'સુપર અલ-નીનો' શું છે, તેનાથી હવામાનમાં કેવા ભયાનક ફેરફારો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કેથરીન હીથવૂડ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- વાંચવાનો સમય: 5 મિનિટ
તમે 'સુપર' - અથવા તો 'ગોડઝિલા' - અલ નીનો વિશેના સમાચાર તાજેતરમાં સાંભળ્યા જ હશે. હવામાન સંબંધી આ ઘટનાઓ વર્તમાન વર્ષના અંતમાં આકાર પામવાની શક્યતા છે.
એક લાક્ષણિક અલ નીનો ઘટના વેળાએ સામાન્ય રીતે વૈશ્વિક તાપમાનમાં વધારો થતો હોય છે તેમજ કેટલાક વિસ્તારોમાં વધુ ઉષ્ણકટિબંધીય તોફાનો અને અન્ય વિસ્તારોમાં સૂકી પરિસ્થિતિ સર્જાય છે. તેથી ખાસ કરીને મજબૂત તોફાનના સમાચાર ચિંતાનું કારણ બની શકે છે.
અલબત, આબોહવા વિજ્ઞાનીઓએ બીબીસીને જણાવ્યું હતું કે આગામી ઘટના કેટલી મજબૂત હશે અને તેની વિશ્વની આબોહવા તથા હવામાન પેટર્ન પર કેટલી અસર થશે તે વિશે અનિશ્ચિતતા છે ત્યારે પ્રસ્તુત આગાહીઓ બાબતે સાવચેતી રાખવાની જરૂર છે.
ઑસ્ટ્રેલિયાની મેલબોર્ન યુનિવર્સિટીના વાતાવરણીય વિજ્ઞાની ડૉ. કિમ્બર્લી રીડ "ગોડઝિલા અલ નીનો" શબ્દને "વાહિયાત" ગણાવે છે.
તેમણે બીબીસીને કહ્યું હતું, "મેં ઑસ્ટ્રેલિયામાં હવામાનની આગાહી કરતા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે ખેડૂતો તેમનો સંપર્ક કરી રહ્યા છે, કારણ કે તેમને ડર છે કે તેઓ ગંભીર દુષ્કાળમાં સપડાઈ જશે અને તેમની આજીવિકા પર માઠી અસર થશે."
તેમણે ઉમેર્યું હતું કે "આ શબ્દો, અલ નીનોની અસરનો ભોગ બની શકે તેવા લોકો માટે ખૂબ જ ચિંતાજનક હોઈ શકે છે."
ભારતમાં સુપર અલ નીનોના કારણે રેકૉર્ડ ગરમીની આગાહી કરાઈ હતી.
અલ નીનો શું છે?
અલ નીનો અને તેની સમકક્ષ લા નીના, અલ નીનો સર્ધન ઓસિલેશન (ઈએનએસઓ) નામની કુદરતી આબોહવા ઘટનાની બે વિરોધી સ્થિતિઓ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે વારાફરતી બનતી નથી અને ઘણીવાર તેની ઓળખ ઉષ્ણકટિબંધીય પૂર્વીય તથા મધ્ય પેસિફિક મહાસાગરમાં સમુદ્રની સપાટીના તાપમાન દ્વારા થાય છે. અલ નીનો દરમિયાન એ પાણી ગરમ હોય છે, જ્યારે લા નીના દરમિયાન તે ઠંડું હોય છે.
આવી ઘટનાઓ સામાન્ય રીતે દર બેથી સાત વર્ષે આકાર પામે છે અને સામાન્ય રીતે નવથી બાર મહિના સુધી ચાલુ રહે છે.
અલબત, એ લાંબા સમય સુધી ટકી શકે છે. લા નીના 2024ના મધ્યથી મોટા ભાગે અસ્તિત્વમાં હતું, પરંતુ હવે તેનો અંત આવી ગયો છે.
તેનો અર્થ એ છે કે પેસિફિક મહાસાગરમાં પરિસ્થિતિને હવે "તટસ્થ" માનવામાં આવે છે. તેમાં અલ નીનો કે લા નીના જેવું કશું નથી.

ઇમેજ સ્રોત, Reuters
બધી ઘટનાઓ સરખી હોતી નથી અને તેનું પરિણામ પ્રદેશો અને વર્ષના સમય અનુસાર બદલાય છે.
જોકે, વિજ્ઞાનીઓએ કેટલીક સામાન્ય અસરોનું અવલોકન કર્યું છે.
અલ નીનોની સૌથી સ્પષ્ટ અસર સામાન્ય રીતે પેસિફિકના ગરમ પાણી નજીકનાં સ્થળોએ જોવા મળે છે.
પશ્ચિમ પેસિફિકના ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં સામાન્ય કરતાં વધારે સૂકું વાતાવરણ હોય છે. અહીં દુષ્કાળ કે દવ મોટી સમસ્યા હોઈ શકે છે.
પેસિફિકની બીજી બાજુના દક્ષિણ અમેરિકાના પેરુ અને ઇક્વાડોર જેવા દેશોમાં હવામાન વધારે ખરાબ થઈ શકે છે, જેના કારણે પૂર આવે છે.
અલ નીનોના પરિણામ વધુ વ્યાપક પણ હોઈ શકે છે. તે ભારતમાં નબળા ચોમાસા અને દક્ષિણ-પૂર્વ અમેરિકામાં પૂર સાથે સંકળાયેલા હોઈ શકે છે.
સુપર અલ નીનો એટલે શું?

અમેરિકાના હવામાન આગાહી વિભાગે નવ એપ્રિલે જણાવ્યું હતું કે મે અને જુલાઈની વચ્ચે અલ નીનો ઉભરવાની તથા ઓછામાં ઓછા 2026ની અંત સુધી ચાલુ રહેવાની શક્યતા 61 ટકા છે. એ ઘટના "ખૂબ જ મજબૂત" બનવાની શક્યતા 25 ટકા છે.
યુરોપિયન સેન્ટર ફૉર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ્સ (ઈસીએમડબલ્યુએફ)ના ડૉ. ટિમ સ્ટોકડેલે કહ્યું હતું કે "સુપર અલ નીનો" શબ્દ તેમના માટે પ્રમાણમાં નવો છે.
તેમણે બીબીસી વર્લ્ડ સર્વિસને કહ્યું હતું કે "લોકોએ પોતે જ આ શબ્દ બનાવ્યો છે. મને લાગે છે કે તેનો અર્થ ખૂબ મોટી અલ નીનો ઘટના છે, જે આપણે 1997-98માં અથવા 2015-16માં જોયું હતું. તેમાં પેસિફિક મહાસાગરની મધ્યમાં તાપમાનમાં બે ડિગ્રી સેન્ટીગ્રેડથી વધારે ફેરફાર થાય છે."

ઇમેજ સ્રોત, NurPhoto/Corbis via Getty Images
સ્ટોકડેલના મતાનુસાર, વર્તમાન મૉડેલ્સ સૂચવે છે કે મધ્યમ અલ નીનો સર્જાવાની સંભાવના છે. કેટલાંક અન્ય મૉડેલ્સ મજબૂત ઘટના આકાર પામવાનું પણ સૂચવે છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અનેક પ્રકારનું પરિણામ હોઈ શકે છે, જે હવા જેવી અણધારી પરિસ્થિતિ પર નિર્ભર હોય છે.
મેલબોર્ન યુનિવર્સિટીનાં ડૉ. કિમ્બર્લી રીડનું કહેવું છે કે અલ નીનોની તીવ્રતાનો અર્થ, દરેક જગ્યાએ તેની અસર પણ સમાન પ્રમાણમાં થશે, એવો નથી.

તેમના જણાવ્યા મુજબ, પેસિફિક મહાસાગરની નજીક આવેલા અમેરિકા જેવા વિસ્તારોમાં કદાચ વધારે અસર થઈ શકે છે, પરંતુ ઑસ્ટ્રેલિયા, એશિયા અને આફ્રિકા જેવા પ્રદેશો માટે "પેસિફિક વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં 0.5 ડિગ્રી સેલ્સિયસ, 1 ડિગ્રી સેલ્સિયસ કે 2 ડિગ્રી સેલ્સિયસ વધારે હોય તે, ત્યાં અલ નીનો હોવા કે ન હોવા જેટલું મહત્ત્વનું નથી. "
ડૉ. રીડ કહે છે કે, "ચોક્કસ વિસ્તારમાં મોસમ પર અસર કરી શકે તેવાં અનેક કારણોને ધ્યાનમાં લેવાં જરૂરી છે. માત્ર અલ નીનો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી બધું સમજાશે નહીં."

"મને જેનું ઉદાહરણ આપવું ગમે છે તે બીએમઆઈ એટલે કે બૉડી માસ ઇન્ડેક્સ છે. તમે કોઈ બૉડી બિલ્ડરના બીએમઆઈને ધ્યાનમાં લેશો તો ભાગ્યે જ એવું લાગશે કે તેઓ સ્થૂળ છે."
"ભલે તેમના શરીરમાં ચરબીનું પ્રમાણ બહુ ઓછું હોય."
હવામાન બગડવાની કોઈ ગૅરંટી નથી

ઇમેજ સ્રોત, MARK RALSTON/AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2017માં પ્રારંભિક અનુમાનને લીધે એવું લાગતું હતું કે અલ નીનોને કારણે ગરમી વધશે, પરંતુ બાદમાં પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી અને તેની જગ્યાએ લા નીના આવી ગયું હતું.
ડૉ. રીડના જણાવ્યા મુજબ, આ પ્રકારના "અનુમાનમાં ભૂલની" શક્યતા બહુ ઓછી હોય છે, પરંતુ તેનાથી એ ખબર પડે છે કે "બધાં મૉડેલ્સ ભલે બહુ ભરોસાપાત્ર લાગે, પણ તેનો અર્થ એ નથી કે એવું જ થશે."
તેમણે ઉમેર્યું હતું કે "ઇતિહાસ આપણને શીખવે છે કે માર્ચ અને એપ્રિલમાં કરવામાં આવેલી આગાહીઓ બાબતે સાવધ રહેવું જોઈએ, ભલે તે ગમે તેટલા ભરોસાપાત્ર લાગે."
માર્ચ અને મે મહિનાની વચ્ચે અલ નીનો ઘટનાની આગાહી કરવામાં જે મુશ્કેલી આવે છે તેનું એક નામ પણ છે. ઉત્તર ગોળાર્ધમાં તેને "સ્પ્રિંગ પ્રેડિક્ટેબિલિટી બેરિયર" અને દક્ષિણ ગોળાર્ધમાં તેને "ઑટમ પ્રેડિક્ટેબિલિટી બેરિયર" કહેવામાં આવે છે.
ડૉ. ટિમ સ્ટોકડેલે ઈસીએમડબલ્યુએફની વેબસાઇટ પર લખ્યું છે કે પ્રારંભિક અનુમાનથી સામાન્ય રીતે "લોકોનું ધ્યાન ખેંચાતું હોય છે," પરંતુ તે કોઈ ખાસ પરિણામની ગૅરંટી આપતું નથી. "અનુમાન ખાતરીપૂર્વકનું છે અને અનિશ્ચિતતા છે કે કેમ" તે સમજવું જરૂરી છે, જેથી અલ નીનો સંબંધી વર્તમાન સમાચારોને યોગ્ય રીતે સમજી શકાય.
ડૉ. કિમ્બર્લી રીડ સલાહ આપે છે, "યાદ રાખજો કે 'અલ નીનો - વર્ષના આ સમયે અનિશ્ચિત' કરતાં 'ગોડઝિલા અલ નીનો' જેવા શબ્દસમૂહોને ઘણી વધારે ક્લિક્સ મળશે. આગાહીઓને વધુ પડતું મહત્ત્વ આપતાં પહેલાં મે અને જૂન સુધી રાહ જુઓ."
"આપણે આબોહવા પરિવર્તન સાથે, વધુ આત્યંતિક હવામાન અનુભવી રહ્યા છીએ અને શું થઈ શકે છે તેનાથી વાકેફ રહીએ તેમજ તૈયારી કરીએ તે વધારે મહત્ત્વપૂર્ણ છે."
તેઓ ઉમેરે છે કે,"આત્યંતિક હવામાન આકાર પામવાની શક્યતા ઘટાડવા માટે ઉત્સર્જનમાં ઘટાડાના શ્રેષ્ઠ પ્રયાસો પણ કરવા જરૂરી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























