ઉનાકાંડનાં 10 વર્ષ : હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ બનેલા સરવૈયા પરિવારના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું?

દલિત, બીબીસી ગુજરાતી, બાલુભાઈ સરવૈયા, ઉનાકાંડ

ઘરમાં પ્રવેશતા જ સૌથી પહેલી નજર દીવાલ પર ટાંગેલી ચાર તસવીરો પર પડે છે—ડૉ. બાબાસાહેબ આંબેડકર, ગૌતમ બુદ્ધ, મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે.

ઘરના દરેક સભ્ય માટે આ તસવીરો માત્ર મહાન વ્યક્તિત્વોની નથી, પરંતુ છેલ્લાં દસ વર્ષમાં તેમના જીવનમાં આવેલા પરિવર્તનની સાક્ષી છે.

આ જ ઘર છે, જ્યાં એક દાયકા પહેલાં લોકો સહાનુભૂતિ વ્યક્ત કરવા આવતા હતા. દેશભરના રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ અને પત્રકારો માટે આ ઘર દલિત અત્યાચારોની ઘટનાનું પ્રતીક બની ગયું હતું.

11 જુલાઈ, 2016ના રોજ ગુજરાતના ઉનામાં સરવૈયા પરિવારના ચાર સભ્યોને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો અને અર્ધનગ્ન અવસ્થામાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

પરિવારના વડા બાલુભાઈ સરવૈયા પર પણ હુમલો થયો હતો.

આ ઘટનાએ સમગ્ર દેશમાં દલિતો પર થતા અત્યાચાર અંગે ચર્ચા જગાવી હતી અને ગુજરાતમાં વ્યાપક દલિત આંદોલનને જન્મ આપ્યો હતો.

દસ વર્ષ પછી જ્યારે બીબીસી ફરી સરવૈયા પરિવારના ઘરે પહોંચ્યું, ત્યારે અહીં માત્ર સમય જ બદલાયો નહોતો.

ઘરની દીવાલો, ઘરના વિચારો અને પરિવારની ઓળખ પણ બદલાઈ ગઈ હતી.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક સમય મરેલા ઢોરની ચામડી ઉતારવાનું કામ કરીને જીવન ગુજારતો આ પરિવાર આજે ડૉ. આંબેડકરના વિચારોને પોતાના જીવનનો આધાર માને છે અને જાતિ આધારિત અત્યાચારનો ભોગ બનેલા લોકોને તેમના અધિકારો માટે લડવામાં મદદ કરે છે.

પરિવારનું કહેવું છે કે 2016ની ઘટનાએ તેમની પાસેથી ઘણું છીનવી લીધું, પરંતુ એક એવી ઓળખ પણ આપી, જે તેમને પહેલાં ક્યારેય મળી નહોતી.

તેમના શબ્દોમાં કહીએ તો, આ દસ વર્ષ માત્ર ન્યાય માટેની લડતનાં નથી, પરંતુ ગૌરવ સાથે જીવવાનું શીખવાની સફરનાં પણ છે.

દસ વર્ષ વીતી ગયાં છે, પરંતુ સરવૈયા પરિવારનું કહેવું છે કે તેમની લડત હજુ પૂરી થઈ નથી. ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા વૈકલ્પિક રોજગાર, પુનર્વસન અને ન્યાય સહિત અનેક વચનો આપવામાં આવ્યાં હતાં.

પરિવારનું કહેવું છે કે આમાંથી ઘણાં વચનો આજે પણ અધૂરાં છે.

બીબીસી જ્યારે સરવૈયા પરિવારના ઘરે પહોંચ્યું ત્યારે પરિવારે છેલ્લાં દસ વર્ષના સંઘર્ષની આખી સફર યાદ કરી.

પોલીસ ફરિયાદોથી લઈને તપાસ, રાજકીય નેતાઓ અને સરકાર સમક્ષ રજૂઆતો, વિરોધ પ્રદર્શન, રેલીઓ અને વર્ષ 2018માં હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ સ્વીકારવાનો નિર્ણય—આ બધું આ દસ વર્ષની સફરનો ભાગ રહ્યું છે.

આ અહેવાલના લેખક તરીકે હું પણ આ પરિવારને 2016ની ઘટનાના દિવસથી અનુસરતો રહ્યો છું.

છેલ્લાં દસ વર્ષમાં મરેલા ઢોરની ચામડી ઉતારવાનું કામ કરતા એક સામાન્ય પરિવારમાંથી દલિત અધિકાર માટે લડતા કાર્યકર્તાઓ સુધીની તેમની સફર મેં નજીકથી જોઈ છે.

ઉનાકાંડમાં અત્યાચારથી દલિત અધિકારની લડત સુધી

દલિત, બીબીસી ગુજરાતી, બાલુભાઈ સરવૈયા, ઉનાકાંડ

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, ઉના અત્યાચારના ભોગ બનેલા અશોક સરવૈયા, વશરામ સરવૈયા, બાલુભાઈ સરવૈયા અને રમેશ સરવૈયા.

વશરામ સરવૈયા તે ચાર યુવાનોમાંના એક હતા, જેઓ 11 જુલાઈ, 2016ની ઘટનાના પીડિત હતા. આજે તેઓ પોતાના વિસ્તારના જાતિ આધારિત અત્યાચારના ભોગ બનેલા લોકોને કાનૂની પ્રક્રિયામાં મદદ કરે છે.

તેઓ કહે છે કે 2016 પહેલાંના તેમના જીવન અને આજના જીવનમાં ઘણું અંતર છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "2016 પહેલાં હું એક અજ્ઞાની વ્યક્તિ હતો, જેને દુનિયાની કોઈ જ ખબર ન હતી. મને ડૉ. બાબાસાહેબ આંબેડકર કે આપણા દેશના અન્ય મહાન વ્યક્તિત્વો વિશે કોઈ જાણકારી જ નહોતી."

"ભારતીય બંધારણ વિશે પણ મને ખબર નહોતી અને અનુસૂચિત જાતિના સભ્ય તરીકે અમને કયા અધિકારો મળ્યા છે તે પણ જાણતો નહોતો."

દલિત, બીબીસી ગુજરાતી, બાલુભાઈ સરવૈયા, ઉનાકાંડ

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, બાલુભાઈ સરવૈયા તેમની ગાય સાથે.

તેઓ આગળ કહે છે, "આ અત્યાચાર પછી જ્યારે હું લોકો સાથે મળવા લાગ્યો ત્યારે મને આ બધા વિષયો વિશે ધીમે-ધીમે સમજ પડવા લાગી."

"ત્યાર બાદ સરકારી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને અન્ય લોકો સાથે પણ આત્મવિશ્વાસથી વાત કરવાની હિંમત આવી."

તેઓ કહે છે, "2016 પહેલાં જે જીવન અમે જીવતા હતા તે આજે બદલાઈ ગયું છે. અમે હવે હિંદુ ધર્મનું પાલન કરતા નથી."

"ઉપવાસ, ધાર્મિક વિધિઓ કે તહેવારો પાછળ પૈસા ખર્ચતા નથી. આજે જ્યારે કોઈ વ્યક્તિ જાતિ આધારિત ભેદભાવ અથવા અત્યાચારનો ભોગ બને છે ત્યારે ઘણા લોકો મારી પાસે મદદ માટે આવે છે."

વીડિયો કૅપ્શન, ઉનાકાંડનાં દસ વર્ષ : અત્યાચાર પછી સરવૈયા પરિવારની સફર કેટલી મુશ્કેલ રહી?

જો કે આ સંઘર્ષની તેમની યાદોમાં તેમનાં માતા કુંવરબહેનનો સંઘર્ષ મોખરે છે.

તેમના જણાવ્યા પ્રમાણે, જ્યારે હુમલો થઈ રહ્યો હતો ત્યારે તેમનાં માતા હુમલાખોરો સામે હાથ જોડીને પોતાના દીકરાઓના જીવ બચાવવા માટે વિનંતી કરી રહ્યાં હતાં, તેમના સવાલોના જવાબ આપી રહ્યાં હતાં.

કુંવરબહેન માટે પણ તે દિવસ આજે ભૂલવો મુશ્કેલ છે.

ઘટનાને યાદ કરતાં તેઓ કહે છે, "જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે મારા દીકરાઓને માર મારવામાં આવી રહ્યો હતો."

"હું બૂમો પાડીને તેમને સમજાવતી હતી કે મારા દીકરાઓએ ગાય મારી નથી, તેઓ તો માત્ર મરેલી ગાયની ચામડી ઉતારવાનું કામ કરી રહ્યા હતા."

"છતાં તેઓ મારા દીકરાઓ અને મારા પતિને સતત માર મારતા રહ્યા. પરંતુ પછી અમે પોતાને સંભાળ્યા અને આજે જે જીવન જીવી રહ્યા છીએ તે જીવવાનું શરૂ કર્યું."

જો કે ત્યારબાદ તેમણે હિન્દુ ધર્મનો જ ત્યાગ કરી દીધો હતો.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "શરૂઆતમાં હિંદુ ધર્મનો ત્યાગ કરવો મારા માટે સરળ નહોતો."

"હું અનેક વ્રત-ઉપવાસ અને ધાર્મિક વિધિઓમાં માનતી હતી. પરંતુ પછી મને સમજાયું કે જીવનમાં સૌથી મહત્ત્વનું જાતિ આધારિત ભેદભાવ સામે લડવું છે."

તેમનું કહેવું છે કે દસ વર્ષ પછી પણ રાજ્ય સરકારે તે સમયે આપેલાં તમામ વચનો પૂરાં કર્યાં નથી.

જો કે આ વિશે બીબીસી ગુજરાતીએ ગુજરાત રાજ્યના સામાજિક અધિકારીતા મંત્રી, પ્રદ્યુમન વાજા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. તેમને મોકલેલા મૅસેજનો જવાબ મળતા અહીં તેની વિગત ઉમેરી દેવામાં આવશે.

ઉનાકાંડ બાદ સરવૈયા પરિવારે ન્યાયની રાહમાં દસ વર્ષ કાઢ્યાં

દલિત, બીબીસી ગુજરાતી, બાલુભાઈ સરવૈયા, ઉનાકાંડ

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, જે સ્થળે તેમના દીકરાઓને માર મારવામાં આવ્યો હતો, ત્યાં 10 વર્ષ બાદ પહોંચેલા કુંવરબહેન અને બાલુભાઈ સરવૈયા.

પરિવારના વડા બાલુભાઈ સરવૈયા કહે છે કે 2016ની ઘટના તેમના માટે માત્ર અત્યાચારની ઘટના નહોતી, પરંતુ જીવનને નવી દિશા આપનારો વળાંક હતી.

તેઓ કહે છે, "આ ઘટનાએ અમને ગૌરવ આપ્યું. પહેલાં અમે અપમાન અને ગાળ વચ્ચે જીવન જીવતા હતા, પરંતુ આ ઘટનાએ અમને કાયમ માટે બદલી નાખ્યા."

"આજે ઘણા દલિત ભાઈઓ અમારા માર્ગે ચાલીને મરેલા ઢોરની ચામડી ઉતારવાનો ગંદો ધંધો છોડી રહ્યા છે અને સન્માનજનક રોજગાર અપનાવી રહ્યા છે."

બાલુભાઈ કહે છે કે તેઓ આજે પણ આ કામ કરતા લોકોને એક જ વાત કહે છે.

તેઓ કહે છે કે, "ડૉ. આંબેડકરે આપણને આ ધંધો છોડવાનું કહ્યું છે. લોકો તેમનાં મરેલાં પશુઓ સાથે જે કરવું હોય તે કરે, પરંતુ આપણે ગૌરવ સાથે જીવવું જોઈએ."

સ્થાનિક દલિત સમાજમાં બાલુભાઈને પોતાના વિચારો પર અડગ રહેનાર વ્યક્તિ તરીકે જોવામાં આવે છે.

જો કે, પરિવારનું કહેવું છે કે ન્યાય માટેની તેમની લડત હજુ પૂરી થઈ નથી.

વેરાવળની સેશન્સ કોર્ટે કુલ 44 આરોપીઓમાંથી પાંચને દોષિત ઠેરવી પાંચ વર્ષની સજા ફટકારી હતી, જ્યારે બાકીના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ ચુકાદા સામે પરિવારે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે.

બાલુભાઈ કહે છે, "અમને લાગે છે કે આ અમારી સાથે મજાક થઈ છે. કોર્ટ કહે છે કે માત્ર પાંચ લોકોએ જ અમને માર માર્યો હતો. તો પછી ત્યાં હાજર સેંકડો લોકોનું શું, જે અમને મારી રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા?"

"જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારી કાનૂની લડત ચાલુ રાખીશું."

આજે બાલુભાઈ પોતાનો મોટાભાગનો સમય ખેતીમાં પસાર કરે છે.

તેમના ઘરે હજુ પણ ગાયો અને ભેંસો છે.

તેઓ કહે છે, "2016 પહેલાં પણ મારી પાસે ગાયો હતી. અમે આજે પણ ગાયને પ્રેમ કરીએ છીએ. અમે હિંદુ નથી છતાં ગાય પ્રત્યેનો અમારો લાગણીસભર સંબંધ યથાવત્ છે."

છેલ્લાં દસ વર્ષમાં આ પરિવારે અનેક રાજકીય નેતાઓની મુલાકાતો પણ જોઈ છે.

ઘટનાના પછી તે સમયનાં ગુજરાતનાં મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલથી લઈને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બહુજન સમાજ પાર્ટીનાં માયાવતી, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓ તેમના ઘરે આવ્યાં હતાં.

બાલુભાઈ કહે છે, "રાહુલ ગાંધી અને માયાવતી સિવાય લગભગ કોઈએ પોતાનું વચન પૂરું કર્યું નથી."

પરિવાર કહે છે કે કેટલાક દલિત અધિકાર કાર્યકર્તાઓ સમગ્ર સંઘર્ષ દરમિયાન તેમની સાથે રહ્યા.

WAYVE ફાઉન્ડેશનનાં કન્વીનર અને માનવાધિકાર કાર્યકર્તા મંજુલા પ્રદીપ કહે છે કે સરવૈયા પરિવારે છેલ્લાં દસ વર્ષમાં માત્ર સામાજિક જ નહીં પરંતુ આર્થિક સંઘર્ષ પણ કર્યો છે.

તેઓ કહે છે, "પહેલાં તેમની આવકનું મુખ્ય સાધન મરેલાં પશુઓની ચામડી ઉતારવાનું કામ હતું."

"હવે તેઓ તે કામ કરતા નથી. હાલમાં તેઓ ખેતી મજૂરી કરે છે અને પોતાની ગાયોનું દૂધ વેચીને જીવનનિર્વાહ કરે છે."

મંજુલા પ્રદીપનું કહેવું છે કે, "સરકારે આ પરિવારને તાત્કાલિક રોજગાર, ખેતી માટે જમીન અથવા પેટ્રોલ પંપ જેવી સ્થિર આવકનું સાધન આપવું જોઈએ જેથી તેઓ આર્થિક રીતે સ્થિર જીવન જીવી શકે."

"તેઓ જણાવે છે કે વેરાવળની સેશન્સ કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે અને હવે આગામી સુનાવણીની રાહ જોવામાં આવી રહી છે."

ઉનાકાંડમાં દલિતોની ફરિયાદ શું હતી?

દલિત, બીબીસી ગુજરાતી, બાલુભાઈ સરવૈયા, ઉનાકાંડ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, બાલુભાઈ હાલ પશુપાલન કરે છે અને કહે છે કે 2016ની ઈજાના કારણે તેમને હજુ પણ માથામાં અને કમરમાં દુ:ખાવો રહે છે

આ વર્ષે માર્ચ મહિનામાં વેરાવળની ખાસ અદાલતે ઉનાકાંડમાં 40માંથી પાંચ આરોપીઓને દોષિત જાહેર કરી હતતી અને દરેકને પાંચ-પાંચ વર્ષની સખત કેદની સજા અને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને 35 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

પાંચેય દોષિતો એક રીતે સજા થવાની સાથે છૂટી પણ ગયા કારણ કે ધરપકડ થયા બાદ અદાલતમાં સુનાવણી ચાલી રહી હતી તે વખતે આ આરોપીઓ કાચા કામના કેદી તરીકે છ-છ વર્ષ કરતાં વધારે સમય સુધી જેલમાં રહી ચૂક્યા હતા.

કોર્ટે એ સમયને પાંચ વર્ષની સજામાં મજરે આપવાનો હુકમ કર્યો અને આને કારણે દોષિત ઠર્યા બાદ પણ પાંચેય જેલમાં જવાથી બચી ગયા.

સરકારે 10 વર્ષની કેદ થઈ શકે તેવા ખૂનની કોશિશ સહિતના અન્ય ગંભીર ગુનાની કલમો આ કેસના આરોપીઓએ સામે લગાડી હતી.

પણ ચુકાદામાં અદાલતે કહ્યું હતું કે ફરિયાદ પક્ષ તે સાબિત કરી શક્યો નથી.

11 જુલાઈ 2016ના રોજ ઉનામાં શું થયું હતું?

દલિત, બીબીસી ગુજરાતી, બાલુભાઈ સરવૈયા, ઉનાકાંડ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, બાલુભાઈ સરવૈયા અને તેમનાં પત્ની કુંવરબહેન

સરકારે કોર્ટમાં રજૂ કરેલ આરોપનામા અનુસાર 11 જુલાઈ 2016ના રોજ મોટા સમઢીયાળા ગામના દલિત વશરામભાઈ સોલંકી, તેમના નાનાભાઈ રમેશભાઈ, ભત્રીજા અશોકભાઈ અને સંબંધી બેચરભાઈ સરવૈયા મોટા સમઢીયાળા ગામે બંધ પડેલ ભરાડીયો જેની નજીક દલિતો મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા, ત્યારે કથિત ગૌરક્ષકો ત્યાં ધસી ગયા હતા.

એમણે ગૌરક્ષકોએ દલિત યુવાનો પર આરોપ મૂક્યો કે તેમણે ગૌહત્યા કરી છે. પછી આરોપીઓએ ધોકા અને પાઇપથી ચારેય દલિતો પર હુમલો કર્યો.

સરકારના કેસ અનુસાર વશરામભાઈના પિતા બાલુભાઈ તથા માતા કુંવરબહેન અને સંબંધી અરજણભાઈ બાબરિયા વશરામભાઈ વગેરેને બચાવવા વચ્ચે પડ્યાં પરંતુ કથિત ગૌરક્ષકોએ તેમના પર પણ હુમલો કર્યો હતો.

ત્યારબાદ આરોપીઓએ વશરામભાઈ, રમેશભાઈ, બેચરભાઈ અને અશોકભાઈને એક મોટર કારમાં બેસાડી ઉના શહેર લઈ જઈ, એક દોરડાથી ચારેયને તે કાર પાછળ બાંધી જાહેરમાં માર મારતા-મારતા ઉના બસ સ્ટેન્ડથી ઉના પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા હતા.

આ અત્યાચારના વીડિયો સોશિયલ મીડિયામાં અને સમાચાર ચૅનલોમાં વાઇરલ થતા ગુજરાત અને દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો.

સરકારે વેરાવળ કોર્ટને જણાવ્યું હતું કે ઉનામાં દલિતો પર અત્યાચાર બાદ ગુજરાતમાં રમખાણો અને પોલીસ પર હુમલાના 74 કેસ નોંધાયા હતા તેમજ 23 દલિતોએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી જેમાંથી એકનું મૃત્યુ થયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન