You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાન-અમેરિકા : યુદ્ધવિરામ એટલે શું અને તેના અમલથી લડાઈ અટકી જાય?
તાજેતરમાં ઈરાન અને અમેરિકા બે અઠવાડિયાંના યુદ્ધવિરામ માટે સંમત થયા છે, જે દરમિયાન જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે.
આ ઘટના અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર સંયુક્ત હુમલા કર્યાના એક મહિના પછી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે "એક આખી સભ્યતાનો નાશ થશે." હોર્મુઝની સામુદ્રધુની એ ખાડી દેશોમાંથી ઑઇલ અને અન્ય નિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ શિપિંગ માર્ગ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ખુલાસો કર્યો હતો કે, તેઓ યુદ્ધવિરામ માટે સંમત થયા છે અને કહ્યું હતું કે, ઈરાન સાથે લાંબા ગાળાનો શાંતિકરાર પણ કરાશે, તેનાથી મધ્યપૂર્વમાં કાયમી શાંતિ સ્થાપિત થશે.
તેમણે કહ્યું હતું, "અમેરિકા અને ઈરાન વચ્ચેના ભૂતકાળના તમામ મતભેદો લગભગ ઉકેલાઈ ગયા છે, અને આગામી બે અઠવાડિયાં અંતિમ કરાર પૂર્ણ કરવામાં પણ મદદ કરશે. મને ખુશી છે કે હું આ લાંબા સમયથી ચાલતા મુદ્દાને ઉકેલવાની નજીક પહોંચી રહ્યો છું."
ટ્રમ્પે એજન્સી ફ્રાન્સ-પ્રેસને જણાવ્યું હતું કે, તેમાં કોઈ શંકા નથી કે અમેરિકાએ સંપૂર્ણ વિજય મેળવ્યો છે.
ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલે કહ્યું કે, અમેરિકા હારનો સામનો કરી રહ્યું છે. કાઉન્સિલે કહ્યું હતું કે, કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે 15 દિવસની અંદર પાકિસ્તાનમાં વાટાઘાટ કરવામાં આવશે. આનાથી રાજકીય વાટાઘાટમાં પણ ઈરાનની લશ્કરી સફળતા મજબૂત થશે.
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું, "બંને પક્ષોએ સમજણ સાથે પરિપક્વતા દર્શાવ્યાં છે અને શાંતિ અને સ્થિરતા માટે તે રચનાત્મક રીતે આગળ વધ્યા છે."
તેમણે કહ્યું કે, તેમને આશા છે કે 'ઇસ્લામાબાદ સંવાદ' કાયમી શાંતિ હાંસલ કરવામાં સફળ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મધ્યપૂર્વના તમામ પક્ષોને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા, યુદ્ધવિરામની શરતોનું સન્માન કરવા અને કાયમી શાંતિનો માર્ગ મોકળો કરવા વિનંતી કરી છે.
પરંતુ અન્ય સંઘર્ષોની જેમ બે અઠવાડિયાંના યુદ્ધવિરામથી લાંબા ગાળાની શાંતિ તરફ આગળ વધવા માટે વધુ કુશળ રાજકીય સૂઝબૂઝ જરૂરી છે.
યુદ્ધવિરામનો એટલે શું?
સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું, "યુદ્ધવિરામની કોઈ એક વ્યાખ્યા નથી. આ શબ્દ સૈન્ય આદેશ 'સીઝફાયર' પરથી આવ્યો છે. તેનો અર્થ થાય છે 'ગોળીબાર બંધ કરવો'. આ શબ્દ 'ઓપન ફાયર' શબ્દનો વિરોધી શબ્દ છે. 'ઓપન ફાયર'નો અર્થ થાય 'ગોળીબાર શરૂ કરવો'.
યુદ્ધવિરામનો અર્થ એ છે કે, યુદ્ધમાં સામેલ બંને પક્ષો વાટાઘાટમાં યુદ્ધવિરામ માટે સંમત થાય અને જે પણ નિર્ણય લેવામાં આવે તેનો અમલ કરે.
સિઝફાયર શબ્દનો ઉપયોગ 'યુદ્ધવિરામ' અને 'સંધિ દ્વારા યુદ્ધવિરામ'ના પર્યાય તરીકે પણ કરવામાં આવે છે.
શત્રુતામાં કામચલાઉ વિરામ સામાન્ય રીતે યુદ્ધનો કામચલાઉ અંત સૂચવે છે.
યુદ્ધવિરામ એક ઔપચારિક કરાર છે. તેમાં સામાન્ય રીતે નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
- યુદ્ધવિરામ શા માટે છે?
- ત્યાર બાદ લેવાનાં રાજકીય પગલાં
- તે ક્યારે શરૂ થાય છે અને કેટલો સમય ચાલશે?
- જ્યાં લાગુ પડે
વધુમાં કઈ સૈન્ય કાર્યવાહીને મંજૂરી છે અને કઈ નથી તેની વિગતો હશે, તેમજ યુદ્ધવિરામનું નિરીક્ષણ કેવી રીતે કરવામાં આવશે તેની પણ વિગતો હશે.
1993માં લાઇબેરિયામાં ગૃહયુદ્ધ સમાપ્ત થયું. તે સમયે નૅશનલ યુનિટીની વચગાળાની સરકાર, લાઇબેરિયાના નૅશનલ પેટ્રિયોટિક ફ્રન્ટ ઑફ લાઇબેરિયા અને યુનાઇટેડ લિબરેશન મૂવમેન્ટ ઑફ લાઇબેરિયા ફોર ડેમૉક્રેસીએ શાંતિકરાર કર્યા હતા.
બંને પક્ષો શસ્ત્રો આયાત ન કરવા, સૈન્ય થાણાં ન બદલવાં, હુમલો ન કરવા, નવી દુશ્મનાવટ ન કરવા અને લૅન્ડમાઇન તથા જ્વલનશીલ શસ્ત્રોનો ઉપયોગ ન કરવા જેવી શરતો પર સંમત થયા હતા.
યુદ્ધવિરામ કામચલાઉ છે કે કાયમી?
સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે કે, યુદ્ધવિરામ સ્થાયી કે અસ્થાયી હોઈ શકે છે.
ક્યારેક યુદ્ધમાં બંને પક્ષો કામચલાઉ કે શરૂઆતી યુદ્ધવિરામ માટે સંમત થાય છે.
આ હિંસા ઘટાડવા કે માનવીય મૂલ્યોને થતાં નુકસાનને ઘટાડવા માટેનો પ્રયત્ન હોઈ શકે છે.
ઇઝરાયલ અને હમાસના નેતૃત્વ હેઠળના ઉગ્રવાદી જૂથો 24 નવેમ્બરથી 30 નવેમ્બર, 2023 સુધી કામચલાઉ યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. તે સમય દરમિયાન, હમાસે 105 બંધકોને મુક્ત કર્યા, જ્યારે ઇઝરાયલે બદલામાં આશરે 240 કેદીઓને મુક્ત કર્યા હતા.
વાટાઘાટ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની સાથે કાયમી, અંતિમ યુદ્ધવિરામનો માર્ગ મોકળો કરવા માટે પ્રારંભિક યુદ્ધવિરામ પર પણ સંમતિ સાધી શકાય છે.
જૂન 2000માં ઇથોપિયા અને એરિટ્રિયાએ યુદ્ધનો અંત લાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આમ, ત્યારે પહેલા અંતિમ યુદ્ધવિરામ અંગે વાટાઘાટ થઈ.
ડિસેમ્બરમાં અલ્જિયર્સ સમજૂતીના ભાગરૂપે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેના કારણે ત્યાં યુદ્ધનો અંત આવ્યો હતો.
જોકે, સતત નિષ્ફળ કે નબળા પ્રારંભિક યુદ્ધવિરામને કારણે યુદ્ધ ચાલુ રહી શકે છે.
લેબનોનમાં ગૃહયુદ્ધનો અંત લાવવા માટે સંયુક્ત રાષ્ટ્રે 1978, 1981 અને 1982માં ક્રમિક યુદ્ધવિરામ કરારો પર વાટાઘાટ કરી હતી, પરંતુ દરેક કરાર પછી નવેસરથી લડાઈ શરૂ થઈ હતી. 1975માં શરૂ થયેલ યુદ્ધ આખરે 1990માં સમાપ્ત થયું.
કેટલાક કિસ્સાઓમાં યુદ્ધમાં એક અથવા બંને પક્ષો પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે પણ પ્રારંભિક યુદ્ધવિરામનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકે છે.
યુદ્ધના બે પક્ષો વચ્ચે સફળ શાંતિ સમજૂતી પછી સામાન્ય રીતે કાયમી યુદ્ધવિરામ થાય છે.
આ સામાન્ય રીતે શસ્ત્રો દૂર કરવા કે સશસ્ત્ર દળોને સસ્પેન્ડ કરવા પર શરતો મૂકતું હોય છે, પરંતુ કરાર થયા પછી પણ સુરક્ષા વ્યવસ્થા વર્ષો સુધી ચાલુ રહી શકે છે.
ઉદાહરણ તરીકે, 1998માં ઉત્તરી આયર્લૅન્ડમાં ગૂડફ્રાઇડે કરાર થયો હતો. આઇઆરએ અને સમર્થક જૂથો તેમનાં શસ્ત્રો મૂકવા સંમત થયા હતા.
આ કરારમાં શાંતિ અને સુમેળ જાળવવા માટે કેટલીક જોગવાઈઓ પણ સામેલ છે.
કરારના એક ભાગમાં ઉત્તરી આયર્લૅન્ડ અને રિપબ્લિક ઑફ આયર્લૅન્ડ વચ્ચેની સરહદ ખુલ્લી મૂકવા અને મુક્ત વેપાર કરવાનો સમાવેશ થાય છે.
મર્યાદિત યુદ્ધવિરામ શું છે?
ઇઝરાયલ અને હમાસે નવેમ્બર 2023માં તેના કામચલાઉ યુદ્ધવિરામને "માનવીય વિરામ" ગણાવ્યો હતો.
આવા વિરામ યુદ્ધમાં હિંસા ઘટાડવા અથવા જાહેર સમસ્યા દૂર કરવામાં ઉપયોગી થઈ શકે છે.
ઉદાહરણ તરીકે, સુદાન સરકારે બે ઉગ્રવાદી જૂથો સાથે યુદ્ધવિરામ માટે સંમતિ આપી છે. સુદાન લિબરેશન મૂવમેન્ટ અને જસ્ટિસ ઍન્ડ ઇક્વાલિટી મૂવમેન્ટ.
45 દિવસ સુધી લડાઈ બંધ રહી, જેના કારણે કેટલીક સંસ્થાઓ સ્થાનિક લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડી શકી.
2004માં જ્યારે ઇન્ડોનેશિયામાં સુનામી આવી ત્યારે ઇન્ડોનેશિયાની સરકાર અને ફ્રી એક મૂવમેન્ટે યુદ્ધવિરામની ઘોષણા કરી, જેનાથી માનવતાવાદી સહાય તે વિસ્તારોમાં પહોંચાડાઈ જ્યાં તેઓ લડી રહ્યા હતા.
ચોક્કસ વિસ્તારમાં લડાઈ બંધ કરવાના કરારોને ભૌગોલિક યુદ્ધવિરામ કહેવામાં આવે છે.
2018માં યમનની સરકાર અને હુતીઓ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર શાંતિકરાર થયો હતો. આ કરારનો હેતુ સ્થાનિક વસ્તીને સુરક્ષિત રાખવા માટે લાલ સાગર બંદર હુદાયદાહની આસપાસ લડાઈ બંધ કરવાનો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન