હોર્મુઝ સામુદ્રધુની: જહાજ પર મિસાઇલ હુમલા થતા રહ્યા અને 24 કલાક સુધી દરિયાના પાણીમાં આ નાવિક કેવી રીતે જીવતો રહ્યો?

ઇમેજ સ્રોત, Wajid Khan
- લેેખક, મોહમ્મદ ઝુબૈર ખાન અને ગ્રેસ ત્સોઈ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- વાંચવાનો સમય: 5 મિનિટ
જે દિવસે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલાઓ શરૂ કર્યા, એ દિવસ હસનનું જહાજ ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા એક બંદરેથી હજુ માંડ સિમેન્ટ ભરવાનું પૂર્ણ કરી રહ્યું હતું.
પાકિસ્તાનના આ નાવિક કે જેમનું નામ બદલાવવામાં આવેલું છે તેઓ કહે છે કે, "આ હુમલાઓને કારણે ભયાનક ધડાકાઓ થયા હતા. બંદર પર આગ અને કાટમાળ જાણે કે ચારેકોર દેખાતા હતા."
"એવું લાગતું હતું કે જાણે આ કોઈ ફિલ્મનો સીન છે. જે હુમલાઓ થતા હતા એ અમારી બિલકુલ નજીક પડી રહ્યા હતા."
થોડા દિવસ પછી આ નાવિકોએ મુસાફરી શરૂ કરવાનું નક્કી કર્યું પરંતુ તેમનું જહાજ પર મિસાઇલોનો પ્રહાર થયો અને ડૂબી ગયું. તેઓ દરિયામાં ફંગોળાઈ ગયા અને તેઓ માત્ર લાઇફ જૅકેટ્સ અને કેટલીક તરતી પાઇપોને સહારે ટકી રહ્યા હતા.
22 વર્ષીય આ નાવિક કહે છે કે, "પાણી અતિશય ઠંડું અને જોખમી હતું."
શરૂઆતમાં તેમને આશા હતી કે અમારા માટે મદદ આવી રહી છે પરંતુ થોડી ક્ષણો બાદ તેમને એવું લાગ્યું કે આવું નહીં બની શકે. તેમની સ્થિતિ એવી હતી કે એકબીજા સામે તેઓ જોઈ શકવા પણ સક્ષમ નહોતા.
તેઓ કહે છે, "અમને લાગ્યું કે અમે દરિયામાં તણાઈ જઈશું અને કોઈને ખબર પણ નહીં પડે. એવું લાગતું હતું કે સમય જાણે કે થંભી ગયો છે અને અમે ગમે ત્યારે મૃત્યુ પામી શકીએ છીએ."
24 કલાક દરિયાના પાણીમાં વિતાવ્યા પછી હસન અને તેમના સાથી પાંચ ક્રૂ મૅમ્બર્સ (એક પાકિસ્તાની અને ચાર ઈરાની)ને એક ઈરાની જહાજે બચાવી લીધા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હસન કહે છે, "મને બચી શકવાની કોઈ આશા નહોતી. જ્યારે જહાજે અમારું રૅસ્ક્યૂ કર્યું અને અમને ખાવાનું તથા પાણી આપ્યું ત્યારે અમને લાગ્યું કે કોઈ ચમત્કાર થયો છે અને મને નવું જીવન મળ્યું છે."
હસન એ 40 હજાર નાવિકો પૈકી એક છે જેમનાં અંદાજે ત્રણ હજાર નાનાં-મોટાં જહાજો ખાડીદેશોમાં ફસાઈ ગયા છે. અમેરિકા-ઇઝરાયલના હુમલાઓ પછી ઈરાને હોર્મુઝ સામુદ્રધુની બંધ કરી તેના કારણે અનેક જહાજો ફસાઈ ગયાં છે.
આ આંકડો બાંગ્લાદેશ મરચન્ટ મરીન ઑફિસર્સ ઍસોસિયેશનના કૅપ્ટન અનમ ચૌધરીનો અંદાજ છે.
તેમનું કહેવું છે કે આ તેનાથી પણ વધારે હોઈ શકે છે કારણ કે હવે ચોક્કસ આંકડો હવે અંદાજી શકાય છે.

ઇમેજ સ્રોત, AFP / Royal Thai Navy
હસન એમાંના કેટલાક લોકોમાંથી છે જેઓ તેઓ ઘર સુધી પહોંચવામાં સફળ રહ્યા છે.
તેઓ ઈરાન પાછા ફર્યા ત્યારે શિપમાલિકોએ હસન અને તેમના પાકિસ્તાની સાથી ક્રૂ-મૅમ્બર્સને પાસપોર્ટ પાછો આપ્યો હતો અને સાથે મુસાફરી પાસે પૈસા પણ આપ્યા હતા. જોકે, તેમને પાંચ મહિનાનું ભથ્થું નહોતું મળ્યું જે અંદાજે અઢી લાખ પાકિસ્તાની રૂપિયા થાય છે. (અંદાજે 895 ડૉલર)
ઈરાન કડકાઈથી નો-ફ્લાય ઝોનને અનુસરી રહ્યું છે અને હસને મોટરમાર્ગે પાકિસ્તાન સુધીનો પ્રવાસ કરવો પડ્યો હતો જેમાં તેમને 24 કલાક લાગ્યા હતા.
લોકો ઈરાનની રાજધાની તેહરાનને છોડીને જઈ રહ્યા હોવાથી રસ્તા પર પણ ભારે ટ્રાફિક હતો. લોકોમાં ડર હતો કે હજુ શહેર પર ઘણા મિસાઇલ હુમલાઓ થઈ શકે છે.
તેમનું કહેવું છે કે તમામ જગ્યાએ પોલીસ ચેકપૉઇન્ટ્સ હતા અને અધિકારીઓ માત્ર સારી રીતે ચેકિંગ કર્યા બાદ મુસાફરોને જવાની પરવાનગી આપી રહ્યા હતા. રસ્તામાં ખૂબ ઓછું ભોજન અને પાણી ઉપલબ્ધ હતું, અને આખી મુસાફરી દરમિયાન બંને જોડે માત્ર ક્રિસ્પ્સનાં ત્રણ પૅકેટ અને પાણીની બે બૉટલો જ હતી.
દુ:ખમાં પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈરાનથી બધા લોકો જીવિત બહાર નહોતા નીકળી શક્યા - 24 માર્ચના રોજ આ જ બંદર પર થયેલા મિસાઇલ હુમલામાં પાકિસ્તાનના નાવિક યાસિર ખાનનું મૃત્યુ થયું હતું.
ચૌધરી પ્રમાણે, યુદ્ધ ચાલુ થયું ત્યારથી જહાજો પર થયેલા હુમલામાં એક ડઝન કરતાં પણ વધુ નાવિકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
પાછલા અમુક દિવસોથી લોકો કરાચીના મનોરા દ્વીપ પર આવેલા યાસિરના ઘરના ઘરની મુલાકાત લઈને શોક વ્યક્ત કરી રહ્યા છે, ભોજન લાવી રહ્યા છે, કારણ કે પાકિસ્તાનમાં પરંપરાગત રીતે શોકગ્રસ્ત પરિવાર ભોજન રાંધતું નથી.
યાસિરને તેમના પરિવારજનો અને મિત્રો એક જિંદાદિલ, મોજીલા અને દયાળુ માણસ તરીકે યાદ કરે છે.
યાસિરના ભાઈ વાજિદે કહ્યું, "મારા પિતા ધૈર્ય અને હિંમત બતાવી રહ્યા છે, પરંતુ મારાં માતા અને ભાભીની હાલત ઘણી ખરાબ છે"
"તેઓ કહ્યા કરે છે, 'યાસિરનો મૃતદેહ ક્યારે આવશે? આટલા દિવસ કેમ લાગી રહ્યા છે?' હું જેમતેમ કરીને મારી મમ્મીને થોડું જમાડું છું, પણ યાસિરનાં પત્ની કશું ખાતાં નથી."
એક નવાસવા નાવિક તરીકે 24 વર્ષીય આ યુવાનને એક ટગ-બોટમાં નોકરી મળી અને તેમણે ગત સપ્ટેમ્બર માસમાં પહેલી વખત ઈરાનનો પ્રવાસ ખેડ્યો. વાજિદ કહે છે, "તેનાં સપનાં મોટાં હતાં."
"તે પોતાની પત્ની અને બાળકને ટેકો આપવા, તેમને સારું જીવન આપવા માટે સફળ થવા માગતો હતો. આના કારણે એ ગયો."
21 માર્ચના રોજ ઇસ્લામના પવિત્ર માસ રમજાનના અંતે આવતા તહેવાર એવા ઈદના પ્રથમ દિવસે, યાસિરે તેમના પરિવારજનોને સામાન્ય દિવસોની માફક કૉલ કર્યો હતો, પરંતુ યુદ્ધ અંગે કંઈ વાત ન કરી, પણ પછી તેણે વાજિદ સાથે અંગતમાં વાત કરવાનું કહ્યું, "એ ઇચ્છતો હતો કે હું તેને ત્યાંથી કાઢવાનો કંઈક માર્ગ શોધું."
એ પછીના દિવસોમાં, વાજિદ અને યાસિરની કોઈ વાત ન થઈ, યાસિરને સમજાઈ ગયું કે કંઈક તો ખોટું થયું છે. તેઓ કહે છે, "અમે શક્ય હોય ત્યાંથી માહિતી મેળવવાનો પ્રયાસ કરતા રહ્યા."
"પહેલાં તો હું આશા રાખી રહ્યો હતો કે એ બચી ગયો છે - એ કાંઠે, કોઈ અન્ય જહાજ પર પહોંચી ગયો હશે અથવા ઈજાગ્રસ્ત થયો હશે."
જોકે, સમયાંતરે તેમને ખબર પડી કે યાસિર ઊંઘમાં જ જ્યારે તેમના વાહન પર મિસાઇલ ત્રાટકી ત્યારે મૃત્યુ પામ્યા હતા.
થોડી મિનિટોમાં જ આખું જહાજ ડૂબી ગયું, અને જહાજ પર રહેલા બધા લોકો પાણીમાં ફેંકાઈ ગયા. માત્ર પાકિસ્તાનના અન્ય એક નાવિક આ દુર્ઘટનામાં બચ્યા.
જહાજ પરના નાવિકોનું જીવન અને મૃત્યુ

ઇમેજ સ્રોત, Wajid Khan
હસન માટે તેમનું વાહન ડૂબ્યું એ વાત હવે એક છૂપા આશીર્વાદ સમાન લાગી રહી છે - તેઓ કહે છે કે આવું ન થયું હોત તો તેઓ હજુ પણ ઈરાનમાં ફસાયેલા હોત.
બૉર્ડરથી પોતના ઘર સુધી પહોંચવામાં તેમને વધુ પાંચ દિવસ લાગ્યા - જ્યાં તેમનાં માતા, આંટી દરવાજે બેસીને આંખમાં હર્ષનાં આંસુ સાથે તેમની વાટ જોતાં હતાં.
તેઓ કહે છે કે, "મને ખ્યાલ નથી કે હું માના કેટલી વાર સુધી ભેટેલો રહ્યો. એવું લાગ્યું કે હવે મને કોઈ આનાથી વધુ નુકસાન નહીં પહોંચાડી શકે."
એ બાદ તેમના પર દુબઈમાં કામ કરતા પોતાના પિતાનો કૉલ આવ્યો. હસન કહે છે, "તેઓ પણ ફોન પર રડી રહ્યા હતા."
"તેમણે મને શાંત કરાવ્યો અને પોતાની ચિંતા ન કરવા કહ્યું, અને પોતે કુશળ હોવાનું જણાવ્યું. મેં તેમને પાકિસ્તાન પાછા ફરવા માટે કહ્યું."
"પણ તેમણે કહ્યું કે જો તેઓ પાછા આવશે તો તેઓ દુબઈ ફરી નહીં જઈ શકે, અને આનાથી મોટું નાણાકીય નુકસાન થશે."
હસનને નાવિક બનવાનું કોઈ દુ:ખ નથી, પરંતુ તેઓ કહે છે કે તેઓ ફરી ક્યારેય ઈરાનમાં કામ કરવા નહીં જાય.
વાજિદના પરિવારે યાસિરનો મૃતદેહ દફનાવી દીધો છે, પરંતુ તેમના મૃત્યુના આઘાતમાંથી બહાર આવવામાં તેમને હજુ લાંબો સમય લાગશે.
યાસિરનો પુત્ર માત્ર ત્રણ વર્ષનો છે. વાજિદ કહે છે, "હું હંમેશાં મારા ભત્રીજા સામે જ જોતો રહું છું. તે શું બન્યું છે એ પણ સમજી નથી શકતો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























