રામમંદિર બાદ હવે બદરીનાથ મંદિરમાં ચઢાવામાં 'ગેરરીતિ'ની ફરિયાદ, તપાસમાં શું બહાર આવ્યું?

ઉત્તરાખંડના બદરીનાથ મંદિરમાં ચઢાવાનો કથિત હેરાફેરીનો મામલો સામે આવ્યો છે બીબીસી ગુજરાતી અયોધ્યા મંદીર ચોરી ગુજરાત ઉત્તરાખંડ ચારધામ

ઇમેજ સ્રોત, Asif Ali

ઇમેજ કૅપ્શન, ઉત્તરાખંડના બદરીનાથ મંદિરમાં ચઢાવાનો કથિત હેરાફેરીનો મામલો સામે આવ્યો છે
    • લેેખક, આસિફ અલી
    • પદ, દેહરાદૂનથી બીબીસી હિંદી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

અયોધ્યાના રામમંદિરમાં દાનચોરીનો મુદ્દો હાલમાં ચર્ચામાં છે. આ દરમિયાન હવે ઉત્તરાખંડના બદરીનાથ મંદિરમાં ચઢાવાનો કથિત હેરાફેરીનો મામલો સામે આવ્યો છે, જે મંદિર સમિતિની આંતરિક તપાસથી આગળ વધીને હવે પોલીસ તપાસ, ઉચ્ચ સ્તરીય રાજ્ય સરકારની તપાસ અને રાજકીય રીતે ચર્ચાનો વિષય બન્યો છે.

2 જુલાઈના રોજ થાળી-ભેટની ગણતરી દરમિયાન કથિત અનિયમિતતાના અહેવાલો સામે આવ્યા બાદ એક સામાજિક સંગઠને મંદિર સમિતિને ફરિયાદ કરી હતી.

ત્યાર બાદ બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ સંબંધિત કર્મચારીને સસ્પેન્ડ કર્યો. સરકારે ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે અને પોલીસે એફઆઇઆર દાખલ કરી છે. હવે, સીટે આ મામલાની તપાસ શરૂ કરી છે.

12મી જુલાઈની રાતે સીટે દહેરાદૂનથી સસ્પેન્ડ કરાયેલા સમિતિના કર્મચારી પ્રમોદ નૌટિયાલની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનાએ ન માત્ર બદરીનાથ ધામમાં ચઢાવાના સંચાલન પર પ્રશ્નો ઊભા કર્યા છે, પરંતુ એ પણ ચર્ચા છેડી છે કે શ્રદ્ધાળુના દાનની દેખરેખ અને જવાબદારીની વર્તમાન વ્યવસ્થા કેટલી અસરકારક છે.

બદરીનાથમાં દાનચોરીની ફરિયાદથી આ વિવાદ શરૂ થયો

12મી જુલાઈએ પ્રારંભિક તપાસ બાદ એક કર્મચારીની ધરપકડ કરાઈ છે ઉત્તરાખંડના બદરીનાથ મંદિરમાં ચઢાવાનો કથિત હેરાફેરીનો મામલો સામે આવ્યો છે બીબીસી ગુજરાતી અયોધ્યા મંદીર ચોરી ગુજરાત ઉત્તરાખંડ ચારધામ

ઇમેજ સ્રોત, Asif Ali

ઇમેજ કૅપ્શન, 12મી જુલાઈએ પ્રારંભિક તપાસ બાદ એક કર્મચારીની ધરપકડ કરાઈ છે

બદરીનાથ ધામમાં ચઢાવાની કથિત હેરાફેરી 2 જુલાઈના રોજ પ્રકાશમાં આવી હતી, જ્યારે મંદિરમાં થાળી-ભેટની ગણતરી દરમિયાન અનિયમિતતાની માહિતી મળી. ત્યાર બાદ આ ઘટના સંબંધિત અનેક દાવાઓ સોશિયલ મીડિયામાં ફરતા થયા અને આ મામલો ઝડપથી ચર્ચાનો વિષય બન્યો.

3 જુલાઈના રોજ ભૈરવ સેનાના સ્થાપક સંદીપ ખત્રીએ શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ના મુખ્ય કાર્યકારી અધિકારીને લેખિત ફરિયાદ કરી.

ફરિયાદમાં ચઢાવાના સંચાલનમાં અનિયમિતતાનો આરોપ મુકાયો હતો અને સંબંધિત કર્મચારી સામે એફઆઇઆર નોંધવાની અને નિષ્પક્ષ તપાસની માગ કરાઈ હતી.

આ ફરિયાદ સાર્વજનિક થયા પછી મામલો ફક્ત કથિત નાણાકીય અનિયમિતતા સુધી સીમિત ન રહ્યો. સમગ્ર ઘટનાએ બદરીનાથ જેવા મુખ્ય તીર્થસ્થળ પર ચઢાવાના સંચાલન અને દેખરેખ પર સામે પણ સવાલો કર્યા છે.

એ પછી મંદિર સમિતિએ આંતરિક તપાસ શરૂ કરી. પછી પોલીસે કેસ નોંધ્યો અને રાજ્ય સરકારે એક અલગ ઉચ્ચ સ્તરીય ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી.

બીકેટીસીએ જણાવ્યું હતું કે ફરિયાદ મળ્યા બાદ સંબંધિત કર્મચારી પાસેથી સ્પષ્ટતા માગવામાં આવી હતી અને ચાર સભ્યોની તપાસ સમિતિની રચના કરાઈ હતી. સમિતિની પ્રાથમિક તપાસમાં પ્રથમ દૃષ્ટિએ અનિયમિતતાના સંકેતો મળ્યા બાદ અધ્યક્ષ કાર્યાલયમાં તહેનાત અંગત સહાયક પ્રમોદ નૌટિયાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

બીકેટીસીએ એ પણ જણાવ્યું કે જો તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા બહાર આવશે, તો તેમની સામે નિયમો અનુસાર કાર્યવાહી કરાશે.

પોલીસ તપાસમાં શું સામે આવ્યું?

બીકેટીસી અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ દાવો કર્યો હતો કે ગણેશ ગોદિયાલના બીકેટીસી અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન પણ નાણાકીય અને વહીવટીય અનિયમિતતાના આરોપો લાગ્યા હતા

ઇમેજ સ્રોત, Asif Ali

ઇમેજ કૅપ્શન, બીકેટીસી અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ દાવો કર્યો હતો કે ગણેશ ગોદિયાલના બીકેટીસી અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન પણ નાણાકીય અને વહીવટીય અનિયમિતતાના આરોપો લાગ્યા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

8 જુલાઈએ બીકેટીસીના પ્રભારી મંદિર અધિકારી યુદ્ધવીર પુષ્પવાનની ફરિયાદ બાદ બદરીનાથ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 306 અને 316 (5) હેઠળ કેસ નોંધાયો.

એફઆઇઆર અનુસાર, વિભાગીય તપાસ સમિતિની પ્રારંભિક તપાસમાં એ આરોપ સામે આવ્યો છે કે મંદિર સમિતિના કર્મચારી પ્રમોદ નૌટિયાલે થાળી-ભેટની ગણતરી દરમિયાન ધનરાશિ અને અન્ય ભેટસાગાતને કથિત રીતે પોતાના માટે લઈ લીધાં.

મામલાની ગંભીરતા જોતા ચમોલીના પોલીસ અધીક્ષકના નિર્દેશ પર વિશેષ તપાસ ટીમની રચના કરાઈ. એસઆઇટીએ કર્મચારીઓ અને સાક્ષીઓનાં નિવેદન નોંધ્યાં અને 2 જુલાઈએ સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું.

ઉત્તરાખંડ પોલીસ અનુસાર, સીસીટીવી ફૂટેજના વિશ્લેષણમાં તપાસ ટીમે દાવો કર્યો કે પ્રમોદ નૌટિયાલ અનેક વાર ગણતરી રૂમમાંથી રોકડ અને અન્ય ભેટસામગ્રી મોબાઇલ ફોન નીચે છુપાવીને અને પોતાના ખિસ્સામાં રાખીને બહાર નીકળતા જોવા મળ્યા.

પોલીસનો એ પણ દાવો છે કે તેમાં 500ની નોટ, સોના-ચાંદીના સિક્કાનું પૅકેટ, શાલિગ્રામ શિલા અને કેસરનાં પૅકેટ સામેલ હતાં.

આ પુરાવા અને સાક્ષીઓનાં નિવેદનોના આધારે એસઆઇટીએ 12 જુલાઈની રાતે પ્રમોદ નૌટિયાલની દેહરાદૂનસ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી. પોલીસે જણાવ્યું છે કે આરોપીને કોર્ટમાં રજૂ કરાઈ રહ્યો અને કેસની વધુ તપાસ ચાલુ છે.

જોકે, કોર્ટમાં આ આરોપોની પુષ્ટિ થવાની હજુ બાકી છે.

રાજકીય આરોપ-પ્રત્યારોપ

કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગણેશ ગોદિયાલે કહ્યું કે લોકોની ભૂમિકાની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને મંદિર સમિતિના પ્રમુખની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ

ઇમેજ સ્રોત, Asif Ali

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગણેશ ગોદિયાલે કહ્યું કે લોકોની ભૂમિકાની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને મંદિર સમિતિના પ્રમુખની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ

આ મામલાએ હવે રાજકીય રંગ પકડ્યો છે. કૉંગ્રેસ, ભાકપા (માલે) અને બીકેટીસી અધ્યક્ષ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ મૂકી રહ્યા છે.

કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગણેશ ગોદિયાલનો આરોપ છે કે ધરપકડ કરાયેલા કર્મચારીએ પૂછપરછ દરમિયાન કથિત રીતે કહ્યું હતું કે જો દબાણ કરાશે તો તે અન્ય લોકોનાં નામ જાહેર કરશે. જોકે, પોલીસે સત્તાવાર રીતે આવી કોઈ વાતની પુષ્ટિ કરી નથી.

ગોદિયાલનો દલીલ છે કે જો પ્રમોદ નૌટિયાલને મંદિરમાં ચઢાવાની ગણતરીની જવાબદાર અપાઈ હોય, તો જવાબદારી ફક્ત એક કર્મચારી સુધી મર્યાદિત ન હોઈ શકે. તેમનો આરોપ છે કે આ મામલે અન્ય લોકોની ભૂમિકાની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને મંદિર સમિતિના પ્રમુખની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ.

બીજી તરફ ભાકપા (માલે)ના રાજ્ય સચિવ ઇન્દ્રેશ મૈખુરીએ આરોપ લગાવ્યો કે આ મામલો માત્ર એક કર્મચારી પૂરતો સીમિત ન હોવો જોઈએ. તેમણે કહ્યું કે જો પ્રમોદ નૌટિયાલ અધ્યક્ષના અંગત સહાયક હતા, તો એ પણ સ્પષ્ટ થવું જોઈએ કે તેમને બદરીનાથમાં શું જવાબદારીઓ સોંપાઈ હતી અને શું તેઓ એકલા કામ કરતા હતા. તેમણે મંદિર સમિતિના ઉચ્ચ કક્ષાની ભૂમિકાની તપાસની પણ માગ કરી.

આ આરોપનો જવાબ આપતા બીકેટીસીના પ્રમુખ હેમંત દ્વિવેદીએ કહ્યું હતું કે પ્રમોદ નૌટિયાલ તેમના "અંગત સચિવ" નહોતા, પરંતુ મંદિર સમિતિના કર્મચારી છે અને અગાઉ અનેક અધ્યક્ષોના અંગત સહાયક તરીકે કામ કરી ચૂક્યા છે.

હેમંત દ્વિવેદીએ આરોપ મૂક્યો કે નૌટિયાલને 2014માં તત્કાલીન બીકેટીસી અધ્યક્ષ અને વર્તમાન કૉગ્રેસ પ્રદેશ પ્રમુખ ગણેશ ગોદિયાલના કાર્યકાળ દરમિયાન ઇન્ટરનેટ કો-ઑર્ડિનેટર તરીકે કાયમી નિમણૂક મળી હતી અને પછીથી તેમને અંગત સહાયક તરીકે સમાવિષ્ટ કરાયા હતા.

હેમંત દ્વિવેદીએ એ પણ કહ્યું કે વર્તમાન મામલામાં સંદિગ્ધ કર્મચારી સામે સસ્પેન્શન, એફઆઇઆર અને ધરપકડ જેવી કાર્યવાહી કરાઈ છે. વિભાગીય તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ઉચ્ચ કક્ષાની સરકારી તપાસ ચાલી રહી છે.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ગણેશ ગોદિયાલના બીકેટીસી અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન પણ નાણાકીય અને વહીવટીય અનિયમિતતાના આરોપો લાગ્યા હતા.

કૉંગ્રેસ અને ભાકપા (માલે) આ આરોપો પર બીકેટીસી અધ્યક્ષના દાવા સાથે અસંમત છે. જોકે, આ રાજકીય આરોપો અને પ્રત્યારોપો પર અંતિમ નિષ્કર્ષ તપાસ અને ઉપલબ્ધ પુરાવાના આધારે સામે આવશે.

મુખ્ય મંત્રીએ કહ્યું કે "દોષિતોને છોડવામાં નહીં આવે"

ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ ગંભીર મામલો ગણાવીને વિગતે તપાસના નિર્દેશ આપ્યા છે.
ઉત્તરાખંડના બદરીનાથ મંદિરમાં ચઢાવાનો કથિત હેરાફેરીનો મામલો સામે આવ્યો છે બીબીસી ગુજરાતી અયોધ્યા મંદીર ચોરી ગુજરાત ઉત્તરાખંડ ચારધામ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ ગંભીર મામલો ગણાવીને વિગતે તપાસના નિર્દેશ આપ્યા છે

ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ આને શ્રદ્ધાળુઓ શ્રદ્ધા સાથે જોડાયેલો ગંભીર મામલો ગણાવીને વિગતે તપાસના નિર્દેશ આપ્યા છે.

પછી રાજ્ય સરકારે ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી. ગઢવાલ વિભાગીય કમિશનરને તેના અધ્યક્ષ તરીકે બનાવાયા છે, જ્યારે રાષ્ટ્રીય આરોગ્ય મિશન (એનએસએમના મૅનેજિંગ ડાયરેક્ટર સંદીપ તિવારી અને તબીબી અને આરોગ્ય વિભાગના ડાયરેક્ટર (નાણા) જગતસિંહ ચૌહાણને સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

સરકારી આદેશ અનુસાર, સમિતિએ 15 દિવસની અંદર તેનો તપાસ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. ભવિષ્યમાં દાનના સંચાલનને વધુ પારદર્શક અને જવાબદાર કેવી રીતે બનાવી શકાય તે પણ સૂચવવું જરૂરી છે.

મુખ્ય મંત્રી ધામીએ જાહેરમાં જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની આસ્થા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ સહન કરવામાં નહીં આવે અને દોષિત કોઈ પણને બક્ષવામાં નહીં આવે.

આ બાબત મહત્ત્વની એટલા માટે છે કે બદરીનાથ ધામ દેશનાં મુખ્ય હિંદુ તીર્થસ્થાનોમાંનું એક છે, જ્યાં વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને રોકડ, ઘરેણાં અને અન્ય ભેટ ચઢાવે છે. માટે દાનના સંચાલનમાં પારદર્શિતા અને જવાબદારીનો પ્રશ્ન ફક્ત વહીવટી બાબતો પૂરતો સીમિત નથી, પરંતુ શ્રદ્ધાળુઓના વિશ્વાસ અને મંદિર પ્રશાસનની વિશ્વસનીયતાનો પણ પ્રશ્ન છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન