વૈભવ સૂર્યવંશી અને ગૌતમ ગંભીર વિશે પાકિસ્તાનમાં કેવી ચર્ચા ચાલી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રશીદ શકૂર
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, કરાચીથી બીબીસી હિન્દી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
એવા સમયે જ્યારે આખી દુનિયા ફૂટબૉલ ફીવરમાં ડૂબેલી છે અને બધાનું ધ્યાન ફિફા વર્લ્ડ કપ પર છે, ત્યારે આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડ સામે ભારતીય ક્રિકેટ ટીમનો મોટો પરાજય કોઈ મોટી હેડલાઇનથી ઓછો નથી.
આ નિરાશાજનક પ્રદર્શનની સમગ્ર ભારતમાં વ્યાપક ટીકા થઈ છે. ભારતનું ટીમ મૅનેજમૅન્ટ 15 વર્ષના વૈભવ સૂર્યવંશી સાથે ન્યાય કરવામાં નિષ્ફળ ગયું અને તેને જેટલી તક મળવાની જરૂર હતી, એટલી મળી શકી નથી.
બે વખતનું ટી20 વર્લ્ડકપ ચૅમ્પિયન ભારત આયર્લૅન્ડ સામે બંને ટી20 મૅચ હારી ગયું અને પછી ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની શ્રેણી 4-0થી હારી ગયું.
આ સાથે જ ભારતે ફેબ્રુઆરી, 2022 થી જાળવી રાખેલ ટી20 રૅન્કિંગમાં તેનું પ્રથમ સ્થાન પણ ગુમાવી દીધું છે.
ભારતનું ટી20માં નંબર વન સ્થાન ગુમાવવું એ ચોક્કસપણે મોટી વાત છે, પરંતુ હાલમાં સૌથી વધુ ચર્ચા 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની છે, જેને ઇંગ્લૅન્ડ સામે ત્રણ મૅચ રમ્યા બાદ પ્લૅઇંગ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.
અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રૅસમાં શંકર નારાયણે લખેલા એક લેખમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ભારતે એક એવા ખેલાડીને માત્ર એક મૅચ માટે બહાર બેસાડી દીધો જેને હવે પછી ઝિમ્બાબ્વે પ્રવાસે જવાનું છે, અને તેને બદલે એવા ખેલાડીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું જે ઝિમ્બાબ્વે સામેની ટીમમાં સામેલ નથી.
આ મૅચમાં સૂર્યવંશીને બહાર બેસાડવામાં આવ્યા હતા અને સંજુ સેમસનને રમાડવામાં આવ્યા હતા. સંજુ સેમસન ઝિમ્બાબ્વે પ્રવાસ માટેની ટીમમાં નથી.
ક્રિકેટ ચાહકોનો ગુસ્સો

ઇમેજ સ્રોત, Getty Images
વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લૅન્ડ સામેની બીજી ટી20 મૅચમાં 14 રન બનાવીને ડેબ્યૂ કર્યું હતું. તેમણે ત્રીજી મૅચમાં 13 રન બનાવ્યા હતા, જ્યારે ચોથી મૅચમાં તેણે 15 રન બનાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આઇપીએલમાં શાનદાર પ્રદર્શન બાદ તેમને ભારતની ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે 237ના સ્ટ્રાઇક રેટથી 776 રન બનાવ્યા હતા, જેમાં 72 છગ્ગાનો સમાવેશ થાય છે.
ટીમમાંથી તેમની બાદબાકીથી ભારતમાં રોષ ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓનો વરસાદ થયો હતો, અને ઘણા ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટરોએ પણ પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી.
સોશિયલ મીડિયા પર એક ટિપ્પણીમાં કહેવામાં આવ્યું છે કે પાંચમી મૅચમાંથી બહાર થયા પછી, સૂર્યવંશી ડગઆઉટમાં એકલા બેસેલા અને અત્યંત નિરાશ જોવા મળ્યા.
કૅપ્ટન શ્રેયસ અય્યર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરના આ નિર્ણયને અતિશય કઠોર ગણાવવામાં આવ્યો હતો.
ભારતના મહાન બૅટ્સમૅન સુનીલ ગાવસ્કર પણ સૂર્યવંશીને અંતિમ ટી20માં મૅચમાંથી બહાર કરવામાં આવ્યા એ અંગે ખુશ નહોતા.
તેમણે કહ્યું, "જો આ મૅચ સિરીઝ ડિસાઇડ કરવાની હોત હોત, તો સૂર્યવંશીને ન રમાડવાનું સમજી શકાય તેવું હતું. પરંતુ એવું નહોતું. માત્ર ત્રણ મૅચ પછી 15 વર્ષના ખેલાડીને પડતો મૂકવો યોગ્ય નથી. મારું માનવું છે કે કોઈએ તેના ખભા પર હાથ રાખીને ખાતરી આપવી જોઈએ કે આ અંત નથી."
રવિ શાસ્ત્રીનું કહેવું છે કે સૂર્યવંશીને આયર્લૅન્ડ સામે જ ડેબ્યૂ કરવાની તક મળવી જોઈતી હતી.
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ સ્પિનર ગ્રીમ સ્વાને પણ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરવાના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
તેમણે કહ્યું કે સૂર્યવંશી આ પેઢીની એક ઉત્કૃષ્ટ પ્રતિભા છે અને માત્ર ત્રણ મૅચ પછી તેને બહાર બેસાડી દેવો એ અન્યાય છે.
પાકિસ્તાનમાં શું પ્રતિક્રિયા છે?

ઇમેજ સ્રોત, Getty Images
માત્ર ભારતમાં જ નહીં, પાકિસ્તાનમાં પણ ઇંગ્લૅન્ડ સામે ભારતની હાર અને ખાસ કરીને વૈભવ સૂર્યવંશીની ચર્ચા થઈ રહી છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન રાશિદ લતીફે બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવ્યું હતું કે, "આ પ્રવાસમાં ભારતીય ટીમ વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવતી હતી. તેણે ઇંગ્લૅન્ડને હળવાશથી લીધું હતું. જ્યારે તેમની અનુકૂળ કંડિશનમાં ઇંગ્લૅન્ડ એક સારી ટી20 ટીમ છે."
"બીજી તરફ ભારતીય ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી આઇપીએલ અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં બેટિંગ-ફ્રેન્ડલી હૉમ પીચ પર રમી રહ્યા છે. તેથી જે બન્યું તે સંપૂર્ણપણે અણધાર્યું નહોતું."
તેમણે વધુમાં કહ્યું, "જ્યાં સુધી સૂર્યવંશીની વાત છે, તો જો તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો તો પછી તેને સંપૂર્ણ તક આપવી જોઈતી હતી. ટીમ મૅનેજમેન્ટે એકસાથે બે ખેલાડીઓ વૈભવ સૂર્યવંશી અને સંજુ સેમસનને નુકસાન પહોંચાડ્યું છે."
"તેમણે ટીમના સફળ કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ પડતા મૂકી દીધા છે. કૅપ્ટન અને નેતા વચ્ચે આ જ ફરક હોય છે. તેઓ સતત ટીમને વિજય તરફ દોરી રહ્યા હતા. એ સાચું છે કે તેનું પ્રદર્શન સારું નહોતું, પરંતુ તેમને ટીમમાંથી પડતા મૂકવા નહોતા જોઈતા."
વરિષ્ઠ ખેલ પત્રકાર વહીદ ખાને બીબીસી હિન્દીને જણાવ્યું, "આ આશ્ચર્યજનક વાત છે કે સૂર્યવંશીને છેલ્લી ટી20 મૅચમાં બહાર બેસાડી દેવામાં આવ્યા, જ્યારે તેને બીજી તક આપવામાં કોઈ નુકસાન નહોતું. આ નિર્ણયે ચોક્કસપણે તેનો આત્મવિશ્વાસ ડગમગાવ્યો હશે."
વહીદ ખાને કહ્યું, "એમાં કોઈ શંકા નથી કે આ યુવા બૅટ્સમૅનમાં પ્રતિભા છે. પરંતુ તેને આ પ્રવાસમાં અન્ય ભારતીય બૅટ્સમૅનોની જેમ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તે આઇપીએલમાં બેટિંગ-ફ્રેન્ડલી પીચો અને ટૂંકી બાઉન્ડ્રી પર રમ્યા પછી અહીં આવ્યો હતો. તેને સારી શરૂઆત મળી, પરંતુ મોટા શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી."
ભારતીય ટીમના નિરાશાજનક પ્રદર્શન પર વહીદ ખાને કહ્યું, "આ પરિણામો સંપૂર્ણપણે અણધાર્યાં છે. કોઈએ વિચાર્યું ન હતું કે ભારતની ટીમ આ રીતે હારી જશે, એમાં પણ આયર્લેન્ડ સામે. આનું એક કારણ પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવામાં પડેલી મુશ્કેલી હતી, કારણ કે ટીમ આઇપીએલની પીચો પર રમ્યા પછી સીધી ઇંગ્લૅન્ડ પહોંચી ગઈ હતી."
તેમણે કહ્યું, "બીજું મોટું કારણ મુખ્ય કોચ ગૌતમ ગંભીર છે, જેમણે સતત બિનજરૂરી ફેરફારો કર્યા. એવું લાગે છે કે તેઓ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જરૂરી કોચિંગ માટે પોતાને સંપૂર્ણપણે અનુકૂળ કરી શક્યા નથી."
ગૌતમ ગંભીરની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર વાઝિદ ખાને કહ્યું, "દરેક વ્યક્તિ જાણે છે કે સૂર્યવંશી ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે, પરંતુ તેની કારકિર્દીને ખૂબ કાળજીપૂર્વક આગળ લઈ જવાની જરૂર છે."
"ટી20 ક્રિકેટમાં ખૂબ જ ઝડપથી ઉતાર-ચઢાવ આવે છે અને ખેલાડીઓ ઝડપથી નિષ્ફળ જઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સરળ નથી. સૂર્યવંશીને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં સમય લાગશે."
વાઝિદ ખાને કહ્યું, "જોકે, દરેક માટે આશ્ચર્યજનક હતું કે તેને આયર્લૅન્ડ સામે ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી ન હતી. જ્યારે તમે તેને ઇંગ્લૅન્ડ જેવી મોટી ટીમ સામે તક આપી હતી, તો પછી તેને સંપૂર્ણ તક આપવી જોઈતી હતી."
"જ્યાં સુધી ઇંગ્લૅન્ડ સામે ભારતની ટીમના પ્રદર્શનની વાત છે, તો બધા જ ખેલાડીઓ આઇપીએલમાં બેટિંગ-ફ્રેન્ડલી પીચો અને ટૂંકી બાઉન્ડ્રી પર રમ્યા પછી આવ્યા હતા. જ્યારે આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડની પરિસ્થિતિઓ સંપૂર્ણપણે અલગ હતી. આ ઉપરાંત, ટીમમાં ઘણા ફેરફારો પણ કરવામાં આવ્યા હતા."
વિશ્લેષક ડૉ. નૌમાન નિયાઝ ભારતીય ટીમના નિરાશાજનક પ્રદર્શન માટે ગૌતમ ગંભીરને સૌથી વધુ જવાબદાર માને છે. તેમના મતે, ગંભીર આ ભૂમિકા માટે પૂરતા પ્રમાણમાં તૈયાર નથી.
તેમણે કહ્યું, "ગૌતમ ગંભીરના આગમન પછી ટીમની પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ છે તે બધાને ખ્યાલ છે. બધાએ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિનને એક પછી એક ફૉર્મેટમાંથી અથવા ટીમમાંથી સંપૂર્ણપણે બાકાત રખાયા એ જોયું છે. ટીમ સંકલનમાં ગૌતમ ગંભીરની ભૂલો પણ હારનું એક મુખ્ય કારણ રહી છે."
"જ્યાં સુધી સૂર્યવંશીની વાત છે, તે અસાધારણ પ્રતિભા ધરાવતો ખેલાડી છે. આગામી મૅચો માટે તેનો આત્મવિશ્વાસ વધારવા માટે તેને આયર્લૅન્ડ સામે રમાડવો જોઈતો હતો. એટલું જ નહીં, સંજુ સેમસન જેવા મૅચ વિજેતા ખેલાડીના આત્મવિશ્વાસ પર પણ તેની નકારાત્મક અસર પડી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















