સીરિયલ કિલર ડૉક્ટર: અનેક દર્દીઓને જાનલેવા દવાઓ આપી દીધી, ગુનો છુપાવવા ઘર સળગાવી દીધાં

ઇમેજ સ્રોત, Getty Images
જર્મનીના એક ડૉક્ટરને પોતાના જ 15 દર્દીઓની હત્યા કરવા બદલ જનમટીપની સજા અપાઈ છે.
બર્લિનની એક કોર્ટે 41 વર્ષના જોહાનેસ એમ. ને જર્મન પ્રાઇવસી રૂલ્સ અનુસાર 12 મહિલાઓ અને ત્રણ પુરુષોની હત્યા કરવા બદલ દોષી ઠેરવ્યા છે. આ હત્યાઓ તેમણે સપ્ટેમ્બર 2021 અને જુલાઈ 2024 વચ્ચે કરી હતી.
સ્થાનિક અધિકારીઓનું માનવું છે કે આ તો હજુ ટ્રેલર છે. તપાસ કરી રહેલા લોકો હજુ પણ ડઝનબંધ આવી ઘટનાઓની તપાસ કરી રહ્યા છે જેમાં આ ડૉક્ટર સામેલ હોઈ શકે છે.
જે લોકો આનો ભોગ બન્યા છે તેમની ઉંમર 25થી 94ની વચ્ચે છે. કોર્ટે નોંધ્યું છે કે આ લોકો ગંભીર રીતે બીમાર હતા, પરંતુ તેમનું મૃત્યુ થઈ જાય તેવી સ્થિતિ નહોતી.
સરકારી પક્ષના વકીલનું કહેવું છે કે ડૉક્ટર જ્યારે હૉમ વિઝિટ કરતા હતા ત્યારે તેઓ દર્દીઓની સહમતિ વગર જ વિભિન્ન દવાઓનું ઘાતક મિશ્રણ આપી દેતા હતા.
તેમણે અનેક વાર કહ્યું કે તેમણે પોતાના જ અપરાધો છુપાવવા માટે આગ પણ લગાડી દીધી હતી.
ડૉક્ટરે આવું કેમ કર્યું?

ઇમેજ સ્રોત, Getty Images
વકીલ અનુસાર, જુલાઈ 2024માં તેમની ધરપકડ થઈ હતી. તેમની ધરપકડ થઈ એ પહેલાં જ ડૉક્ટરે બે દર્દીની હત્યા કરી દીધી હતી. 75 વર્ષની એક વ્યક્તિની સેન્ટ્રલ બર્લિનમાં અને તેના થોડા કલાકો પછી 76 વર્ષનાં એક મહિલાની બાજુમાં જ આવેલા એક જિલ્લામાં હત્યા કરી દેવાઈ હતી.
તેમનું કહેવું છે કે ડૉક્ટરે મહિલાના ઘરને આગ લગાવવાની કોશિશ પણ કરી હતી, પરંતુ તેને નિષ્ફળતા મળી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કેસની ટ્રાયલ શરૂ થઈ એ પછી એક વર્ષ સુધી ડૉક્ટરે કોઈ વાત કરી નથી. પરંતુ ગત મહિને તેમણે 12 અતિ ગંભીર રીતે બીમાર દર્દીઓની હત્યા કરી દીધી હોવાનું સ્વીકાર્યું હતું.
તેમણે કોર્ટને કહ્યું કે આ કરતાં પહેલાં તેમણે ખુદને વિશ્વાસ અપાવી દીધો હતો કે તેઓ આ સાચું કામ કરી રહ્યા છે. જેથી કરીને દર્દીઓને પીડામાંથી બચાવી શકાય.
તેમનું કહેવું છે કે, "મને લાગ્યું હતું કે આ પરિસ્થિતિમાં આમ કરવું એ જ સૌને માટે સારું રહેશે."
તેમના કારણે લોકોને થયેલી પીડા બદલ તેમણે માફી પણ માગી હતી.
અધિકારીઓને શંકા છે કે તેમણે બીજા ઘણા દર્દીની પણ હત્યા કરી છે. તેઓ હજુ 76 અન્ય મામલાઓની તપાસ પણ કરી રહ્યા છે.
જર્મન મીડિયાનું કહેવું છે કે જો આ બધા મામલા સાબિત થઈ જાય અને તેઓ દોષી સાબિત થઈ જાય તો જર્મનીના ઇતિહાસમાં સિલસિલેવાર હત્યાઓની સૌથી મોટી ઘટનાઓ પૈકી એક હશે.
ડૉક્ટરે કોર્ટને કહ્યું છે કે તેઓ આગામી સુનાવણીમાં જલદી સામેલ થઈ જશે.
સુનાવણી દરમિયાન પીડિતોના પરિવારજનોએ કહ્યું હતું કે તેમને હજુ પણ આ સાંભળીને વિશ્વાસ નથી થઈ રહ્યો.
'મારી મા જીવવા માગતી હતી'
સૌથી ઓછી ઉંમરની 25 વર્ષની પીડિતાનું 2021માં મૃત્યુ થઈ ગયું હતું. તેમનાં માતાએ રડતાં રડતાં કહ્યું કે, "તેણે ક્યારેય કહ્યું નહોતું કે તે હવે જીવવા નથી માગતી."
2024માં 72 વર્ષનાં એક મહિલાનું પણ નિધન થયું હતું. તેમના પુત્રએ કહ્યું કે તેમનાં માતા બહેન સાથે બાલ્ટિક સમુદ્ર ફરવા જવાની યોજના બનાવી રહ્યાં હતાં.
તેમણે કહ્યું, "મારી મા જીવવા માગતી હતી."
કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે કે ડૉક્ટરનો અપરાધ વધુ ગંભીર છે. કોર્ટે આદેશ આપ્યો કે જેલની સજા પૂરી થાય એ પછી પણ તેમને પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં રાખવામાં આવે. તેમના પર જીવનભર ડૉક્ટરી પ્રેક્ટિસ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























