'ગરબાએ ક્યારેય કોઈની અટક પૂછી નથી', અમદાવાદના ગરબા કાર્યક્રમમાં મુસ્લિમોને બહાર જવાની જાહેરાત પછી આદિત્ય ગઢવીએ શું કહ્યું?

'રંગ મોરલા ગરબા' કાર્યક્રમમાં, આદિત્ય ગઢવી આરજે આકાશ ગરબા વિવાદ મુસ્લિમ બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ બીબીસી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ હાર્દિક દવે
ઇમેજ કૅપ્શન, અમદાવાદના ગરબાના એક કાર્યક્રમમાં મુસ્લિમોને આયોજનમાંથી બહાર કાઢવાની જાહેરાત થયા બાદ વિવાદ થયો છે.
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

અમદાવાદના શેલા વિસ્તારમાં બુધવારે યોજાયેલા એક ગરબા કાર્યક્રમમાં મુસ્લિમ ધર્મના લોકોને 'મેદાન છોડી દેવા'ની માઇક પર કરાયેલી જાહેરાત બાદ વિવાદ સર્જાયો છે.

ગાયક આદિત્ય ગઢવીના આ કાર્યક્રમ દરમિયાન થયેલી આ જાહેરાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

'રંગ મોરલા ગરબા' કાર્યક્રમમાં માઇક પર જાહેરાત કરનારે 'વિશ્વ હિંદુ પરિષદ'નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, "સંગઠનના કાર્યકરો સનાતન ધર્મના રક્ષણ માટે સ્થળ પર આવ્યા છે."

તેમણે કાર્યક્રમમાં હાજર લોકોને આસપાસ નજર રાખવા અને શંકાસ્પદ લાગતી વ્યક્તિઓ અંગે સંગઠનને જાણ કરવા પણ અપીલ કરી હતી.

ઘટના અંગે વિવાદ વધતાં ગાયક આદિત્ય ગઢવીએ આ જાહેરાતથી પોતાને અલગ કર્યા હતા. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, તેમની જાણ બહાર આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી અને તે તેમનો સંદેશ નહોતો. તેમણે ઉમેર્યું હતું કે, 'માતાજીની આરાધના' કરવા ઇચ્છતા તમામ લોકોને ગરબામાં આવવા દેવા જોઈએ.

દર વર્ષે નવરાત્રિ પહેલાં ગરબાનાં સ્થળોની બહાર લોકોને તિલક કરવા અને આધારકાર્ડ ચકાસવા જેવાં કામ કરતાં અમુક હિંદુ સંગઠનો સામે સતત સવાલો ઊઠતા રહ્યા છે. ઘણા લોકો આ પ્રકારની ઘટનાઓને ભારતના બંધારણની વિરુદ્ધ ગણાવે છે. તેમનું માનવું છે કે, આવી પ્રવૃત્તિઓને રોકવામાં પોલીસ અને સરકાર નિષ્ફળ રહ્યાં છે.

માઇનોરિટી કો-ઑર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફીસે આરોપ મૂક્યો છે કે, બજરંગ દળની આ પ્રવૃત્તિને રાજ્ય સરકાર અને પોલીસ ખાતાએ 'પ્રોત્સાહન' આપ્યું છે.

નફીસ જણાવે છે કે, ખરેખર તો આ પ્રકારની જાહેરાતો કરનારા અને લોકોને પરેશાન કરનારાં તત્ત્વો સામે કડક પગલાં લેવાં જોઈએ.

તેમણે કહ્યું, "દેશની સાંપ્રદાયિક એકતા અને સોહાર્દને કઈ રીતે નુકસાન પહોંચાડી શકાય તે માટે બજરંગ દળ જેવી સંસ્થાઓ કામ કરી રહી છે અને સરકાર તેમની આવી પ્રવૃત્તિઓને ડામવામાં સદંતર નિષ્ફળ ગઈ છે."

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વર્ષે મે મહિનામાં વડોદરાના એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી કહ્યું હતું કે, જો કોઈ 'સલીમ' 'સુરેશ' બનીને નિર્દોષ છોકરીઓને ફસાવશે અને જો તે અંગે ફરિયાદ કરાશે, તો પોલીસ તુરંત જ તે વ્યક્તિ સામે પગલાં લેશે.

બીજી તરફ, બજરંગ દળે ગરબા સ્થળોએ બિનહિંદુઓના પ્રવેશ પર નિયંત્રણો મૂકવાની પોતાની કામગીરીનો બચાવ કર્યો હતો. સંગઠને પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે, તે હિંદુ યુવતીઓને 'લવ જેહાદ'થી બચાવવાનું કામ કરી રહ્યું છે.

