ભરુચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદની જગ્યાએ પ્રાચીન જૈન મંદિર હોવાનો દાવો હાઈકોર્ટ પહોંચ્યો, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
ભરુચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદને લગતા વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. લગભગ 700 વર્ષ જૂની માનવામાં આવતી આ મસ્જિદ જૈન તીર્થસ્થાન હોવાનો દાવા કરતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના એક સંપ્રદાયે પહેલેથી અહીં દાવો કરેલો છે ત્યારે હવે તેમાં જૈન પક્ષ પણ ઉમેરાયો છે. હાઇકોર્ટે આ અંગે આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયા (એએસઆઈ)ને તપાસ કરવા કહ્યું છે અને કેન્દ્ર સરકારનો પણ જવાબ માંગ્યો છે.
પાંચ અરજકર્તાઓએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને આ ઇમારતને જૈન મંદિર જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી છે. તેમનો દાવો છે કે હકીકતમાં આ જગ્યા અશ્વબોધ તીર્થ અને શકુનિકા વિહાર તરીકે ઓળખવામાં આવતી હતી. તેમનું કહેવું છે કે અહીં તેમના તીર્થંકર મલ્લીનાથની મૂર્તિ પણ છે.

ઇમેજ સ્રોત, SAJID PATEL
ભરુચની જુમ્મા મસ્જિદને જુમી મસ્જિદ તરીકે પણ ઓળખવામાં આવે છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી તેનો વિવાદ ચાલે છે. હાલમાં આ જગ્યા એએસઆઈ દ્વારા સંચાલિત છે.
અગાઉ માર્ચ મહિનામાં કેટલાક લોકો બળજબરીથી મસ્જિદમાં ઘૂસી ગયા હતા અને અમુક મહિલાઓએ ત્યાં નાળિયેર વગેરે મૂકીને પૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો તેવા વીડિયો વાઇરલ થયા હતા.
ત્યાર પછી જૂન મહિનામાં કથિત રીતે મસ્જિદના ભોંયરાનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મસ્જિદના ભોંયરામાંથી દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી છે.
અરજકર્તાઓની શી માંગણી છે?

ઇમેજ સ્રોત, SAJID PATEL
બીબીસીએ આ સ્થળની મુલાકાત લીધી ત્યારે ત્યાં ચોકીદાર અને એએસઆઈ દ્વારા નિયુક્ત અધિકારી હાજર હતા. મસ્જિદમાં પાંચેય સમય નમાજ પઢવામાં આવે છે. તાજેતરમાં થયેલા વિવાદના પગલે અહીં દરેક મુલાકાતી નામ અને નંબરની નોંધણી કરીને પછી જ પ્રવેશવા દેવામાં આવે છે.
ભરુચની જુમ્મા મસ્જિદ 14 મી સદીમાં બાંધવામાં આવી હતી અને જૈન પક્ષનો દાવો છે કે મસ્જિદના પરિસરમાં તેમના 19મા તીર્થંકર મલ્લીનાથની મૂર્તિ છે જેનું રક્ષણ કરવામાં આવે તથા તેમને ત્યાં પૂજા કરવાના અધિકાર આપવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરજકર્તા તરીકે દિલ્હીસ્થિત હરિશંકર જૈન, રાહુલ દિવાન તથા બીજા ત્રણ લોકોનાં નામ છે.
જૈન પક્ષનો દાવો છે કે 14મી સદીમાં ગ્યાસુદ્દીન તુઘલકના શાસન વખતે અહીં મસ્જિદ બાંધવામાં આવી હતી. મસ્જિદના બાંધકામમાં મંદિરો જેવું કોતરણીકામ, હાથી-ઘોડાની આકૃતિઓ અને નર્તકીઓની મૂર્તિઓ જોવા મળે છે.
હાઇકોર્ટમાં થયેલી અરજીમાં જણાવાયું છે કે આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ 1909માં જુમ્મા મસ્જિદને સંરક્ષિત ઇમારત જાહેર કરી હતી અને તે રાષ્ટ્રીય મહત્ત્વની ઇમારતોની યાદીમાં સામેલ છે. હાલમાં તેનું સંચાલન પ્રાચીન ઇમારતો અને પુરાતત્વીય સ્થળોના 1958ના કાયદા હેઠળ થાય છે તેથી તેનું સ્ટેટસ બદલી શકાય તેમ નથી.
આ મામલે હવે 22 ઑક્ટોબરે સુનાવણી થવાની છે.
અલગ અલગ પક્ષની દલીલો

ઇમેજ સ્રોત, SAJID PATEL
હાઇકોર્ટમાં અરજી કરનારાઓ પૈકી એક હરિશંકર જૈને બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે તેઓ દેશમાં ઘણી જગ્યાએ આ પ્રકારનાં મંદિરો પાછા મેળવવા માટે કાનૂની લડત આપી રહ્યા છે.
તેમણે કહ્યું કે, "એક જમાનામાં મંદિરોને તોડીને તેની જગ્યાએ મસ્જિદો બનાવવામાં આવી છે. ભરુચની ઇમારત એ અસલમાં જૈન મંદિર છે. અમે કોર્ટમાં જે અરજી કરી છે તેમાં પણ મસ્જિદના ફોટા મૂક્યા છે જેમાં દેવીદેવતાઓની મૂર્તિઓ જોવા મળે છે."
તેમનો દાવો છે કે "મસ્જિદમાં એક ભોંયરું છે જેમાં ઘણી બધી મૂર્તિઓ હજુ પણ રાખવામાં આવેલી છે."

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
જુમ્મા મસ્જિદના ટ્રસ્ટી ઇમરાન પટેલે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે "આ મસ્જિદ પહેલેથી જ જામિયા મસ્જિદ તરીકે ઓળખાતી હતી."
તેઓ કહે છે કે "ભરુચ બંદરગાહ તરીકે ઓળખાતું ત્યારે અહીં બહારથી મુસ્લિમ વેપારીઓ આવ્યા હતા અને તે વખતના શાસકે તેમને મસ્જિદ બાંધવા માટે જગ્યા આપી હતી."
તેમણે કહ્યું છે કે "મસ્જિદનું બાંધકામ બહુ ધીમી ગતિએ થતું હતું કારણ કે તે સમયે મસ્જિદ બાંધવા માટે સ્થાનિક કારીગરો મળતા ન હતા. તે વખતે બજારમાં મંદિરોનો કાટમાળ પણ મળતો હતો તેથી શાસકે જૈન મંદિરના કાટમાળનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી. બાકી અહીં કોઈ મંદિર તોડવામાં આવ્યું નથી."

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
હાલમાં ચાલી રહેલા વિવાદ વિશે તેમણે કહ્યું કે "કેટલાક બહારના લોકોના ઇશારે આ થઈ રહ્યું છે. ભરુચની શાંતિ ડહોળવા માટે કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે.
અમને હજુ આ વિવાદમાં પાર્ટી બનાવવામાં આવ્યા નથી."
ભોંયતળિયામાંથી મૂર્તિ મળવાના વિવાદ વિશે ઇમરાન પટેલે કહ્યું કે "આ ઇમારત એએસઆઇના નિયંત્રણ હેઠળ છે અને અહીંથી કોઈ પથ્થર પણ ખસેડી શકાતું નથી. શક્ય છે કે ભૂતકાળમાં કોઈ સ્થંભમાં પથ્થરનો ટુકડો બદલવામાં આવ્યો હોય અને તેમાં તેમના ભગવાનની કળાકૃતિ હોય તો તે વાત અલગ છે. પરંતુ આને એક રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયાસ થયો છે."
મહારાષ્ટ્રના પંથનો પણ અલગ દાવો
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જુમ્મા મસ્જિદના વિવાદમાં એક પક્ષ મહારાષ્ટ્રથી સંચાલિત ચક્રધર સ્વામી દ્વારા સ્થાપિત મહાનુભાવ પંથનો પણ છે. તેમનો દાવો છે કે આ મસ્જિદ એક સમયે તેમના મહાનુભાવ પંથના સ્થાપક સ્વામી ચક્રધરનું જન્મસ્થાન છે.
આ પંથ મહારાષ્ટ્રમાં વધારે સક્રિય છે. છત્રપતિ સંભાજીનગર ખાતે આવેલા મહાનુભાવ દેવસ્થાન ટ્રસ્ટના સૅક્રેટરી સુદર્શન નાગરાજ કપાટેએ એક વખત દાવો કર્યો હતો, "આ સ્થળે તેમના ગુરુજી સ્વામી ચક્રધરનો જન્મ થયો હતો." તેમણે એમ પણ કહ્યું હતું કે, "આ સ્થળ 12મી સદીનું અમારું પૂજાસ્થળ છે, જેને તોડીને અહીં આ મસ્જિદ બનાવવામાં આવી છે."
કપાટે અગઆઉ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "ચક્રધર સ્વામી, એ ભરૂચના રાજવી પરિવારના વિશાલદેવના પુત્ર હતા. તેમનું મૂળ નામ હરીપાલદેવ હતું."
"તેમનું જ્યારે દેહાંત થયું ત્યારે દ્વારકાના મોટા સંત ચાંગદેવ રાઉલનો આત્મા તેમના શરીરમાં પ્રવેશ્યો હતો. પછી તેમણે મહારાષ્ટ્રમાં મહાનુભાવ પંથની સ્થાપના કરી. એ સ્વામી ચક્રધરનું આ જન્મસ્થળ છે."
તેઓ કહે છે કે હરીપાલ દેવ જૈન પરંપરા પાળતા કુટુંબમાં જન્મ્યા હતા, તેથી આ સ્થળને 'સમળી વિહાર જૈન મંદિર' પણ કહે છે.
જોકે, તેમની આ વાતના કોઈ પુરાતત્ત્વીય આધાર ઉપલબ્ધ નથી. ભરૂચ જિલ્લાના કલેક્ટરની વેબસાઇટ પર આ જુમ્મા મસ્જિદ 14મી સદીમાં બનાવાઈ હોવાનું કહેવાયું છે.
બીબીસી ગુજરાતીએ ફરીથી તેમની સાથે વાત કરીને પ્રતિભાવ માગ્યો ત્યારે શરૂઆતમાં તેઓ પ્રતિભાવ આપવા તૈયાર થયા હતા. પરંતુ પછી તરત કહ્યું કે તેઓ ભરુચસ્થિત શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામીની સાથે જ છે અને તેમના માર્ગદર્શન હેઠળ જ કામ કરે છે. તેથી મુક્તાનંદ સ્વામી આ મામલે જે કહે તેની સાથે સહમત છે.
તેમનું કહેવું છે કે તેઓ ચાર વર્ષથી આંદોલન ચલાવી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
આ વિવાદમાં ભરુચમાં નર્મદા નદીના કિનારે એક આશ્રમમાં રહેતા મુક્તાનંદ સ્વામીનું નામ પણ આવે છે. મુક્તાનંદ સ્વામી સન્યાસી બન્યા તે અગાઉ તેમનું નામ ભાવેશ પટેલ હતું.
2007માં અજમેર દરગાહ વિસ્ફોટ કેસમાં તેમને સજા થયેલી છે. 2017માં એક ટ્રાયલ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ 2018માં રાજસ્થાન હાઇકોર્ટે તેમને જામીન આપ્યા હતા. આ દરમિયાન તેમણે ભગવાં વસ્ત્રો ધારણ કર્યા હતા અને મુક્તાનંદ સ્વામી નામ ધારણ કર્યું હતું. વિસ્ફોટમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યાં 15 લોકોને ઈજા પહોંચી હતી.
બીબીસી સાથે વાત કરતા મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે "ભરુચની કથિત જામા મસ્જિદ અસલમાં ચક્રધર સ્વામીનું જન્મસ્થાન છે. આ સ્થાનનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે માટે અમે પ્રયાસ કરીએ છીએ."
તેમણે દાવો કર્યો કે "આ સ્થળ એએસઆઇ હેઠળ આવે છે છતાં પુરાતત્વ વિભાગના નિયમો લાગુ થતા નથી. મસ્જિદમાં વજુખાનું બનાવવું, પાણીના નળ નાખવા, કબ્રસ્તાનમાં દફનવિધિ કરવી વગેરેની મંજૂરી ન હોવા છતાં આ કામ કરવામાં આવે છે. તેની સામે અમારો વિરોધ છે."
ભરુચની જુમ્મા મસ્જિદને તેઓ જૈન મંદિર કેમ માને છે, તેવું પૂછવામાં આવતા તેઓ કહે છે કે "ત્યાંની નકકાશી અને બીજી જે પ્રતિમાઓ અંકિત કરવામાં આવી છે તે ક્યારેય મસ્જિદમાં જોવા મળતી નથી. કારણ કે મસ્જિદ કે ઇસ્લામ સાથે મૂર્તિનો કોઈ સંબધ નથી."
જોકે, આ દરમિયાન સન્યાસ ધારણ કર્યા અગાઉથી તેમની સામે ચાલતા કેસ વિશે તેઓ વાત કરવા તૈયાર નથી.
જુમ્મા મસ્જિદનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Sajid Patel
ભરુચની જુમ્મા મસ્જિદ પોતાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિના કારણે વિખ્યાત છે. ગુજરાત સરકારની ભરુચ જિલ્લા વિશે માહિતી આપતી વેબસાઇટ પ્રમાણે જુમ્મા મસ્જિદનું બાંધકામ 14મી સદીમાં એક પ્રાચીન જૈન મંદિરના અવશેષોમાંથી કરવામાં આવ્યું હતું.
ભરુચના કિલ્લાના બેઝ પાસે આવેલી આ મસ્જિદનું સ્ટ્રક્ચર લગભગ સન 1300ની શરૂઆતમાં બાંધવામાં આવ્યું હતું. આ ઇમારતમાં ત્રણ મોટા ગુંબજ અને કુલ 48 સ્થંભ છે જે બ્રેકેટ પૅટર્નમાં છે.
વેબસાઇટ પર જણાવાયું છે કે આ મસ્જિદ બનાવવામાં મોટા પાયે મંદિરની સામગ્રી અને કાટમાળનો ઉપયોગ થયો છે, પરંતુ તેને મસ્જિદના સિદ્ધાંત અનુસાર બાંધવામાં આવી છે.
આ મસ્જિદ માટે મુસ્લિમ નિરીક્ષકો પાસેથી માર્ગદર્શન મળ્યું હતું, પરંતુ તેના બાંધકામ માટે સ્થાનિક કામદારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમણે કદાચ અગાઉ ક્યારેય મસ્જિદ જોઈ ન હતી.
ગુજરાત સરકારની વેબસાઇટ એવું પણ જણાવે છે કે આ મસ્જિદમાં ત્રણ બાજુ પ્રવેશદ્વાર સાથેનું પરિસર અને પશ્ચિમમાં ગર્ભગૃહનો સમાવેશ થાય છે.
એએસઆઇ શું કહે છે?

ઇમેજ સ્રોત, Sajid Patel
જુમ્મા મસ્જિદનો વિવાદ કોર્ટમાં ગયો તે અંગે આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયાનો સત્તાવાર પ્રતિભાવ જાણી શકાયો નથી. પરંતુ મસ્જિદના ભોંયરામાં ઊતરીને વીડિયો બનાવવાની ઘટના બની ત્યારે એએસઆઈના વડોદરા સર્કલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. શુભ મજુમદારે એટલું જ કહ્યું કે "ઇમારત બધા લોકો માટે ખુલી છે, કોઈના માટે પ્રવેશ અટકાવવામાં આવ્યો નથી."
તેનાથી અગાઉ પુરાતત્ત્વ વિભાગના અધિકારી રીજ્જુ ઘોષે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "આ સ્મારક અને પુરાતત્ત્વીય સ્થળ તથા અવશેષ અધિનિયમ 1958 હેઠળ આવ્યું ત્યારથી તે મસ્જિદના સ્વરૂપમાં છે. તે પહેલાંનું હું કંઈ કહી શકું એમ નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






























