'સેક્સ એ ભેટ નહીં', આ મહિલાઓ હવે માત્ર રૉમાંસ જ પસંદ કેમ નથી કરતી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડેલિયા વેન્ચુરા
- પદ, બીબીસી ન્યૂઝ મુંડો
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 9 મિનિટ
પુરુષ જેન્ટલમૅન એટલે કે સજ્જન હોવો જોઈએ અને તેણે સ્ત્રીને પ્રપોઝ કરવું જોઈએ. સ્ત્રીએ સારાં વસ્ત્રો પહેરવાં જોઈએ અને પુરુષે બિલ ચૂકવવું જોઈએ. પુરુષે પહેલ કરવી જોઈએ, જ્યારે સ્ત્રીએ એવું દેખાડવું જોઈએ કે તેનો સંગાથ મળવો મુશ્કેલ છે અને કોઈ કમિટમેન્ટ વિના સેક્સ તો શક્ય જ નથી.
ભૂતકાળમાં લગ્ન પૂર્વેની કોર્ટશિપ (પ્રણયકાળ)ના કડક નિયમો પ્રચલિત હતા ત્યારે, અથવા નારીસ્વાતંત્ર્ય ચળવળ અને એ પછીની જાતીય ક્રાંતિ બાદ થયેલા પરિવર્તન છતાં આવી સલાહ ઘણી મહિલાઓએ સાંભળી હશે.
દાખલા તરીકે, ઍલેન ફીન અને શૅરી શ્રેડર લિખિત પુસ્તક 'ધ રૂલ્સ ઓફ ઍંગેજમૅન્ટ'માં તમારા સપનાના પુરુષને કેવી રીતે પામવો તેની સફળ યુક્તિઓ આપવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે સ્ત્રીએ પુરુષ સાથે વાતચીતની પહેલ ક્યારેય ન કરવી જોઈએ, તેને ફોન ન કરવો જોઈએ, ક્યારેય પૈસા ન ચૂકવવા જોઈએ કે પહેલી ડેટ પર આવેગપૂર્ણ ચુંબન કરવું ન જોઈએ.
જોકે, હવે આપણે ઇન્ટરનેટ અને અસ્વસ્થતાના યુગમાં છીએ. અહીં બધું વધારે પડતું આત્યંતિક અને થોડું વધારે કડવું છે. દાદીમાની સલાહ અલ્ગોરિધમ્સ અને સામૂહિક નિરાશાથી વિપરીત હોય, પછી શું બાકી રહે?
રેડ પિલ એ એ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
એ છે ફેમોસ્ફિયર (સ્ત્રીઓનો ઓનલાઇન સમુદાય). તે ઇન્ફ્લુઅન્સર્સ, વિવિધ ફોરમ, પોડકાસ્ટ્સ અને સલાહની એક ઇકૉસિસ્ટમ (પરિતંત્ર) છે, જે સ્ત્રીઓને પ્રેમ બાબતે પુનર્વિચાર કરવા, રૉમેન્ટિક ભ્રમણાઓ દૂર કરવા અને રિલેશનશિપ્સ પ્રત્યેના તેમના વલણને બદલવાનું આહ્વાન કરે છે.
એ ઉપરાંત તે તેમને "પિન્ક પિલ" લેવા પ્રોત્સાહિત પણ કરે છે. આ પિન્ક પિલમાં 'ધ મેટ્રિક્સ' ફિલ્મની "રેડ પીલ"નો સંદર્ભ છે, જે તેમાં છુપાયેલી વાસ્તવિકતા સુધી પહોંચવાનું પ્રતીક હતી. ગુલાબના કિસ્સામાં આ સચ્ચાઈ છુપાયેલી નથી, માત્ર ઢંકાયેલી છે. તેમની દલીલ છે કે હેટ્રોસેક્સુઅલ (વિષમલિંગી) સંબંધોનું મૂળભૂત માળખું જ પુરુષો માટે ફાયદાકારક હોય છે. તેથી આપણે પુરુષોની પૅટર્નને ઓળખીને તથા માપદંડ વિસ્તારીને નુકસાનકારક સંબંધોથી બચવાનું શીખવું જોઈએ.
ફિલ્મનું આ રૂપક પહેલાંથી જ મેનોસ્ફિયરે (પુરુષોનો ઓનલાઇન સમુદાય) અપનાવી લીધું હતું. મેનોસ્ફિયર એક એવી ચળવળ છે, જે મહિલાઓથી જોખમ અનુભવતા અને આક્રમક વલણ તથા વાતો વડે રિએક્ટ કરતા અલગ-અલગ પ્રકારના પુરુષોને એકસાથે જોડે છે. તેમના માટે રેડ પિલ એવા લોકોની જાગૃતિનું પ્રતીક છે, જેઓ કથિત ફિમેલ મેનિપ્યુલેશન (મહિલાઓ દ્વારા થતી અયોગ્ય અસરો) તથા સિસ્ટમને પુરુષો માટે નુકસાનકારક માને છે.
નારીવાદીઓ દ્વારા કરાયેલું આ પુનર્મૂલ્યાંકન અસામાન્ય નથી. આખરે તો એ પુરુષોના ભેદી અન્ડરવર્લ્ડની આક્રમકતાની પ્રતિક્રિયા છે. તેથી બંને બાબતો પર નજર નાખીએ ત્યારે સમાનતાની સાથે ગહન તફાવતો પણ ઝડપથી જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફેમોસ્ફિયર vs મેનોસ્ફિયર

ઇમેજ સ્રોત, Cortesía de Jilly Kay
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'ફેમોસ્ફિયર' શબ્દ ડૉ. જિલી કેએ બનાવ્યો છે. તેમના મતાનુસાર, સૌથી મોટો ફરક એ છે કે આ શબ્દ મેનોસ્ફિયરની માફક "સામાજિક ખતરો અથવા વાસ્તવિક હિંસા સર્જતો નથી." ડૉ. જિલી કેએ બીબીસી મુંડોને કહ્યું હતું કે, "કેટલાક સમુદાયો કેટલીક રીતો અને ભાષાને પ્રતિબિંબિત કરે છે અથવા ક્યારેક પુરુષોએ મહિલાઓ સાથે જે કર્યું છે તેવું જ વલણ અપનાવી તેમને અમાનવીય બનાવે છે, પણ તેનો અર્થ એ નથી કે બંને સમાન છે."
યુનાઇટેડ કિંગ્ડમની લોફબોરો યુનિવર્સિટીમાં ફેમિનિસ્ટ કલ્ચરલ અને મીડિયા સ્ટડીઝના આ નિષ્ણાતે જણાવ્યું હતું કે મેનોસ્ફિયર મહિલાઓ વિરુદ્ધની પુરુષોની હિંસાને વેગ આપે છે, જે એક સામાજિક સમસ્યા છે. તેમણે કહ્યું હતું કે, "પુરુષો વિરુદ્ધ મહિલાઓ દ્વારા વ્યાપક હિંસાનો ખતરો સર્જવા જેવી સામાજિક પરિસ્થિતિ ફેમોસ્ફિયરમાં નથી."
ડૉ. જિલી કેના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયાએ તેમને પોતાનો અનુભવ શૅર કરવાની તક આપી હતી. અનેક જગ્યાએ સમાનતા જોયા બાદ તેમણે એવું તારણ કાઢ્યું હતું કે, "તમારા પુરુષો પહેલાંથી જ ખરાબ છે અને ભવિષ્યમાં પણ ખરાબ જ રહેશે. તેમનામાં સામાજિક કે ભાવનાત્મક પરિવર્તન માટે કશું કરી શકાય તેમ નથી. તેથી તેમણે એક થઈ, યોજના બનાવી અને માત્ર પોતાના ફાયદા માટે જ નિર્દયતાથી વર્તવું પડ્યું છે."
તેમ છતાં, મહિલા અધિકાર કર્મશીલ અને ડિજિટલ માહોલનાં નિષ્ણાત ઓન્યિયેચી એઝનોવી ભારપૂર્વક કહે છે કે, "મેનોસ્ફિયર જેવો મહિલાઓનો કોઈ સમુદાય નથી. પુરુષો સાથે ખરાબ વર્તન કે હિંસા કરવાનું બીજી મહિલાઓને શીખવતી હોય તેવી કોઈ મહિલા પણ આપણે ત્યાં નથી."
બીબીસી આફ્રિકા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "અમે મહિલાઓને સશક્ત બનવાનું શીખવી રહ્યા છીએ, જેથી તેઓ પોતાનો બચાવ કરી શકે અને પોતાના અધિકારો તથા સમાનતા માટે લડી શકે." ફેમોસ્ફિયરની અનેક વિચારધારા સાથે એઝનોવી સંમત નથી, પરંતુ તેની દિશાને તેઓ બરાબર સમજે છે. બીબીસી મુંડોએ તે સમજવાનો પ્રયાસ પણ કર્યો હતો.
સમાનતાનો સિંદ્ધાંત કોણ સ્વીકારતું નથી?
પિંક પિલ (દૃષ્ટિકોણ બદલનારી વિચારધારા)ની વાત કરીએ તો આપણને સૌથી પહેલાં એ સમજાય છે કે મહિલાઓ પારાવાર સંઘર્ષ કરતી હોવા છતાં દુનિયા તો કાયમ પુરુષની તરફેણમાં જ કામ કરે છે. વેતન અને પેન્શનમાં બહુ મોટો તફાવત છે. બહુ ઓછી મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં ટોચ પર પહોંચી શકી છે અને ઘરેલુ હિંસા, બળાત્કાર, ઉત્પીડન કે દુર્વ્યવહારના મામલાઓમાં ન્યાય વ્યવસ્થાનો પ્રતિભાવ યોગ્ય હોતો નથી.
એ ઉપરાંત નારીવાદી દૃષ્ટિકોણથી જોઈએ તો અગાઉના નારીવાદીઓએ સ્ત્રીઓને પુરુષોની માફક વર્તવા પ્રોત્સાહિત કરી અને તેનાથી પુરુષોને જ લાભ થયો. તેનું ઉદાહરણ આપતાં તેઓ જણાવે છે કે કેઝ્યુઅલ સેક્સ (કોઈ કમિટમેન્ટ વિનાનું સેક્સ) પુરુષો કાયમ ઇચ્છતા હોય છે, વળી કોઈ યુગલની જિંદગીમાં ઘરેલુ તથા ભાવનાત્મક કામોનો બોજ મોટા ભાગે મહિલાઓના ખભા પર જ રહેતો હોય છે. આ કારણસર મહિલા સશક્ત થવાને બદલે થાકી જાય છે.
તમને આમાં પરંપરાગત નારીવાદની ઝલક દેખાતી હોય તો તમે સાચું વિચારી રહ્યા છો. નારીવાદી સમુદાયમાંના ઘણા લોકો ખુદને નારીવાદી ગણાવે છે, પરંતુ ચોક્કસ પરિસ્થિતિમાં તેમની પ્રતિક્રિયા અને વ્યૂહરચના અલગ-અલગ હોય છે.
ડૉ. જિલી કે કહે છે કે, "તેઓ સમાનતાના સિદ્ધાંતને સ્વીકારતા નથી, કારણ કે તેઓ તેનાથી નિરાશ થયા છે. તેઓ વાસ્તવિકતાને સમજવા ઇચ્છે છે. આ કડવી સચ્ચાઈનો સ્વીકાર કરવો પડશે." લૈંગિક સમાનતા ક્યારેય સાકાર નહીં થનારી ભ્રમણા હોય તો "સમાજમાં પુરુષો અને સ્ત્રીઓની ભૂમિકા સુનિશ્ચિત તથા અલગ-અલગ હોય છે, એવા પરંપરાગત વિચારના સ્વીકાર સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી."

ઇમેજ સ્રોત, Getty Images
મેનોસ્ફિયરની માફક ફેમોસ્ફિયરમાં પણ જાતિને શારીરિક તથા માનસિક સ્વરૂપે અલગ-અલગ માનવામાં આવે છે. શારીરિક સંદર્ભમાં મહિલાઓ નબળી હોય છે, જ્યારે માનસિક સંદર્ભમાં સમસ્યાનું મૂળ પુરુષ જ હોય છે. અગાઉ સિસ્ટમ (વ્યવસ્થા)ને રાજકીય રીતે સુધારવાના પ્રયાસો થતા હતા, પણ ફેમોસ્ફિયર તેનો વ્યક્તિગત રીતે પોતાના લાભ માટે ઉપયોગ કરવાનું સ્ત્રીઓને શીખવે છે.
આની પાછળનો વિચાર એવો છે કે દરેક સ્ત્રી પોતાની જાતને સંભાળે અને અનિચ્છનીય પરિસ્થિતિમાં ન ફસાય તો પરિવર્તન થશે, કારણ કે મૂલ્યવિહોણા પુરુષોને શિકાર કરવા મળશે નહીં. મહિલાઓને આપવામાં આવતાં અનેક નામો પૈકીના એક લેબલ વિશે અમને જાણવા મળ્યું. તેને સમજવું જરૂરી છે, જેથી આપણે એ દુનિયાને સમજી શકીએ, જેનું અસ્તિત્વ સોશિયલ મીડિયા ઉપરાંત પુસ્તકોમાં પણ જોવા મળે છે.
હાઈ વેલ્યૂ વુમન કોણ છે?
અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે ફેમોસ્ફિયર એક વૈવિધ્યસભર જગ્યા છે. તેથી અહીંની કોમ્યુનિટીઝ (સમુદાયો)નો અભિગમ કોઈ ઇન્ફ્લ્યુઅન્સર કે ફીમેલ ડેટિંગ સ્ટ્રેટેજી પોડકાસ્ટ જેવો જ નથી હોતો. ખુદને સમજવા માટે કેટલાક કૉન્સેપ્ટ્સ તથા કૅટેગરીઝને જાણવી જરૂરી છે. આ બધું અહીં એટલું સામાન્ય છે કે તેને સમજાવવાની જરૂર પડતી નથી.
ફેમોસ્ફિયરમાં મહિલાઓને જીમમાં જવા માટે, ભણવા માટે, સારાં વસ્ત્રો પહેરવા માટે અને પોતાના જૂના આઘાતોમાંથી બહાર આવીને ખુદને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એ ઉપરાંત તેમણે પુરુષોને ખુદના કેન્દ્રમાંથી હટાવવાની જરૂર છે. એટલે કે રૉમાંસ અને પુરુષોને પોતાની જિંદગીનું કેન્દ્ર બનાવવાને બદલે ખુદની આર્થિક આઝાદી તેમજ માનસિક શાંતિ પર ધ્યાન આપવું જોઈએ.
તેનો હેતુ હાઇ વેલ્યૂ વૂમન (મૂલ્યવાન મહિલા) બનવાનો છે અને સ્ત્રી પોતાના વ્યક્તિગત વિકાસને દુનિયા માટે એક ભેટ ગણવાને બદલે એક વ્યૂહાત્મક અસ્કામત (એસેટ) ગણતી થાય ત્યારે જ આવું થઈ શકે છે. બીજી તરફ, આટલી મહેનત પછી પણ સ્ત્રી ઓછામાં સંતુષ્ટ થઈ જાય કે પ્રેમ માટે ભીખ માંગે તો ફેમોસ્ફિયરમાં તેને "પિક-મી" અથવા ભોળી મહિલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
હાઇ વેલ્યૂ વુમન એ સ્ત્રી છે, જે પોતાની સુંદરતા, સામાજિક તથા માનસિક મૂલ્યના આકલન બાદ પોતાની કિંમત જાણે છે અને ડેટિંગ માર્કેટમાં પોતાનું શોષણ થવા દેતી નથી. આવી હાઇ વેલ્યૂ વુમન કાયમ હાઇ વેલ્યૂ મૅન એટલે કે ઉચ્ચ મૂલ્યોવાળા પુરુષોની શોધમાં હોય છે. તેમના માટે એવો પુરુષ આદર્શ હોય છે જે સ્ત્રીની જરૂરિયાતને સંતોષે, આર્થિક રીતે મજબૂત હોય, ભાવનાત્મક રીતે પરિપક્વ હોય, સ્ત્રીનો આદર કરતો હોય, વફાદાર હોય, રક્ષણ કરી શકે તેવો હોય અને ઉદાર દિલનો હોય.
તેનાથી વિપરીત, લો વેલ્યૂ પુરુષ કંજૂસ હોય છે. તેમની પાસે સ્ત્રીની જરૂરિયાત સંતોષવા માટે જરૂરી આર્થિક સાધનો, ભાવનાત્મક સ્થિરતા કે સલામતીની ભાવના ઓછી હોય છે. આવા પુરુષો પ્રગતિ કરવા ઇચ્છતા નથી અથવા બદલામાં કશું આપ્યા વિના વળતરની અપેક્ષા રાખતા હોય છે. આ વ્યાખ્યાઓમાં બીજી ઘણી બાબતો સમાવિષ્ટ છે અને બીજા અનેક શબ્દો પણ છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે પુરુષે કોઈ પણ સંબંધમાં કશુંક ઉમેરવાનું છે, ઘટાડવાનું નથી.
ભલે થોડું વિરોધાભાસી લાગે, પરંતુ સશક્ત મહિલાઓથી સભર આવાં અનેક ગ્રુપ્સમાં પાર્ટનર શોધવાની વ્યૂહરચનાઓ વિશે સૌથી વધારે વાતચીત થતી હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
"બધા પુરુષો એક જેવા જ હોય છે," આવા દાવા સહિતની ઘણી બાબતો છે, જેના વિશે સવાલ ઉઠાવવામાં આવે છે. તેનો જવાબ એ છે કે, "બધા પુરુષો એક જેવા નથી હોતા એ અમને ખબર છે, પરંતુ હું તમને કૅન્ડીનું એક પૅકેટ આપું અને કહું કે તેમાં દસ ટકા કેન્ડી ઝેરીલી છે, તો તમે દરેક કેન્ડી ખાતા પહેલાં કાળજીપૂર્વક તેની ચકાસણી નહીં કરો?" આવું કરવાની સ્પષ્ટ સલાહ તેઓ આપે છે.
દાખલા તરીકે, કેટલાક માપદંડો બાબતે જરાય બાંધછોડ કરવામાં આવતી નથી. હાઇ વેલ્યૂ સ્ત્રી બીજી તક આપતી નથી. કોઈ પુરુષ સાથે ચાલવા જવા કે કોફી પીવા જવા જેવી સસ્તી ડેટનું અથવા ખર્ચ સમાન પ્રમાણમાં વહેંચી લેવાનું સૂચન કરે, તો તેને તરત જ રિજેક્ટ (અસ્વીકાર) કરવામાં આવે છે.
તેનાં ઘણાં કારણો છે. સામાન્ય રીતે પુરુષોમાં ખર્ચ કરવાની ક્ષમતા વધારે હોય છે અને ડેટ માટે મહિલાએ મૅકઅપ, હેર રિમૂવલ, વસ્ત્રો તથા હેરસ્ટાઇલ પર કેટલો ખર્ચ કર્યો છે તેનો હિસાબ લગાવવાની ક્ષમતા પણ તેમનામાં હોવી જોઈએ. આ બધું વિચિત્ર લાગે છે? તો શું થયું? આ જ સ્થિતિ છે. તેમનું કહેવું છે કે મહિલાઓ ગુલાબ લઈને યુદ્ધના મેદાનમાં ઊતરી શકે નહીં.
ભાવનાત્મક અંતર અને જાત પર કાબૂ રાખવો એ તેમની ઢાલ છે. તેઓ સ્વીકૃતિ મેળવવા કે એકલતાના ડરથી આગળ વધતી નથી. કોઈ પુરુષ તેના પ્રયાસોમાં ઘટાડો કરે કે શંકાસ્પદ વ્યવહાર કરે, તો હાઇ વેલ્યૂ મહિલા કોઈ ડ્રામા, ખુલાસા કે આંખમાં આંસુ વિના પાછી હટી જાય છે. પુરુષના ધ્યાનને એક કિંમતી ચીજ માનવામાં આવે છે. વળી, પ્રેમમાં પડવાનું નથી કે છેતરાવાનું પણ નથી.
તેને ભલે ચાલાકીપૂર્ણ અને લેવાદેવાનો ભદ્દો ખેલ ગણવામાં આવતો હોય, પરંતુ રસપ્રદ વાત એ છે કે આ ફિલ્ટર્સ ઇમોશનલ બુલેટપ્રૂફ જેકેટ જેવું કામ કરી શકે છે. તે સુનિશ્ચિત કરે છે કે મહિલા જેની સાથે ડેટ પર જઈ રહી છે તે પુરુષ આત્મપ્રેમી (નાર્સિસિસ્ટ), છેતરપિંડી કરનારો કે ગેરવર્તન કરનારો નથી.
દાખલા તરીકે, આત્મપ્રેમી અને ગેરવર્તન કરતા પુરુષો "લવ બૉમ્બિંગ"નો ઉપયોગ કરે છે. લવ બૉમ્બિંગ એટલે પુરુષ પહેલા જ સપ્તાહમાં સ્ત્રીને કહી દે છે કે એ તેનો આજીવન પ્રેમ છે. પુરુષ તે મહિલા પર કવિતાઓ અને બોદાં વચનોનો વરસાદ કરી દે છે. અનેક મહિલા કન્ટેન્ટ ક્રિએટર્સ આવાં જોખમો વિશે ચેતવણી આપે છે અને તેમના ફોલોઅર્સને સલાહ આપે છે કે એક સલામત મનોવૈજ્ઞાનિક અંતર જાળવી રાખવું જરૂરી છે.
નક્કર અને સમય પ્રમાણિત સત્યને આધારે પુરુષનું મૂલ્યાંકન કરવાથી ગેરવર્તન કરતી વ્યક્તિની ભાવનાત્મક હાથચાલાકી નકામી બની જાય છે. કોઈ પુરુષ સન્માનજનક અને રક્ષણાત્મક વ્યવહાર સાથે પોતાનું વચન લાંબા સમય સુધી નિભાવી ન શકે તો, મહિલા મનોવૈજ્ઞાનિક રીતે ફસાઈ જાય એ પહેલાં આ ફિલ્ટર તે પુરુષને ફગાવી દે છે.
આ ગુરુઓએ પહેલી ડેટ માટે બનાવેલા શિષ્ટાચારના આકરા નિયમો પર નજર કરશો તો સમજાશે કે તે પોલીસ અને પીડિત સહાયતા સંગઠનો દ્વારા બનાવવામાં આવેલી યૌન હુમલાઓથી બચાવ માટેની ગાઇડલાઇન્સ જેવા જ છે.
સંબંધના પ્રારંભના પહેલા કેટલાક મહિનાઓમાં સ્ત્રીએ કોઈ પુરુષના ઘરે જવાનું અથવા પુરુષને પોતાના ઘરે બોલાવવાનું વર્જ્ય હોય છે. પુરુષ તેની કારમાં મહિલાને લાવે તે પણ વર્જ્ય છે. સ્ત્રી કોઈ જાહેર સ્થળે કે લોકોની ભીડ હોય તેવી જગ્યાએ જાતે પહોંચે તે જરૂરી માનવામાં આવે છે. તેનો હેતુ ભલે આસાનીથી ઉપલબ્ધ ન થવાનો હોય, પરંતુ વાસ્તવમાં તેનાથી એ સુનિશ્ચિત થાય છે કે પોતાની હિલચાલ પર મહિલાનો સંપૂર્ણ અંકુશ રહે. યૌન કે શારીરિક હિંસા થઈ શકે તેવા કોઈ અંગત સ્થળે ફસાઈ જવાના ખતરા પર પણ આનાથી પૂર્ણવિરામ મૂકાઈ જાય છે.
મહિલાઓ માટે ડેટિંગ કેમ અઘરું?
એક જ સમયે બે અલગ-અલગ પ્રકારની વાતો કરવી તે ફેમોસ્ફિયરની લાક્ષણિકતા હોય એવું લાગે છે. પ્રેમ વિશેની તેમની ભદ્ચી ભાષા સાંભળીને તમને આઘાત લાગે, ત્યાં તેઓ અચાનક કશુંક એવું કહે છે જે હૃદયને સ્પર્શી જાય છે. તેઓ પુરુષો વિશે કમર્શિયલ વેલ્યૂવાળી ચીજોના સંદર્ભમાં વાત કરે છે ત્યારે તમને સમજાય છે કે તેઓ પોતે પણ મૂલ્ય અને આદર ઝંખી રહી છે. તેઓ તમને ફેંકી પણ દે અને ખડખડાટ હસાવી પણ શકે છે.
ડૉ. જિલી કે માને છે કે ફેમોસ્ફિયરને વાસ્તવિકતા સાથે સંબંધ છે. તેમના કહેવા મુજબ, સ્ત્રીઓ માટે પુરુષો સાથે ડેટિંગ ખરેખર અઘરું છે. તેનું કારણ મહિલાઓ પ્રત્યે નફરત ફેલાવતી પોર્નોગ્રાફીનો વ્યાપક પ્રસાર છે. ડેટિંગ ઍપ્સ છે, જે માનવ વર્તનની સૌથી ખરાબ વાતો બહાર લાવે છે. તેનું કારણ યૌન હિંસાનો સતત તોળાતો ખતરો પણ છે.
ડૉ. જિલી કેના જણાવ્યા મુજબ, મૂળ મુદ્દો સમસ્યાને કેવી રીતે સમજવામાં આવે છે તે છે. "કેટલાક પુરુષો બળાત્કાર અને યૌન હિંસાને સ્વાભાવિક વ્યવહાર ગણે છે. તેથી એવા લો-વેલ્યૂ પુરુષોથી દૂર રહેવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી," એમ કહેતાં તેઓ ઉમેરે છે કે સમાજમાં પરિવર્તન થઈ શકે એવું વિચારવાની કોઈ ગુંજાઇશ જ નથી. હિંસા લગભગ જૈવિક અને અનિવાર્ય બાબત બની જાય છે.
તેમના કહેવા મુજબ, ફેમોસ્ફિયર "કેટલાક નારીવાદી વિચારોનું એક અજબ અને જટિલ મિશ્રણ છે. તેની સાથે અસહમત થવાનું મુશ્કેલ છે, પરંતુ સમસ્યાનું સમાધાન બહુ જટિલ છે. મને લાગે છે કે 'મૂંઝવણભર્યું' શબ્દ તેને સૌથી સારી રીતે વ્યક્ત કરે છે."
ડૉ. જિલી કેને એ વાતનો અફસોસ છે કે, "આ એક બહુ જ યથાર્થવાદી વિચાર હોવાની સાથે બહુ નિરાશાવાદી પણ છે. આ તો એવું છે કે આપણે રાજકારણ છોડી દેવું જોઈએ અને સમાજને બહેતર બનાવવાના કોઈ પ્રયાસ ન કરવા જોઈએ." યુવા મહિલાઓ આને જ નારીવાદનો અર્થ સમજવા લાગશે, તેની તેમને ચિંતા છે.
તેઓ જણાવે છે કે પુરુષ તથા સ્ત્રી એકમેકની સામે કાયમ લડતા રહેશે અને તેમાં કશું બદલાશે નહીં, એવા વિચારનો અસ્વીકાર કરતા અન્ય સમુદાયો પણ છે.
તેઓ એવું તારણ કાઢે છે કે, "હાલના ડિજિટલ મીડિયામાં એવું કશુંક છે જે આ પ્રકારના પ્રતિક્રિયાવાદી તર્ક પ્રત્યે સંવેદનશીલ છે." અને ફેમોસ્ફિયર ત્યાં છે, જે સેલ્ફ-હેલ્પ મેન્યુઅલ અને એક છૂપા યુદ્ધની વચ્ચે હૃદયની સલામતીની પ્રતિજ્ઞા સાથે અટવાયેલું છે. ઊંડે ઊંડે તેને કોઈ અમર પ્રેમકથાની માફક એવી વ્યક્તિની પ્રતીક્ષા છે, જે વાસ્તવમાં અર્થપૂર્ણ હોય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























