ઈરાન યુદ્ધને કારણે દુનિયામાં મંદી આવી શકે છે, IMFએ કઈ ચેતવણી આપી?

ઈરાન સાથેના અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ દરમિયાન ઈરાક સહિત ઘણા દેશોમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થયો છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઈએમએફે કહ્યું, "ફેબ્રુઆરી 2026ના અંતમાં મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધને કારણે વૈશ્વિક અર્થતંત્ર ફરી એકવાર પાટા પરથી ઉતરી જવાનું જોખમ છે."
    • લેેખક, ડિયરબેલ જોર્ડન
    • પદ, બિઝનેસ રિપોર્ટર
  • વાંચવાનો સમય: 5 મિનિટ

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈએમએફ)એ ચેતવણી આપી છે કે, જો ઈરાન સાથે અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ ચાલુ રહેશે અને ઊર્જાની કિંમતોના ભાવમાં વધારો ચાલુ રહેશે તો વૈશ્વિક અર્થતંત્રમાં મંદીનું જોખમ વધશે.

આઈએમએફે વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, જો આ વર્ષે અને આવતા વર્ષે તેલ, ગૅસ અને ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થતો રહેશે, તો વિશ્વ વૃદ્ધિ દર બે ટકાથી પણ નીચે જઈ શકે છે.

તેમણે કહ્યું, "આનો અર્થ વૈશ્વિક મંદીની આવવાના સંકેત આપે છે, જે 1980 પછી ફક્ત ચાર વખત જ આમ બન્યું છે."

છેલ્લે કોરોનાની મહામારી વખતે આ જોવા મળ્યું હતું.

અમેરિકાના નાણાં મંત્રી સ્કૉટ બૅસન્ટે બીબીસીને જણાવ્યું હતું કે, આ "થોડું આર્થિક નુકશાન" તે જોખમને દૂર કરવા માટેની કિંમત છે, જેમાં ઈરાન પરમાણુ શસ્ત્રોથી પશ્ચિમી રાજધાનીઓ પર હુમલો કરી શકે છે.

મોંઘવારી અને બેરોજગારી વધી શકે છે

ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુદ્ધ શરૂ થયાનાં છ અઠવાડિયાંથી વધુ સમય પછી ઊર્જાના ભાવમાં સતત વધારો થતો ગયો છે

યુદ્ધ શરૂ થયાનાં છ અઠવાડિયાંથી વધુ સમય પછી ઊર્જાના ભાવમાં સતત વધારો થતો ગયો છે, જેના કારણે હોર્મુઝની સામુદ્રધુનીનો મહત્ત્વપૂર્ણ શિપિંગ માર્ગ અસરકારક રીતે બંધ થઈ ગયો છે, તેમજ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો પણ પડી ભાંગી છે. (જોકે, તે હાલ ચર્ચાય છે તે પ્રમાણે ફરીથી વાતચીત શરૂ થઈ શકે છે.)

આઈએમએફે કહ્યું, "ફેબ્રુઆરી 2026ના અંતમાં મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધને કારણે વૈશ્વિક અર્થતંત્ર ફરી એકવાર પાટા પરથી ઉતરી જવાનું જોખમ છે."

આઈએમએફે જણાવ્યું હતું કે, વૈશ્વિક મંદી તરફ દોરી શકે તેવા સૌથી ગંભીર સંજોગોમાં આ વર્ષે તેલના સરેરાશ ભાવ 110 ડૉલર પ્રતિ બેરલ અને 2027માં 125 ડૉલર સુધી પહોંચી શકે છે.

આ અંદાજોના આધારે, આઈએમએફે જણાવ્યું હતું કે, આવતા વર્ષે મોંઘવારી 6% સુધી પહોંચી શકે છે. આનાથી કેન્દ્રીય બૅન્કોને ભાવ વધારાને ધીમો કરવા માટે વ્યાજ દર વધારવાની ફરજ પડી શકે છે.

આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી પિએરે-ઑલિવિયર ગૂરિંચાએ બીબીસીને જણાવ્યું હતું કે લાંબા સમય સુધી ચાલતો આ સંઘર્ષ મોંઘવારી અને બેરોજગારીમાં વધારો કરશે, તેમજ કેટલાક દેશોમાં ખાદ્ય સુરક્ષાને સંકટમાં મૂકશે.

તેમણે ચેતવણી આપી હતી કે, જો આજે સંઘર્ષ સમાપ્ત થઈ જાય તો પણ તેલ પુરવઠા પર તેની અસર 1970ના દાયકાના તેલ સંકટ જેટલી જ ગંભીર હશે.

1970ના દાયકામાં, આરબ તેલ ઉત્પાદકોએ યોમ કિપ્પુર યુદ્ધ દરમિયાન ઇઝરાયલને ટેકો આપનારા અમેરિકા અને અન્ય દેશો પર પ્રતિબંધો લાદ્યા હતા.

પરંતુ ગૂરિંચાએ કહ્યું હતું કે, વિશ્વ હવે તેલ અને અશ્મિભૂત ઈંધણ પર ઓછું નિર્ભર છે, તેથી ગ્રાહકો પર તેની અસર ઓછી ગંભીર થશે.

ઈરાન સંઘર્ષ દરમિયાન, તેલના ભાવ લગભગ 120 ડૉલર સુધી પહોંચી ગયા હતા, પરંતુ પાછળથી તેમાં ઘટાડો થયો અને મંગળવારે ક્રૂડઑઇલના બેરલની કિંમત 98.85 ડૉલર થઈ ગઈ હતી.

કયા દેશોને ભારે અસર થશે

આઈએમએફે આ વર્ષ માટે યુકેના વિકાસ દરનો અંદાજ 1.3% થી ઘટાડીને 0.8% કર્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images

આ ઉપરાંત, આઈએમએફે કહ્યું કે જો આ ગંભીર પરિસ્થિતિઓ બે વર્ષ સુધી ચાલુ રહેશે તો જ મંદીનું જોખમ વધશે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, જો આગામી થોડા અઠવાડિયામાં સંઘર્ષનો ઉકેલ આવી જાય અને મધ્ય પૂર્વમાંથી ઊર્જા ઉત્પાદન અને નિકાસ આ વર્ષના મધ્ય સુધીમાં સામાન્ય થઈ જાય, તો 2026 માટે વૈશ્વિક વૃદ્ધિ 3.1% સુધી મર્યાદિત રહેશે.

આ અગાઉના 3.3% ના અંદાજ કરતાં ઓછી છે. આગામી વર્ષ માટે આઈએમએફનો વૈશ્વિક વિકાસ દરનો અંદાજ 3.2% છે.

જો આપણે વિકસિત દેશોની વાત કરીએ તો, આઈએમએફે અંદાજ લગાવ્યો છે કે ઈરાન યુદ્ધને કારણે ઊર્જાને કારણે થતાં ઉત્પન્ન થયેલા જોખમથી બ્રિટન સૌથી વધુ પ્રભાવિત થશે.

આઈએમએફે આ વર્ષ માટે બ્રિટનના વિકાસ દરનો અંદાજ 1.3%થી ઘટાડીને 0.8% કર્યો છે. જોકે, તે અપેક્ષા રાખે છે કે, આ વર્ષના અંત સુધીમાં બ્રિટનનું અર્થતંત્ર 1.3% વૃદ્ધિ દરે સુધરશે.

આઈએમએફ અનુસાર, ગલ્ફ ક્ષેત્રના તેલ નિકાસ કરતા દેશોમાં આ વર્ષે આર્થિક વૃદ્ધિમાં તીવ્ર ઘટાડો જોવા મળી શકે છે.

ઈરાન અને મધ્ય પૂર્વના દેશોનું શું થશે?

અમેરિકાના નાણાં મંત્રી સ્કૉટ બેસેન્ટ કહે છે કે તેઓ આર્થિક નુકસાન કરતાં વૈશ્વિક સુરક્ષા માટેના જોખમો વિશે વધુ ચિંતિત છે.

ઇમેજ સ્રોત, Getty Images

સંસ્થાનું અનુમાન છે કે, આ વર્ષે ઈરાનની અર્થવ્યવસ્થા 6.1% ઘટશે. જોકે, આગામી થોડાં અઠવાડિયાંમાં યુદ્ધ સમાપ્ત થાય તો 2027માં વૃદ્ધિ 3.2% સુધી પહોંચવાનો અંદાજ છે.

ઈરાને વિશ્વના સૌથી મોટા એલએનજી સપ્લાયર કતાર જેવા દેશો પર પણ હુમલા કર્યા છે.

વિશ્વની સૌથી મોટી કતારની રાસ લાફાન એલએનજી રિફાઇનરી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તે આવનારા થોડા સમય સુધી તો સંપૂર્ણપણે કાર્યરત થવાની કોઈ સંભાવના નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાણાં મંત્રી, સ્કૉટ બૅસન્ટે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ આર્થિક નુકસાન કરતાં વૈશ્વિક સુરક્ષા માટેનાં જોખમો વિશે વધુ ચિંતિત છે.

તેમણે કહ્યું, "જો લંડન પર પરમાણુ હથિયારથી હુમલો થાય તો વૈશ્વિક જીડીપી પર શું અસર પડશે? હું કહી રહ્યો છું કે, મને ટૂંકા ગાળાની આગાહીઓ વિશે ઓછી અને લાંબા ગાળાની સુરક્ષા વિશે વધુ ચિંતા છે."

બીબીસીએ અગાઉ પણ કહ્યું હતું કે, લંડન માટે ઈરાની બૅલિસ્ટિક મિસાઇલોનો ખતરો ખૂબ ઓછો છે.

બૅસન્ટે કહ્યું, "સૌથી મોટું જોખમ એ છે જેના વિશે તમે જાણતા નથી."

તેમણે કહ્યું કે, અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓએ પશ્ચિમી દેશો પર ઇરાની પરમાણુ હુમલાના "ટેલ રિસ્ક"ને ખતમ કરી દીધું છે.

આઈએમએફનો અંદાજ છે કે 2026માં કતારનું અર્થતંત્ર 8.6% જેટલું ઘટશે, પરંતુ તે પછીના વર્ષે 8.6% જેટલી વૃદ્ધિ સાથે ફરી વધશે.

તેમાં એવી પણ આગાહી કરવામાં આવી છે કે, ઈરાનના પાડોશી દેશ ઇરાકને આ વર્ષે યુદ્ધને કારણે આર્થિક ફટકો પડશે, જેમાં 6.8%નો ઘટાડો થશે.

પરંતુ 2027માં તે 11.3%ની વૃદ્ધિ સાથે સુધરવાની અપેક્ષા છે.

ઈરાન યુદ્ધની કયા દેશને અસર નહીં થાય?

2026માં સાઉદી અરેબિયાનો વિકાસ દર ધીમો પડશે, પરંતુ અર્થતંત્ર 3.1% વધવાની ધારણા છે.

ઇમેજ સ્રોત, Getty Images

આઈએમએફે જણાવ્યું હતું કે, કોઈપણ દેશની આર્થિક સ્થિતિસ્થાપકતા ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાં તેના ઊર્જા માળખાને નુકસાન, હોર્મુઝની સામુદ્રધુની પર નિર્ભરતા અને વૈકલ્પિક નિકાસ માર્ગોની ઉપલબ્ધતાનો સમાવેશ થાય છે.

ઉદાહરણ તરીકે, સાઉદી અરેબિયા પાસે ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇન છે, જે પર્શિયન ગલ્ફથી લાલ સમુદ્ર સુધી કાર્યરત છે અને જે દરરોજ 70 લાખ બેરલ તેલ પંપ કરી શકે છે.

2026માં સાઉદી અરેબિયાનો વિકાસ દર ધીમો પડશે, પરંતુ અર્થતંત્ર 3.1% ના દરે વધવાની ધારણા છે, અને આવતા વર્ષે તે 4.5%ના દરે વધવાનો અંદાજ છે.

આઈએમએફે જણાવ્યું હતું કે, મોટાભાગના મધ્ય પૂર્વ તેલ નિકાસકારોમાં આવતા વર્ષે સુધારો થવાની શક્યતા છે.

આઈએમએફના અહેવાલ મુજબ, "આગામી મહિનાઓમાં ઊર્જા ઉત્પાદન અને પરિવહન સામાન્ય થઈ જશે તેવી ધારણાના આધારે, આવતા વર્ષે સુધારો થવાની શક્યતા છે."

પરંતુ તેણે ચેતવણી આપી હતી કે "સંઘર્ષ ચાલુ રહેવાથી અને નુકસાનના સ્તરનું પુનઃમૂલ્યાંકન થતાં આ ધારણા બદલાઈ શકે છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આઈએમએફે આ વર્ષે ચીનના આર્થિક વિકાસ માટેનો અંદાજ પણ ઘટાડ્યો છે, અને કહ્યું છે કે તે 2026માં 4.4% સુધી વધશે, જે જાન્યુઆરીના 4.5%ના અંદાજથી ઓછો છે.

2027 માટે ચીન માટે 4% વૃદ્ધિની તેની આગાહી બદલાઈ નથી.

આઈએમએફ મુજબ, તેલના ભાવમાં વધારાથી એક દેશ જેને ફાયદો થશે તે રશિયા છે.

રશિયન અર્થતંત્ર આ વર્ષે અને આગામી વર્ષે 1.1% ના દરે વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે, જે અગાઉના 0.8% અને 1%ના અંદાજોથી વધુ છે.

ચાર વર્ષ કરતાં વધુ સમય પહેલાં યુક્રેન પરના આક્રમણ પછી રશિયા પર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. માર્ચમાં, ટ્રમ્પે વૈશ્વિક સ્તરે વધતા જતા ભાવ વચ્ચે રશિયન તેલ નિકાસ પરના પ્રતિબંધો હટાવી લીધા હતા.

યુરોપિયન કમિશનના ફાઇનાન્સ કમિશનરે રશિયા પરના પ્રતિબંધો હળવા કરવા સામે દેશોને ચેતવણી આપી છે કે, રશિયા "આ યુદ્ધમાંથી વિજયી થઈ હોય તેવું લાગી રહ્યું છે."

વાલ્ડિસ ડોમ્બ્રોવસ્કીસે વૉશિંગ્ટનમાં આઈએમએફ સમિટની દરમિયાન એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, "ઊર્જાના ભાવમાં વધારો થયો છે, અને આ રશિયાની વૉર મશીનને વધારાની આવક પ્રાપ્ત થઈ રહી છે."

"આ રશિયા પર દબાણ ઓછું કરવાનો સમય નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન