DNT સમુદાયના લોકો પણ હવે SC/STની જેમ અલગ અનામત કેમ માગી રહ્યા છે?

વિચરતી અને વિમુક્ત જાતિ, બીબીસી ન્યૂઝ ગુજરાતી DNT સમુદાયના લોકો પણ હવે SC/STની જેમ અલગ અનામત કેમ માગી રહ્યા છે?

40 વર્ષીય મોનિકાબહેન ઘાસિયા ગુજરાતની 12 વિચરતી અને વિમુક્ત જાતિઓમાંની છારા સમુદાયનાં છે. તેમનો દાવો છે કે અતિ ગરીબીમાં જીવતા હોવા છતાં તેમને આજ સુધી ક્યારેય કોઈ સરકારી સહાય મળી નથી. તેમનું માનવું છે કે સરકારી સહાય સુધી કેવી રીતે પહોંચવું તેની તેમને ખબર જ નથી.

અમદાવાદના રામોલમાં રહેતા સાહેબનાથ મદારી હાલમાં મદારીનાં બાળકોને ભણાવે છે. તેઓ પોતે માત્ર નવમા ધોરણ સુધી ભણી શક્યા છે. તેમનું કહેવું છે કે જો કોઈ સરકારી સહાય તેમને મળી શકી હોત તો કદાચ તેઓ પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા હોત.

આ બે કિસ્સા ગુજરાતની વિચરતી અને વિમુક્ત જાતિઓ અથવા તો ડિનૉટિફાઇડ ટ્રાઇબ્સની હાલની હકીકત તરફ ઇશારો કરે છે. આ સમાજો માટે હજી સુધી કોઈ એવી સરકારી યોજના બની નથી કે જેથી તેમની પરિસ્થિતિમાં કોઈ મોટો બદલાવ આવી શકે તેવું નિષ્ણાતો માને છે.

નિષ્ણાતો માને છે કે, યોજનાઓનો અભાવ મુખ્યત્વે આંકડાના અભાવને કારણે છે, કારણ કે તેમની ચોક્કસ સંખ્યા આજ સુધી કોઈને ખબર નથી. સરકારી આંકડા વિવિધ કમિશનોના અંદાજ પ્રમાણે જાહેર કરવામાં આવ્યા છે. માટે આ સમાજના ઘણા લોકો હાલ ચાલી રહેલી વસ્તીગણતરીમાં પોતાની અલગ ગણતરી થાય તેવી માગણી કરી રહ્યા છે.

તેમનું માનવું છે કે, એસસી અને એસટીની જેમ જ્યાં સુધી તેમને પણ અનામત નહીં મળે ત્યાં સુધી તેમનો વિકાસ શક્ય નથી. રાજ્ય સરકારે તેમના માટે યોજનાઓ બહાર પાડી છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે તે પૂરતી નથી.

હાલમાં જ ભારતની વિચરતી અને વિમુક્ત જાતિઓના અનેક લોકોએ રજિસ્ટ્રાર ઑફ ઇન્ડિયાને પત્ર લખીને તેમના માટે વસ્તીગણતરીમાં અલગ કૉલમ ઉમેરવાની માગણી કરી છે. સરકારી આંકડા પ્રમાણે દેશભરમાં આશરે 10 થી 12 કરોડની વસ્તી ધરાવતી વિચરતી અને વિમુક્ત જાતિઓની ગણતરી શિડ્યૂલ કાસ્ટ અને શિડ્યૂલ ટ્રાઇબના ધોરણ પ્રમાણે થાય તેવી માગ કરવામાં આવી હતી.

આ અંગે સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન પણ દાખલ કરાઈ હતી, જેમાં કોર્ટે આદેશ આપ્યો છે કે અરજદારો સરકારને રજૂઆત કરે, કોર્ટ તેમાં હસ્તક્ષેપ કરવા માગતી નથી. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું હતું કે 'અમારા પ્રમાણે, વસ્તીગણતરીની પ્રક્રિયામાં અરજદારો દ્વારા મંગાયેલ વર્ગીકરણ/ઉપવર્ગીકરણ મૂળે સરકારના પૉલિસી ડૉમેઇનમાં આવે છે, જેના માટે નિર્ણય લેવાનું કાર્ય દેશની કેન્દ્ર સરકારે નિયુક્ત યોગ્ય ખાતા દ્વારા કરવામાં આવવું જોઈએ.' સુપ્રીમ કોર્ટે આ અંગે અરજદારોને સરકારમાં રજૂઆત કરવાની વાત કરી છે.

જોકે પ્રશ્ન એ છે કે, ભારતની વિચરતી અને વિમુક્ત જાતિઓને હાલમાં ચાલતી વસ્તીગણતરીની પ્રક્રિયામાં પોતાના માટે એક અલગ કૉલમની કેમ જરૂરિયાત છે? હાલમાં આ પ્રક્રિયામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓનો સમાવેશ થાય છે, તેવી જ રીતે હવે માગણી ઊભી થઈ છે કે, વિચરતી અને વિમુક્ત જાતિઓની પણ આવી જ રીતે એક અલગ કૉલમમાં ગણતરી થવી જોઈએ, જેથી તેમના માટે વિશેષ યોજનાઓ અને સહાય બહાર પાડવા માટે સરકારને સરળતા રહે.

વિચરતી અને વિમુક્ત જાતિઓની શું છે માગણીઓ?

વિચરતી અને વિમુક્ત જાતિ, બીબીસી ન્યૂઝ ગુજરાતી DNT સમુદાયના લોકો પણ હવે SC/STની જેમ અલગ અનામત કેમ માગી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, ડૉ. ગણેશ દેવીની બીબીસી ગુજરાતી સાથેની વાતચીત દરમિયાનની એક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાલમાં જ ગાંધીનગરમાં વિચરતી અને વિમુક્ત જાતિઓનું એક મોટું સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાતની અનેક વિચરતી અને વિમુક્ત જાતિઓના આગેવાનો મળ્યા હતા, જેમાં મુખ્ય માગણી હતી કે આ સમાજના લોકોને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવે.

ગુજરાતની એક વિચરતી અને વિમુક્ત જાતિ, વણઝારા સમાજના આગેવાન અને ભૂતપૂર્વ સરકારી અધિકારી કેજી વણઝારાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "અમારી તો માગણી વર્ષોથી છે કે વિચરતી અને વિમુક્ત જાતિઓના તમામ સમાજોને અનુસૂચિત જનજાતિઓમાં સમાવેશ કરવામાં આવે, કારણ કે તેનાથી તેમને સરકારી સહાયમાં, રોજગારીમાં અને મકાન મેળવવામાં મદદરૂપ થઈ શકે."

વણઝારાએ વર્ષો સુધી સામાજિક કલ્યાણ વિભાગમાં કામ કરીને વિચરતી અને વિમુક્ત જાતિ સમાજોના લોકોને વિવિધ સરકારી સહાય મળે તે માટે કામ કર્યું છે.

તેમનો દાવો છે કે, "ગુજરાતમાં હાલમાં જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, તેમાં સૌથી વધારે મકાનો આ સમાજોના લોકોનાં જ તૂટ્યાં છે. આ લોકોની સૌથી મોટી સમસ્યા મકાનની છે. આટલાં બધાં વર્ષો વીત્યાં બાદ પણ હજી સુધી આ સમાજના લોકો સરકાર પાસે માત્ર મકાન જ માગી રહ્યા છે, પરંતુ તે અંગે હજી સુધી કોઈ પણ ઠોસ કામગીરી થઈ નથી."

જોકે દેશભરના બીજા અનેક લોકોએ હાલમાં એવી માગણી કરી છે કે, એસસી કે એસટીમાં ઉમેરવાની જગ્યાએ તેમના માટે એક અલગ કૉલમ ઉમેરવામાં આવે, જેથી તેમની ચોક્કસ સંખ્યા ખબર પડી શકે.

આ વિશે જ્યારે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે વર્ષોથી કામ કરતા કર્મશીલ ડૉ. ગણેશ દેવી સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી તો તેમણે જણાવ્યું કે, "જો વસ્તીગણતરીમાં ગણતરી નહીં થાય તો ખબર જ નહીં પડે કે આ સમાજના કેટલા લોકો આપણી વચ્ચે રહી રહ્યા છે. લગભગ 150 વર્ષથી આ સમાજના લોકોની અવગણના થઈ છે, એટલા માટે એવી માગણી કરવામાં આવી છે, જેથી ખ્યાલ આવે કે તેમની સમસ્યાઓ શું છે અને તેઓ કેવી રીતે રહી રહ્યા છે. એક વખત આ ખબર પડે તો જ સરકાર આ અંગે તેમના વિકાસ માટે કામ કરી શકશે. નહીં તો માત્ર અંદાજિત વસ્તીના આધારે જ તેમના માટે યોજનાઓ બને છે, જે પૂરતી નથી, અને તેમની પરિસ્થિતિમાં કોઈ ખાસ બદલાવ આવતો નથી."

ડૉ. દેવીએ હાલમાં જ દેશભરનાં અલગ-અલગ રાજ્યોના વિચરતી અને વિમુક્ત જાતિના લોકોની સહીઓ સાથેની એક અરજી રજિસ્ટ્રાર ઑફ ઇન્ડિયાને મોકલી છે, જેમાં સ્પષ્ટ નોંધ્યું છે કે તેમની અલગ ગણતરી કેમ થવી જોઈએ.

કેમ અલગ ગણતરીની માગણી ઊભી થઈ છે?

વિચરતી અને વિમુક્ત જાતિ, બીબીસી ન્યૂઝ ગુજરાતી DNT સમુદાયના લોકો પણ હવે SC/STની જેમ અલગ અનામત કેમ માગી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, સલાટ સમુદાયની મહિલાઓની એક તસ્વીર.

દેશની વસ્તીગણતરી કરવાનો પહેલો વિચાર 1871માં ભારતના તે સમયના ગવર્નર જનરલ લૉર્ડ મેયોને આવ્યો હતો. લૉર્ડ મેયોએ આ જ વર્ષમાં ભારતમાં 'ધ ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ' પણ પસાર કર્યો હતો, જેના હેઠળ ભારતની આશરે 191 જેટલી વિચરતી અને વિમુક્ત જાતિઓને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતી જાતિઓ માનીને તેમને જેલમાં પૂરવામાં આવતી હતી. આ કાયદો 1952 સુધી અમલમાં રહ્યો હતો.

આ વિશે ડૉ. દેવીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "આ કાયદો બનાવતી વખતે, એટલે કે 1871 પછી ક્યારેય વિચરતી અને વિમુક્ત જાતિઓની ગણતરી કરવામાં આવી નથી. તેમની વસ્તીનો માત્ર અંદાજ જ કરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે મોટા ભાગના જિલ્લાઓમાં જ્યાં પણ તેમની વસ્તી છે, તે બીજા સમાજોની સરખામણીમાં ઓછી છે, એટલે કે લઘુમતીમાં છે, જેના કારણે તેમની ગણતરી કરવા માટે કોઈ રાજકીય પક્ષે ક્યારેય વિચાર્યું નથી."

તેઓ કહે છે કે, "હજી સુધી તેમના માટે બનેલી યોજનાઓથી તેમની પરિસ્થિતિમાં ખાસ બદલાવ આવ્યો નથી, પરંતુ જો આ વખતે પણ સેન્સસમાં તેમની ગણતરી નહીં થાય તો આ સમાજના લોકોને મુખ્ય ધારામાં લાવવા ખૂબ મુશ્કેલ થઈ જશે."

હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી પિટિશનમાં નોંધવામાં આવ્યું છે કે, વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે હજી સુધી બે કમિશન બનાવાયાં છે — વર્ષ 2004માં 'રેનકે કમિશન' અને ત્યાર બાદ એનડીએની સરકારમાં 'ઇદાતે કમિશન' — અને બંને કમિશનોએ વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે અલગ ગણતરી કરવાની ભલામણ કરી છે.

વર્ષ 2017માં સરકારને સુપ્રત કરવામાં આવેલા 'ઇદાતે કમિશન' મુજબ દેશભરમાં 1,200 વિચરતી અને અર્ધ-ભટકતી જનજાતિઓ છે, જેમાં અમુક અનુસૂચિત જાતિ, અમુક અનુસૂચિત જનજાતિ અને અમુક જાતિઓનો ઓબીસીમાં સમાવેશ થાય છે, જ્યારે 269 જનજાતિઓનો કોઈ પણ કૅટેગરીમાં સમાવેશ થતો નથી. આ રિપોર્ટમાં 'ઇદાતે કમિશને' નોંધ્યું હતું કે 2021ની વસ્તીગણતરીમાં તેમની અલગ રીતે ગણતરી થવી જોઈએ. રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે સરકારી નીતિઓ માટે વિચરતી અને વિમુક્ત જાતિઓનો સર્વે અને તેમની માહિતી હોવી જરૂરી છે, માટે તેમનું વ્યવસ્થિત સર્વેક્ષણ કરવાની જરૂર છે, જેથી તેમના માટે યોગ્ય યોજનાઓ બનાવી અને અમલ કરી શકાય.

સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી પિટિશનમાં પણ નોંધવામાં આવ્યું છે કે વિચરતી અને વિમુક્ત જાતિઓના સાચા આંકડા વગર તેમના વિકાસ માટેની કોઈ પણ સરકારી યોજના બનાવવી મુશ્કેલ છે.

વિચરતી અને વિમુક્ત જાતિઓનો ઇતિહાસ

વિચરતી અને વિમુક્ત જાતિ, બીબીસી ન્યૂઝ ગુજરાતી DNT સમુદાયના લોકો પણ હવે SC/STની જેમ અલગ અનામત કેમ માગી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, વિચરતા સમુદાયની એક મહિલાની તસવીર
  • 1871 - લૉર્ડ મેયોએ આ જાતિઓને ક્રિમિનલ ટ્રાઇબ્સ નામ આપ્યું હતું.
  • 1931 – પ્રથમ સેન્સસ બહાર પાડવામાં આવી, જેમાં ક્રિમિનલ ટ્રાઇબ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રથમ અને છેલ્લી વખત હતું, જ્યારે દેશમાં તેમની ગણતરી કરવામાં આવી હતી.
  • 1949-50 – આઝાદ ભારતમાં અનંથસયાનમ અય્યર હેઠળ 'ક્રિમિનલ ટ્રાઇબ્સ ઇન્કવાયરી કમિટી'ની રચના કરવામાં આવી. તેમણે તે સમયે અંદાજ લગાવ્યો હતો કે આ જાતિઓની સંખ્યા આશરે 40 લાખ હોઈ શકે.
  • 1952 – બ્રિટિશ સરકાર સમયે 1871માં લાગુ પડેલો 'ધ ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ' રદ કરવામાં આવ્યો. અને હજી સુધી જે જાતિઓને ક્રિમિનલ ટ્રાઇબ્સ તરીકે ઓળખવામાં આવતી હતી, તેમને વિચરતી અને વિમુક્ત જાતિ કે ડિનૉટિફાઇડ ટ્રાઇબ્સ તરીકે ઓળખવાની ભલામણ કરવામાં આવી.
  • 1953 – કાકાસાહેબ કાલેલકરના વડપણ હેઠળ બનેલા પ્રથમ બૅકવર્ડ ક્લાસ કમિશનમાં કહેવામાં આવ્યું કે આ જાતિઓને ક્રિમિનલ ટ્રાઇબ્સ નહીં, પરંતુ ડિનૉટિફાઇડ ટ્રાઇબ્સ કે કૉમ્યુનિટીઝ તરીકે ઓળખવામાં આવે.
  • 1965 – કેન્દ્ર સરકારની લોકુર કમિટીએ પ્રથમ વખત ભલામણ કરી હતી કે વિચરતી અને વિમુક્ત જાતિઓની અલગ ગણતરી થવી જોઈએ, જેથી તેમના મુજબની યોજનાઓ બનાવી શકાય.
  • 1998 – લેખિકા મહાશ્વેતા દેવી અને ડૉ. ગણેશ દેવીએ ડીએનટી- રાઇટ ઍક્શન ગ્રૂપની સ્થાપના કરી અને તેમનો અવાજ બન્યાં.
  • 2004 - પ્રથમ વખત ડીએનટી કમિશનની રચના થઈ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન