'મોરલ પોલીસિંગ' એટલે શું અને તેનાથી કયા મૌલિક અધિકારો પ્રભાવિત થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડિંકલ પોપલી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
બિહારના જમુઈમાં એક સગીરા પર થયેલી યૌન હિંસાની ઘટના બાદ ફરી એક વાર 'મોરલ પોલીસિંગ' પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
પોલીસે આ મામલે પૉક્સો ઍક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જે પછી ઘણા નેતાઓની પર પ્રતિક્રિયાઓ આવી હતી. વાઇરલ વીડિયો પર સમાચાર ચૅનલ સાથે વાતચીત દરમિયાન બિહારના ખેલમંત્રી અને જમુઈના ધારાસભ્ય શ્રેયસીસિંહના નિવેદન પર પણ વિવાદ થયો હતો.
તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, "મોરલ પોલીસિંગ પણ શિષ્ટ અને નમ્ર રીતે કરી શકાય છે."
જોકે, બાદમાં આ નિવેદન વાઇરલ થયા પછી આ મુદ્દા પર તેમણે ફરી વાત કરી અને કહ્યું કે તેમના નિવેદનની પૂરી ક્લિપ ચલાવવામાં આવી ન હતી.
આ ઘટના પછી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે 'મોરલ પોલીસિંગ' ખરેખર શું છે?
શું તેને ભારતીય કાયદામાં કોઈ માન્યતા પ્રાપ્ત છે? આનાથી કયા મૌલિક અધિકારો પર અસર પડી શકે છે?
'મોરલ પોલીસિંગ' શું છે?

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE/AFP via Getty Images
ભારતીય કાયદામાં 'મોરલ પોલીસિંગ' નામનો કોઈ અલગ ગુનો કે કાનૂની અધિકાર નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાન્ય રીતે આ શબ્દનો ઉપયોગ એવા પ્રયાસો માટે થાય છે, જેમાં કોઈ વ્યક્તિ કે સમૂહ પોતાના બનાવેલા નૈતિક, ધાર્મિક, સાંસ્કૃતિક કે સામાજિક નિયમો બીજાઓ પર લાગુ કરવાનો પ્રયાસ કરે છે.
આમાં કપડાં, મિત્રતા, પ્રેમસંબંધો, ધર્મ, જાતિ, લિંગ અથવા કોઈ વ્યક્તિના કોઈ ખાસ જગ્યાએ જવા અંગે વાંધા સામેલ હોઈ શકે છે.
ઇન્ટરનૅશનલ જર્નલ ઑફ લૉ મૅનેજમૅન્ટ ઍન્ડ હ્યુમેનિટીઝમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, "મોરલ પોલીસિંગ"નો અર્થ પોલીસ, સતર્કતા (વિજિલેન્ટી) સમૂહો અથવા રાજકીય રીતે પ્રેરિત બિન-રાજકીય તત્ત્વો દ્વારા કરવામાં આવતી એવી મનમાની દેખરેખ અને દખલગીરીથી છે, જેમાં તેઓ પોતાની જાતને સંસ્કૃતિ, ધર્મ, જાતિ, વંશીય ઓળખ અને લૈંગિક ભૂમિકાઓના સંરક્ષક માનતા હોવાનો દાવો કરીને કથિત રીતે પરંપરાગત ભારતીય સમાજની પવિત્રતાને વિદેશી પ્રભાવોથી બચાવવાનો દાવો કરે છે."
આમાં કોઈ વ્યક્તિ કે સમૂહ માત્ર પોતાની વિચારધારાના આધારે બીજાને રોકવા, ધમકાવવા, અપમાનિત કરવા કે સજા આપવાનો અધિકાર પોતાની પાસે સમજી બેસે છે.
તેની કાનૂની માન્યતા શું છે?
લુધિયાણા જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના લો મેમ્બર ડૉ. કમલજિતકોરના જણાવ્યા મુજબ, ભારતીય કાયદામાં 'મોરલ પોલીસિંગ'ની કોઈ કાનૂની માન્યતા નથી.
