RSSના વડા મોહન ભાગવતે વિજયાદશમીના સંબોધનમાં 'રિજિમ ચૅન્જ' અંગે શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @RSSorg
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે મંગળવારે જણાવ્યું કે "ભારતમાં સત્તાપરિવર્તન નહીં થાય."
તેમણે ફ્રાન્સ, અલ્બેનિયા અને બાંગ્લાદેશની અશાંતિનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે "આંદોલનોનો હેતુ સમાધાન શોધવાનો હોવો જોઈએ."
મોહન ભાગવતે કહ્યું કે, "આ તોફાન પશ્ચિમથી ઊઠ્યું છે, જે વ્યવસ્થાના દરેક સ્વરૂપની વિરુદ્ધ છે."
તેમણે ભારતની વિવિધતા અને વૈશ્વિક મંચ પર દેશની પ્રગતિનાં વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું કે "ભારત, હિંદુ અને આરએસએસ પર લોકોનો ભરોસો વધી રહ્યો છે."
આરએસએસની સ્થાપનાનાં 101 વર્ષની ઉજવણી નિમિતે સરસંઘચાલકે કહ્યું કે, "આપણે વિભાજિત થયા અને નબળા પડી ગયા. તેના કારણે આપણે ગુલામી સહન કરવી પડી. ઘણા મહાન નેતાઓના પ્રયાસોથી આપણે ગુલામીમાંથી મુક્ત થયા. આપણે ફરી એક વખત આપણા ભાવનાત્મક સંબંધોને સમજવા પડશે."
તેમણે કહ્યુંકે આપણો દેશ કુદરતી વૈવિધ્ય, ધર્મ, જાતિઓ, ખાનપાન અને બીજા અનેક રૂપની વિવિધતાથી પૂર્ણ છે. તેથી આપણને એવી વિચારધારાની જરૂર છે, જે આ બધાનો સ્વીકાર કરે અને તેનું સન્માન કરે."
ટ્રમ્પે ફ્રાન્સની સ્થિતિ માટે બહારથી આવેલા લોકોને જવાબદાર ગણાવ્યા

ઇમેજ સ્રોત, Anna Moneymaker/Getty Images
અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી આવી રહી છે જેના પ્રચાર દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સમાં બનેલી હિંસક ઘટનાઓ માટે બહારથી આવેલા લોકોને જવાબદાર ગણાવ્યા છે.
કેન્સાસમાં એક ચૂંટણીરેલીમાં ટ્રમ્પે ફ્રાન્સની અશાંતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આગામી મિડટર્મ ચૂંટણીને મહત્ત્વની ગણાવતાં કહ્યું કે અમેરિકાએ આવી સ્થિતિથી બચવાનું રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફ્રાન્સી હિંસા અને તોડફોડ માટે ટ્રમ્પે "માઇગ્રન્ટ્સ, જેહાદીઓ અને કૉમ્યુનિસ્ટોને" જવાબદાર ગણાવ્યા હતા.
તેમણે યુરોપના ડાબેરી નેતાઓ પર એવી ઇમિગ્રેશન નીતિઓ અપનાવવાનો આરોપ મૂક્યો જે "પશ્ચિમી દેશોનાં મૂલ્યોને નબળાં" કરે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાની સ્થિતિની સરખામણી યુરોપ સાથે કરતા કહ્યું કે "અમેરિકાએ એવી ભૂલો ન કરવી જોઈએ જેવી ભૂલો યુરોપે કરી છે."
તેમણે કહ્યું કે "વૈશ્વિક ડાબેરી યુરોપ થર્ડ વર્લ્ડના લાખો માઇગ્રન્ટ્સને લાવી રહ્યું છે, જેનો પશ્ચિમી દેશો સાથે બિલકુલ મેળ નથી. તેઓ ફ્રાન્સની દરેક ચીજથી નફરત કરે છે. તેઓ દેશને બરબાદ કરી રહ્યા છે. અમે અમારા દેશ સાથે તેવું થવા નહીં દઈએ."
ઇટાલીમાં મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન, વડાં પ્રધાન મેલોનીએ ચેતવણી આપી

ઇમેજ સ્રોત, Anadolu via Getty Images
ઇટાલીના મિલાન શહેરમાં વધતી મોંઘવારી સામે વિરોધપ્રદર્શન થયાં હતાં જે દરમિયાન હિંસક અથડામણો પણ થઈ હતી.
વીકેન્ડમાં પાંચ હજારથી વધુ લોકો પ્રદર્શનમાં જોડાયા હતા. કેટલાક પ્રદર્શનકારીઓ માસ્ક પહેરીને આવ્યા હતા.
તેમણે પોલીસ પર પથ્થરો, કચરાપેટી અને ખુરશીઓ ફેંકી હતી. ત્યાર પછી પોલીસે ટિયર ગૅસના શૅલ છોડ્યા અને પાણીનો મારો કર્યો હતો.
ત્યાર બાદ વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ સોમવારે સુરક્ષાના મામલે ઇમરજન્સી બેઠક બોલાવી હતી.
મેલોનીએ શનિવારે કહ્યું કે "પ્રદર્શન કરવાનો અધિકાર છે. પરંતુ અમારાં શહેરોને બરબાદ કરવાનો નહીં."
તેમણે આરોપ લગાવ્યો કે 'તોફાની તત્ત્વો' પ્રદર્શનોનો ફાયદો લઈને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરે છે.
યુરોપમાં ઇટાલી ઉપરાંત ફ્રાન્સ, સ્પેન અને આલ્બેનિયામાં પણ પ્રદર્શનો દરમિયાન હિંસા થઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























