You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માણસ સામે નહીં પણ મહાકાય પક્ષી સામે છેડેલા યુદ્ધમાં ખરેખર શું હતું?
- લેેખક, ડાલિયા વેન્ટુરા
- પદ, બીબીસી ન્યૂઝ મુંડો
- વાંચવાનો સમય: 8 મિનિટ
આ ઘટનાને અવાસ્તવિક, વિચિત્ર અને હાસ્યાસ્પદ ગણાવવામાં આવે છે, પણ તેમાં સામેલ લોકો માટે આ ગંભીર મામલો હતો.
1932નું વર્ષ હતું અને પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના કેમ્પિયન જિલ્લાના ખેડૂતો માટે પરિસ્થિતિ વધુને વધુ કપરી બની રહી હતી.
આ ખેડૂતોમાંથી ઘણા પ્રથમ વિશ્વયુદ્ધના અનુભવી સૈનિકો હતા, જેમને સરકારે ફરી પગભર થવામાં મદદ કરવાના આશયથી જમીન આપી હતી અને દેશની અનાજની આવશ્યકતા સંતોષવા માટે તેમને ઘઉં ઉગાડવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
ખેતીકામનો ખાસ અનુભવ ન હોવાથી તેઓ સીમાંત જમીન ઉપર આવી ગયા અને વર્ષો સુધી ખરાબ માટી તથા અનિયમિત વરસાદ જેવી સમસ્યાઓનો સામનો કરતા રહ્યા. સાથે જ પાકને નુકસાન પહોંચાડતાં સસલાં અને ડિંગો (જંગલી કૂતરા)નો ઉપદ્રવ પણ હતો.
આટલું હજી ઓછું હોય, તેમ તે મહામંદીનો સમય હતો, જેથી તેમને ફટકો પડ્યો હતો.
ઘઉંના ભાવ ગગડી ગયા હતા અને સરકારે આપેલું સબસિડીનું વચન પણ ઠાલું નીવડ્યું હતું.
તે સમસ્યાઓ ઉકેલવા માટે તેઓ કશું કરી શકે તેમ નહોતા, આથી જ્યારે વધુ એક મુસીબત સામે આવી, ત્યારે તેમના ક્રોધ અને હતાશાએ આક્રમક ઉકેલનો માર્ગ અપનાવ્યો.
આ તરફ, તેમના દુશ્મનનો સમય પણ સારો નહોતો ચાલી રહ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડાયનોસોરનાં વંશજ અને હજ્જારો વર્ષોથી ઑસ્ટ્રેલિયામાં વસવાટ કરી રહેલાં ઈમુ પક્ષીઓ સંરક્ષિત સ્થાનિક પ્રજાતિનો દરજ્જો ભોગવતાં હતાં, પણ એક દાયકા પહેલાં ઑસ્ટ્રેલિયન સરકારે તેમને 'વર્મિન' (નાશ કરવા યોગ્ય, ઉપદ્રવ કરનારાં પ્રાણી-પક્ષી) તરીકે વર્ગીકૃત કર્યાં, જેમનો નાશ કરવો જોઈએ.
અને તે વર્ષે દુકાળ પડવાને કારણે ઈમુ પક્ષીઓ હજ્જારોની સંખ્યામાં સૂકા અંતરિયાળ પ્રદેશો તરફથી કાંઠા પ્રદેશ તરફ સ્થળાંતર કરી રહ્યાં હતાં.
ઈમુ ખોરાક અને પાણીની તલાશમાં હતાં અને આ બંને વસ્તુઓ કથિત વ્હિટ બેલ્ટ (સૈનિકોને ખેતરો મળ્યાં તે પ્રદેશ)માં ઉપલબ્ધ હતી.
"મુશ્કેલ અને કદરૂપો" દુશ્મન
આશરે 20,000 ભૂખ્યાં ઈમુ કેમ્પિયનના પ્રદેશમાં જઈ પહોંચ્યાં. અણધાર્યા આવી પહોંચેલાં આ મહેમાનોની મુલાકાત ખેડૂતો માટે દુઃસ્વપ્ન સમાન બની ગઈ.
લગભગ 1.9 મીટર ઊંચાં આ પક્ષીઓએ ઊભા પાકનો નાશ કર્યો એટલું જ નહીં, સસલાંને પ્રવેશતાં અટકાવતી વાડ પણ તોડી નાંખી. પરિણામે, સસલાં પણ આવી પહોંચ્યાં અને તે પછી પાકને ભારે નુકસાન થયું.
ઈમુ અને સસલાંએ વેરેલા વિનાશથી સ્તબ્ધ થઈ ગયેલા રહેવાસીઓએ ભૂતપૂર્વ સૈનિકોનું એક પ્રતિનિધિમંડળ સંરક્ષણ મંત્રી સર જ્યૉર્જ પિયર્સ સાથે વાત કરવા માટે મોકલ્યું.
પ્રતિનિધિમંડળની રજૂઆત બાદ, વિશાળકાય પક્ષીઓનાં ઝૂંડથી તેમને છુટકારો અપાવવા માટે મશીન ગનથી સજ્જ સૈનિકો તહેનાત કરવાની તેમની વિનંતી માન્ય રાખવામાં આવી.
સિડની સનડે હેરાલ્ડે બે દાયકા પછી લખ્યું હતું, "દુશ્મન રેતાળ મેદાનોમાં વસતો કઠોર, વ્યાપક સ્તરે વધતો કદરૂપો લૂંટારો છે, જેની પ્રજાતિએ રાજ્યમાં ખેતીની શરૂઆત થઈ, ત્યારથી ભૂખથી રઘવાયા થઈને પાક પાકે, તે સમયે જ કેટલાંક શ્રેષ્ઠ ખેતરો ઉપર આક્રમણ કર્યું છે. આ ખાઉધરાં પક્ષી તેમની ચાંચ વડે પાકને કાપીને તેમના મોટા પંજા વડે ખાધેલા દર એક છોડની સામે 100 છોડ કચડી નાખે છે."
આમ, નવેમ્બર, 1932ના પ્રારંભમાં મેજર જીપીડબલ્યૂ મેરેડિથની આગેવાની હેઠળ રૉયલ ઑસ્ટ્રેલિયન આર્ટિલરીની સેવન્થ હેવી બેટરી ટુકડી કેમ્પિયન ખાતે આવી પહોંચી.
વાસ્તવમાં, મેરેડિથની આગેવાની હેઠળ જે લશ્કરી દળ આવ્યું, તેમાં માત્ર બે સૈનિકો હતાઃ સાર્જન્ટ એસ. મેકમરે અને ગનર જે. ઓ'હેલોરન.
પક્ષીઓની સંખ્યા સામે સૈનિકોનો રેશિયો 6666:1નો હતો, પણ સૈનિકો પાસે આધુનિક હથિયારો હતાં, સશસ્ત્ર સંઘર્ષોનો બહોળો અનુભવ હતો, ભૂતપૂર્વ સૈનિક ખેડૂતો તથા અન્ય લોકો તેમની મદદે હતા.
પિયર્સને આ મિશન સફળ થવાનો એટલો વિશ્વાસ હતો કે, તેમણે મૂવિટોન ન્યૂઝ રિપોર્ટરને "યુદ્ધ"નું ફિલ્માંકન કરવા માટે પણ મોકલ્યો હતો.
લાપરવાહીને પગલે મળેલી નિષ્ફળતા
પ્લાન ઘણો સરળ હતોઃ ઑટોમેટિક હથિયારો વડે સતત ગોળીબાર કરીને હુમલાખોરોનો સામૂહિક રીતે ખાતમો બોલાવીને તેમનો અંત આણી દેવો.
પરંતુ, આ વ્યૂહરચના ઘણી સરળ સાબિત થઈ, કારણ કે, તેમાં દુશ્મનનાં કૌશલ્યો, વર્તણૂક કે પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેવાયાં નહોતાં.
ઈમુ ઊડી ન શકતાં હોવા છતાં, આ પક્ષીઓ એકમાત્ર એવાં પક્ષી છે, જેમની પિંડીની માંસપેશીઓ ઘણી મજબૂત હોય છે, જે તેમને અસાધારણ સહનશક્તિ આપે છે અને સાથે જ તેમને 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડવા માટે પણ સક્ષમ બનાવે છે.
વળી, તેઓ નગારા જેવો અવાજ, ગણગણાટ અને અન્ય અવાજો કાઢીને વાતચીત કરે છે, જે બે કિલોમીટર દૂર સુધી સાંભળી શકાય છે.
આ તમામ પરિબળો અને અન્ય કારણોને લીધે તમામ યોજના ઊંધી વળી ગઈ.
જ્યારે પહેલી વખત સ્થાનિક ખેડૂતો સાથે સેનાએ પક્ષીઓનાં ઝૂંડ ઉપર ગોળીબાર કર્યો, ત્યારે ઈમુ પક્ષીઓએ તમામ દિશામાં વિખેરાઈ જઈને જવાબ આપ્યો, જેના કારણે એક વખતમાં એક કે બે કરતાં વધુ પક્ષી ઉપર હુમલો કરી શકાતો નહોતો.
અન્ય તમામ હુમલા પણ નિષ્ફળ રહ્યા.
તે ઑપરેશનના બે દિવસ પછી સૈનિકોએ વ્યૂહરચના બદલી દીધીઃ ઓચિંતો હુમલો કરવો.
યોજના એવી હતી કે, પક્ષીઓ પાણીના સ્રોતની નજીક આવે, ત્યાં સુધી રાહ જોવી અને 1,000 કરતાં વધુ પક્ષીઓ નિશાન ન ચૂકી જવાય એટલાં નજીક આવી જાય, ત્યાં સુધી ફાયરિંગ કરવું નહીં.
પણ એક મશીન ગન એકાએક જામ થઈ ગઈ, જેના કારણે તેઓ થોડાં જ પક્ષીને મારી શક્યા.
મશીન ગન સરખી કરી અને રાહ જોઈ... પણ સઘળું વ્યર્થ રહ્યું. પક્ષી પાછાં ન ફર્યાં.
અન્ય એક રણનીતિ ટ્રકની મદદથી ઈમુ પક્ષીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાની હતી, પણ તે પણ બિનઅસરકારક રહી.
ટ્રક ઉપર ગનરને તૈનાત કરવાનો વિચાર પણ કારગત ન નીવડ્યો, કારણ કે, તે વિસ્તાર ઉબડ-ખાબડ હોવાને કારણે ચોક્કસ નિશાન તાકવું કે પછી ઈમુની ઝડપે ટ્રક ચલાવવી મુશ્કેલ હતું.
વધુમાં, પક્ષીઓ આડાં-અવળાં દોડતાં હતાં, જાણે કે, તે તેમની પાસે "તેમની પોતાની લશ્કરી રણનીતિ હોય," એમ એક સૈનિકે કહ્યું હતું.
અને જ્યારે સૈનિકો નિશાન તાકવામાં સફળ રહ્યા, ત્યારે પણ તેઓ જીવિત રહેવાની ઈમુની ક્ષમતા જોઈને દંગ રહી ગયા.
તેમની ચામડી કડક હોવાને કારણે બુલેટ તેમને વાગીને પસાર થઈ જતી હતી, જેના કારણે તેઓ ઈજા કે મૃત્યુથી બચી જતાં હતાં.
તે સિવાય, ઈમુને મારવાં અત્યંત મુશ્કેલ હતાં, એટલે સુધી કે, તેમને ઘણી વખત ગોળી મારવામાં આવી હોવા છતાં તે ભાગતાં રહેતાં હતાં.
અલબત્ત, તે પૈકીનાં ઘણાં પક્ષી હુમલાખોરોની નજરથી દૂર, ઘાને કારણે પછીથી મોતને ભેટતાં હતાં.
દુર્જેય પ્રતિસ્પર્ધી
યુદ્ધ વિશેના સમાચારોએ જનતાને ઘેલું લગાડ્યું, તેઓ બચી ગયેલાં ઈમુઓના સાહસો જાણવા માટે ઉત્સુક હતા.
એવું લાગે છે કે, જાણે પક્ષીઓએ ઝડપાઈ ન જવાય, તે માટે "યુનિટ્સ" બનાવ્યાં હતાં.
કાલ્ગૂર્લી માઇનર અખબારે લખ્યું હતું, "ઈમુએ સાબિત કરી દીધું છે કે, તે લોકો વિચારે છે, એટલાં મૂર્ખ નથી."
"દરેક જૂથનો એક નેતા હોય છે, જે હંમેશાં વિશાળ કાળી પાંખોવાળું, છ ફૂટ ઊંચું પક્ષી હોય છે અને જ્યારે સાથી પક્ષીઓ ઘઉં ચણતા હોય, તે સમયે તે ચારેકોર નજર રાખે છે. સ્હેજ પણ શંકા જતાં જ તે સંકેત કરે છે અને તે સાથે ખેતરમાં ડઝનબંધ માથાં એકસામટાં ઊંચાં થાય છે."
"તેઓ ઝાડીઓમાં ઝડપથી નાસભાગ કરવા માંડે છે. જ્યાં સુધી પ્રત્યેક પક્ષી સલામત સ્થાન પર ન પહોંચી જાય, ત્યાં સુધી નેતા ત્યાં જ રહે છે."
"ઈમુને મારવાનો માત્ર એક જ ઉપાય છે," એમ તે વિચિત્ર યુદ્ધના એક અનુભવી સૈનિકે સનડે હેરાલ્ડને જણાવ્યું હતું.
"તેનું મોં બંધ હોય, તે સમયે તેના માથાના પાછળના ભાગે ગોળી મારો કે પછી મોં ખૂલ્લું હોય, ત્યારે આગળથી ગોળી મારવી. આ કામ એટલું મુશ્કેલ છે," એમ એક સૈનિકે સનડે હેરાલ્ડને જણાવ્યું હતું.
યુદ્ધ શરૂ થયાના છ દિવસ પછી આ સંઘર્ષ ઑસ્ટ્રેલિયન હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં ચર્ચાનો મુદ્દો બન્યો.
સભ્યોએ કહ્યું કે, આ સંઘર્ષમાં મેડલના સાચા હકદાર તો ઈમુ પક્ષી હતાં, કારણ કે, દરેક લડાઈમાં તેમની જીત થઈ હતી.
કેટલાંક જ પક્ષી માર્યાં ગયાં હોવાની જાણ થતાં પિયર્સે સૈનિકોને પાછા બોલાવી લીધા.
ઈમુ પક્ષી કોઈની પણ ધારણા કરતાં વધુ દુર્જેય પ્રતિસ્પર્ધી પુરવાર થયાં હતાં.
મેરેડિથે તેમના સત્તાવાર અહેવાલમાં નોંધ્યું હતું કે, તેમના માણસોને તેમની ગરિમા ગુમાવવા સિવાય કોઈ નુકસાન થયું નહોતું.
મેજરે સ્વીકાર્યું હતું કે, પક્ષીઓમાં "ટૅન્ક જેવી અભેદ્યતા" હતી.
"આ અદ્ભુત કરતાં પણ વિશેષ છે. આ ચમત્કારિક છે. જો મારી પાસે તે પક્ષીઓની માફક ગોળીઓનો સામનો કરી શકે, તેવા સૈનિકોની એક ફોજ હોત, તો હું વિશ્વના કોઈ પણ સૈન્યનો સામનો કરી શક્યો હોત."
"ગેરિલા વ્યૂહરચના"
થોડા દિવસો પછી સંરક્ષણ મંત્રી સંસદમાં પરત ફર્યા અને તેમણે જાહેરાત કરી કે, યુદ્ધ સમાપ્ત કરવાના નિર્ણયને કારણે "વિરોધ પ્રદર્શનો" યોજાઈ રહ્યાં છે.
જ્યારે પૂછવામાં આવ્યું કે, "શું ઈમુને મશીન ગનોને બદલે વધુ માનવીય રીતે, અલબત્ત ઓછી સનસનાટી ફેલાવતી પદ્ધતિઓથી મારવાં શક્ય છે કે કેમ," ત્યારે પિયર્સે સ્વયંનો બચાવ કરતાં કહ્યું કે, જ્યાં મોટી સંખ્યામાં ઈમુનો વસવાટ છે, તેવા પ્રદેશોથી અજાણ્યા લોકો ઈમુ દ્વારા થતા નુકસાનને સમજી નહીં શકે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, રાઇફલથી મારવાના મુકાબલે મશીન ગનથી મારવાં વધુ ક્રૂર નહોતું અને ફાયરિંગ બંધ થઈ ગયા પછી ઘાયલ પક્ષીઓનો તાકીદે નિકાલ કરી દેવાતો હતો.
તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં એવું લાગતું હતું કે, થોડાં જ પક્ષી માર્યાં ગયાં હતાં, પણ પછીથી તેમને જાણ થઈ કે, સેંકડો પક્ષી મરી ગયાં હતાં. આથી, તેમણે યુદ્ધ ફરી શરૂ કરવાની સૂચના આપી.
પરિણામોમાં સુધારો થયો હોવાનું જણાવતા અહેવાલો છતાં, ટૂંક સમયમાં જ એ સ્પષ્ટ થઈ ગયું કે, ઉત્તમ સંજોગોમાં પણ, આ વિનાશક પરિસ્થિતિને ઉચિત ન ગણાવી શકાય.
યુદ્ધના એક મહિના, એક અઠવાડિયું અને એક દિવસ પછી મેરેડિથ અને તેમના માણસોને હાર કબૂલવી પડી અને પીછેહઠ કરવી પડી.
કેટલાં ઈમુએ જીવ ગુમાવ્યો, તે તો કદી જાણી નહીં શકાય, પણ તેમની જીત થઈ હતી, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
પ્રસિદ્ધ પક્ષી વિજ્ઞાની ડોમિનિક સર્વેન્ટીએ યુદ્ધ પરના તેમના વ્યંગાત્મક અહેવાલમાં લખ્યું હતું, "ગીચ વસતી ધરાવતાં ઈમુ પક્ષીઓ ઉપર નજીકથી ગોળીબાર કરવાનું મશીન ગન ચલાવનારાઓનું સપનું ઝડપથી રોળાઈ ગયું."
"ઈમુ પક્ષીઓના નેતાએ સ્પષ્ટપણે ગેરિલા રણનીતિ અપનાવવાનો આદેશ આપ્યો હતો. તેમની અવ્યવસ્થિત સેના તરત જ અગણિત નાની ટુકડીઓમાં વિભાજિત થઈ ગઈ, જેના કારણે લશ્કરનાં સાધન સરંજામનો ઉપયોગ પણ વ્યર્થ ગયો."
જોકે, ખેડૂતોને આ વાત હાસ્યાસ્પદ ન લાગી.
દાયકાઓ સુધી તેઓ દુશ્મનો સામે લડવા માટે સશસ્ત્ર સૈનિકોને મોકલવાની માગણી કરતા રહ્યા; 1943માં તો તેમણે સૈન્યને ઈમુ પક્ષીઓ ઉપર બૉમ્બમારો કરવાની પણ વિનંતી કરી.
પણ, રાજકારણીઓ અને સૈન્યને ભૂતકાળની શરમજનક સ્થિતિમાંથી આવી ભૂલનું પુનરાવર્તન ન કરવાનો બોધપાઠ મળી ચૂક્યો હતો.
તેમણે અસરગ્રસ્ત લોકોને દારૂગોળો પૂરો પાડ્યો અને ઈમુનો શિકાર કરવા બદલ ઇનામની ઑફર કરી, જે થોડું વધુ સફળ પગલું હતું.
1953માં પશ્ચિમ ઑસ્ટ્રેલિયાની સરકારે ઈમુ ઓળંગી ન શકે તેવી 215 કિલોમીટર લાંબી વાડ ઊભી કરી. "આ પગલું - દેશ-વિદેશમાં ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય પ્રતીક તરીકે ઓળખ ધરાવનારા પક્ષી સામે સતત લડાઈ રહેલા યુદ્ધનો એક ભાગ હતું," એમ સનડે હેરાલ્ડના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
આજે, પશ્ચિમ ઑસ્ટ્રેલિયાની સ્ટેટ બેરિયર ફેન્સ 1,200 કિલોમીટર કરતાં વધુ લંબાઈ ધરાવે છે. આ વાડ ખેડૂતો માટે રાહત સમાન છે, પણ પર્યાવરણવાદીઓ માટે ચિંતાનો વિષય છે.
આ દરમિયાન, 1999થી ઈમુ પક્ષીઓને ઑસ્ટ્રેલિયાના પર્યાવરણ કાયદા હેઠળ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે અને ઓશનિયાના વિશાળ ટાપુ ઉપર હજુયે 6,00,000થી 7,00,000 જેટલાં ઈમુ મુક્તપણે વિચરી રહ્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન