતે ન્યાયી ગણવામાં આવતી, તેમજ નિષ્ફળતા માટે વ્યક્તિને દોષિત ઠેરવાતી. આ કટાક્ષપૂર્ણ અર્થ સમય જતાં ઝાંખો પડી ગયો અને તેનો ઉપયોગ પ્રશંસા તરીકે થવા લાગ્યો.
એલિજા ફિલ્બીના મતાનુસાર, આ ગેરસમજ આજની પેઢીની હતાશાને સમજાવવામાં મદદરૂપ થશે.
તેમણે કહ્યું હતું, "કઠોર મહેનતનું ફળ મળે છે. તે કોઈ પણ લોકશાહીનો પાયો છે," પરંતુ સમસ્યા એ છે કે આપણે યોગ્યતાને ફક્ત પરીક્ષા પાસ કરવા, ડિગ્રી મેળવવા અને એક જ શૈક્ષણિક માર્ગ પર ચાલવા પૂરતી મર્યાદિત કરી નાખી છે.
મહેસૂલી આવકમાં વધારો થતાં સરકારોએ ગ્રામ્ય અથવા મજૂર વર્ગના યુવાનોને લોકશાહી ઢબે તકો પૂરી પાડવાના માર્ગો શોધ્યા અને તેના માટે ઉચ્ચ શિક્ષણને આધાર બનાવ્યું.
એલિજા ફિલ્બી માને છે કે તેની પાછળનો હેતુ સારો હતો. સાંસ્કૃતિક અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વધુ લોકો માટે યુનિવર્સિટીમાં જવાના રસ્તા ખોલવાનું ફાયદાકારક સાબિત થયું.
1990ના દાયકા પછી સફળતાનો એક જ આદર્શ ઊભરી આવ્યોઃ ભણો, યુનિવર્સિટીઓમાં જાઓ, ડિગ્રી મેળવો અને સ્થિર નોકરી શોધો. અલબત્ત, આ સિસ્ટમ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર દરેક વ્યક્તિ માટે સફળતા સુનિશ્ચિત કરી શકી ન હતી. પરિણામે, ઘણા યુવાઓ દેવામાં ડૂબી ગયા, પરંતુ સ્થિરતાની કોઈ ગૅરંટી ન હતી.
ઘણા યુવાનો માટે યુનિવર્સિટીમાં અભ્યાસ ન કરવો એક વ્યવહારુ વિકલ્પ ન બની રહ્યું અને જે લોકો યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયા હતા, તેમના માટે પણ યુનિવર્સિટીની ડિગ્રી મેળવવાની કિંમત આસમાને પહોંચતાં તેનું નાણાકીય મૂલ્ય ઘટવા લાગ્યું.
મોટા ભાગના કિસ્સામાં, તેની સૌથી વધુ અસર એવી યુવાનોને થઈ હતી, જે સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા હતા અને પોતાના પરિવારોને ટેકો આપવા માટે વધારે પૈસા કમાવા માગતા હતા.
'માતાપિતાની બૅન્ક'
એલિજા ફિલ્બીના મતાનુસાર, આ સિસ્ટમ આર્થિક કારણસર જ નહીં, પરંતુ તેમાં સુગમતાના અભાવને કારણે પણ નિષ્ફળ ગઈ હતી. એ સિસ્ટમ 19મી સદીના મર્યાદિત વિચારો પર આધારિત હતી. એ વિચારો એવા સમયે પ્રચલિત હતા, જ્યારે અર્થતંત્ર અને ટૅક્નૉલૉજી ક્ષેત્રે નોંધપાત્ર સુધારા થઈ રહ્યા હતા. લેખક દલીલ કરે છે કે ઉચ્ચ-સ્તરીય નોકરીઓ માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે સર્જેલા ખતરાને લીધે સુગમતાનો આ અભાવ વધુ વકરી રહ્યો છે.
"કંપનીઓ દાયકાઓથી તાલીમનું કામ યુનિવર્સિટીઓને આઉટસોર્સ કરી રહી છે. ભૂતકાળમાં લોકો નોકરી પર જ શીખતા હતા, પરંતુ આજકાલ કંપનીઓ તૈયાર કર્મચારીઓની અપેક્ષા રાખે છે અને તેમની તાલીમમાં ઓછું રોકાણ કરે છે."
એલિજા ફિલ્બી દલીલ કરે છે કે વર્તમાન પરિસ્થિતિમાં 'માતાપિતાની બૅન્ક', નોકરી કરતાં પણ વધારે સ્થિરતાનો સ્રોત બની ગઈ છે અને સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તન લાવી રહી છે. મોટા ભાગના કિસ્સાઓમાં જે કંઈ થઈ રહ્યું છે તે યુવાપેઢીનો લોભ કે બેદરકારી નથી, પરંતુ સંજોગો અનુસારનું અનુકૂલન છે.
દેશો કે સરકારો પીછેહઠ કરી રહી હોવાથી પરિવારો તેમના સંતાનોને મદદ કરવા આગળ આવી રહ્યા છે.
વડીલોની સારસંભાળ અને વારસો
2008ની નાણાકીય કટોકટીએ પુખ્તાવસ્થામાં પ્રવેશતા લોકો માટે પરિસ્થિતિ બદલી નાખી હતી. એ વેળા ટૅક્નૉલૉજી, મુસાફરી અને રોજિંદી વૈભવી વસ્તુઓ સસ્તી થઈ ગઈ હતી, જ્યારે રહેઠાણ, શિક્ષણ, બાળ-સંભાળ અને કેટલાક દેશોમાં આરોગ્ય સંભાળ વધુ મોંઘાં થયાં હતાં. એ કારણે ઘણા યુવાઓ રહેઠાણ, ભોજન સહાય અથવા હોમ લોનના ભંડોળ વગેરે માટે તેમનાં માતાપિતા પર નિર્ભર રહ્યા.
લેખકના જણાવ્યા મુજબ, ફેમિલી બૅન્કનો ખ્યાલ ફક્ત શ્રીમંત મધ્યમ વર્ગ માટે જ નહીં, પરંતુ 30થી વધુ વર્ષની વયના, તેમના પરિવારો સાથે રહેતા વર્કિંગ ક્લાસના યુવાઓમાં પણ સ્વીકાર્ય છે. આવા કિસ્સાઓમાં પરિવાર દેવાની ચુકવણીમાં મદદ કરતો નથી, પરંતુ રહેઠાણ, ભોજન અને સંભાળ પૂરી પાડવામાં મદદ કરે છે.
એલિજા ફિલ્બી નોંધે છે કે આવકના પ્રત્યેક સ્તરે પારિવારિક એકતા વધી છે. દાદા-દાદી તેમનાં સંતાનો કામ કરી શકે એટલા માટે પોતાનાં પૌત્ર-પૌત્રીઓની સંભાળ રાખી રહ્યા છે.
માતાપિતા તેમના પુખ્ત વયનાં સંતાનોને પોતાના ઘરમાં જ રાખે છે, જેથી તેઓ પૈસા બચાવી શકે. આજના મુશ્કેલ સમયમાં પરિવારો રક્ષણાત્મક કવચ તરીકે કામ કરી રહ્યા છે, પરંતુ સમસ્યા એ છે કે દરેક પરિવાર આવું કરી શકતો નથી.
લેખકનું કહેવું છે કે જે સમાજમાં સ્થિરતા પરિવાર પર નિર્ભર હોય ત્યાં જન્મ થવો એ જ ભાગ્ય બની જાય છે. છૂટાછેડા, સંયુક્ત પરિવારો, કૌટુંબિક વિખવાદ અથવા સાધારણ ગરીબી અત્યંત હાનિકારક સાબિત થાય છે.
તેના પરિણામે એક એવી અર્થવ્યવસ્થાનો ઉદય થયો છે, જ્યાં નોકરીદાતા પ્રત્યેની વફાદારી કરતાં કૌટુંબિક વફાદારી વધારે મહત્ત્વપૂર્ણ છે, જ્યાં ધન શ્રમ અથવા રોજગાર દ્વારા નહીં, પરંતુ વારસાગત સંપત્તિ દ્વારા પ્રાપ્ત થાય છે અને જ્યાં સારા પગારવાળી નોકરી પણ હવે મૂળભૂત જરૂરિયાતની પરિપૂર્ણતાની બાંયધરી આપતી નથી.
એલિજા ફિલ્બીના જણાવ્યા મુજબ, આર્થિક સુસંગતતા સંબંધોમાં એક મુખ્ય પરિબળ બની ગઈ છે. જે બે લોકોને વારસામાં સંપત્તિનો એક હિસ્સો મળે છે તેઓ મોટા ભાગે એક થઈ જાય છે. 20મી સદી દરમિયાન મોટા ભાગની સ્ત્રીઓ લગ્ન પછી સ્થળાંતર કરતી હતી અને સામાજિક સાયુજ્ય સાધતી હતી, પરંતુ આજે આ ચલણ નોંધપાત્ર રીતે બદલાઈ ગયું છે.
એલિજા ફિલ્બી સમજાવે છે કે શરૂઆતમાં યુનિવર્સિટી સ્નાતકો એકમેકને જીવનસાથી તરીકે પસંદ કરતા હતા, પરંતુ 2008ના નાણાકીય સંકટ પછી, જીવનસાથી તરીકે પસંદગી કરવાની હોય તે વ્યક્તિની પાસે કેટલી પૈતૃક સંપત્તિ છે તેને ધ્યાનમાં લેવાતું થયું છે.
કેટલાક સર્વેક્ષણને ટાંકીને લેખક જણાવે છે કે જનરેશન ઝેડના અડધાથી વધુ યુવાઓ સંબંધમાં નાણાકીય સુસંગતતાને એક મુખ્ય પરિબળ માને છે. તે પાછલી પેઢી કરતાં ઘણું વધારે છે. મધ્યમ વર્ગ પર વધતા દબાણને કારણે આ પરિસ્થિતિ વધારે ગંભીર થઈ છે.
એલિજા ફિલ્બી દલીલ કરે છે કે સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, એ પૈકીની મોટા ભાગની સંપત્તિ જૂની પેઢી પાસે છે. બીજી તરફ, જનરેશન ઍક્સ પોતાનાં બાળકોનું ભવિષ્ય બનાવવા અને પોતાનાં વૃદ્ધ માતાપિતાની સંભાળ રાખવા વચ્ચે ફસાયેલી છે.
એલિજા ફિલ્બી માને છે કે આ ઘટનાક્રમને લીધે વર્તમાન પેઢીની એવી આશા ઘટી રહી છે કે તેમનાં બાળકોનું સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરે તેવી એક વ્યવસ્થા વર્તમાન સરકારો પૂરી પાડશે. આ પરિસ્થિતિ 1970ના દાયકા જેવી જ છે. તેનાથી સામાજિક કરારના પાયા વિશે પુનર્વિચારની ફરજ પડે છે.
મેં આ પુસ્તક લખ્યું, કારણ કે આપણે આ વિશે વધુ વાત કરવાની જરૂર છે, એમ જણાવતાં એલિજા ફિલ્બીએ કહ્યું હતું, "આ મુદ્દો ''ભાઈ-ભત્રીજાવાદથી પ્રભાવિત બાળકો' વિશેનો નથી, પરંતુ આધુનિક સમયમાં તકનું વિતરણ કેવી રીતે થાય છે તેનો છે."
તેઓ ચેતવણી આપે છે કે સખત મહેનતનું ફળ મળે જ છે, એવું માનવાનું સમાજ બંધ કરી દેશે તો માત્ર અર્થતંત્ર જ નહીં, પરંતુ સમાજના પાયા પણ હચમચી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન