'એકલી પડી હતી અને ટીવી સાથે વાતો કરતી', ચીનમાં એકલતા અનુભવતા લોકોને કેવી રીતે હૂંફ આપે છે ભાડે મળતા સાથીઓ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, 23 વર્ષની મેડિકલ ઍસ્કોર્ટ લિયુ યાનયાન ગ્રાહકોને શહેરની અટપટી હૉસ્પિટલોમાં જરૂરી કામકાજ કરવામાં મદદ કરે છે
    • લેેખક, સ્ટીફન મૅકડોનેલ
    • પદ, ચીન સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

"સૌથી મોટી મુશ્કેલી ખરેખર એકલતાની જ હતી. ક્યારેક મારે કોઈની સાથે વાત કરવી હોય તો હું ટીવી સાથે વાતો કરતી."

91 વર્ષનાં યાંગ ચીનની ધમધમતી રાજધાની બેઇજિંગની બહારના વિસ્તારમાં રહે છે. તેમના પતિના મૃત્યુ પછી તેઓ એટલાં એકલવાયાં થઈ ગયાં હતાં કે તેમણે સ્વેચ્છામૃત્યુ (યુથેનેસિયા)ની શક્યતા વિશે પણ વિચાર્યું હતું.

"મેં મારા દીકરાને આ વિશે પૂછ્યું હતું, પણ તેણે મને કહ્યું કે તે પ્રતિબંધિત છે. મેં તેને કહ્યું કે તેને કાયદેસર માન્યતા મળે, તો હું એવું કરવા માગું છું-મારે હવે વધુ જીવવું નહોતું."

ગ્લુકોમાની બીમારી અને નબળી પડતી દૃષ્ટિને કારણે તેઓ એર કન્ડિશનરના કન્ટ્રોલ એડજસ્ટ કરવા જેવાં સાદાં કામો પણ જાતે કરી શકતાં નહોતાં.

હૉંગકૉંગની ચાઇનીઝ યુનિવર્સિટીનાં સહયોગી પ્રોફેસર ટેરેસા કુઆન કહે છે કે યાંગ જેવા કિસ્સા ચીનનાં શહેરોમાં વધુ ને વધુ સામાન્ય બની રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે, "સમાજની રચના અને લોકોના એકબીજા સાથે સંપર્કમાં રહેવાની રીતોને કારણે આ સમસ્યા વધુ વકરે છે."

ચીનમાં એકલતા વધવાનાં ઘણાં કારણો છે.

દાખલા તરીકે, ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો રોજગાર અને આર્થિક તકોની શોધમાં શહેરોમાં સ્થળાંતર કરે છે, ત્યારે તેઓ એકબીજાને મદદરૂપ થતા પોતાના નજીકના લોકો અને સમુદાયથી દૂર થઈ જાય છે.

શહેરોમાં એકલતા અને અનિશ્ચિતતાનો સામનો કરવો તેમના માટે મુશ્કેલ બની શકે છે.

બીજી તરફ, યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કર્યા પછી કેટલાક યુવાનો નોકરીની શોધમાં દેશના દૂરના વિસ્તારોમાં રહેવા જતા હોય છે.

'એકલતા ઉદ્યોગ'નો વધતો વ્યાપ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, 75 વર્ષનાં ઝેંગ રુઇઝી ઘરે મુલાકાતે આવેલા વાંગ યિંગવેઈ સાથે હળવી પળ માણી રહ્યાં છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરંતુ હવે લોકોના જીવનમાં ઊભી થયેલી આ ખોટને પૂરી કરવાનો પ્રયાસ કરતા 'એકલતા ઉદ્યોગ'નો વ્યાપ વધી રહ્યો છે.

યાંગ કહે છે કે આવી જ એક સેવા સાથે જોડાયેલા વાંગ યિંગવેઈ અને ઇલેક્ટ્રિક સ્કૂટર પર ભોજન પહોંચાડતી તેમની ટીમે તેમનું જીવન બદલી નાખ્યું છે. આ ટીમ દિવસમાં બે વાર ગરમ ભોજન લઈને યાંગના ઘરે આવવા લાગી. પરંતુ તેમની મદદ માત્ર ભોજન પહોંચાડવા પૂરતી મર્યાદિત નથી.

"અમે પોતાને સમુદાયનાં સંતાનો માનીએ છીએ," યિંગવેઈએ બીબીસીને કહ્યું. "એનો અર્થ છે કે વડીલોની જગ્યાએ પોતાની જાતને મૂકીને તેમની જરૂરિયાતો વિશે કાળજીપૂર્વક વિચારવું.

"દાખલા તરીકે, તેઓ નળનું પાણી પીતા હોઈ શકે છે, જે ડહોળું હોય અને તેમાં ચૂનાનું પ્રમાણ ઘણું હોય. હું ફિલ્ટરવાળી પાણીની ટાંકી લગાવીને આ સમસ્યા દૂર કરી શકું છું. આટલી નાની બાબતથી પણ તેઓ ઘણાં વધારે ખુશ થઈ શકે છે. કદાચ તેમનો શાવર બગડી ગયો હોવાને કારણે તેઓ સ્નાન ન કરી શકતા હોય, તો હું એનો જરૂરી ભાગ ખરીદીને બદલી આપું છું, જેથી શાવર ફરી ચાલુ થઈ જાય."

"વડીલો અમારી સાથે પોતાનાં સંતાનો જેવો વ્યવહાર કરે છે અને અમે તેમની સાથે અમારા પોતાનાં માતા-પિતા જેવો વ્યવહાર કરીએ છીએ," તેમણે ઉમેર્યું.

યિંગવેઈની સેવાઓનો ખર્ચ કોઈ કૅરગીવર (સંભાળ રાખનાર વ્યક્તિ)ને કામે રાખવા માટે થનારા ખર્ચના અડધા કરતાં પણ ઓછો છે.

...જેથી વડીલોને વૃદ્ધાશ્રમોમાં જવાની ફરજ ન પડે

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગ્લુકોમા અને નબળી પડતી દૃષ્ટિથી પીડાતાં 91 વર્ષનાં યાંગ માટે એકલાં હાથે રોજિંદાં કામો કરવાનું અને જીવન જીવવાનું વધુ ને વધુ મુશ્કેલ બની રહ્યું હતું

ભૂતપૂર્વ મોબાઇલ ફોન સેલ્સમેન યિંગવેઈ કહે છે કે તેમણે વડીલોને વૃદ્ધાશ્રમોમાં રહેવા જવાની ફરજ ન પડે અને તેઓ પોતાનાં ઘરમાં રહી શકે એ માટે આ કંપની શરૂ કરી હતી.

આ વિચાર તેમને પોતાના સસરાના અનુભવ પરથી આવ્યો હતો. તેમના સસરાને અલ્ઝાઇમર રોગ થયો હતો અને તેમને નર્સિંગ હોમમાં દાખલ કરવા પડ્યા હતા.

યિંગવેઈના કહેવા મુજબ, ત્યાંની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમને લાગ્યું કે બીજા વડીલોને બને એટલા લાંબા સમય સુધી આવી સંસ્થાઓમાં જવાની નોબત ન આવે એ માટે કંઈક કરવું જોઈએ.

તેમના આ નાનકડા વ્યવસાયમાં હાલમાં ચાર લોકો કામ કરે છે. જોકે, યિંગવેઈ કહે છે કે માગ વધશે તો તેઓ વ્યવસાયનો વિસ્તાર પણ કરી શકે છે.

આ ક્ષેત્રનો વ્યાપ કેટલો છે, એ વિશે હજી પૂરતા વિશ્વસનીય આંકડા ઉપલબ્ધ નથી.

જોકે, આ ક્ષેત્રમાં કામ કરતા લોકોના જણાવ્યા મુજબ, છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેનો ઝડપથી વિસ્તાર થયો છે.

સિનાલિંક નામની નાણાકીય કંપનીએ 2025માં આ ક્ષેત્રનું મૂલ્ય આશરે 7.4 અબજ ડૉલરનું આંક્યું હતું.

આધુનિક જીવનશૈલીમાં થઈ રહેલા ફેરફારોને જોતાં, આ ક્ષેત્રનો વધુ વિકાસ થવાની ધારણા છે.

યિંગવેઈનાં બીજાં એક ગ્રાહક ઝેંગ રુઇઝીએ બેઇજિંગના ઉત્તર છેડે આવેલા પોતાના ઘરે તેમનું હસતાં મોંએ સ્વાગત કર્યું.

"નિવૃત્ત થયા પછી બીજા લોકો સાથે હળવા-મળવાની બહુ તક મળતી નથી," 75 વર્ષનાં ઝેંગે બીબીસીને કહ્યું. તેમનો દીકરો તેમનાથી બે કલાકના અંતરે રહે છે.

તાજેતરમાં તેમને ઈજા થઈ હતી અને તેઓ એમાંથી સાજાં થઈ રહ્યાં હતાં. તેમના કહેવા મુજબ, આ ઈજાને કારણે રોજિંદાં કામકાજ કરવાનું વધુ મુશ્કેલ બની ગયું હતું.

'ચીની સંસ્કૃતિમાં સામાજિક લેવડદેવડની ભાવના'

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, વાંગ યિંગવેઈ અને તેમની નાની ડિલિવરી ટીમ વૃદ્ધોને માત્ર ભોજન જ પહોંચાડતી નથી, પરંતુ તેમની સાથે માનવીય સંબંધ પણ બાંધે છે

પરંતુ યિંગવેઈના આવવાથી તેમનો મૂડ સુધરી જાય છે. તેમને ઝેંગ પ્રેમથી "વહાલા દીકરા" કહીને બોલાવે છે.

તેમણે યિંગવેઈને કહ્યું કે, "હું તમને 'વહાલા દીકરા' કહું છું, કારણ કે તમે મને બહુ ગમો છો. હું સાચા દિલથી તમને પસંદ કરું છું."

"મને તમારા પ્રત્યે માન પણ છે અને તમારા પર વિશ્વાસ પણ છે. તમે મારી મદદે આવો છો ત્યારે મને કોઈ ચિંતા કે ડર રહેતાં નથી."

જોકે, આ ક્ષેત્રમાં અપાતી સેવાઓ માત્ર ઘરે જઈને મુલાકાત લેવા પૂરતી મર્યાદિત નથી.

ઉદાહરણ તરીકે, 23 વર્ષની લિયુ યાનયાન 'મેડિકલ એસ્કોર્ટ' તરીકે કામ કરે છે. તે ગ્રાહકોને ડૉક્ટર પાસે લઈ જવા, અથવા શહેરની હૉસ્પિટલોમાંથી તેમના ટેસ્ટનાં પરિણામો કે દવાઓ લઈ આવવા જેવી કામગીરી કરે છે. આ હૉસ્પિટલો ઘણી મોટી હોય છે અને ત્યાંની વહીવટી પ્રક્રિયાઓ પણ એટલી જટિલ હોય છે કે ત્યાં જવું અને જરૂરી કામ કરાવવું લોકોને મુશ્કેલ લાગી શકે છે.

તેમણે કહ્યું કે, "મારા કેટલાક ગ્રાહકો વીસેક વર્ષની ઉંમરના એવા લોકો છે, જેઓ પોતાની કારકિર્દી બનાવવા બેઇજિંગ આવ્યા છે. અહીં કદાચ તેમના કોઈ મિત્રો ન હોય."

"અથવા તો ચીની સંસ્કૃતિમાં સામાજિક લેવડદેવડની જે ભાવના છે, તેને કારણે તેઓ સહકર્મીઓને પોતાની સાથે આવવાનું કહેતાં સંકોચ અનુભવતા હોય."

"જો હું તમને મફતમાં ડૉક્ટર પાસે લઈ જાઉં, તો પછી તમને એવું લાગી શકે કે બદલામાં મારે માટે જમવાનું કે ફિલ્મની ટિકિટનો ખર્ચ તમારે કરવો જોઈએ."

તેણે કહ્યું કે આ જ કારણસર આજના ચીની સમાજમાં ઘણા લોકો પોતાની જાતમાં જ લીન રહેવાનું પસંદ કરે છે.

"એટલે તેઓ મારા જેવી કોઈ વ્યક્તિને હૉસ્પિટલમાં પોતાની સાથે આવવા માટે રાખે છે. તેમણે એકલા જવું પડે, તો તેમને ડર કે ગભરાટ થઈ શકે છે."

'સાથસંગાથ પર આધારિત સેવા'

ચીનમાં એકલતા દૂર કરવા માટે સેવાઓ આપતા અનેક વ્યવસાયોનો મુખ્ય આધાર એક જ છે: માનવીય જોડાણ.

ટેરેસા કુઆન કહે છે કે કેટલાક લોકોને કોઈ અજાણી વ્યક્તિને પૈસા આપીને પોતાના મનની વાતો કહેવાનો વિકલ્પ વધુ ગમે છે.

"તમે જેની સાથે સમય વિતાવવા માટે પૈસા ચૂકવ્યા હોય, તેની સાથેનો સંબંધ એકસરખા દરજ્જાનો હોતો નથી."

"એ સેવાનો સંબંધ હોય છે, એટલે સામાન્ય સંબંધોમાં જોવા મળતી અનિશ્ચિતતાનો સામનો કરવો પડતો નથી. મિત્રતાની વાત એ છે કે તેમાં ક્યારે શું થશે એ કહી શકાય નહીં."

"કોઈ ક્યારે તમને નિરાશ કરશે એ પણ ખબર ન પડે. પરંતુ સેવાના સંબંધમાં સામેની વ્યક્તિ પાસેથી શી અપેક્ષા રાખી શકાય, તેનો વધુ સારો અંદાજ હોય છે."

વાંગ ઝોતાઓ હાઇકિંગનો વ્યવસાય ચલાવે છે. ચીનના અનહુઈ પ્રાંતમાં આવેલા પ્રસિદ્ધ હુઆંગશાન પર્વત પર ચઢવા ઇચ્છતા લોકોને તેઓ સાથ આપે છે.

"અમે તેમને ભાવનાત્મક ટેકો આપીએ છીએ. જેમ કે, તેમનો ઉત્સાહ વધારવો, તેમના ફોટા પાડવા કે ટુચકા કહીને હસાવવા. ખરેખર, આ સાથસંગાથ પર આધારિત સેવા છે," તેમણે કહ્યું.

ભૂતપૂર્વ સૈનિક ઝોતાઓએ ઉમેર્યું કે તેઓ સામાન્ય રીતે મહિનામાં 10થી 15 દિવસ ગ્રાહકો સાથે પર્વત પર ચઢે છે. જો તમામ દિવસોનું બુકિંગ થઈ ગયું હોય, તો મહિનામાં 30 વખત પણ પર્વત પર ચઢવું પડે છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પર્વત પર સાથ આપવાનું કામ કરતા વાંગ ઝોતાઓ એક ગ્રાહકને હુઆંગશાન પર્વતનાં ઢોળાવવાળાં પગથિયાં પર ચઢવામાં મદદ કરી રહ્યા છે

તેમણે એક યુવતીનું ઉદાહરણ આપ્યું, જેને એક વખત તેઓ પર્વત પર ચઢવા લઈ ગયા હતા. યુવતીને લાગતું હતું કે કામના સ્થળે બીજા લોકો તેને અવગણી રહ્યા છે.

તેમણે કહ્યું કે, "તેને લાગતું હતું કે પોતે નકામી છે અને પોતાની જાતને પુરવાર કરવા માગતી હતી"

"અમે પર્વત પર ચઢવાનું શરૂ કર્યું, પણ એ ચઢાણ ઘણું અઘરું હતું. હવામાન ખૂબ ગરમ હતું અને અમને ખૂબ પરસેવો થતો હતો."

"ઘણી વાર તે હિંમત હારીને પાછી ફરવા માગતી હતી, ત્યારે મેં તેને કહ્યું, 'તમે અત્યારે જ હાર માની લેશો અને આ પર્વત પાર નહીં કરી શકો, તો જીવનમાં આવનારા બીજા પડકારોનો સામનો કેવી રીતે કરશો?' હું સતત તેનો ઉત્સાહ વધારતો રહ્યો."

તેમના કહેવા મુજબ, આખરે તેઓ પર્વતની ટોચ સુધી પહોંચી ગયાં, ત્યારે યુવતીએ તેમને લાંબો સંદેશ મોકલ્યો. તેમાં તેણે પોતાની અંતર્યાત્રાનું વર્ણન કર્યું હતું અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

"આજકાલ જીવનની ગતિ બહુ ઝડપી થઈ ગઈ છે. લોકોને કામકાજ, સંબંધો અને પરિવારની અપેક્ષાઓનું દબાણ સહન કરવું પડે છે,"

તેમણે કહ્યું. "મને લાગે છે કે મારા મોટા ભાગના ગ્રાહકો એવા લોકો છે, જેમને પોતાના સંબંધોમાં ખાલીપો અનુભવાય છે અથવા જેમને જીવનમાં કોઈ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે."

માનવીય જોડાણ જીવનની અનિવાર્ય જરૂરિયાત છે. પરંતુ પેઢી દર પેઢી પ્રસરતી એકલતાનો સામનો કરી રહેલા સમાજમાં હવે એ પણ એક ચીજવસ્તુ બની ગઈ છે, જેને નાણાં ચૂકવીને મેળવી શકાય છે.

બેઇજિંગમાં આવેલા તેના નાના ફ્લૅટમાં પાછાં ફરીએ તો, યાંગ હવે વધુ હળવાશ અનુભવે છે. યિંગવેઈએ તેમનું ઍર કન્ડિશનર બરાબર ચાલતું કરી આપ્યું છે.

"જરૂર હોય ત્યારે કોઈ તમારી પાસે હોય, કોઈની સાથે તમે તમારા મનની ઊંડામાં ઊંડી વાતો વહેંચી શકો, તો સારું લાગે છે," તેમણે કહ્યું.

"હું એકલતાથી ખરેખર પરેશાન હતી, પરંતુ હવે એ સમસ્યા ઉકેલાઈ ગઈ છે. હું ઘણી ખુશ છું.

"હું યિંગવેઈ અને બીજા લોકોને ગુમાવવા નથી માગતી. એ બધા બહુ સારા દિલના છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન