400 ચોરી અને પોલીસના ચોપડે મૉસ્ટ વૉન્ટેડ, પાંચ કલાક પાણીમાં શ્વાસ કેવી રીતે લીધા?

બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા, ભોપાલ
  • વાંચવાનો સમય: 4 મિનિટ
આરપીએફ મોસ્ટ વોન્ટેડ ચોર, સની ઉર્ફ હરવિંદર સિંહ, તળાવના પાણીમાં કમળના મદદથી શ્વાસ લીધો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

400થી વધુ ચોરીઓ માટે આરોપી શખ્સનું નામ રેલવે પોલીસ ફૉર્સના મૉસ્ટ વૉન્ટેડ ચોરોની યાદીમાં હતું.

તા. સાતમી એપ્રિલના સાંજે પાંચેક વાગ્યા આસપાસ આ શખ્સ ખિતૌલા રેલવે સ્ટેશનથી નાસી છૂટ્યો હતો. દરમિયાન આરપીએફે તેનું પગેરું દાબ્યું હતું.

આ દરમિયાન આરોપી શખ્સ તળાવનાં પાણીમાં કૂદી ગયો હતો. આરપીએફ જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેને કશું ન મળ્યું, પોલીસે તળાવની આસપાસ તપાસ કરી, પરંતુ પોલીસને કંઈ ન મળ્યું.

એ સમયે જ આરોપી તળાવના પાણીમાં છુપાયેલો હતો. આરોપી કમળની દાંડીની મદદથી શ્વાસ લેતો રહ્યો અને પોલીસને થાપ આપવાનો પ્રયાસ કર્યો હતો.

અનુભવ, ધીરજ અને સતર્કતાની મદદથી આરોપી પાંચ કલાક સુધી તળાવના પાણીમાં છુપાઈ રહ્યો હતો.

તપાસની એકાદ કલાક સુધી કશું ન મળ્યું, એટલે રેલવે પોલીસે ખિતૌલા પોલીસની મદદ માંગી હતી.

આરપીએફે પોલીસને જણાવ્યું હતું કે એક ચોરે ટ્રેનમાં મહિલાનું પર્સ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે તેનું પગેરું દાબવામાં આવ્યું, તો તે તળાવમાં કૂદી ગયો હતો.

નગરના પોલીસ વડા રમનસિંહ મરકામ પોતાની ટીમ અને ડૂબકીમારો સાથે ત્યાં પહોંચ્યા હતા. લગભગ પાંચ કલાક સુધી ચોરની તપાસ કરવામાં આવી હતી. છેવટે તળાવનાં પાણીમાંથી આરોપી ચોરની ધરપકડ કરવામાં આવી હતી.

ખિતૌલા પોલીસે આરોપી ચોરને આરપીએફને સોંપી દીધો હતો.

પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી ચોરે જણાવ્યું હતું કે તેણે કમળના ફૂલની દાંડીની મદદથી પાણીની અંદર રહીને પણ શ્વાચ્છોશ્વાસ લેવાનું ચાલુ રાખ્યું હતું.

શું છે ઘટનાક્રમ?

આરપીએફ મોસ્ટ વોન્ટેડ ચોર, સની ઉર્ફ હરવિંદર સિંહ, તળાવના પાણીમાં કમળના મદદથી શ્વાસ લીધો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

તા. સાતમી એપ્રિલના એક મહિલા રીવા-ઇટાવરી સ્ટેશનથી (નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇટાવરી જંક્શન, નાગપુર) એસી ડબ્બામાં સફર કરી રહ્યાં હતાં. આ ટ્રેન સિહોરા રેલવે સ્ટેશન પાસે પહોંચી, ત્યારે એક વ્યક્તિએ અચાનક જ મહિલા પાસેથી પર્સ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો.

જોકે, રેલવે પોલીસનું ધ્યાન તેની ઉપર પડી ગયું, એટલે પોલીસે ચીલઝડપનો પ્રયાસ કરનારને પડાકર્યો હતો. આથી, સંદિગ્ધ રેલવે સ્ટેશનેથી નાસી છૂટ્યો હતો.

આરપીએફના કૉન્સ્ટેબલ આશીષ યાદવ તથા વિનય મૌર્યે તેનો પીછો કર્યો હતો. આ સમયે આરોપી રેલવે સ્ટેશનથી લગભગ અડધો કિલોમીટર દૂર એક તળાવમાં છુપાઈ ગઈ હતી.

તળાવમાં લીલ અને જળવનસ્પતિ હોવાને કારણે કશું દેખાતું ન હતું. બંને આરપીએફ કૉન્સ્ટેબલે ખાસ્સી વાર સુધી પાણીમાં અને આસપાસ તપાસ કરી હતી, પરંતુ તેમને કશું મળ્યું ન હતું.

એ પછી આરપીએફના સ્ટેશન ઇન્ચાર્જ રાજીવ ખરબને માહિતી આપવામાં આવી હતી. ખિતૌલા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની મદદથી આરપીએફે ચોરને પકડી લીધો હતો. એ પછી આરોપી ચોરને જબલપુર લઈ જવામાં આવ્યો હતો.

આરોપી ચોર અને તેની મૉડસ ઑપરેન્ડી?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આરોપી હરવિંદરસિંહ (ઉંમર 32 વર્ષ) ઉપર અત્યાર સુધીમાં 400થી વધુ ચોરી કરવાનો આરોપ છે. ચોરીના મત્તાની કુલ રકમ કરોડો રૂપિયામાં હોવાનું અનુમાન છે.

હરવિંદરે અનેક વખત આરપીએફ તથા જીઆરપીને (ગવર્નમેન્ટ રેલવે પોલીસ) પણ થાપ આપી હતી. હરવિંદર હંમેશાં એસી ડબ્બામાં હાથ અજમાવતો.

અગાઉ હરવિંદર પણ અન્ય મુસાફરની જેમ ટિકિટ લઈને ટ્રેનમાં સફર કરતો અને મુસાફરી દરમિયાન હાથ સાફ કરતો. જોકે, ટ્રેનમાં કૅમેરા લાગવાથી અને ઑનલાઇન ટિકિટ બુકિંગ થવાથી હરવિંદરે પોતાની કાર્યપદ્ધતિ બદલાવી હતી.

ટ્રેનમાં ચઢ્યા પછી તેની નજર ટિકિટ કલેક્ટર પર રહેતી. ટીસી નજીક આવે એટલે તે ડબ્બાના બાથરૂમમાં છુપાય જાય અને ટીસી જતો રહે એટલે એકલાં સફર કરી રહેલી મહિલાઓ ઉપર નિશાન સાધતો.

હરવિંદરે પહેલી ચોરી વર્ષ 2010- '11માં ઉત્તર પ્રદેશના બિજનૌર ખાતે કરી હોવાનું કહેવાય છે. આરોપીએ અત્યાર સુધીમાં 400થી વધુ ચોરી કરી હોવાનું કહેવાય છે.

હરવિંદરસિંહ ઉર્ફ સની ખૂબ જ ચાલાકીપૂર્વક દરેક ચોરી સમયે નવા મોબાઇલ સિમકાર્ડનો ઉપયોગ કરતો.

આરોપીને આશંકા હતી કે મોબાઇલ ફોન દ્વારા લોકેશન ટ્રૅક થઈ શકે છે અને પોલીસ તેના દરવાજા સુધી પહોંચી શકે છે, એટલે આ મોડસ ઑપરેન્ડી અપનાવી હતી.

પોતાની ઓળખ છતી ન થઈ જાય, એટલા માટે આરોપી પોતાની સાથે કોઈ ઓળખપત્ર નહોતો રાખતો.

આરપીએફના કહેવા પ્રમાણે, ઓળખ છતી ન થઈ જાય અને કોઈ પુરાવો ન રહે, એટલે આરોપી દર છ મહિને પોતાનો રસ્તો બદલી નાખતો. ક્યારેક ચોરી કરવા માટે દિલ્હીથી ભોપાલ જતો, તો ક્યારેક કોલકાતાથી બિહાર. આમ તે રૂટ બદલતો રહેતો.

પોલીસના મોઢે 'સની' સાંભળી ચોંક્યો

આરપીએફ મોસ્ટ વોન્ટેડ ચોર, સની ઉર્ફ હરવિંદર સિંહ, તળાવના પાણીમાં કમળના મદદથી શ્વાસ લીધો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આરપીએફની ટીમ હરવિંદરને સિહોરાથી જબલપુર લઈ આવી હતી. પૂછપરછ દરમિયાન હરવિંદરે અનેક વખત પોતાનું નામ અને સરનામું બદલાવ્યું હતું.

આરપીએફના સ્ટેશન ઇન્ચાર્જ રાજીવ ખરબે જણાવ્યું કે વર્ષ 2018માં તેઓ કોટાસ્થિત રેલવે ઇન્ટેલિજન્સમાં હતા. ત્યારે તેમણે એક અંગ્રેજી અખબારમાં સંદિગ્ધ ચોર સાથે ભળતી તસવીર જોઈ હતી.

એ તસવીર હજુ પણ ખરબના મોબાઇલમાં જ હતી. અખબારમાં કથિત ચોરનું નામ હરવિંદર સિંહ ઉર્ફ સની લખેલું હતું. રાજીવ ખરબને પૂછપરછ દરમિયાન હરવિંદરનો ચહેરો જાણીતો લાગ્યો હતો. એટલે તેમણે મોબાઇલમાં ફરીથી તસવીર જોઈ અને કહ્યું, 'સની, હવે તું ફસાઈ ગયો.'

આ વાત સાંભળીને આરોપી હરવિંદરસિંહ ચોંકી ગયો હતો. એ પછી તેણએ ખુલાસો કર્યો હતો કે વર્ષ 2018માં વિજયવાડા પોલીસે ધરપકડ કરી હતી, ત્યારે આરોપી પાસેથી એ સમયે રૂ. 70,38,500ની કિંમતના હીરા અને સોના દાગીના મળી આવ્યા હતા. એ પછી આરોપીને જામીન મળી ગયા હતા.

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા આંધ્ર પ્રદેશમાં સંદિગ્ધ વિરુદ્ધ અનેક કેસ દાખલ થયેલા છે.

જીઆરપી ભોપાલ, જીઆરપી ઇટારસી, જીઆરપી ઇગતપુરી, જીઆરપી ગુડીવાડા, રાજગઢ પોલીસ સ્ટેશન વાલચંદનગર (પુના) પોલીસ સ્ટેશન, એમઆઈડીસી (મુંબઈ) પોલીસ સ્ટેશન, જીઆરપી/પીએસ વિશાખાપટ્ટનમ છેલ્લા કેટલાક મહિનાથી આરોપીને શોધી રહી હતી.

અન્ય કેટલાંક રાજ્યોની પોલીસે પણ હરવિંદરની પૂછપરછ વાટે તજવીજ હાથ ધરી છે.

હરવિંદરે જુલાઈ-2018માં મુંબઈ સેન્ટ્રલ-ઇંદૌર અવંતિક ઍક્સપ્રેસમાં એક મુસાફરની લૂંટ ચલાવી હતી. હરવિંદરે મુસાફર પાસેથી 32 બૉરની લાઇસન્સવાળી પિસ્તોલ, 10 જીવતા કારતૂસ, પિસ્તોલની ભરેલી મૅગેઝિન તથા રૂ. એક લાખ 90 હજાર રોકડ ચોર્યા હતા.

જેની મુસાફરે ફરિયાદ નોંધાવી હતી અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ઉપરથી મળેલા સીસીટીવીને આધારે હરવિંદરસિંહની ઓળખ કરી હતી.

હલ્દૌહ નગરનિગમના કાર્યકારી અધિકારી અભિષેક કુમારે જણાવ્યું હતું કે ડિસેમ્બર-2017માં હરવિંદર અપક્ષ ચૂંટણી લડીને કાઉન્સેલર બન્યા હતા. જોકે, પરિવારમાંથી કોઈને હરવિંદરના ગુનાહિત ઇતિહાસ વિશે કોઈ માહિતી ન હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન