'તમારો વારો આવશે, આશા અને ધીરજ રાખો', વંધ્યત્વથી પીડાતી મહિલાઓની પીડા

મહિલા, કસુવાવડ, મહિલા આરોગ્ય, બીબીસી ગુજરાતી, હેલ્થ, પ્રસૂતિ, વધ્યંત્વ, મેડિકલ રિસર્ચ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ગ્રેસ ડીન
  • વાંચવાનો સમય: 6 મિનિટ

વિકી લેવેન્સને ત્રીજી કસુવાવડ થઈ, તેના બીજા જ દિવસથી તેમણે રિસેપ્શનિસ્ટ તરીકેની તેમની નોકરી પાછી શરૂ કરી દીધી.

નોકરી પર પાછાં ફર્યાં, ત્યારે વિકીએ કેવી પીડામાંથી પસાર થવું પડ્યું હતું, તે જાણતા બે મૅનેજરોએ તેમના વિશે કંઈક એવી ટિપ્પણી કરી, જેનાથી વિકીની લાગણી દુભાઈ.

એક મહિલા મૅનેજરે જાણે કશું ન થયું હોય, તેમ વિકીને કહ્યું કે, તેમનો ગર્ભપાત થયો, તે તો ગર્ભાવસ્થાનો હજુ પ્રારંભિક તબક્કો જ હતો. જ્યારે અન્ય એક પુરુષ મૅનેજરે કહ્યું કે, વિકી રિસેપ્શન ડેસ્ક પર કામ કરવા માટે પ્રેઝન્ટેબલ દેખાતાં નહોતાં.

બેલફાસ્ટમાં રહેતાં 29 વર્ષીય વિકી કહે છે, "હું આઘાતમાં હતી." તેમણે તે પછીની શિફ્ટમાં જ પોતાનું રાજીનામું ધરી દીધું.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં મિત્રો અને પરિવારજનો ગર્ભધારણ કરવા અંગેના વિકીના સંઘર્ષ વિશે ખોટી પણ સહાનુભૂતિપૂર્ણ ટિપ્પણીઓ કરતાં તેમને જણાવી ચૂક્યાં છે કે, "થોડા જ સમયમાં હવે તારો વારો આવશે", "આશા ટકાવી રાખજે", કે પછી અમુક સલાહ પણ આપી છે.

2020માં સંતાનપ્રાપ્તિ માટે પ્રયાસો શરૂ કરનારાં વિકી કહે છે, "હું જાણું છું કે, તેઓ દિલાસો આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ જ્યારે વ્યક્તિ આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી હોય, ત્યારે હું ઇચ્છું છું કે, લોકો આવું ન બોલે, કારણ કે તેનાથી ઠેસ પહોંચતી હોય છે."

કેવી કેવી અસહજ ટિપ્પણી કરાય છે?

મહિલા, કસુવાવડ, મહિલા આરોગ્ય, બીબીસી ગુજરાતી, હેલ્થ, પ્રસૂતિ, વધ્યંત્વ, મેડિકલ રિસર્ચ

ઇમેજ સ્રોત, Vicky Levens

ઇમેજ કૅપ્શન, વિકી કહે છે કે, તેમની પ્રજનનક્ષમતા અને ભવિષ્ય વિશેની ખોટી સલાહ તેમના માટે પીડાદાયક હોઈ શકે છે

કસુવાવડ અને પ્રજનનને લગતી સમસ્યાને લઈને આવી અસહજ ટિપ્પણીઓનો સામનો કરનારાં વિકી એકલાં નથી.

માન્ચેસ્ટરમાં રહેતાં 33 વર્ષીય કેયે "વુમન્સ અવર્સ ગાઇડ ટુ લાઇફ" કાર્યક્રમના વંધ્યત્વ અંગેની વાતચીત પરના એક એપિસોડમાં કહ્યું હતું, "લોકો પાસેથી સાચે જ બેચેન કરી મૂકતી વાતો સાંભળવા મળતી હોય છે." તેઓ કહે છે કે, મોટા ભાગની ખોટી ટિપ્પણીઓ ઈરાદાપૂર્વક નથી કરવામાં આવતી, પણ તે અસંવેદનશીલ લાગી શકે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"મારી આઇવીએફ સારવાર શરૂ થઈ, તેની બરાબર પહેલાં જ મારી નિકટની વ્યક્તિએ મને પાસે બેસાડીને કહ્યું, 'ઘણી મહિલાઓને કસુવાવડ થતી હોય છે, એટલે તારે બસ તેના માટે તૈયાર થઈ જવું પડશે અને તેને લઈને બહુ પરેશાન થવાની જરૂર નથી'."

એનએચએસના જણાવ્યા અનુસાર, લગભગ દર સાતમાંથી એક યુગલને ગર્ભાધાનમાં મુશ્કેલી થાય છે. બ્રિટનમાં 2023માં 50,000 કરતાં વધુ દર્દીઓએ આઇવીએફ સારવાર કરાવી હતી. આઇવીએફમાં લૅબમાં ઈંડાંને ફર્ટિલાઇઝ કરવામાં આવે છે અને તે પછી મહિલાના ગર્ભાશયમાં ભ્રૂણ મૂકવામાં આવે છે.

પણ, વંધ્યત્વનો સામનો કરનારા લોકોનું કહેવું છે કે, આ વિષય અંગે મિત્રો, પરિવારજનો અને સહકર્મીઓ સાથે વાત કરવી મુશ્કેલ હોઈ શકે છે.

આઇવીએફ માટે એનએચએસના વેઇટિંગ લિસ્ટમાં જેમનું નામ સામેલ છે, તે 26 વર્ષીય ક્લોઇ કેવનાઘ કહે છે, "મને લાગે છે કે, આ નિષિદ્ધ વિષય છે."

શરૂઆતમાં ક્લોઇ પોતે વંધ્યત્વની સમસ્યા ધરાવતાં હોવાનું મિત્રો અને પરિવારને જણાવવામાં ખચકાટ અનુભવતાં હતાં.

"આવું કહેવામાં ક્ષોભ, સંકોચની લાગણી થતી હોય છે, કારણ કે વ્યક્તિનું શરીર આ કરવા માટે જ બન્યું છે. આથી, તમને પોતે નિષ્ફળ રહ્યાની લાગણી થવા માંડે છે."

'તમને તમારા સ્ત્રીત્વ વિશે સવાલ કરવામાં આવે છે'

મહિલા, કસુવાવડ, મહિલા આરોગ્ય, બીબીસી ગુજરાતી, હેલ્થ, પ્રસૂતિ, વધ્યંત્વ, મેડિકલ રિસર્ચ
ઇમેજ કૅપ્શન, કેય કહે છે કે, લોકોએ તેમના વંધ્યત્વ અંગે અજાણતાં જ દુઃખ પહોંચાડનારી ટિપ્પણીઓ કરી છે

પાકિસ્તાની મૂળનાં બ્રિટિશ અને વેસ્ટ લંડનમાં રહેતાં 42 વર્ષીય આસિયા દાઉદ કહે છે કે, કેટલાક દક્ષિણ એશિયન સમુદાયોમાં લગ્ન પછી તરત ગર્ભવતી ન થનારી સ્ત્રીઓ વિશે ઘણી વાતો કરવામાં આવતી હોય છે.

"તેમને તેમના સ્ત્રીત્વ અંગે સવાલ કરવામાં આવે છે. કારકિર્દી પર ધ્યાન આપવા બદલ કે ઓછી વયે લગ્ન ન કરવા બદલ સંબંધીઓ તરત પત્ની ઉપર જ દોષનો ટોપલો ઢોળી દે, એવું પણ બને છે," એમ આસિયાએ કહ્યું હતું.

જ્યારે તેમને ગર્ભાધાનમાં મુશ્કેલી નડી રહી હતી, ત્યારે વણથંભી ટિપ્પણીઓથી કંટાળીને આસિયાએ મિત્રો અને પરિવારજનોને મળવાનું જ બંધ કરી દીધું હતું.

તેમણે કહ્યું કે "હું બહાર જ નહોતી નીકળતી, મારા સામાજિક જીવન જેવું કશું રહ્યું જ ન હતું."

મદદ માગવી "વર્જિત" છે અને તેને કદાચ "કમજોરીની નિશાની" ગણી લેવામાં આવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મહિલા, કસુવાવડ, મહિલા આરોગ્ય, બીબીસી ગુજરાતી, હેલ્થ, પ્રસૂતિ, વધ્યંત્વ, મેડિકલ રિસર્ચ

ઇમેજ સ્રોત, Asiya Dawood

ઇમેજ કૅપ્શન, આસિયા દાઉદે ગયા વર્ષે પ્રથમ દક્ષિણ એશિયન શિશુ મૃત્યુ જાગૃતિ સપ્તાહની શરૂઆત કરી હતી

પરંતુ પોતાના અનુભવો અંગે લોકો સાથે મુક્તપણે વાત કરવી જરૂરી છે, કારણ કે વંધ્યત્વ અને તેની સારવારની લાગણીઓ પર નોંધપાત્ર અસર પડી શકે છે, એમ યુનિવર્સિટી કૉલેજ લંડન (યુએસીએલ) ખાતે પ્રજનન વિજ્ઞાનનાં પ્રોફેસર જોયસ હાર્પર જણાવે છે.

તેઓ કહે છે, "તેની સારવાર ઉતાર-ચઢાવ ભરેલી હોય છે, ક્યારેક માસિકસ્રાવ થાય છે કે પછી એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે છે, ઘણી વખત આ બધું મુશ્કેલ બની જતું હોય છે."

પ્રજનન ક્ષમતાનાં વિશેષજ્ઞ ક્લિનિકલ સાઇકૉલૉજિસ્ટ ડૉક્ટર મૅરી પ્રિન્સ કહે છે કે, તમે જે લોકો ઉપર વિશ્વાસ રાખતા હો, તે તમારા પરિવારજનો કે મિત્રો જ હોવાં જરૂરી નથી.

તેઓ કહે છે, "બની શકે કે, તમારી આઇવીએફ સપોર્ટ ટીમમાં સામેલ લોકો - સામાન્યપણે તમને મદદરૂપ થનારાં લોકોથી અલગ હોય."

પ્રિન્સ જણાવે છે કે, બ્રિટનના (એનએચએસ ક્લિનિક સહિતના) કોઈ પણ ક્લિનિકમાં પ્રજનનની સારવાર કરાવી રહેલા લોકો માટે કાઉન્સેલર્સની સુવિધા ઉપલબ્ધ છે. વળી, પ્રિન્સ સ્વયં પણ દરેક વ્યક્તિને તે સેવાનો ઉપયોગ કરવાનું ઉત્તેજન આપે છે.

બીબીસી ન્યૂઝ સાથે વાત કરનારી મહિલાઓએ જણાવ્યું હતું કે, મિત્રો અને કુટુંબીજનોએ વંધ્યત્વનો સામનો કરી રહેલી વ્યક્તિને પૂછવું જોઈએ કે, તેને કેવા પ્રકારની મદદની જરૂર છે, કારણ કે આ સહાયતા દરેક વ્યક્તિ માટે જુદી-જુદી હોય છે.

ક્લોઇ કહે છે કે થોડા-થોડા સમયે ખબર-અંતર પૂછવા, અપૉઇન્ટમેન્ટ્સની તારીખો યાદ રાખવી અને સારવાર વિશે જાણકારી મેળવવી - એ દર્શાવે છે કે તમે તે વ્યક્તિ વિશે વિચારી રહ્યા છો.

'મિત્રો અને પરિવાર પાસેથી મળી અવિશ્વસનીય સહાય'

મહિલા, કસુવાવડ, મહિલા આરોગ્ય, બીબીસી ગુજરાતી, હેલ્થ, પ્રસૂતિ, વધ્યંત્વ, મેડિકલ રિસર્ચ

ઇમેજ સ્રોત, ikat photography / Sam Chandler

ઇમેજ કૅપ્શન, મેરી પ્રિન્સ અને જોયસ હાર્પરે વંધ્યત્વના અનુભવમાંથી પસાર થઈ રહેલી મહિલાઓ માટે સહાયતા નેટવર્ક હોવું કેટલું આવશ્યક છે, તે વિશે વુમન્સ અવર સાથે વાતચીત કરી હતી

દક્ષિણ વેલ્સમાં રહેતાં 29 વર્ષીય એલેના મોરિસ કહે છે કે, તેમને પ્રજનન સંબંધિત તેમની સફર દરમિયાન મિત્રો અને પરિવારજનો પાસેથી "અવિશ્વસનીય" મદદ મળી હતી.

કસુવાવડ થયા પછી લોકો એલેનાની મુલાકાત લેતાં હતાં, તેમના માટે ખાવાનું અને ફૂલો લઈ જતાં હતાં, તેમને અને તેમના પતિને રેસ્ટોરાંનાં વાઉચરો ભેટમાં આપતાં હતાં, જેથી બંને "થોડી હળવાશ અનુભવી શકે." એલેનાનાં માતા-પિતા અને પતિએ માતૃદિવસ નિમિત્તે તેમને ફૂલ પણ આપ્યાં હતાં.

પણ આ વાત ફક્ત મોટા ઈશારાઓની નથી. એલેના કહે છે કે, નાની-નાની સહાય પણ ઘણી મહત્ત્વની બની રહે છે, જેમ કે લોકો તેમને મૅસેજ મોકલીને કહે કે, તેઓ તેમના વિશે વિચારી રહ્યા છે.

"લોકો મને ભૂલી નથી ગયાં - એ જાણીને આનંદ થતો હોય છે."

જ્યારે કોઈ મિત્ર કે સંબંધી ગર્ભવતી હોવાની જાણ થાય, ત્યારે વંધ્યત્વનો સામનો કરી રહેલી વ્યક્તિના મનમાં ચોક્કસ પ્રકારની નકારાત્મક લાગણીઓ ઊઠતી હોય છે. પ્રિન્સ કહે છે કે, તેઓ કેટલીક એવી વ્યક્તિઓ સાથે વાત કરી ચૂક્યાં છે, જેમને સ્વજનોની ગર્ભાવસ્થાની જાણ થતાં નિરાશાની લાગણી થઈ હોય.

મહિલા, કસુવાવડ, મહિલા આરોગ્ય, બીબીસી ગુજરાતી, હેલ્થ, પ્રસૂતિ, વધ્યંત્વ, મેડિકલ રિસર્ચ

ઇમેજ સ્રોત, Chloe Cavanagh / Elena Morris

ઇમેજ કૅપ્શન, ક્લોઇ કેવનાઘ અને એલેના મોરિસ કહે છે કે, ખબર-અંતર પૂછવા જેવી નાની ચેષ્ટા પરથી જાણી શકાય છે કે, લોકો તમારા વિશે વિચારી રહ્યા છે

એલેનાએ તેમનાં મિત્રો અને પરિવારને જણાવ્યું હતું કે, તેમણે તેમની ગર્ભાવસ્થાની જાણ એલેનાને ટેક્સ્ટ મૅસેજથી કરવી, જેથી "તે સમાચાર સમય સાથે સ્વીકારી શકાય અને લાગણીઓ સામાન્ય થતાં તેનો જવાબ આપી શકાય."

તેઓ કહે છે કે, ગર્ભાવસ્થાની રૂબરૂ જાણ કરવાથી કેટલાક લોકોને એવું લાગે છે કે, તેમણે ખૂબ ખુશ થઈ જવું જોઈએ, પણ વાસ્તવમાં તે ક્ષણે તેમને "રડવાનું મન થતું હોય છે."

જ્યારે ક્લોઇની એક અત્યંત ગાઢ મિત્ર ગર્ભવતી થઈ, ત્યારે તેણે આખા ગ્રૂપની વચ્ચે તેની જાહેરાત કરવાને બદલે બંને એકલાં હતાં, ત્યારે તેની જાણકારી આપી હતી, જે ક્લોઇને ગમ્યું હતું.

ક્લોઇ ઉમેરે છે, "હું દુખી થઈ જઈશ એમ વિચારીને જો લોકો મને આ સમાચાર ન જણાવે, તો મને તે નહીં ગમે."

આસિયા કહે છે કે, દક્ષિણ એશિયન સમુદાયોમાં યુવાન લોકો વંધ્યત્વ અને ગર્ભપાત સાથે જોડાયેલા કલંકને નાથવા માટે ઉત્સુક છે.

લોકોને તેમના અનુભવોનું આદાન-પ્રદાન કરવાનું ઉત્તેજન આપવા માટે, તેમણે ગયા વર્ષે પ્રથમ દક્ષિણ એશિયન શિશુ મૃત્યુ જાગૃતિ સપ્તાહ શરૂ કર્યું હતું, જેમાં મહિલાઓ, જનરલ પ્રૅક્ટિશનરો અને સખાવતી સંસ્થાઓના સંવાદોનું આયોજન કરવામાં આવ્યું હતું.

એલેનાને વંધ્યત્વ અંગેના તેમના અનુભવ વિશે મિત્રો અને પરિવાર સાથે વાત કરીને રાહતનો અનુભવ થયો હતો.

એલેના કહે છે, "જ્યારે લોકોને ખબર ન હોય કે તમે કેવા તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છો, ત્યારે તમને ઠેસ પહોંચે તેવી વાતો અજાણતાં કરવામાં આવતી હોય છે. અમને આનંદ છે કે, અમે મુક્તપણે અમારી લાગણી વ્યક્ત કરી અને અમે તે બદલવા નથી ઇચ્છતાં."

જો તમે આ લેખમાં ઉઠાવાયેલા મુદ્દાથી પ્રભાવિત થયા છો, તો તમને મદદ અને સહાય પૂરી પાડનારાં સંગઠનો બીબીસીની ઍક્શન લાઇન ઉપર ઉપલબ્ધ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન