સાઉદી અરેબિયા : પયગંબર મહંમદ અંગેની ટિપ્પણીના કેસમાં શ્રીલંકન નાગરિકની મૃત્યુદંડની સજા રદ – ન્યૂઝ અપડેટ

બુધવારે સાઉદી અરેબિયાની સર્વોચ્ચ અદાલતે અનોજન સિવરાસાને ફટકારવામાં આવેલી મૃત્યુદંડની સજા રદ કરી.
ઇમેજ કૅપ્શન, બુધવારે સાઉદી અરેબિયાની સર્વોચ્ચ અદાલતે અનોજન સિવરાસાને ફટકારવામાં આવેલી મૃત્યુદંડની સજા રદ કરી.
પ્રકાશિત
વાંચવાનો સમય: 11 મિનિટ

સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે ફેસબુક પર કરવામાં આવેલી એક ટિપ્પણીના મામલે શ્રીલંકાના પ્રવાસી મજૂર અનોજન સિવરાસાને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા રદ કરી છે.

આ માહિતી શ્રીલંકાના ઉપવિદેશ મંત્રી અરુણ હેમચંદ્રએ આપી છે.

27 વર્ષીય અનોજન સિવરાસાને સપ્ટેમ્બરમાં સાઉદીની એક અપીલ અદાલતે ઇસ્લામ અને પયગંબર મહંમદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ દોષિત ઠેરવીને મૃત્યુદંડની સજા ફટકારી હતી.

આ કેસે શ્રીલંકામાં ભારે ચિંતાનો માહોલ ઊભો કર્યો હતો, જેના પછી સરકારે સિવરાસાને રાહત અપાવવા માટે કૂટનીતિક પ્રયાસો શરૂ કર્યા હતા.

બુધવારે સાઉદી અરેબિયાની સર્વોચ્ચ અદાલતે મૃત્યુદંડની સજા રદ કરી દીધી. અરુણ હેમચંદ્રએ ફેસબુક પર આ માહિતી આપતાં બંને દેશોના અધિકારીઓ અને વકીલોનો આભાર માન્યો હતો.

સિવરાસા તામિલ ભાષામાં પયગંબર મહંમદ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ દોષિત ઠર્યા હતા.

જોકે, સિવરાસાએ બાદમાં પોતાની ટિપ્પણી દૂર કરી દીધી હતી અને માફી માંગતો એક વીડિયો પણ જાહેર કર્યો હતો, પરંતુ તેમની ટિપ્પણીનો સ્ક્રીનશૉટ તેમના નોકરીદાતાઓ અને સાઉદી સત્તાવાળાઓ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ જુલાઈમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

યુક્રેનમાં લાખો લોકો વીજળી વગર, ઝેલેન્સ્કીએ રશિયા પર પાવર પ્લાન્ટ પર હુમલાનો આરોપ લગાવ્યો

ઝેલેન્સ્કીએ કહ્યું, "ઊર્જા ક્ષેત્રની 26 અને ઑઇલ તથા ગૅસ ક્ષેત્રની ચાર સુવિધાઓમાં સાધનો અને માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે."
ઇમેજ કૅપ્શન, ઝેલેન્સ્કીએ કહ્યું, "ઊર્જા ક્ષેત્રની 26 અને ઑઇલ તથા ગૅસ ક્ષેત્રની ચાર સુવિધાઓમાં સાધનો અને માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે."

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, રશિયાએ રાતોરાત રાજધાની કિએવ અને ખારકિએવમાં ઊર્જા અને મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને નિશાન બનાવી છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઝેલેન્સ્કીએ દાવો કર્યો કે, રશિયાએ 39 બૅલિસ્ટિક મિસાઇલો તેમજ 120થી વધુ હુમલાખોર ડ્રૉન અને અન્ય હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

ઝેલેન્સ્કીએ ઍક્સ પરની એક પોસ્ટમાં કહ્યું, "રશિયાએ ઊર્જા માળખાકીય સુવિધાઓને નિશાન બનાવીને બૅલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. આ એ જ માળખાકીય સુવિધાઓ છે, જેને અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા યુદ્ધવિરામના દાયરામાં સામેલ કરવામાં આવી હતી."

"આ હુમલો સંપૂર્ણપણે ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો અને તેનો વ્યાપ પણ ખૂબ મોટો હતો. રશિયાએ આ પહેલાં ક્યારેય પણ અમેરિકા પ્રત્યે આટલી ખુલ્લી અને સ્પષ્ટ અવગણના દર્શાવી નથી. કમનસીબે, હવે ઓછામાં ઓછા 6 લાખ લોકો વીજળી વિના છે. વીજ પુરવઠો બંધ રહે તેવો વિસ્તાર હજુ વધુ વધી શકે છે."

ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો, "ઊર્જા ક્ષેત્રની 26 અને ઑઇલ તેમજ ગૅસ ક્ષેત્રની ચાર સુવિધાઓમાં સાધનો અને માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. અમેરિકા, યુરોપ અને અમારા તમામ સહયોગીઓને હું એટલું જ કહેવા માગું છું કે, દુનિયાના કોઈપણ દેશને રશિયા જેવા યુદ્ધ સમર્થક દેશનો એકલા હાથે સામનો કરવા માટે છોડવો જોઈએ નહીં."

હાઇજૅકની શંકાસ્પદ ધમકી બાદ ઍર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમર્જન્સી લૅન્ડિંગ

ઍર ઇન્ડિયાની ફ્લાઇટને બૉમ્બની ધમકી મળ્યા બાદ અધિકારીઓ અને સુરક્ષા દળો જયપુર ઍરપૉર્ટ પર પહોંચ્યા છે.
ઇમેજ કૅપ્શન, ઍર ઇન્ડિયાની ફ્લાઇટને બૉમ્બની ધમકી મળ્યા બાદ અધિકારીઓ અને સુરક્ષા દળો જયપુર ઍરપૉર્ટ પર પહોંચ્યા છે.

ફ્રૅન્કફર્ટથી દિલ્હી આવી રહેલી ઍર ઇન્ડિયાની એક ફ્લાઇટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તેને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, આ વિમાનનું જયપુરમાં ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવામાં આવ્યું છે અને અધિકારીઓ ઍરપૉર્ટ પર પહોંચી રહ્યા છે.

બીજી તરફ, સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું છે કે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI2030ને હાઇજૅક કરવાની શંકાસ્પદ ધમકી મળ્યા બાદ તેને સુરક્ષિત રીતે જયપુર ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર ઉતારવામાં આવી હતી અને તેની સુરક્ષા તપાસ કરવામાં આવી હતી. આ ધમકી અંગેની તપાસ હાલમાં ચાલુ છે.

રાહુલ ગાંધીએ કહ્યું, 'જંતર-મંતર પર તિરંગો લહેરાવવો ગુનો નથી, જેલમાં મોકલવું કાયરતા છે'

રાહુલ ગાંધી, કૉક્રોચ જનતા પાર્ટીના આશુતોષ રાંકા અને સૌરવ દાસ, જંતર-મંતર

કૉક્રોચ જનતા પાર્ટીના આશુતોષ રાંકા અને સૌરવ દાસને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ મુદ્દે કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઍક્સ પર એક પોસ્ટમાં ટિપ્પણી કરી છે.

રાહુલ ગાંધીએ લખ્યું, "જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શનમાં તિરંગો લહેરાવવો કોઈ ગુનો નથી. તેના માટે યુવાનોને જેલમાં મોકલવું કાયરતાનું કામ છે."

"વિદ્યાર્થીઓ, યુવાનો, પત્રકારો, ઇન્ડિયા ગઠબંધન; અલગ-અલગ બૅનરો છે, પરંતુ હેતુ એક જ છે. તમામ પ્રદર્શનો એક જ છે."

"નાગરિકો પોતાના બંધારણીય અધિકારોની માંગ કરી રહ્યા છે. જંતર-મંતર ભારતના લોકોનું છે. અમે તેને ફરીથી અમારા અધિકારમાં લઈશું."

આ મુદ્દે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા ઍક્સ પર એક પોસ્ટમાં પ્રતિક્રિયા આપી છે.

સંજય સિંહે લખ્યું, "તમે કૉક્રોચ જનતા પાર્ટીના નેતા આશુતોષ રાંકા અને સૌરવ દાસને તિરંગો ફરકાવવા અને 'ભારત માતા કી જય'ના નારા લગાવવાના કારણે જેલમાં મોકલી દીધા."

"મોદીજી, યુવાનો સાથે પંગો ન લો, તેઓ જલ્દી તમારી તાનાશાહીનો અંત લાવશે."

દિલ્હી પોલીસે મંગળવારે જંતર-મંતરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરનારા આ લોકો સામે એફઆઈઆર નોંધેલી હતી. જંતર-મંતરને વિરોધ પ્રદર્શનના સ્થળ તરીકે રદ કરવામાં આવ્યા બાદના બીજા જ દિવસે આ ઘટના બની હતી.

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની ભારત આવશે, ગુજરાતના જામનગર પણ જશે

અમેરિકાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે વિદેશમંત્રી માર્કો રુબિયો 17થી 22 ઑક્ટોબર સુધી ઉઝબેકિસ્તાન અને ભારતની મુલાકાતે જશે. ભારત પ્રવાસ દરમિયાન માર્કો રૂબિયો મુંબઈ અને જામનગરની મુલાકાત પણ લેશે.
ઇમેજ કૅપ્શન, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો 17થી 22 ઑક્ટોબર સુધી ઉઝબેકિસ્તાન અને ભારતની મુલાકાતે જશે. ભારત પ્રવાસ દરમિયાન માર્કો રૂબિયો મુંબઈ અને જામનગરની મુલાકાત પણ લેશે

અમેરિકાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે વિદેશમંત્રી માર્કો રુબિયો 17થી 22 ઑક્ટોબર સુધી ઉઝબેકિસ્તાન અને ભારતની મુલાકાતે જશે. ભારત પ્રવાસ દરમિયાન માર્કો રૂબિયો મુંબઈ અને જામનગરની મુલાકાત પણ લેશે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, "ઉઝબેકિસ્તાનમાં વિદેશમંત્રી રૂબિયો સી5+1 મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લેશે. આ બેઠકનો હેતુ એ દર્શાવવાનો છે કે આ રાજદ્વારી મંચ અમેરિકા અને મધ્ય એશિયાના દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગને મજબૂત બનાવીને વધુ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ભવિષ્યને પ્રોત્સાહન આપે છે."

વિદેશમંત્રી સી5 જૂથના તમામ દેશો, એટલે કે ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કિર્ગિઝસ્તાનના વરિષ્ઠ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લેશે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું, "ત્યાર બાદ વિદેશમંત્રી આ વર્ષે તેમની બીજી સત્તાવાર મુલાકાતે ભારત આવશે. તેઓ ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરીને અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા, પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસક્રમો તેમજ ઊર્જા ક્ષેત્રમાં સહયોગ વધારવાની શક્યતા અંગે ચર્ચા કરશે."

વિદેશમંત્રી રૂબિયો ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રના અગ્રણી આગેવાનો સાથે પણ બેઠક કરશે. આ મુલાકાતનો હેતુ વ્યાપારિક રોકાણ અને આર્થિક સહયોગની નવી તકોને પ્રોત્સાહન આપવાનો છે.

બિહારના રાઘોપુરમાં નાવ પલટતાં 13 બાળકોનાં મોત, સ્થાનિક લોકોએ શું જણાવ્યું?

આશરે 20 લોકો એક નાની નાવમાં સવાર થઈને ત્યાં જઈ રહ્યા હતા.
ઇમેજ કૅપ્શન, આશરે 20 લોકો એક નાની નાવમાં સવાર થઈને ત્યાં જઈ રહ્યા હતા

બિહારના વૈશાલી જિલ્લાના રાઘોપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે રાત્રે ગંગા નદીમાં નાવ પલટી જતાં ઓછામાં ઓછા 13 બાળકોનાં મોત થયાં છે.

નાવમાં સવાર ગ્રામજનો એક ગામમાંથી બીજા ગામે જઈ રહ્યા હતા, તેમને એક ભોજન સમારંભમાં હાજરી આપવાની હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ભગતાન ટોલા (રામપુર શ્યામચંદ પંચાયત)માં માતા મહારાણી સ્થાન નજીક સિંહેશ્વર રાય નામની વ્યક્તિના ઘરે ભોજનનું આયોજન કરાયું હતું. આશરે 20 લોકો એક નાની નાવમાં સવાર થઈને ત્યાં જઈ રહ્યા હતા.

વૈશાલીનાં જિલ્લા કલેક્ટર વર્ષાસિંહના જણાવ્યા મુજબ, સાત લોકોને બચાવી લેવાયા છે અને તેમને નાલંદા મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે નાવમાં સવાર તમામ બાળકોની ઉંમર 15 વર્ષ કે તેનાથી ઓછી હતી.

જોકે, ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચેલા ગ્રામજનોએ જણાવ્યું કે પ્રશાસનને કાર્યવાહી શરૂ કરવામાં મોડું થયું હતું.

જિલ્લા કલેક્ટર વર્ષાસિંહે કહ્યું, "બચાવ કામગીરી આખી રાત ચાલુ રહેશે. એસડીઆરએફની ટીમ અને સ્થાનિક તરવૈયા પણ સ્થળ પર હાજર છે. અત્યાર સુધી 13 મૃતદેહો મળ્યા છે."

દુર્ઘટના અંગે માહિતી આપતાં વર્ષાસિંહે જણાવ્યું, "આ દુર્ઘટના મંગળવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે ઘટી હતી. માહિતી મળી હતી કે એક નાની ખાનગી નાવમાં 15થી 20 બાળકો મુસાફરી કરી રહ્યાં હતાં. તેઓ નજીકના ગામમાં ભોજન સમારંભ માટે જઈ રહ્યાં હતાં. બચાવ કામગીરી સતત ચાલુ છે."

તેમણે વધુમાં જણાવ્યું કે બચાવાયેલા સાત લોકોની સારવાર ચાલી રહી છે. બચાવેલા કેટલાક લોકોને વધુ સારી સારવાર માટે પટણા રિફર કરવામાં આવ્યા છે.

આશુતોષ રાંકા અને સૌરવ દાસને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, અભિજિત દીપકેએ શું કહ્યું?

આ તસવીર પોસ્ટ કરીને કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ લખ્યું, "કૉક્રોચ આજિંક્ય, આશુતોષ અને સૌરવ દાસ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની અંદર છે. કોઈ પણ વસ્તુ તેમનો આત્મવિશ્વાસ તોડી શકતી નથી"
ઇમેજ કૅપ્શન, આ તસવીર પોસ્ટ કરીને કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ લખ્યું, "કૉક્રોચ આજિંક્ય, આશુતોષ અને સૌરવ દાસ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની અંદર છે. કોઈ પણ વસ્તુ તેમનો આત્મવિશ્વાસ તોડી શકતી નથી"

કૉક્રોચ જનતા પાર્ટીના આશુતોષ રાંકા અને સૌરવ દાસને પાંચ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસે મંગળવારે જંતર-મંતરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા તેમની સામે FIR દાખલ કરી હતી. અભિજિત દીપકેએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.

કૉક્રોચ જનતા પાર્ટીના કન્વીનર અભિજિત દીપકેએ કહ્યું કે, "આશુતોષ અને સૌરવને પાંચ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તેમનો ગુનો શું છે?"

"જંતર-મંતર પર તિરંગો ફરકાવવો. થોડીક હિંમત દેખાડો, નરેન્દ્ર મોદી. જો તમે અસહમતિના અવાજોને કચડવા માટે આટલા જ દૃઢ છો તો આ કાયરતાપૂર્ણ પદ્ધતિઓની પાછળ છુપાવવાની જગ્યાએ તમે અધિકૃત રીતે ઇમર્જન્સી જાહેર કરવાનું સાહસ દેખાડો."

દિલ્હીમાં CJPના નેતા અજીંક્ય શિંદેએ કહ્યું, "તમને ખબર હશે કે આશુતોષ, સૌરવ દાસ અને હું, CJPના કાર્યકરો સાથે, જંતર-મંતર ગયા હતા. અમે માત્ર ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો અને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા."

"આ માટે તાનાશાહી મોદી-શાહ સરકારે સૌરવ અને આશુતોષને પાંચ દિવસ માટે જેલમાં મોકલી દીધા છે."

"આજે આશુતોષનો જન્મદિવસ હતો, અને તેમના જન્મદિવસે જ તેમને 'ભારત માતા કી જય'ના નારા લગાવવાના અને તિરંગો લહેરાવવાના કારણે જેલમાં મોકલવામાં આવ્યા છે."

"હું આખા દેશના લોકોને કહેવા માંગુ છું કે આ સરકારે હવે પોતાની વ્યવસ્થા અને સત્તાનો દુરુપયોગ કરીને આ દેશના લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવાનું શરૂ કર્યું છે. હું સૌને અપીલ કરું છું કે આપણે સૌએ મળીને આ તાનાશાહી સરકારનો અંત લાવવા માટે એક થવું જોઈએ.

"હું એ પણ કહેવા માંગુ છું કે જો સરકારને લાગે છે કે અમારા બે નેતાઓ, આશુતોષ અને સૌરવને પાંચ દિવસ માટે જેલમાં મોકલીને તેમને ડરાવી શકાશે, તો તે સંપૂર્ણપણે ખોટું વિચારે છે."

"તેમણે હમણાં જ કહ્યું છે કે તેઓ માથું ઊંચું રાખીને જેલમાં પ્રવેશી રહ્યા છે. તેમણે દેશના લોકોને કહ્યું છે કે તેઓ ડરવાના નથી."

સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદેની દિલ્હી પોલીસે ધરપકડ કરી : રત્નાસિંહ

સૌરવ દાસ, આશુતોષ રાંકા

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના કાનૂની મામલાનાં વડાં રત્નાસિંહના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે આજે જંતર-મંતર મામલે સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદેની પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરી છે.

રત્નાસિંહે જણાવ્યું, "હમણાં જ માહિતી મળી છે કે સૌરવ, આશુતોષ અને અજિંક્યને આગામી એક કલાકમાં મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખાતે એસઇએમ સમક્ષ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. નોંધનીય છે કે તેમને કસ્ટડીમાં લેવાયા પછીની 24 કલાકની મર્યાદા હવે પૂર્ણ થઈ રહી છે."

રત્નાસિંહે ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું, "તેમના પર બિનસત્તાવાર પ્રવેશ, બૉન્ડની શરતોનું ઉલ્લંઘન અને સરકારી અધિકારીની ફરજમાં અવરોધ ઉભો કરવા સહિતના આરોપો લગાવવામાં આવ્યા છે."

"તેમને સવારે એસસીએમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એવી શક્યતા છે કે તેમને ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાડ જેલ મોકલવામાં આવે."

"મોડી રાત સુધી તેમને પોતાના વકીલોને મળવાની મંજૂરી આપવામાં આવી નહોતી. તેમને રાત્રે ત્રણ વાગ્યે એક ખાનગી વાનમાં પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ તમામ ગેરકાનૂની કાર્યવાહી છતાં તેમનો આત્મવિશ્વાસ અડગ છે."

રત્નાસિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, "અમે હાલમાં દિલ્હી પોલીસને એક ખાસ 'રૂલબુક' મુજબ કામ કરતી જોઈ રહ્યા છીએ. આ રૂલબુક ઉપરથી મળતા આદેશોના આધારે ચાલે છે. પોલીસ કાયદાને બાજુએ મૂકી આ રૂલબુકનું પાલન કરી રહી છે."

"અમે જોયું કે જંતર-મંતર પર માત્ર તિરંગો ફરકાવવા ગયેલા લોકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. લગભગ 24 કલાક વીતી ગયા છે, છતાં તેમને હજુ સુધી કોઈ વકીલને મળવાની મંજૂરી આપવામાં આવી નથી. શરૂઆતમાં તો તેમને અટકાયતમાં લેવા કે ધરપકડ કરવાનાં કારણો પણ જણાવાયાં નહોતાં. બાદમાં કારણો જણાવાયાં, પરંતુ પ્રશ્ન એ છે કે હાલની પરિસ્થિતિમાં દિલ્હી પોલીસ મનસ્વી રીતે કામ કરી રહી છે."

કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ ઍક્સ પર ત્રણેયની તસવીર શૅર કરીને લખ્યું, "કૉક્રોચ આજિંક્ય, આશુતોષ અને સૌરવ દાસ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની અંદર છે. કોઈ પણ વસ્તુ તેમનો આત્મવિશ્વાસ તોડી શકતી નથી."

ઉલ્લેખનીય છે કે સોમવારે દિલ્હી પોલીસ દ્વારા જાહેર કરાયેલા એક પરિપત્રમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિરોધપ્રદર્શન માટે ત્રણ નવાં સ્થળો નક્કી કરવામાં આવ્યાં હતાં. તેની સાથે જ જંતર-મંતર પર વિરોધપ્રદર્શન કરવા પર પ્રતિબંધ લાગુ થઈ ગયો હતો.

જૂન અને જુલાઈ મહિનામાં સીજેપીએ જંતર-મંતર ખાતે મોટું આંદોલન ચલાવ્યું હતું, જેના બાદ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું હતું.

અમિત શાહ બોલ્યા: '2029માં સતત ચોથી હાર માટે તૈયાર રહે રાહુલ ગાંધી'

અમિત શાહે ત્રિપુરા, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને આસામની જનતાનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે તેમણે ભાજપના કમળના નિશાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએના પક્ષમાં પોતાનું સમર્થન આપી દીધું છે
ઇમેજ કૅપ્શન, અમિત શાહે ત્રિપુરા, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને આસામની જનતાનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે તેમણે ભાજપના કમળના નિશાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએના પક્ષમાં પોતાનું સમર્થન આપી દીધું છે (ફાઇલ ફોટો)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું છે કે 2029ની લોકસભા ચૂંટણીમાં એનડીએને જંગી બહુમતી મળશે, કૉંગ્રેસને સતત ચોથી હારનો સામનો કરવો પડશે.

મંગળવારે દિલ્હીમાં સમાચાર એજન્સીઓ સાથે વાત કરતાં અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી અને તેમના સાથીઓએ 2029માં થનારી કારમી હાર માટે તૈયાર રહેવું જોઈએ.

તેમણે દાવો કર્યો કે દેશની જનતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને એનડીએની સાથે મજબૂતીથી ઊભી છે.

તેમણે કહ્યું, "હું રાહુલ ગાંધીને કહેવા માગું છું કે આ દેશની જનતા એસઆઇઆરના નામે ઘૂસણખોરોને બચાવવાની તમારી રણનીતિને સંપૂર્ણ સમજી ચૂકી છે અને હવે તમારી ઉશ્કેરણીમાં આવવાની નથી."

"હું રાહુલ ગાંધી અને તેમના સાથીઓને એ પણ કહેવા માગું છું કે તેઓ 2029માં થનારી કારમી હાર માટે તૈયાર રહે. 2029ની લોકસભા ચૂંટણીમાં એનડીએને જંગી બહુમતી મળવાની છે, જ્યારે કૉંગ્રેસને સતત ચોથી હારનો સામનો કરવો પડશે."

અમિત શાહે ત્રિપુરા, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને આસામની જનતાનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે તેમણે ભાજપના કમળના નિશાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએના પક્ષમાં પોતાનું સમર્થન આપી દીધું છે.

તેમણે કહ્યું કે આ રાજ્યોનાં ચૂંટણી પરિણામોએ ફરી એક વખત સાબિત કરી દીધું છે કે દેશની જનતા ભાજપ અને એનડીએની સાથે છે.

પોપ લિયોને ફેફસાનું કૅન્સર હોવાની પુષ્ટિ, વેટિકને સર્જરી અંગે આપી માહિતી

71 વર્ષીય પોપની મંગળવારે રોમની જેમેલી હૉસ્પિટલમાં લગભગ 90 મિનિટ સુધી સર્જરી કરાઈ હતી
ઇમેજ કૅપ્શન, 71 વર્ષીય પોપની મંગળવારે રોમની જેમેલી હૉસ્પિટલમાં લગભગ 90 મિનિટ સુધી સર્જરી કરાઈ હતી

વેટિકને એક મેડિકલ બુલેટિનમાં જણાવ્યું છે કે પોપ લિયોને ફેફસાનું કૅન્સર હોવાનું નિદાન થયું છે. જોકે, તેમના જમણા ફેફસાના નીચેના ભાગને દૂર કરવા માટે કરવામાં આવેલી સર્જરી સફળ રહી હતી.

71 વર્ષીય પોપની મંગળવારે રોમની જેમેલી હૉસ્પિટલમાં લગભગ 90 મિનિટ સુધી સર્જરી કરાઈ હતી. ત્યાર બાદ તેમને લંગ એડેનોકાર્સિનોમા હોવાનું જાણવા મળ્યું હતું.

વેટિકને જણાવ્યું, "ઑપરેશન સફળ રહ્યું હતું અને તેમાં કોઈ જટિલતા આવી નહોતી."

આગળ જણાવાયું કે "ઑપરેશન બાદ પોપ સામાન્ય રીતે ભાનમાં આવ્યા અને થોડા સમય સુધી નિરીક્ષણ હેઠળ રાખ્યા પછી તેઓ તેમના રૂમમાં પરત ગયા હતા."

ગાંઠની પ્રથમ વખત ઓળખ તે તપાસ દરમિયાન થઈ હતી, જેને વેટિકને "નિયમિત તબીબી તપાસ" ગણાવી હતી. પોપને લગભગ એક અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં રાખવામાં આવે તેવી શક્યતા છે.

આ પહેલાં મોટી સંખ્યામાં લોકો પોપ માટે કલાકો સુધી હૉસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યા હતા.

જ્યારે પોપની કાર ત્યાંથી પસાર થઈ, ત્યારે લોકોએ તેમનું અભિવાદન કર્યું અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન પોપે કારની પાછળની બારીમાંથી હાથ ઊંચો કરી અને સ્મિત સાથે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

પોતાના નિવેદનમાં વેટિકને જણાવ્યું કે પોપના જમણા ફેફસાનો આખો નીચેનો ભાગ દૂર કરવામાં આવ્યો છે, "જેથી ખાતરી થઈ શકે કે સારવારની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે."

વેટિકનના એક સૂત્રે સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું હતું કે કૅન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાયું છે કે નહીં, તેની તપાસ કરવા માટે વધુ ચકાસણી કરવામાં આવી રહી છે.

નેહા બોરા બોલ્યાં - "ભાજપ લોકશાહી અને બંધારણની દુશ્મન છે"

નેહા બોરાએ આરોપ લગાવ્યો, "એસઆઇઆર પ્રક્રિયા સાથે સમાધાન થઈ ચૂક્યું છે, તેથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે પદ છોડવું જ પડશે."
ઇમેજ કૅપ્શન, નેહા બોરાએ આરોપ લગાવ્યો કે એસઆઇઆર પ્રક્રિયા સાથે સમાધાન થઈ ચૂક્યું છે, તેથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે પદ છોડવું જ પડશે

ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિયેશન (આઇસા)નાં અધ્યક્ષ નેહા બોરાએ મંગળવારે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધન આયોજિત પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ભાજપ પર નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું, "જ્યારે અમે કહીએ છીએ કે આ લડાઈ જનતા અને ભાજપ વચ્ચેની છે, ત્યારે અમે એવા દુશ્મનની વાત કરીએ છીએ, જે આ દેશના લોકો, ભારતીય લોકશાહી અને બંધારણનો દુશ્મન છે. તેનું નામ ભાજપ છે."

નેહા બોરાએ કહ્યું, "જો ભાજપ એવું વિચારે છે કે તે લોકશાહીના પાયા પર હુમલો કરશે અને જ્યારે લોકો પોતાના મતાધિકારની રક્ષા માટે રસ્તા પર ઊતરશે, ત્યારે તેમની પાસેથી વિરોધપ્રદર્શન કરવાનો અધિકાર પણ છીનવી લેશે, તો તેને સ્વીકારવામાં આવશે નહીં."

તેમણે વધુમાં કહ્યું, "મતદારોના અધિકારો પર હુમલો એ ભારત અને લોકશાહી પર હુમલો છે."

નેહા બોરાએ આરોપ લગાવ્યો, "એસઆઇઆર પ્રક્રિયા સાથે સમાધાન થઈ ચૂક્યું છે, તેથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે પદ છોડવું જ પડશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન