કૉક્રોચ જનતા પાર્ટીના નેતા આશુતોષ રાંકા અને સૌરભ દાસની જ્યુડિશિયલ કસ્ટડીમાં બે દિવસ લંબાવાઈ : ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, AFP via Getty Images
વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટે કૉક્રોચ જનતા પાર્ટી (CJP)ના નેતા આશુતોષ રાંકા અને સૌરભ દાસની જ્યુડુશિયલ કસ્ટડી બે દિવસ માટે લંબાવી દીધી છે.
સમાચાર સંસ્થા પીટીઆઈએ ઍક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.
કૉક્રોચ જનતા પાર્ટી (CJP)ના નેતા સૌરભ દાસ અને આશુતોષ રાંકાને સુનાવણી માટે સોમવારે બપોરે મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. તેમને સુનાવણી માટે SEM કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટે આશુતોષ રાંકા અને સૌરભ દાસની જ્યુડુશિયલ કસ્ટડીમાં બે દિવસનો વધારો કરવાનો આદેશ આપ્યો હતો.
દિલ્હી પોલીસે મંગળવારે, એટલે કે 13 ઑક્ટોબરે, જંતર-મંતર ખાતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરવાના મામલે આ લોકો વિરુદ્ધ FIR નોંધાવી હતી. આ ઘટના જંતર-મંતરને પ્રદર્શન સ્થળ તરીકે રદ કરવામાં આવ્યા બાદના એક દિવસ પછી બની હતી.
તેના બીજા દિવસે, એટલે કે 14 ઑક્ટોબરે, CJPના આશુતોષ રાંકા અને સૌરભ દાસને પાંચ દિવસની જ્યુડુશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગને લઈને ખેડૂત સંગઠનો દેશભરમાં પ્રદર્શન કરશે, પ્રકાશ રાજ બોલ્યા - 'મતથી મોદી સરકારને સત્તામાંથી હટાવીશું'

ઇમેજ સ્રોત, Jwala Kotesh/NurPhoto via Getty Images
ખેડૂત સંગઠનો, ટ્રેડ યુનિયનો અને દલિત સંગઠનોના નેતાઓએ અભિનેતા અને સામાજિક કાર્યકર પ્રકાશ રાજ સાથે સોમવારે બેંગલુરુમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.
આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગને લઈને ચાલી રહેલું વિરોધપ્રદર્શન હવે જિલ્લા સ્તર સુધી લઈ જવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ જાહેરાત સંયુક્ત ખેડૂત મોરચાના આહ્વાન બાદ કરવામાં આવી હતી.
પ્રકાશ રાજે કહ્યું હતું, "ખેડૂતોએ પોતાના બાળકોને માર ખાતા જોયા છે. આ સત્તાધારી સરકાર માટે સ્પષ્ટ સંદેશ છે કે આખો દેશ એક થઈને ઊભો થઈ રહ્યો છે, કારણ કે આ માત્ર રાજકીય મુદ્દો નથી. આ મતદારના સન્માન અને અમારા મતદાનના અધિકારનો પ્રશ્ન છે."
તેમણે કહ્યું હતું કે 'હર ઘર તિરંગા' અભિયાનનું આહ્વાન પણ સત્તાધારી પાર્ટીએ જ કર્યું હતું. પરંતુ આ સાથે જોડાયેલા પ્રદર્શન માટે સરકારે સૌરભ દાસ અને આશુતોષ રાંકાને પાંચ દિવસ સુધી જેલમાં રાખ્યા હતા.
પ્રકાશ રાજે કહ્યું હતું, "ઇતિહાસ દર્શાવે છે કે દુનિયાના બધા તાનાશાહોએ સજા આપવા માટે ન્યાયિક પ્રક્રિયાનો ઉપયોગ કર્યો છે. ગેલિલિયો, સુક્રાત, ચે ગુવેરા, ભગત સિંહ, મહાત્મા ગાંધી અને ઉમર ખાલિદના ઉદાહરણો જુઓ."
તેમણે પ્રશ્ન કર્યો હતો, "જો તમારી પાસે તે લોકોના નંબર છે, જેમણે કથિત રીતે જજને ધમકીભર્યા ફોન કર્યા હતા, તો તેમને જેલમાં નાખો. તમે આ બંને (સૌરભ અને આશુતોષ)ને મુક્ત કેમ નથી કરી રહ્યા?"
બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળમાં થયેલા આંદોલનોની જેમ ભારતમાં પણ વિરોધપ્રદર્શન થવાની સંભાવના અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં પ્રકાશ રાજે કહ્યું હતું, "ત્યાં આંબેડકર અથવા ગાંધી નહોતા. આપણા દેશમાં બંધારણ છે."
"આ શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન છે. જો તેઓ વાતચીત નહીં કરે, તો અમે તેમને મત આપીને સત્તામાંથી બહાર કરી દઈશું."
તેમણે આગળ કહ્યું હતું, "તેની શરૂઆત ઉત્તર પ્રદેશ, ગોવા અને મણિપુરથી થઈ શકે છે. આખરે, આપણા દેશના લોકો મોદીને સત્તામાંથી હટાવશે. આ જ સત્તા પરિવર્તન હશે."
ખેડૂત સંગઠનના નેતા ચુક્કી નંજુન્ડાસ્વામીએ કહ્યું હતું, "બધાં વિરોધપ્રદર્શનો જિલ્લા સ્તરે થશે, કારણ કે આંદોલનનું વિકેન્દ્રીકરણ કરવું ખૂબ જ જરૂરી છે, જેથી અમે ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી શકીએ."
રમેશ પોવાર બન્યા ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના સિલેક્ટર, પ્રજ્ઞાન ઓઝા બન્યા સમિતિના ચૅરપર્સન

ઇમેજ સ્રોત, Phil Walter-ICC/ICC via Getty Images
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમમાં અજિત અગરકરનો કાર્યકાળ પૂર્ણ થતા પસંદગીકાર તરીકે રમેશ પોવારની પસંદગી કરવામાં આવી છે.
સૌથી વધારે ટેસ્ટ મૅચ રમવાના ધોરણે સૌથી સિનિયર વ્યક્તિ હોવાથી પ્રજ્ઞાન ઓઝાને સમિતિના મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા છે.
રમેશ પોવારે ભારત તરફથી બે ટેસ્ટ અને 31 વનડે મૅચ રમ્યા છે. તેઓ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ મુંબઈ અને ગુજરાતની ટીમના કોચ રહ્યા છે.
પ્રજ્ઞાન ઓઝા, શિવ સુંદર દાસ, આરપી સિંહ, અજય રાત્રા અને રમેશ પોવાર ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની સિલેક્શન કમિટીમાં છે.
ટાઇગર શ્રૉફ સાથે મુલાકાત પછી નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ શું કહ્યું

ઇમેજ સ્રોત, Shivsena PR
ફિલ્મ-અભિનેતા ટાઇગર શ્રૉફ પર ગોળીબારની ઘટના પછી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ તેમની સાથે રવિવારે રાત્રે મુલાકાત કરી હતી.
શિંદેએ આને એક ગંભીર ઘટના ગણાવતાં કહ્યું કે, રાજ્ય સરકાર ટાઇગર શ્રૉફની સાથે છે.
તેમણે મીડિયાને કહ્યું કે, "ટાઇગર શ્રૉફ પર ગોળીબાર થવો એ એક ગંભીર ઘટના છે. તેઓ હુમલામાં સહેજમાં બચી ગયા છે. પાંચ રાઉન્ડ ગોળીબાર થયો હતો, પરંતુ સદનસીબે તેઓ સુરક્ષિત બચી ગયા. તેમના ડ્રાઇવરને ઈજા થઈ છે અને આ ઘટના નિંદનીય છે. મેં અભિનેતા સાથે મુલાકાત કરી, તેમની સાથે વાતચીત કરી છે. તેમના ડાબા હાથ પર ગનપાવડર અને કાચના ટુકડાના કારણે ઈજા થઈ છે."
તેમણે કહ્યું કે, "ટાઇગર અને તેમનાં માતા બંનેને આઘાત લાગ્યો છે. મેં તેમને ભરોસો અપાવ્યો છે કે, રાજ્ય સરકાર અને મુંબઈ પોલીસ તેમની સાથે છે. કોઈ પણ પ્રકારની દાદાગીરી સહન કરવામાં નહીં આવે. 90ના દાયકામાં ગૅન્ગવોર બહુ સામાન્ય હતી, પરંતુ મુંબઈ પોલીસે 1995માં તેને ખતમ કરી નાખી. ગોળીનો જવાબ ગોળીથી આપ્યો ત્યારે આ ગેંગવોર ખતમ થઈ હતી."
ફ્રાન્સમાં હિંસક તોફાનોના પગલે શાંતિ જાળવવા મેક્રોનની અપીલ

ઇમેજ સ્રોત, Reuters
ફ્રાન્સમાં વધતી મોંઘવારી અને કથળતી શિક્ષણ વ્યવસ્થાના વિરોધમાં ભારે પ્રદર્શનો પછી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. શનિવારે અને રવિવારે પૅરિસ સહિતનાં શહેરોમાં રમખાણો થયાં હતાં, 2જેમાં ઘણી જગ્યાએ આગજની અને લૂંટફાટના બનાવો બન્યા હતા.
રાષ્ટ્રપતિ મેક્રોને રાષ્ટ્રને સંબોધતી વખતે હિંસા કરનારાઓને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, "અમે ગુસ્સો અને શરમ અનુભવી રહ્યાં છીએ."
ફ્રાન્સમાં ઇંધણના વધતા ભાવ, જીવનનિર્વાહના ખર્ચમાં વધારો અને કથળતી જાહેર સેવાઓના વિરોધમાં લગભગ 5.50 લાખ લોકો શેરીઓમાં ઊતરી આવ્યા હતા. ત્યારબાદ તોફાનો થયાં હતાં, જેમાં પોલીસે લગભગ 2400 લોકોની ધરપકડ કરી છે.
મેક્રોને કહ્યું કે, પ્રદર્શનકારીઓની "વાજબી માગણીઓ" અને "તોડફોડ તથા લૂંટફાટ" વચ્ચે ભેદરેખા હોવી જોઈએ. તેમણે કહ્યું કે, "અનિયંત્રિત હિંસાને કોઈ પણ સંજોગોમાં ન્યાયોચિત ઠરાવી શકાય નહીં અને તેમાં સામેલ થનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