આદિત્ય ગઢવી અને આરજે આકાશે શું કહ્યું?

'રંગ મોરલા ગરબા' કાર્યક્રમમાં, આદિત્ય ગઢવી આરજે આકાશ ગરબા વિવાદ મુસ્લિમ બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ બીબીસી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ હાર્દિક દવે
ઇમેજ કૅપ્શન, બજરંગ દળના એક કાર્યક્રમની પ્રતીકાત્મક તસવીર.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદના શેલા વિસ્તારમાં ગરબા દરમિયાન મુસ્લિમોને 'મેદાન છોડી દેવા' અંગે માઇક પર કરાયેલી જાહેરાત બાદ વિવાદ વધુ ઘેરો બન્યો છે.

આ ઘટના સામે આવતાં જ લોકપ્રિય ગરબા ગાયક આદિત્ય ગઢવી અને હાર્દિક દવેએ સખત વિરોધ નોંધાવ્યો છે, જ્યારે જાહેરાત કરનાર આરજે આકાશે માફી માગી છે.

ગાયક આદિત્ય ગઢવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિવેદન જારી કરીને આ જાહેરાતથી સંપૂર્ણ અંતર જાળવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, "મંચ પરથી જે કંઈ પણ થયું તેમાં મારી કે મારી ટીમની કોઈ ભૂમિકા નહોતી અને અમને આ અંગે અગાઉથી કોઈ જાણ કરવામાં આવી નહોતી."

ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે, કેટલાક લોકોએ બૅકસ્ટેજની વ્યવસ્થા પોતાના હાથમાં લઈને તેમના મંચનો ઉપયોગ એવા હેતુ માટે કર્યો, જેનું તેઓ ક્યારેય સમર્થન કરતા નથી.

તેમણે ઉમેર્યું હતું કે, "ગરબાએ ક્યારેય કોઈની અટક પૂછી નથી. પેઢીઓથી ગુજરાત અને દેશના વિવિધ ભાગોમાં તમામ ધર્મના લોકો સાથે મળીને ગરબા રમતા આવ્યા છે અને એ જ ગરબાની ખરી વિશેષતા છે. જે કોઈ 'મા અંબા' પ્રત્યે પ્રેમ અને આદર સાથે ગરબા રમવા આવે તે તમામનું સ્વાગત છે. અમારું મંચ માત્ર સંગીત અને ભક્તિ માટે છે."

બીજી તરફ, માઇક પર જાહેરાત કરનારા આરજે આકાશે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મારફતે માફી માગી હતી. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, મંચ પરથી બોલાયેલા શબ્દો તેમનો અંગત અભિપ્રાય નહોતા.

આકાશે કહ્યું હતું કે, "નફરત ફેલાવવાનો મારો કોઈ ઇરાદો નહોતો. અમુક કારણોસર દેવતાની ગરિમા જાળવી ન શકાઈ, એ બદલ હું ક્ષમા માગું છું. જાહેરાત મારા મારફતે થઈ હતી, પરંતુ તે સમયે મારા પર દબાણ હતું."

આરજે આકાશ પર કોઈ બળજબરી કરવામાં આવી હતી કે નહીં, તે અંગે જ્યારે બીબીસી ગુજરાતીએ બજરંગ દળના રાજ્ય પ્રમુખ જ્વલિત મહેતા સાથે વાત કરી, ત્યારે તેમણે દબાણના આરોપોને ફગાવી દીધા હતા.

જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે, "કોઈના પર કોઈપણ પ્રકારનું દબાણ કે બળજબરી કરવામાં આવી નહોતી. આ જાહેરાત અમારા કાર્યકરોના કહેવા બાદ સ્વૈચ્છિક રીતે કરવામાં આવી હતી."

અન્ય ગરબા ગાયક હાર્દિક દવેએ પણ આ ઘટના પ્રત્યે ભારે દુઃખ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેમણે લખ્યું હતું કે, મુસ્લિમોએ ગરબાનું મેદાન છોડીને જતા રહેવું જોઈએ તેવી જાહેરાત સાંભળીને તેમને 'આઘાત' લાગ્યો છે.

દવેએ સવાલ ઉઠાવ્યો હતો કે, "તમે આવું કેવી રીતે કહી શકો? આ વાત મને બીજા વિશ્વયુદ્ધ પહેલાંના જર્મની પર બનેલી એક ફિલ્મના દૃશ્યની યાદ અપાવે છે, જેમાં કહેવામાં આવતું હતું કે તમામ યહૂદીઓએ તાત્કાલિક આ સ્થળ છોડી દેવું જોઈએ."

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, "ભારત આવો દેશ નથી અને હું આવા ભેદભાવ સાથે સહેજ પણ સહમત નથી. જો કોઈ મને આવું કરવા મજબૂર કરશે, તો હું નવ દિવસના સમગ્ર ગરબા કાર્યક્રમમાંથી ખસી જવા તૈયાર છું. જાતિ, ધર્મ, રંગ કે અન્ય કોઈપણ આધારે થતો ભેદભાવ ક્યારેય સ્વીકાર્ય ન હોઈ શકે."

બજરંગ દળ શા માટે આવું કરે છે?

'રંગ મોરલા ગરબા' કાર્યક્રમમાં, આદિત્ય ગઢવી આરજે આકાશ ગરબા વિવાદ મુસ્લિમ બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ બીબીસી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ હાર્દિક દવે
ઇમેજ કૅપ્શન, બજરંગ દળના એક કાર્યક્રમની પ્રતીકાત્મક તસવીર.

વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) ગુજરાતના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે ગરબામાં બિનહિંદુઓના પ્રવેશ પર નિયંત્રણ મૂકવાની જાહેરાતનો બચાવ કર્યો છે.

તેમણે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, "બજરંગ દળના કાર્યકરો સામાન્ય રીતે રાજ્યમાં ગરબા કાર્યક્રમોની મુલાકાત લે છે અને આયોજકોને બિનહિંદુઓને પ્રવેશ ન આપવા જણાવે છે."

તેમના જણાવ્યા મુજબ, કેટલીક વાર કાર્યકરો ગરબા રમવા આવતા પુરુષોના કપાળ પર તિલક કરીને તેમની ઓળખ તપાસે છે અને શંકાસ્પદ જણાતી વ્યક્તિઓને સ્થળ પરથી દૂર કરે છે.

'રંગ મોરલા ગરબા' કાર્યક્રમની ઘટનાના સંદર્ભમાં બજરંગ દળના ગુજરાત રાજ્યના પ્રમુખ જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે, આ ગરબા કાર્યક્રમમાં કોઈની પણ સાથે બળજબરી કરવામાં આવી નહોતી. આયોજકો તથા એન્કર સાથે વાત કર્યા બાદ જ તેમના કાર્યકરો સ્ટેજ સુધી પહોંચ્યા હતા.

તેમણે દાવો કર્યો હતો કે, તેમને એવી માહિતી મળી હતી કે કાર્યક્રમના સ્ટાફમાં પાંચથી સાત મુસ્લિમ બાઉન્સર્સ કામ કરી રહ્યા છે, જેની ચકાસણી કરવા માટે કાર્યકરો ગરબા સ્થળે ગયા હતા.

મુસ્લિમ સમુદાયના લોકોને ગરબામાં પ્રવેશતા અટકાવવાની જરૂર શા માટે પડે છે, તેવા સવાલના જવાબમાં મહેતાએ 'લવ જેહાદ'ના કથિત કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે દાવો કર્યો હતો કે, હિંદુ યુવતીઓને ભોળવીને સંબંધોમાં ફસાવવાની ઘટનાઓને રોકવા માટે આવી કામગીરી જરૂરી છે.

તેમણે ઉમેર્યું હતું કે, બજરંગ દળના કાર્યકરો કોઈ પણ પ્રકારના લોભ, લાલચ કે નાણાકીય સ્વાર્થ વગર આ કામગીરી કરે છે.

જો કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા હોય તો તેની સામે પોલીસ કાર્યવાહી કરી શકે છે, ત્યારે બજરંગ દળે આવી કામગીરી કરવાની જરૂર શા માટે પડે છે, તેવા પ્રશ્નના જવાબમાં મહેતાએ કહ્યું હતું કે, "પોલીસ સમગ્ર સમાજ માટે કામ કરે છે, જ્યારે બજરંગ દળ હિંદુઓનાં હિત અને રક્ષણ માટે કામ કરે છે."

હાલમાં બનેલી બીજી ઘટનાઓ

'રંગ મોરલા ગરબા' કાર્યક્રમમાં, આદિત્ય ગઢવી આરજે આકાશ ગરબા વિવાદ મુસ્લિમ બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ બીબીસી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ હાર્દિક દવે
ઇમેજ કૅપ્શન, ગરબા રમતા ખેલૈયાઓની એક પ્રતીકાત્મક તસવીર

14 ઑક્ટોબર 2026ના રોજ ભાવનગર જિલ્લાના વરતેજમાં આવેલા રંગોલી રિસોર્ટમાં નવરાત્રિના કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ સંગીતકારોના 'અસલમ ઍન્ડ અસલમ બૅન્ડ'ને લઈને વિવાદ સર્જાયો હતો.

સમાચાર સંસ્થા NDTVના અહેવાલ અનુસાર, હિંદુ યુવા સંગઠન અને અંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ સાથે સંકળાયેલા લોકોએ કાર્યક્રમમાંથી બૅન્ડને દૂર કરવાની માગ કરી હતી. આ બૅન્ડ લાંબા સમયથી રિસોર્ટમાં યોજાતા નવરાત્રિના આયોજનમાં પોતાની પ્રસ્તુતિ આપતું રહ્યું હતું.

કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં સંગઠનના પ્રતિનિધિઓએ સ્થાનિક પોલીસ સ્ટેશન અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને મુસ્લિમ કલાકારોના સ્થાને અન્ય કલાકારોને રાખવાની માગ કરી હતી.

જોકે, અધિકારીઓએ ખાનગી સ્થળે યોજાતા કાર્યક્રમમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો હતો.

ત્યારબાદ સંગઠનના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિરોધપ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન હોબાળો થયો હતો અને વિરોધ કરનારા લોકો તથા સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ અને તણાવની સ્થિતિ સર્જાઈ હતી.

આ ઘટનામાં વિરોધ કરનારાઓએ આયોજકો સમક્ષ બૅન્ડના બદલે હિંદુ કલાકારો અથવા હિંદુ બૅન્ડને રાખવાની માગ કરી હતી.

આ સાથે જ ગરબા મંડપોમાં સર્જાયેલો આ વિવાદ માત્ર ગરબા રમવા આવતા ખેલૈયાઓની ઓળખ ચકાસવા પૂરતો મર્યાદિત નથી રહ્યો પરંતુ મુસ્લિમ કલાકારોની રોજીરોટી અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમની ભાગીદારી સુધી પહોંચ્યો છે.

પોલીસ શું કહે છે?

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ગરબા કાર્યક્રમોના આયોજકો અને સ્થળની આસપાસ પોલીસ ચકાસણી કરતી હોય છે.

તેમણે કહ્યું હતું કે, "આ ચોક્કસ કિસ્સામાં સંબંધિત લોકો બૅકસ્ટેજથી પ્રવેશ્યા હતા અને કાર્યક્રમના વિરામ દરમિયાન કોઈને જાણ કર્યા વગર જાહેરાત કરવામાં આવી હતી."

ડીવાયએસપી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ મામલે આયોજકો તરફથી અરજી મળી છે અને પોલીસ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, ગરબા સ્થળોની આસપાસ કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ, તોફાન કે લોકોને પરેશાન કરવાની ઘટના ન બને તે માટે પોલીસ સતત ચકાસણી કરતી રહે છે.

બીજી તરફ, અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "જો હવે પછી કોઈપણ વ્યક્તિ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરશે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે."

સંસ્કૃતિ અને ધાર્મિક ઓળખનો સવાલ

ગુજરાતમાં હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોકો વર્ષોથી સાથે મળીને ગરબા રમતા આવ્યા છે.

મુસ્લિમ કલાકારો પણ ગરબાનાં ગીતો ગાતા રહ્યા છે અને નવરાત્રિનાં આયોજનો સાથે સતત જોડાયેલા રહ્યા છે.

આવી સહિયારી સાંસ્કૃતિક પરંપરા વચ્ચે કોઈ સમુદાયના લોકોને ધર્મના આધારે ગરબાના સ્થળેથી જતા રહેવાનું કહેવામાં આવે, કલાકારોને તેમના ધર્મના આધારે કાર્યક્રમમાંથી દૂર કરવાની માગ કરવામાં આવે અથવા પ્રવેશ માટે ધાર્મિક ઓળખ ચકાસવાની માગ થાય, ત્યારે જાહેર કાર્યક્રમોમાં સમાન ભાગીદારી અને ભેદભાવ અંગે ગંભીર સવાલો ઊભા થાય છે.

અમદાવાદમાં સ્ટેજ પરથી થયેલી જાહેરાત, સુરતમાં બિનહિંદુઓના પ્રવેશ અને કર્મચારીઓની ભરતી અંગેની માગો તથા ભાવનગરમાં મુસ્લિમ બૅન્ડ સામેનો વિરોધ—આ ત્રણેય ઘટનાઓ અલગ-અલગ સંજોગોમાં બની હતી, પરંતુ તે તમામમાં ધાર્મિક ઓળખના આધારે ગરબા કાર્યક્રમોમાં ભાગીદારીનો મુદ્દો મુખ્યત્વે વણાયેલો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન