સાઉદી અરેબિયામાં બાંગ્લાદેશી કપલને અપાઈ મોતની સજા, મક્કામાં 'અશ્લીલ હરકત'નો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, પવિત્ર શહેર મક્કામાં અશ્લીલતાના આરોપમાં પકડાયેલાં એક બાંગ્લાદેશી પુરુષ અને મહિલાને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે.
સાઉદી અરેબિયાની સરકારી સમાચાર એજન્સી 'સાઉદી પ્રેસ એજન્સી' (એસપીએ)એ આંતરિક મામલાના મંત્રાલયના હવાલાથી જણાવ્યું કે, નજરુલ ઇસ્લામ અબ્દુલ બશીર અને સિતી અખ્તરે મક્કાની એક મસ્જિદમાં 'અશ્લીલ કૃત્ય' કર્યું હતું.
એક સાઉદી અધિકારી પ્રમાણે, સુરક્ષા અધિકારીઓએ બંનેની ધરપકડ કરી અને સંબંધિત કોર્ટ સામે રજૂ કર્યાં.
મંત્રાલયે જણાવ્યું કે, કોર્ટે નજરુલ ઇસ્લામ અબ્દુલ બશીર અને સિતી અખ્તર વિરુદ્ધ નિર્ણય સંભળાવ્યો અને તેમના પર લગાવાયેલા આરોપ સાબિત થઈ ગયા.
જેદ્દાહસ્થિત બાંગ્લાદેશી વાણિજ્યિક દૂતાવાસે કહ્યું કે, તેમને ફાંસી અપાયા પહેલાં આ વાતની માહિતી નહોતી અપાઈ. દૂતાવાસે સાઉદી અધિકારીઓ પાસેથી આ મામલાની ઔપચારિક પુષ્ટિની માગ કરી છે.
દૂતાવાસના એક અધિકારીએ ગઈ કાલે 'ધ ડેઇલી સ્ટાર'ને જણાવ્યું કે, "મંત્રાલયે દૂતાવાસને અગાઉથી આની સૂચના નહોતી અપાઈ."
અધિકારીએ કહ્યું, "આ સંબંધમાં અમે સાઉદી વિદેશ મંત્રાલયને એક ઔપચારિક રાજદ્વારી પત્ર મોકલ્યો છે અને મામલાની ઔપચારિક પુષ્ટિ કરવાની વિનંતી કરી છે."
મંત્રાલય પ્રમાણે, કોર્ટે મામલાની ગંભીરતા, મસ્જિદની પવિત્રતા વિરુદ્ધ કરાયેલા કૃત્ય અને તેની સાથે સંકળાયેલી પરિસ્થિતિને જોતા આ સજા સંભળાવી. આ મામલામાં સાઉદી અધિકારીઓએ 'તાઝીર' અંતર્ગત મૃત્યુદંડ આપ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ઉર્દૂ પ્રમાણે મંત્રાલયે જણાવ્યું કે, નીચલી કોર્ટના નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ અપીલ કરાઈ હતી. જોકે, સર્વોચ્ચ ન્યાયાલયે નિર્ણયને ચાલુ રાખીને મોતની સજા કાયમ રાખી.
આ નિર્ણય અંગે આગળની કાર્યવાહી કરતા શાહી આદેશ પણ જાહેર કરાયો. શાહી આદેશ પર અમલ કરતા 14 ઑક્ટોબરના રોજ બંનેને મૃત્યુદંડ અપાયો.
જોકે, સાઉદી અધિકારીઓએ એ ન જણાવ્યું કે કથિત અશ્લીલ કૃત્યમાં ખરેખર શું થયું હતું.
તેમણે એ પણ ન જણાવ્યું કે, આ ઘટના ક્યારે થઈ હતી અને કોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલ ક્યારે કરાઈ હતી.
સાઉદી અરેબિયાનાં સ્થાનિક અખબારોએ પણ આ કેસમાં વિસ્તારપૂર્વક કંઈ પ્રકાશિત નથી કર્યું.
તેમણે આંતરિક મામલાના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલાં નિવેદનોને સ્પેસ આપી છે.
'તાઝીર' શું છે અને સાઉદી અરેબિયાની ન્યાયવ્યવસ્થામાં તેની અંતર્ગત કેવી સજા સંભાળાવાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાઉદી અરેબિયાના આંતરિક મામલાના મંત્રાલયના નિવેદન અનુસાર, મૃત્યુની આ સજા તાઝીર અંતર્ગત અપાઈ છે.
જોકે, સાઉદી અધિકારીઓએ જાહેરમાં આવી કોઈ વિશિષ્ટ કાયદાકીય જોગવાઈનો ઉલ્લેખ નથી કર્યો, જેની અંતર્ગત આ સજા કરાઈ.
ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલ અનુસાર, સાઉદી અરેબિયાની કોર્ટો શરિયા કાયદાના સિદ્ધાંતો અને ન્યાયાધીશોના વિવેકાધિકાર આધારે નિર્ણયો સંભળાવે છે.
શરિયા કાયદો ઇસ્લામના ધાર્મિક સિદ્ધાંતો પર આધારિત છે, જેમાં કુરાન અને સુન્નતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.
તાઝીરનો અર્થ એ વિચારાધીન દંડથી છે, જે કોઈ જજ તરફથી એવા અપરાધો માટે અપાય છે, જેમના માટે ઇસ્લામિક કાયદામાં કોઈ નિશ્ચિત સજા નક્કી નથી.
ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલ અનુસાર, 'તાઝીર' કોઈ એક કાયદો નહીં, બલકે ઇસ્લામિક કાયદામાં દડની એક શ્રેણી છે.
આ ન્યાયાધીશોને એવા આચરણ માટે સજા નક્કી કરવાનો અધિકાર આપે છે, જે નિર્ધારિત દંડ કે પ્રતિશોધાત્મક ન્યાયની શ્રેણીઓમાં નથી આવતાં.
આ સંબંધમાં સાઉદી ન્યાયાધીશોને ગુનાની પ્રકૃતિ નક્કી કરવા અને સજા નક્કી કરવા, બંને મામલામાં ઘણા વિવેકાધિકાર પ્રાપ્ત છે.
કેટલાક મામલામાં 'તાઝીર' હેઠળ ઔપચારિક ચેતવણી કે દંડથી માંડીને જેલ સુધીની સજા આપી શકાય છે. તેમજ, કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં મૃત્યુદંડ પણ આપી શકાય છે.
ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલ અનુસાર, સાઉદી અરેબિયામાં પરંપરાગત રીતે કોઈ વ્યાપક લેખિત દંડ સંહિતા નથી રહી.
તેમજ ન્યાયવ્યવસ્થા ઘણી હદ સુધી શરિયાના સિદ્ધાંતો અને જજોના વિવેક પર આધારિત રહી છે.
ઍમનેસ્ટીના આંકડા પ્રમાણે, ઑક્ટોબર 2026 સુધી, એટલે કે આ વર્ષના શરૂઆતના નવ મહિનામાં સાઉદી અરેબિયામાં 175થી વધુ લોકોને મૃત્યુની સજા આપી ચુકાઈ હતી.
સાઉદી અરેબિયા દુનિયામાં સૌથી વધુ મૃત્યુદંડ આપનારા દેશોમાં સામેલ છે.
આ વર્ષ મૃત્યુદંડ મેળવનારામાં મોટા ભાગના વિદેશી નાગરિક હતા. વર્ષ 2026 દરમિયાન 20થી વધુ દેશોના ઓછામાં ઓછા 94 વિદેશી નાગરિકોને સાઉદી અરેબિયામાં મૃત્યુદંડ આપવામાં આવ્યો.
હાલનાં વર્ષોમાં સાઉદી અરેબિયાની કોર્ટોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના મામલામાં ઘણા દાયકા સુધીની જેલની સજા સંભળાવી છે. જોકે, અપીલ દરમિયાન આ સજાઓમાં મોટા બદલાવ પણ જોવા મળ્યા છે.
સાઉદી અરેબિયામાં પરંપરાગતપણે કોઈ વ્યાપક લેખિત દંડ સંહિતા નથી રહી.
ઍમનેસ્ટી અનુસાર, ઘણા ગુના અને તેના માટે નક્કી કરાયેલી સજામાં કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ નથી. આવા મામલામાં જજ શરિયાની પોતાની વ્યાખ્યાના આધારે નિર્ણય કરે છે.
જોકે, સાઉદી અરેબિયામાં લેખિત કાયદા પણ છે, પરંતુ અધિકારી ઘણી વાર આતંકવાદવિરોધી કાયદા અને સાઇબર અપરાધ કાયદાની અસ્પષ્ટ અને વ્યાપક જોગવાઈઓનો ઉપયોગ કરે છે.
તેમાં 'સાર્વજનિક વ્યવસ્થા', 'ધાર્મિક મૂલ્યો' અને 'જાહેર નૈતિકતા'ને અસર કરવા અંગેની જોગવાઈઓ સામેલ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























