સુરતમાં કામદારોનું આંદોલનની શરૂઆત પહેલાં અનેકની અટકાયત - ન્યૂઝ અપડેટ

સુરતમાં એમ્બ્રોઇડરી યુનિટના કામદારો
ઇમેજ કૅપ્શન, (ફાઇલ ફોટો)
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

સુરતમાં એમ્બ્રોઇડરી યુનિટના કામદારો આજે પગાર અને રજાના મામલે કલેક્ટર કચેરીએ એકઠા થઈને ધરણાં કરવાના હતા, પરંતુ સવારથી જ પોલીસ દ્વારા કામદાર આગેવાનો અને કામદારોની અટકાયત કરવામાં આવી રહી છે.

કામદાર સંગઠન ઇન્ટુક સાથે સંકળાયેલા આગેવાન નૈષધ દેસાઈએ બીબીસીને જણાવ્યું કે, "શહેરમાં દરેક પોલીસ સ્ટેશનમાં શ્રમિકોની અટકાયત કરવામાં આવી રહી છે જેથી તેઓ કલેક્ટર કચેરીએ ધરણા માટે પહોંચી ન શકે."

"આજે લગભગ 10 હજારથી વધારે કામદારો એકઠા થઈને પોતાના અધિકારોની માંગણી કરવાના હતા."

મજદૂર સંઘર્ષ સમિતિ સાથે સંકળાયેલા શરદ ઝઘડેએ જણાવ્યું કે "આજે મોટી સંખ્યામાં કામદારો કલેક્ટર કચેરી પર આવવાના હતા અને બે દિવસ અગાઉ તેમણે પોતાના કાર્યક્રમની જાહેરાત કરી દીધી હતી. મજૂરો સપ્તાહમાં એક દિવસની ચાલુ પગારે રજા તથા એકથી સાત તારીખ સુધીમાં પગાર થઈ જાય તેવી માંગણી કરી રહ્યા છે."

આ વિશે ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. ચૌધરીએ બીબીસીને જણાવ્યું કે "કલેક્ટર કચેરી પર આવેલા લગભગ 15 કામદારોની અટકાયત કરીને તેમને બસમાં બેસાડી દેવાયા છે. આ કારીગરો કયા વિસ્તારથી આવ્યા છે તે જાણવાનું હજુ બાકી છે."

શહેરમાં અત્યાર સુધીમાં કેટલા કામદારોની અટકાયત થઈ અને તેમને શા માટે કલેક્ટર કચેરીએ જતા રોકવામાં આવ્યા છે તે જાણવા માટે પોલીસ કમિશનર વબાંગ ઝમીરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો.

જે.પી. નડ્ડાએ કઈ બાબતે કહ્યું - 'ખડગેજી, જૂઠ બોલવાનું બંધ કરો'

જે.પી. નડ્ડાએ કહ્યું કે ગુજરાતમાં કૉંગ્રેસ છેલ્લાં 31 વર્ષથી એક પણ ચૂંટણી જીતી શકી નથી
ઇમેજ કૅપ્શન, જે.પી. નડ્ડાએ કહ્યું કે ગુજરાતમાં કૉંગ્રેસ છેલ્લાં 31 વર્ષથી એક પણ ચૂંટણી જીતી શકી નથી

કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા જે.પી. નડ્ડાએ કહ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહે તે 13.39 કરોડ ભારતીયોને "ઘૂસણખોર" કહ્યા નથી, જેમનાં નામ ડ્રાફ્ટ રોલમાં નહોતાં.

હકીકતમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી દ્વારા એસઆઇઆર પ્રક્રિયામાં બહાર રહેલા 13.3 કરોડ ભારતીયોને "ઘૂસણખોર" ઘોષિત કરવા એ ભારતીયતાનું અપમાન છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીજી તરફ, જે.પી. નડ્ડાએ દાવો કર્યો છે કે 13.39 કરોડ નામો અંતિમ કાપ નથી, પરંતુ ડ્રાફ્ટ રોલમાં તેમને 'ગેરહાજર/સ્થળાંતરિત/મૃત/નકલી' શ્રેણીમાં ચિહ્નિત કરવામાં આવ્યાં છે.

જે.પી. નડ્ડાએ બુધવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ખડગેજી, જૂઠ બોલવાનું બંધ કરો! ગૃહમંત્રી અમિત શાહજીએ ક્યારેય 13.39 કરોડ ભારતીયોને 'ઘૂસણખોર' કહ્યા નથી."

તેમણે વધુમાં લખ્યું, "ચૂંટણીપંચે સ્પષ્ટ જણાવ્યું છે કે આ 13.39 કરોડ નામો અંતિમ કાપ નથી, પરંતુ ડ્રાફ્ટ મતદારયાદીમાં ગેરહાજર, સ્થળાંતરિત, મૃત અથવા નકલી તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. તેમાં 2.80 કરોડ મૃત, 6.30 કરોડ કાયમી રીતે સ્થળાંતરિત, 3.01 કરોડ ગેરહાજર અને 1.02 કરોડ નકલી નામો સામેલ છે."

તેમણે લખ્યું, "ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાનની લોકપ્રિયતાને એસઆઇઆરનું પરિણામ કહીને નકારી કાઢવું એ કૉંગ્રેસની નિરાશા દર્શાવે છે. એસઆઇઆરની પ્રક્રિયા તો 2024 બાદ શરૂ થઈ હતી, જ્યારે ગુજરાતમાં કૉંગ્રેસ છેલ્લાં 31 વર્ષથી એક પણ ચૂંટણી જીતી શકી નથી. ત્રિપુરામાં છેલ્લાં 33 વર્ષથી કૉંગ્રેસનો કોઈ મુખ્ય મંત્રી બન્યો નથી અને પશ્ચિમ બંગાળમાં કૉંગ્રેસને છેલ્લાં 54 વર્ષથી કોઈ જીત મળી નથી."

"જનતાનો વિશ્વાસ મોદીજી, ભાજપ અને એનડીએ સાથે છે. 2029માં એનડીએ ફરી પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે અને કૉંગ્રેસને સતત ચોથી હારનો સામનો કરવો પડશે."

જે.પી. નડ્ડાએ કહ્યું કે જનાદેશની હકીકતને આક્ષેપોથી બદલી શકાતી નથી.

દિલ્હી પ્રદર્શન : સંયુક્ત રાષ્ટ્રની ટિપ્પણી પર ભારતે કહ્યું - 'આ અમારો આંતરિક મામલો છે'

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ
ઇમેજ કૅપ્શન, ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ (ફાઇલ ફોટો)

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે દિલ્હીમાં હજારો પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવાયા હોવા અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્ત કાર્યાલયની ચિંતાને "અસ્વીકાર્ય" ગણાવી છે.

રણધીર જયસ્વાલે બુધવારે યોજાયેલી પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે આ ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ સમાન છે.

રણધીર જયસ્વાલે કહ્યું, "અમે અમારા પ્રેસ નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ પાયાવિહોણી છે અને સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે તે ભારતના આંતરિક મામલામાં દખલગીરી સમાન છે."

"એવું લાગે છે કે તેમનો અભિગમ ખૂબ જ સિલેક્ટિવ છે, કારણ કે તેમણે વિશ્વના અન્ય ભાગોમાં ચાલી રહેલાં પ્રદર્શનો અથવા કાયદાકીય એજન્સીઓની કાર્યવાહી અંગે ન તો કોઈ પ્રતિક્રિયા આપી છે, ન તો જાહેરમાં કોઈ નિવેદન કર્યું છે."

તેમણે વધુમાં કહ્યું, "જો તેઓ આ જ માર્ગ પર આગળ વધતા રહેશે, તો સ્વાભાવિક છે કે તેનાથી વિવિધ દેશો વચ્ચે મળીને કામ કરવાની વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટશે. સાથે જ એક સંસ્થા તરીકે તેમની વિશ્વસનીયતા પણ નબળી પડશે."

ઉલ્લેખનીય છે કે કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા મોટા પાયે કરવામાં આવેલી કાર્યવાહી અંગે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર સંગઠને ચિંતા વ્યક્ત કરી હતી.

યુએન હ્યુમન રાઇટ્સે અટકાયતમાં લીધેલા લોકોને તાત્કાલિક અને બિનશરતી રીતે મુક્ત કરવાની માગ કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન