ગુજરાત : વીસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી પણ આમ આદમી પાર્ટીનો ગ્રાફ સતત નીચે કેમ જઈ રહ્યો છે?

આપના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી અને કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા ગુજરાત: વીસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી પણ આમ આદમી પાર્ટીનો ગ્રાફ સતત નીચે કેમ જઈ રહ્યો છે?
ઇમેજ કૅપ્શન, આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાની ફાઇલ તસવીર
    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ગુજરાતની ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાનાં ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયાં છે.

ત્રણેય જગ્યાએ ભાજપની સત્તા સ્થપાઈ છે પરંતુ વિપક્ષો તરીકે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કરેલાં પ્રદર્શનો ગુજરાતના રાજકારણની ભવિષ્યની દિશા અંગે ઘણું સૂચવી જાય છે.

ગત 2021ની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 22.22 ટકા મત મેળવનાર આમ આદમી પાર્ટી આ વખતે માત્ર 4.87 ટકા મત મેળવી શકી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની તેમણે જીતેલી એકમાત્ર બેઠક પર તેમણે ગુમાવી દીધી છે.

એક સમયે વીસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી ગુજરાતના રાજકારણમાં પોતાના પગ જમાવવા ઉત્સાહિત આમ આદમી પાર્ટીનો ગ્રાફ માત્ર ગાંધીનગરમાં જ નહીં, પરંતુ એ પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઘણો નીચે ગયો છે.

આમ આદમી પાર્ટીનું આ પ્રદર્શન શું સૂચવે છે અને આ પરિણામો કૉંગ્રેસ માટે શું સંકેત આપે છે?

આમ આદમી પાર્ટીનો ગ્રાફ કેટલો નીચે ગયો?

ગાંધીનગર મહાનગરપાલિકાનું પરિણામ ગુજરાત : વીસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી પણ આમ આદમી પાર્ટીનો ગ્રાફ સતત નીચે કેમ જઈ રહ્યો છે?

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટીએ પહેલી વાર 2021માં લડી હતી અને એક બેઠક જીતી હતી. જોકે, તેને મળેલા મત 22.22 ટકા હતા.

આ વખતેનાં પરિણામોમાં આમ આદમી પાર્ટી એક પણ બેઠક જીતી નથી અને તેને મળેલા મતોની ટકાવારી 4.38 ટકા રહી છે.

મતદારોના આંકડા જોઈએ તો, આમ આદમી પાર્ટીને ગાંધીનગરમાં 2021માં 1.27 લાખ મત મળ્યા હતા. પરંતુ આ વખતે તેને માત્ર 23894 મત જ મળ્યા છે.

સામે પક્ષે કૉંગ્રેસની બેઠકો બેથી વધીને પાંચ થઈ છે અને કૉંગ્રેસને મળેલા મતોની ટકાવારી 27.79થી વધીને 37.05 ટકા થઈ છે.

કૉંગ્રેસને 2021માં મળેલા કુલ મત 1.59 લાખ હતા, જ્યારે આ વખતે કૉંગ્રેસને 2.01 લાખ મત મળ્યા છે.

ઓખા નગરપાલિકામાં ભાજપે 36માંથી 33 બેઠકો જીતી છે જ્યારે કૉંગ્રેસને ફાળે ત્રણ બેઠકો ગઈ છે.

થરા નગરપાલિકામાં ભાજપે 24માંથી 19 બેઠકો જીતી છે, જ્યારે કૉંગ્રેસે પાંચ બેઠકો મેળવી છે.

એપ્રિલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કંઈક આવું જ ચિત્ર

ગોપાલ ઇટાલિયા ગુજરાત : વીસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી પણ આમ આદમી પાર્ટીનો ગ્રાફ સતત નીચે કેમ જઈ રહ્યો છે? bbc gujarati news
ઇમેજ કૅપ્શન, વીસાવદરમાં જીત પછી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ઘણી આશા હતી કે તેનો ગ્રાફ ઉપર જશે. જોકે, આંકડાઓ એ વાતનું સમર્થન કરી રહ્યા નથી.

ગત એપ્રિલ મહિનામાં ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગપાલિકા, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી થઈ હતી.

આ ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી 27 બેઠક પરથી સીધી ચાર બેઠકો પર આવી ગઈ હતી.

મહાનગરપાલિકાઓમાં કૉંગ્રેસનો વોટશૅર 26.46 ટકા રહ્યો હતો જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 10.27 ટકા મત મળ્યા હતા.

નગપાલિકાઓની કુલ 2,624 બેઠકોમાંથી કૉંગ્રેસને 459 તથા આપને માત્ર 18 બેઠકો મળી હતી. કૉંગ્રેસને 30.68 ટકા મત મળ્યા હતા જ્યારે આપને માત્ર 4.89 ટકા મત મળ્યા હતા.

જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને 58 અને કૉંગ્રેસને 136 બેઠકો મળી હતી. અહીં પણ કૉંગ્રેસને 33.7 ટકા તથા આપને 12.4 ટકા મત મળ્યા હતા.

12 તાલુકા પંચાયતોમાં આપે સત્તા મેળવી હતી અને 407 બેઠકો જીતી હતી. જ્યારે કૉંગ્રેસે 1,050 બેઠકો જીતી હતી. કૉંગ્રેસને 32.89 ટકા અને આપને 12.67 ટકા મત મળ્યા હતા.

આ સિવાય આમ આદમી પાર્ટીએ છેલ્લે યોજાયેલી ઉમરેઠ અને માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ઉમેદવાર ઉતાર્યા નહોતા. અહીં મુખ્ય લડાઈ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે જ રહી હતી.

આપનો ગ્રાફ કેમ સતત નીચે જઈ રહ્યો છે?

ગુજરાત : વીસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી પણ આમ આદમી પાર્ટીનો ગ્રાફ સતત નીચે કેમ જઈ રહ્યો છે? bbc gujarati news
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વરિષ્ઠ પત્રકાર અને 'વૉઇસ ઑફ ડે' (અંગ્રેજી)ના તંત્રી અપૂર્વ ત્રિવેદી સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

તેઓ કહે છે, "ગાંધીનગર ચૂંટણીની વાત કરીએ તો આપને મળેલા મતની ટકાવારી ઘટી પરંતુ સાથે એ પણ જોવું જોઈએ કે એ પૂરા 44 ઉમેદવાર પણ ઉભા નથી રાખી શક્યા."

અપૂર્વ ત્રિવેદી કહે છે કે "આમ આદમી પાર્ટીની નીતિ બુદ્ધિજીવીઓને આકર્ષવાની, સોફ્ટ-હિંદુત્વ અપનાવવાની અને પ્રો-રિફૉર્મ પાર્ટી તરીકેની રહી છે. આથી, ભાજપની અસંતુષ્ટ વર્ગ તેની તરફ આકર્ષાય. પરંતુ તેમાં તેમને સફળતા નથી મળી રહી."

"શરૂઆતમાં આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોમાં આકર્ષણ હતું અને એ 2022ની ચૂંટણીઓમાં જોવા મળ્યું. પરંતુ પછી દિલ્હીમાં તેમને ફટકો પડ્યો, ખુદ કેજરીવાલ હારી ગયા અને હવે માત્ર પંજાબમાં સરકાર બચી છે. તેની અસર પડી છે."

ગાંધીનગરનાં પરિણામોને તેઓ 'કૅસિનો ફિલસૂફી' જેવાં ગણાવે છે, જેમાં 'હાઉસ ઑલવેઝ વિન્સ'- એટલે કે ભાજપ તો હંમેશાં જીતે જ છે અને બાકીના મતો વહેંચાઈ જાય.

વરિષ્ઠ પત્રકાર અને 'ધબકાર' દૈનિકના તંત્રી નરેશ વરિયા કહે છે, "2022ની વિધાનસભા ચૂંટણી પછી આખું ચિત્ર ફરી બદલાઈ ગયું છે. આમ આદમી પાર્ટી હવે ગુજરાતનો ત્રીજો વિકલ્પ નહીં, પરંતુ માત્ર હાજરી પૂરવા પૂરતો પક્ષ છે."

તેઓ કહે છે, "ગાંધીનગર જેવા શહેરી વિસ્તારમાં 10 ટકા કરતાં વધુ મતોનો જમ્પ એ કૉંગ્રેસ માટે સારી બાબત છે. ત્રિપાંખિયા જંગમાં કાયમ નુકસાન કૉંગ્રેસને થતું આવ્યું છે અને આપનો વોટશૅર ડાઉન જવાથી કૉંગ્રેસ માટે ઑવરઓલ સારો માહોલ બનશે."

નરેશ વરિયા કહે છે કે "ગાંધીનગર જેવા શહેરમાં 36-37 ટકા મત લઈ જવા એ નાની વાત નથી. એ સૂચવે છે કે ગુજરાતમાં કૉંગ્રેસનો મતદાર કદાચ વોકલ નથી, દેખાતો નથી, પણ તેની સાથે છે. આ પરિણામો દર્શાવે છે કે કૉંગ્રેસ વધુ મહેનત કરે, મેદાનમાં ઊતરે, વ્યૂહરચના ઘડે તો પ્રદર્શન સુધરી શકે છે."

અપૂર્વ ત્રિવેદી કહે છે કે, "એવું દેખાઈ રહ્યું છે કે કૉંગ્રેસને રાજકીય સફળતા મળી નથી રહી પરંતુ તેની પાસે મતદારો તો છે જ. પરંતુ એ મતદારો તેને જીત અપાવી શકે એટલા પૂરતા નથી. ગુજરાતમાં આપણે ચોક્કસપણે ફરીથી બે પાર્ટીઓવાળી સિસ્ટમમાં પાછા ફરી રહ્યા છીએ."

નરેશ વરિયાનું પણ કહેવું છે કે, ગુજરાત પહેલેથી ટુ-પાર્ટી સ્ટેટ જ રહ્યું છે.

તેઓ કહે છે કે "માત્ર ગઈ એક ચૂંટણીમાં એવું લાગ્યું હતું કે ત્રીજો પક્ષ છે. ફરી બે પક્ષવાળી સિસ્ટમમાં જ આપણે જઈશું એવું લાગે છે. એક સમયે એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે કૉંગ્રેસનું સ્થાન ઝૂંટવી લેશે, પરંતુ હવે એ સ્થિતિ નથી, તેમને હજુ પછડાટ મળશે એ નક્કી છે."

"2027માં ગુજરાતની ચૂંટણી પહેલાં પંજાબની ચૂંટણી છે. ત્યાં પણ જો આમ આદમી પાર્ટી સત્તા ગુમાવશે તો પછી સંપૂર્ણપણે ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસની જ લડાઈ રહેશે."

આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસનું શું કહેવું છે?

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ આ પરિણામો પછી કહ્યું હતું કે, "ગાંધીનગરની જનતાએ જે કંઈ પણ મૅન્ડેટ આપ્યું છે, એનો અમે સહર્ષ સ્વીકાર કરીએ છીએ. ગાંધીનગરમાં જે પણ સંગઠનાત્મક ખામીઓ રહી ગઈ તેને સુધારવાનો પ્રયાસ કરીશું અને અમે ગાંધીનગરમાં મજબૂત સંગઠન બનાવીશું."

આપના પ્રદેશ પ્રવક્તા ડૉ. કરણ બારોટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ પરિણામો પરથી સ્પષ્ટ છે કે કૉંગ્રેસ અને ભાજપ બંનેને આપથી ડર લાગે છે. તેમણે અમારા ગાંધીનગરમાં ચાર ફૉર્મ રદ કરાવ્યાં અને પાંચ ફૉર્મ પાછા ખેંચાવ્યાં છે. બંને પાર્ટીઓ અમને પ્રચાર કરતા રોકે છે."

તેમનું કહેવું છે કે આમ આદમી પાર્ટીનો ગ્રાફ ગુજરાતમાં નીચે નથી જઈ રહ્યો કારણ કે, તેમણે ભાજપની સરકાર છે એવી સ્થિતિમાં જ અનેક તાલુકા અને જિલ્લા પંચાયતો જીતી છે. આ ચૂંટણીમાં પણ તેમણે દ્વારકાની ભાડથર બેઠક જીતી છે.

ડૉ. કરણ બારોટ કહે છે કે "કૉંગ્રેસ 150 વર્ષ જૂની પાર્ટી છે. જ્યારે અમારી તો 5-6 વર્ષ જૂની પાર્ટી છે. અમારો નવો પક્ષ છે તેમ છતાં અમે આટલું પરિણામ લાવીએ છીએ."

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશી સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "ગાંધીનગરનાં પરિણામો અમારી અપેક્ષાથી વિપરિત છે. કારણ કે અમને વધુ બેઠકોની અપેક્ષા હતી. અમે આ વખતે સ્ટ્રેટેજીમાં પણ ફેરફારો કરીને યુવાઓને કમાન આપી હતી. ભાજપે આ ચૂંટણીમાં પણ પોલીસ, પ્રશાસનનો દુરુપયોગ કર્યો છે."

જોકે, મનીષ દોશીનું માનવું છે કે કૉંગ્રેસ જ ગુજરાતનો મજબૂત વિપક્ષ છે.

તેઓ કહે છે કે, "આમ આદમી પાર્ટી દાવા કર્યા કરે છે. સૌને આ દેશમાં દાવાઓ કરવાની છૂટ છે. પરંતુ સાચી વાત એ છે કે કૉંગ્રેસ જ મજબૂત વિપક્ષ છે અને આંકડાઓ પણ આ વાતની સાક્ષી પૂરે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન