જંતર-મંતર પર સીજેપીના પ્રદર્શન દરમિયાન બીબીસીના પત્રકારોએ શું જોયું?

ઇમેજ સ્રોત, Arun SANKAR / AFP via Getty Images
રાજધાની દિલ્હીમાં શનિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણી સાથે જંતર-મંતર પર પ્રદર્શનો યોજાયાં હતાં, જેમાં આખો દિવસ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ રહી.
સવારથી જ જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે બૅરિકેડિંગ હતું. મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળો તહેનાત હતાં. સીજેપીએ લોકોને પ્રદર્શન માટે જંતર-મંતર પહોંચવા અપીલ કરી હતી.
પ્રદર્શનમાં સામેલ હોવા માટે પહોંચી રહેલા લોકોને અટકાયતમાં લેવામાં આવતા હતા. કેટલીક જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ટક્કર પણ થઈ હતી.
પ્રદર્શનમાં સામેલ થવા માટે મુંબઈથી દિલ્હી આવી રહેલા કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે અને તેમના સાથી સૌરવ દાસ તથા આશુતોષ રાંકાને ઍરપૉર્ટ પરથી જ ડિટેઈન કરી લેવાયા હતા. બીજી તરફ અટકાયત કરાયેલા કેટલાક પ્રદર્શનકારીઓ પોલીસ બસનો ઇમર્જન્સી દરવાજો ખોલીને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

ઇમેજ સ્રોત, Arun SANKAR / AFP via Getty Images
બપોરે વિખ્યાત અર્થશાસ્ત્રી જ્યાં દ્રેઝ પણ જંતર-મંતર નજીક પહોંચ્યા, પરંતુ પોલીસે તેમને ધરણા પર બેસવા દીધા ન હતા.
દિવસભરની કાર્યવાહી છતાં સાંજ સુધીમાં કનૉટ પ્લેસ અને જંતર-મંતર નજીક પ્રદર્શનકારીઓ દેખાતા હતા. તેઓ નાનાં નાનાં જૂથમાં આવતા હતા અને પોલીસ આવે ત્યારે ત્યાંથી હટી જતા હતા. પરંતુ આ પ્રદર્શનની અસર માત્ર પ્રદર્શનકારીઓ પૂરતી સીમિત ન હતી.
હૉસ્પિટલેથી પાછા આવી રહેલાં વૃદ્ધો, બાળકો અને મહિલાઓને ઘરે જવા માટે બસો અને ઑટો પણ મળતાં ન હતાં.
રેલવે સ્ટેશન પર લોકો પોતાની ટ્રેનની માહિતી મળે તે માટે ફાંફા મારતા હતા. મોબાઇલ ઇન્ટરનેટ બંધ હોવાના કારણે તેમને ટૅક્સી બૂક કરવામાં અને યુપીઆઈથી પેમેન્ટ કરવામાં મુશ્કેલી નડી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હીમાં આખા દિવસ દરમિયાન શું-શું થયું? પોલીસની કાર્યવાહી છતાં પ્રદર્શનકારીઓ ક્યાં-ક્યાં પહોંચ્યા અને આ પ્રદર્શનની સામાન્ય લોકો પર કેવી અસર પડી?
બીબીસીના પાંચ સંવાદદાતાઓએ શહેરમાં અલગ-અલગ જગ્યાએ જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે જે જોયું અને જે લોકો સાથે વાત કરી, તેના રિપોર્ટના આધારે દિવસભર શું થયું તે જાણો.
સવારથી જંતર-મંતર પર ભારે બૅરિકેડિંગ

ઇમેજ સ્રોત, Shammi MEHRA / AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી સંવાદદાતા વિષ્ણુકાંત તિવારી સવારે સાડા છ વાગ્યે જંતર-મંતર જવા નીકળ્યા હતા. તેમને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન સુધી પહોંચવામાં જ લગભગ બે કલાક લાગી ગયા. આ પોલીસ સ્ટેશન જંતર-મંતરની નજીક છે જ્યાં મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષાદળો હાજર હતાં.
ત્યાર પછી તેઓ કનૉટ પ્લેસ વિસ્તારમાં પહોંચ્યા. તેમણે ઇન્દ્રપુરી, રિગલ સિનેમા અને આસપાસના વિસ્તારોમાં આખો દિવસ રિપોર્ટિંગ કર્યું.
વિષ્ણુકાંતે જણાવ્યું કે, સીજેપીએ પ્રદર્શનનું ઍલાન કર્યું હતું, પરંતુ લોકો માટે પ્રદર્શન સ્થળે પહોંચવું મુશ્કેલ બની ગયું હતું.
સવારે લગભગ 11થી 12 વાગ્યા વચ્ચે પ્રદર્શનકારીઓ નાનાં-નાનાં જૂથમાં પહોંચવા લાગ્યા. તેમાં કેટલાંક જૂથ આઠથી 10 લોકોના હતા.
તે વખતે તે જગ્યાએ હજારો સુરક્ષા કર્મચારીઓ હાજર હતા.
વિષ્ણુકાંત મુજબ પ્રદર્શનકારીઓ ત્યાં પહોંચતાની સાથે જ પોલીસ તેમને પકડીને બસમાં બેસાડીને તે જગ્યાથી દૂર લઈ જતી હતી. આ દરમિયાન ઘણી ખેંચતાણ પણ થઈ. કેટલાક લોકોને બળજબરીથી ઉઠાવીને લઈ જવાયા હતા.
વિષ્ણુકાંતે ત્યાં હાજર લોકો સાથે વાતચીત પણ કરી.
તેમના કહેવા મુજબ, અમુક લોકોએ આરોપ લગાવ્યો કે સીજેપીના પ્રદર્શન વિરુદ્ધ એક બીજું જૂથ પણ પ્રદર્શન કરતું હતું. પરંતુ તે જૂથની સામે પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હતી.
બીજી તરફ સીજેપીના પ્રદર્શનમાં જોડાવા માટે આવતા લોકોની અટકાયત કરીને તેમને બસોમાં ભરીને બહાર લઈ જવાતા હતા. જોકે, પછી સ્થિતિમાં ફેરફાર થયો. ત્યાર પછી થોડી વધુ સંખ્યામાં પ્રદર્શનકારીઓ કનૉટ પ્લેસ વિસ્તારમાં પહોંચવા લાગ્યા.
રસ્તા પર પ્રદર્શન કેવું રહ્યું?

ઇમેજ સ્રોત, Shammi MEHRA / AFP via Getty Images
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ સવારથી જ દિલ્હીમાં ઘણી જગ્યાએ બૅરિકેડ્સ, પોલીસની દોડતી ગાડીઓ અને લોકોની અટકાયતનાં દૃશ્યો જોયાં.
સવારે સાડા દસ વાગ્યે અભિજિત, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને વિમાનમાં જ અટકાયતમાં લઈ લેવાયા હતા.
દિલનવાઝ તે વખતે ઍરપૉર્ટ પર હાજર હતા. ત્યાં આ લોકોની સાથે કેટલાક સાથી કાર્યકરો પણ પહોંચ્યા હતા. આ લોકોને અટકાયતમાં લેવાયા છે તેવા સમાચાર મળ્યા પછી તેઓ ઉદાસ દેખાતા હતા.
ત્યાર બાદ બપોરે લગભગ દોઢ વાગ્યે નેહા બોરા સેંકડો કાર્યકરોની સાથે આઈએનએ માર્કેટથી સફદરજંગ તરફ આગળ વધ્યાં.
તેમણે લગભગ એક કલાક સુધી પ્રદર્શન કર્યાં. ત્યાર બાદ તેમની પણ અટકાયત કરવામાં આવી.
બીબીસી સાથે વાતચીતમાં નેહા બોરાએ કહ્યું કે, તેઓ ફરીથી રસ્તા પર જોવા મળશે. ત્યાર બાદ દિલનવાઝ સેન્ટ્રલ દિલ્હીના રાજીવ ચોક આઉટર સર્કલ પહોંચ્યા.
તેઓ જણાવે છે કે ત્યાં સુધી પહોંચવામાં તેમણે છ-સાત બૅરિકેડ્સ પાર કરવા પડ્યા. ઘણી જગ્યાએ તેમણે પ્રેસ કાર્ડ અને ક્રૅડેન્શિયલ દેખાડવાં પડ્યાં.
સામાન્ય લોકોને આ જગ્યાએ જવા દેવામાં આવતા ન હતા. આમ છતાં બીજી બાજુએ સેંકડો પ્રદર્શનકારીઓ નારા લગાવતા હતા. દિલનવાઝે ત્યાં પણ ઘણા લોકોની અટકાયત થતી જોઈ.
તેમના કહેવા મુજબ 10 ઑક્ટોબર ચૂંટણી કમિશનર સામે થઈ રહેલા પ્રદર્શનમાં સામેલ થવા જતા મોટા ભાગના લોકોની અટકાયત કરાઈ હતી.
જોકે, દિલ્હી પોલીસે કુલ કેટલા લોકોની અટકાયત કરી હતી તેની સત્તાવાર માહિતી તે સમય સુધી બીબીસી પાસે ન હતી.
આ દરમિયાન ઘણા પત્રકારો અને કન્ટેન્ટ ક્રિયેટર્સને પણ અટકાયતમાં લેવાયા હતા.
ઇમર્જન્સી ઍક્ઝિટ ખોલીને લોકો ભાગી ગયા

ઇમેજ સ્રોત, Arvind Yadav/Hindustan Times via Getty Images
બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવ સવારે આઠ વાગ્યાની આસપાસ જંતર-મંતરથી થોડા દૂર અંતરે પહોંચ્યા હતા.
તેમણે જણાવ્યું કે સવારના ત્રણથી ચાર કલાક સુધી શાંતિ રહી હતી.
તેનું એક કારણ એ હતું કે જંતર-મંતર તરફ જતા રસ્તા પર મોટા પ્રમાણમાં બૅરિકેડિંગ હતું. તેના કારણે પ્રદર્શનકારીઓ ત્યાં પહોંચી શક્યા ન હતા.
રાઘવેન્દ્ર રાવ કનૉટ પ્લેસના આઉટર સર્કલમાં હાજર હતા.
તેમના કહેવા મુજબ સવારથી જ લોકોની ધરપકડો ચાલુ હતી. પોલીસ થોડી થોડી વારે એક-બે પ્રદર્શનકારીઓને પકડી રહી હતી.
પરંતુ ત્યાર પછી પ્રદર્શનકારીઓના એક મોટા જૂથે પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ રસ્તાની બાજુમાં જ થોડી વાર માટે ધરણાં પર બેસી ગયા હતા.
જોકે, આ ધરણાં લાંબો સમય ચાલ્યાં નહીં. પોલીસે તરત કાર્યવાહી કરી અને પ્રદર્શનકારીઓને બસમાં ભરીને ત્યાંથી લઈ જવાનો પ્રયાસ કર્યો.
આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ બસના પાછળના ભાગે આવેલા ઇમર્જન્સી ઍક્ઝિટ ખોલીને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
જાણીતા અર્થશાસ્ત્રી જ્યાં દ્રેજને ધરણા પર બેસવા ન દેવાયા
બપોરના ભાગે જાણીતા અર્થશાસ્ત્રી જ્યાં દ્રેજ જંતર-મંતરના બીજા એન્ટ્રી પૉઇન્ટ પર પહોંચ્યા હતા. તેમના હાથમાં એક પોસ્ટર હતું.
તેના પર ચૂંટણી પંચ, જ્ઞાનેશકુમાર અને એસઆઈઆર પ્રક્રિયા વિશે કેટલાક નારા લખ્યા હતા.
જ્યાં દ્રેજ આ પોસ્ટર લહેરાવવા માંગતા હતા અને ત્યાં ધરણાં પર બેસવા માંગતા હતા. પરંતુ પોલીસે તેમને ત્યાં બેસવા ન દીધા.
રાઘવેન્દ્ર રાવ મુજબ સાત-આઠ પોલીસ કર્મચારીઓએ તેમને ઉઠાવીને એક બસમાં બેસાડી દીધા.
તેમની સાથે હાજર કેટલાક મહિલા કાર્યકરો અને પ્રદર્શનકારીઓને પણ ત્યાંથી હટાવી દેવાયા હતા.
બપોરે સીજેપીને ટોચના નેતાઓની અટકાયત પછી અનુમાન હતું કે પ્રદર્શનકારીઓ હવે કદાચ ત્યાં નહીં પહોંચે. પરંતુ સાંજ સુધીમાં આમ થતું જોવા ન મળ્યું.
સાંજના લગભગ સાડા પાંચ વાગ્યે પણ પ્રદર્શનકારીઓ કનૉટ પ્લેસની આસપાસ હાજર હતા.
રાઘવેન્દ્ર રાવ મુજબ કેટલાક લોકો થોડી વાર માટે આવતા હતા, પ્રદર્શન કરતા અને પોલીસ તેમને પકડશે એવું લાગતા જ ભાગી જતા હતા.
પ્રવાસીઓ પરેશાન, ટ્રેન વિશે માહિતી નહોતી મળતી

ઇમેજ સ્રોત, Arvind Yadav/Hindustan Times via Getty Images
વિરોધપ્રદર્શન અને સુરક્ષા બંદોબસ્તની અસર નવી દિલ્હી રેલવે સ્ટેશને પણ જોવા મળી.
બીબીસી સંવાદદાતા સિદ્ધનાથ ગનુ સવારે લગભગ 10 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
ત્યાં ઘણા લોકો પોતાની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. કેટલાક પ્રવાસીઓને એ જાણવું હતું કે તેમની ટ્રેન દોડશે કે નહીં.
સિદ્ધનાથના જણાવ્યા મુજબ, તે સમયે રેલવેના નોટિસ બોર્ડ પર લગભગ 10થી 12 ટ્રેન રદ થવાની માહિતી મૂકવામાં આવી હતી. પરંતુ બીજી ટ્રેનો અંગે કોઈ સૂચના અપાઈ ન હતી.
સ્ટેશનની બહાર તેઓ બિહારથી આવેલા એક યુવકને મળ્યા. આ યુવાન સવારે સાડા પાંચ વાગ્યે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાંથી કરોલ બાગ જવું હતું, જે બહુ દૂર નથી.
પરંતુ તેમને કરોલ બાગ જવા માટે કોઈ સાધન મળતું ન હતું. ઓટો ચાલકો કહેતા હતા કે બૅરિકેડિંગના કારણે તેઓ જઈ શકે તેમ નથી. બીજી તરફ કૅબ ચાલકો બહુ ટૂંકા અંતર માટે ઘણા વધારે રૂપિયા માંગતા હતા.
મોબાઇલ ઇન્ટરનેટ બંધ હોવાના કારણે ઍપ દ્વારા પણ ટૅક્સી બુક કરવાનું શક્ય ન હતું.
સિદ્ધનાથે સ્ટેશનની બહાર એવા બાઇક રાઇડર્સ જોયા તેઓ સામાન્ય રીતે ઍપ આધારિત સર્વિસ મારફત સવારી લેતા હોય છે. શનિવારે તેઓ સ્ટેશન બહાર ચક્કર મારતા હતા અને લોકોને ક્યાં જવું છે તે પૂછતા હતા.
તેઓ પ્રવાસીઓને ભાડું કહેતા હતા અને લોકો ભાવમાં રકઝક કરતા હતા.
સ્ટેશન પર સિદ્ધનાથની મુલાકાત એક પરિવાર સાથે થઈ જેને બિહાર જવું હતું. તેમની ટ્રેન આવવાને હજુ ચાર કલાક બાકી હતા.
પરિવારે જણાવ્યું કે રસ્તામાં ટ્રાફિક થશે તેવી બીકે તેઓ વહેલાસર સ્ટેશને પહોંચી ગયા હતા. પરંતુ સ્ટેશને પહોંચ્યા પછી તેમને જાણકારી ન હતી કે તેમની ટ્રેન ચાલુ છે કે બંધ.
કેટલાક પ્રવાસીઓ હાવડા એક્સપ્રેસની રાહ જોતા હતા.
તેમણે પણ કહ્યું કે તેમને ઍપ પર કોઈ અપડેટ મળ્યા ન હતા. ટ્રેન મોડી છે, રદ છે કે પછી સમયસર છે તેની કોઈ માહિતી મળતી ન હતી.
સિદ્ધનાથના કહેવા મુજબ સવારના મીડિયા રિપોર્ટ પ્રમાણે નવી દિલ્હી અને નિઝામુદ્દીન સ્ટેશનની લગભગ 200થી વધારે ટ્રેનો રદ થઈ ચૂકી હતી.
તેમણે સ્ટેશનના નોટિસ બોર્ડ પર ડઝનબંધ ટ્રેનો રદ થવાની જાણકારી જોઈ હતી.
સ્ટેશન પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ અસમંજસમાં હતા કે આગળનો પ્રવાસ કેવી રીતે કરવો.
વૃદ્ધો અને નાના દુકાનદારો પરેશાન

ઇમેજ સ્રોત, Arun SANKAR / AFP via Getty Images
બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતે સાથી પત્રકાર દીપક જસરોટિયા સાથે નોઇડાથી જંતર-મંતરના પ્રવાસ દરમિયાન લોકોની પરેશાની જોઈ.
જુગલ જણાવે છે કે પ્રદર્શનકારીઓ સાથે પોલીસના વર્તનની તસવીરો તો બહાર આવી છે, પરંતુ આ ઘટનાક્રમમાં સામાન્ય લોકો પણ ઘણા પરેશાન થયા છે.
સફર દરમિયાન તેમણે જોયું કે હૉસ્પિટલોમાંથી વૃદ્ધો, મહિલાઓ અને બાળકો બહાર આવી રહ્યાં હતાં. પરંતુ તેમની પાસે ઘરે જવા માટે કોઈ સાધન ન હતું. તેમને ઑટો કે બસ પણ મળતી ન હતી.
જુગલની મુલાકાત બસ સ્ટોપ પર કેટલાક વરિષ્ઠ નાગરિકો સાથે થઈ. તેમણે જણાવ્યું કે તેઓ દોઢ કલાકથી બસની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કોઈ બસ મળતી ન હતી.
આ લોકોને બીક હતી કે, તેમણે આગળ કદાચ 10થી 12 કિમી સુધી પગપાળા ચાલવું પડશે. કેટલાક વૃદ્ધોને પણ ઑટો મળતી ન હતી.
આ દરમિયાન નાના દુકાનદારોને પણ ઘણી તકલીફો પડતી હતી. જુગલના કહેવા મુજબ, કેટલાક દુકાનદારોએ પોતાની દુકાન ખોલી હતી. તેમની પાસે ગ્રાહક આવતા હતા, જોકે તેમની સંખ્યા ઓછી હતી.
આ ઉપરાંત ઇન્ટરનેટ બંધ હોવાથી લોકો યુપીઆઈ પેમેન્ટ કરી શકતા ન હતા. ઘણા ગ્રાહકો પાસે રોકડા રૂપિયા ન હતા કારણ કે તેમને રોકડા રાખવાની આદત નથી રહી.
દુકાનદારોએ કહ્યું કે તેમણે દુકાનો ખોલી હતી, પરંતુ અગાઉ કરતા ઓછા ગ્રાહકો આવતા હતા અને તેઓ ઑનલાઇન પેમેન્ટ કરી શકતા ન હતા.

ઇમેજ સ્રોત, Reuters
જુગલે સવાલ કર્યો કે આ પ્રદર્શનના કારણે સામાન્ય લોકોને જે તકલીફ વેઠવી પડી તેના માટે સરકાર પાસે કેવી રણનીતિ અને કેવા જવાબ છે.
સાંજ સુધી પ્રદર્શન ચાલ્યું, પરંતુ જંતર-મંતર પહોંચવું મુશ્કેલ હતું.
સવારથી સાંજ સુધી બીબીસી સંવાદદાતાઓએ દિલ્હીના અલગ અલગ ભાગોમાં જે જોયું તેમાં પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીની ઘણી તસવીરો બહાર આવી.
સવારે જંતર-મંતર તરફ જતા રસ્તા પર ભારે બૅરિકેડિંગના કારણે પ્રદર્શનકારીઓ માટે ત્યાં પહોંચવું મુશ્કેલ હતું.
કેટલાક લોકોને ઍરપોર્ટ પર હિરાસતમાં લેવાયા હતા. આઈએનએ માર્કેટથી સફદરજંગ તરફ જતા પ્રદર્શનકારીઓને પણ અટકાયતમાં લેવાયા હતા.
કનૉટ પ્લેસમાં નાનાં નાનાં જૂથમાં પહોંચનારા પ્રદર્શનકારીઓને પોલીસ બસમાં બેસાડીને લઈ જતી હતી.
પરંતુ આ કાર્યવાહી છતાં પ્રદર્શન સંપૂર્ણ બંધ થયું ન હતું.
પ્રદર્શનકારીઓ અલગ અલગ જૂથમાં જઈને પોતાનો વિરોધ નોંધાવવાનો પ્રયાસ કરતા રહ્યા.
આ દરમિયાન લોકોને આવાગમન, રેલપ્રવાસ અને ડિજિટલ પેમેન્ટમાં મુશ્કેલીઓ નડતી રહી.
દિલ્હી પોલીસે કુલ કેટલા લોકોની અટકાયત કરી છે તેની સત્તાવાર માહિતી ત્યાં સુધીમાં બીબીસીને મળી ન હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























