ગુજરાતના હવામાનમાં ફેરફાર થવાની શક્યતા, કયા જિલ્લામાં ક્યારે વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં હાલના સમયમાં નવરાત્રિ ચાલી રહી છે અને આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે.
એટલે કે ગુજરાતમાં ચોમાસું પૂરું થયા બાદ ફરીથી હવામાન પલટાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે 19 ઑક્ટોબરના રોજ રાજ્યના કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં હલચલ થવાની શક્યતા છે અને એક સિસ્ટમ બને તેવી સંભાવના છે. જેની પરોક્ષ અસર ગુજરાત પર થાય અને હવામાન પલટાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
ભારતમાં 15 ઑક્ટોબરના રોજ વિધિવત્ રીતે નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારતના બાકી રહેલા વિસ્તારોમાંથી પણ આજે ચોમાસું પરત ફરી જશે.
નૈઋત્યનું ચોમાસું પૂરું થતાંની સાથે જ ઉત્તર-પૂર્વનું ચોમાસું શરૂ થશે. જે ચોમાસાનો સૌથી વધારે લાભ દક્ષિણનાં રાજ્યોને મળે છે. જેમાં ખાસ કરીને તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગામી ડિસેમ્બર મહિના સુધી વરસાદ પડશે.
અરબી સમુદ્રમાં એક લૉ-પ્રેશર એરિયા બનવાની સંભાવના

ઇમેજ સ્રોત, imd
આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં એક લૉ-પ્રેશર એરિયા બનવાની સંભાવના છે, જેની અસર દક્ષિણ ભારત સહિત ભારતનાં બીજાં રાજ્યોમાં પણ થાય તેવી સંભાવના છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 22થી 23 ઑક્ટોબર સુધી વરસાદ પડવાની સંભાવના છે. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલટાવાની અસર જોવા મળશે. જે વિસ્તારોમાં વરસાદની શક્યતા છે ત્યાં છૂટોછવાયો અને હળવો વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાત હવામાન વિભાગ અનુસાર, હાલમાં નૈઋત્યના ચોમાસાની વિદાયરેખા ધુબરી, કોલકાતા, અંગુલ, ખમ્મમ, હોનાવર પરથી પસાર થઈ રહી છે.
દેશના બાકીના ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાની વધુ વિદાય અને સાથે 15 ઑક્ટોબર, 2026ના રોજ દક્ષિણ દ્વીપકલ્પમાં ઈશાનના ચોમાસાના વરસાદની શરૂઆત માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે.
13 ઑક્ટોબરે નૈઋત્ય રાજસ્થાન પર સર્જાયેલું 'અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન' હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમીની ઊંચાઈએ દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર આવેલું છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડી શકે?

ઇમેજ સ્રોત, imd
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
19 તારીખે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
તેમજ દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ વરસાદની શક્યતા છે.
આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી છ-સાત દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા જણાતી નથી.
આ દિવસે બાકીના જિલ્લા અને પ્રદેશોમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય રીતે હવામાન સૂકું રહ્યું હતું.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, બાકીના વિસ્તારમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો. આ વિસ્તારના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્યથી સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું.
ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુથી લઈને નોંધપાત્ર રીતે વધુ હતું, જ્યારે બાકીના વિસ્તારમાં સામાન્ય હતું.
15 ઑક્ટોબરે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની પ્રબળ શક્યતા છે. મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયલ રહેવી તેવું અનુમાન છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