તેઓ કહે છે કે ખાનગી વ્યક્તિઓ અથવા વિજિલેન્ટી સમૂહો પાસે કોઈ વ્યક્તિનાં કપડાં, મિત્રતા, સંબંધો, સંગત કે કોઈ સ્થાન પર ઉપસ્થિતિને લઈને પોતાની નૈતિક વિચારસરણી લાગુ કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી.
આ સમાજમાં સામાન્ય કેવી રીતે બન્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ચંદીગઢના મહેરચંદ મહાજન ડીએવી કૉલેજ ફૉર વીમેનમાં સમાજશાસ્ત્રના વરિષ્ઠ સહાયક પ્રોફેસર ડૉ. બિંદુ ડોગરાના મતે, "મોરલ પોલીસિંગ કોઈ નવું વર્તન નથી."
તેઓ તેને સમાજની 'કલેક્ટિવ કૉન્શિયસનેસ' (સામૂહિક ચેતના) સાથે જોડે છે.
તેમના મતે, "દરેક સમાજમાં કેટલાંક એવાં નિયમો અને મૂલ્યો બની જાય છે, જે એ નક્કી કરે છે કે કયું વર્તન સાચું છે અને કયું ખોટું."
તેઓ કહે છે, "આ નિયમો ધર્મ, જાતિ, આર્થિક વર્ગ અથવા લિંગ સાથે જોડાયેલા હોઈ શકે છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે, જ્યારે લોકો એવું માનવા લાગે છે કે તેઓ આ નિયમોના 'રક્ષકો' છે અને તેને પોતાના હિસાબે લાગુ કરવી એ પણ તેમની જવાબદારી છે."
ડૉ. ડોગરા તેને સામાજિક નિયંત્રણની એક બિન-ઔપચારિક રીત ગણાવે છે.
તેમના જણાવ્યા મુજબ, જો કોઈ વ્યક્તિનું વર્તન સમાજના બનાવેલા નિયમો અનુસાર નથી અને કેટલાક લોકોને લાગે છે કે સામાન્ય કાયદાઓ દ્વારા તે વર્તનને નિયંત્રિત કરવામાં આવી રહ્યું નથી, તો તેઓ જાતે જ તેને 'સુધારવા'નો પ્રયાસ કરવા લાગે છે.
'મોરલ પોલીસિંગની શરૂઆત ઘરથી પણ થઈ શકે છે'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. બિંદુ ડોગરાના જણાવ્યા મુજબ, મોરલ પોલીસિંગ માત્ર રસ્તા પરના અજાણ્યા લોકો જ નથી કરતા, પરંતુ તે પરિવાર અને સામાજિક ઉછેરમાં પણ હોઈ શકે છે.
તેઓ કહે છે કે ખાસ કરીને છોકરીઓને નાની ઉંમરથી જ એવું જણાવવામાં આવવા લાગે છે કે તેમણે શું પહેરવું છે, કેવું વર્તન કરવાનું છે અને કયા લોકો સાથે સંબંધો રાખવાના છે.
પરિવારની અંદર આ નિયંત્રણ અવારનવાર એટલા માટે નજરે નથી આવતું, કારણ કે પરિવારને વ્યક્તિની સહાયતા પ્રણાલી તરીકે જોવામાં આવે છે.
તેમના મતે, પેઢીઓ વચ્ચેનું અંતર પણ તેને વધારી શકે છે. જૂની પેઢીઓ પોતાની પરંપરાગત પ્રથાઓ અને જીવનશૈલી સાથે જોડાયેલી રહી શકે છે, જ્યારે યુવાપેઢી જો તેને ન માને તો તેને ઘણી વાર સંસ્કૃતિ કે ધર્મ વિરુદ્ધ જવાના રૂપમાં જોવામાં આવે છે.
ડૉ. ડોગરા કહે છે કે 'ખોટી શાનના નામે થતી હત્યાઓ'ને પણ આ વ્યાપક સામાજિક નિયંત્રણના સંદર્ભમાં જોઈ શકાય છે, જ્યાં પરિવાર કોઈ સંબંધ અથવા વ્યક્તિગત પસંદગીને પોતાના પરંપરાગત નિયમો વિરુદ્ધ સમજીને જાતે કાર્યવાહી કરવાનો પ્રયાસ કરે છે.
ડૉ. ડોગરાના મતે, મોરલ પોલીસિંગ હંમેશાં હિંસાથી શરૂ થતી નથી. કોઈ વ્યક્તિનાં કપડાં, તેના શરીર, મિત્રતા કે સંબંધો વિશે સોશિયલ મીડિયા પર કરવામાં આવતી સતત ટીકા પણ એક પ્રકારના બિન-ઔપચારિક સામાજિક નિયંત્રણનો ભાગ હોઈ શકે છે.
'મોરલ પોલીસિંગ'થી કયા મૌલિક અધિકારો પ્રભાવિત થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. કમલજિતકોરના જણાવ્યા મુજબ, મોરલ પોલીસિંગનાં વિવિધ રૂપો બંધારણમાં આપવામાં આવેલા કેટલાક મૌલિક અધિકારોને પ્રભાવિત કરી શકે છે.
આર્ટિકલ 14: સમાનતાનો અધિકાર
ભારતીય બંધારણનો આર્ટિકલ 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણની ગૅરંટી આપે છે.
ડૉ. કમલજિતકોરના મતે, કોઈ સમૂહ કે વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિનાં લિંગ, કપડાં, મિત્રતા, સંબંધો અથવા કથિત નૈતિકતાના આધારે તેના માટે કાયદાથી અલગ સામાજિક નિયંત્રણની વ્યવસ્થા બનાવી શકે નહીં.
કોઈ ખાનગી વ્યક્તિને એ નક્કી કરવાનો અધિકાર નથી કે કોઈ બીજો વ્યક્તિ દોષી છે અને તેને શું સજા મળવી જોઈએ.
આર્ટિકલ 19: બોલવાની, આવવા-જવાની અને એકત્ર થવાની સ્વતંત્રતા
આર્ટિકલ 19 નાગરિકોને બોલવા અને વિચારો રજૂ કરવાની, શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાની, સંગઠન બનાવવાની અને દેશમાં સ્વતંત્ર રીતે આવવા-જવાની સહિતની અનેક સ્વતંત્રતા આપે છે.
આના પર બંધારણમાં નિર્ધારિત મર્યાદાઓની અંદર જ કાનૂની પ્રતિબંધો લગાવી શકાય છે.
કોઈ ખાનગી વ્યક્તિની નૈતિક વિચારધારા પોતાનામાં જ બીજા વ્યક્તિની સ્વતંત્રતા પર કાનૂની પ્રતિબંધ લગાવવાનો આધાર બની શકે નહીં.
આર્ટિકલ 21: જીવન, વ્યક્તિગત સ્વતંત્રતા, ગરિમા અને ગોપનીયતા
આર્ટિકલ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરે છે. સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓના માધ્યમથી તેના દાયરામાં વ્યક્તિની ગરિમા અને ગોપનીયતા સાથે જોડાયેલી સુરક્ષાને પણ માન્યતા મળી છે.
ડૉ. કમલજિતકોરના જણાવ્યા મુજબ, કોઈ વ્યક્તિને માત્ર એટલા માટે હિંસા, અપમાન અથવા જબરજસ્તીનો સામનો કરવો પડી શકે નહીં કે કોઈ બીજા વ્યક્તિને તેની પસંદગી યોગ્ય લાગતી નથી.
મહિલાઓને કેમ વધુ નિશાન બનાવાય છે?

ઇમેજ સ્રોત, ANI
ડૉ. બિંદુ ડોગરાના મતે, મોરલ પોલીસિંગનો એક મોટો હિસ્સો લૈંગિક ધોરણો સાથે જોડાયેલો છે.
તેમના જણાવ્યા મુજબ, મહિલાઓને ઐતિહાસિક રીતે કપડાં, આવન-જાવન, સંબંધો અને યૌન વર્તનના આધારે વધુ નિયંત્રિત કરવામાં આવી છે.
તેઓ કહે છે કે આની પાછળ લૈંગિક રૂઢિચુસ્તતા અને એવાં સામાજિક માળખાં છે, જ્યાં મહિલાઓને અવારનવાર પુરુષોની સરખામણીએ નીચી સ્થિતિમાં રાખવામાં આવે છે.
આ વિચારસરણીને પરિવાર અને સમાજ, બંને સ્તરે બદલવાની જરૂર છે.
સમાજ પર કેટલો પ્રભાવ પડે છે?
સામાજિક કાર્યકર શબનમ હાશ્મીના જણાવ્યા મુજબ, મોરલ પોલીસિંગ એવા સમાજમાં વધે છે જ્યાં દમનકારી અને કટ્ટરપંથી તાકાતોનો પ્રભાવ વધી જાય છે.
તેઓ ભારતમાં મહિલાઓ વિરુદ્ધ હુમલા અને મોરલ પોલીસિંગમાં વધારાને વર્તમાન રાજકીય વાતાવરણ સાથે પણ જોડે છે.
હાશ્મીના મતે, કાયદો હોવા છતાં તેમને લાગુ કરવા માટે સંસ્થાકીય ઇચ્છાશક્તિ અને સંવેદનશીલતા જરૂરી છે.
તેમના જણાવ્યા મુજબ, મોરલ પોલીસિંગ સામે લડવાની શરૂઆત ઘરથી થવી જોઈએ.
તેઓ કહે છે કે છોકરાઓનો ઉછેર એ રીતે ન થવો જોઈએ કે તેઓ પોતાની જાતને બીજાઓ પર અધિકાર રાખનારા સમજે.
હાશ્મીના મતે, આ જવાબદારી ઘરથી શરૂ થઈને સ્કૂલો, કૉલેજો, સિનેમા, સાર્વજનિક જીવન, રાજકીય નેતાઓ અને કાયદો લાગુ કરનારી એજન્સીઓ સુધી જાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેની માનસિક અસર શું હોઈ શકે?
મોરલ પોલીસિંગનો શિકાર બનનાર વ્યક્તિ પર તેનો મનોવૈજ્ઞાનિક પ્રભાવ પણ પડી શકે છે.
શબનમ હાશ્મીના જણાવ્યા મુજબ, સતત અપમાન, ધમકી અને સામાજિક સમર્થનનો અભાવ કોઈ વ્યક્તિ માટે ગંભીર માનસિક સંકટનું કારણ બની શકે છે.
તેઓ કહે છે કે કેટલાક મામલામાં તેની અસર ગંભીર ડિપ્રેશન અથવા અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સુધી હોઈ શકે છે.
જોકે, દરેક સર્વાઇવર પર તેની અસર એકસરખી હોતી નથી.
કોઈ 'મોરલ પોલીસિંગ'નો ભોગ બને તો શું કરવું જોઈએ?
સૌથી પહેલા પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને જરૂર પડ્યે પોલીસની મદદ લેવી જરૂરી છે.
ડૉ. કમલજિતકોરના મતે, જો કોઈ ઘટનામાં એવો ગુનો સામે આવે જેમાં એફઆઇઆર નોંધી શકાય, તો સંબંધિત વ્યક્તિ પોલીસ પાસે ફરિયાદ કરી શકે છે.
મામલાનાં તથ્યો અને પુરાવાઓના આધારે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ધારાઓ લાગુ થઈ શકે છે.
આમાં મહિલા સાથે મારપીટ અથવા એવી જબરજસ્તી, જેનો હેતુ તેની ગરિમાને ઠેસ પહોંચાડવાનો હોય, યૌન હિંસા, કપડાં ઉતારવાનો પ્રયાસ, ઈજા પહોંચાડવી, ગેરકાયદેસર રીતે અટકાવવી અને ગુનાહિત ધમકી જેવા ગુનાઓ સામેલ છે.
જો સંબંધિત છોકરો કે છોકરી સગીર છે અને આ મામલો પોક્સો ઍક્ટના દાયરામાં આવે છે તો બાળકની પૂછપરછ અને તેનું નિવેદન નોંધવાની પ્રક્રિયા બાળ-અનુકૂળ હોવી જોઈએ અને તેને બિનજરૂરી રીતે આરોપીના સંપર્કમાં લાવવો જોઈએ નહીં.
સગીરની ઓળખ પણ કાયદા હેઠળ સુરક્ષિત રાખવામાં આવે છે.
પોક્સો ઍક્ટની કલમ 23 હેઠળ બાળકની ઓળખ જણાવતી માહિતી, જેમાં નામ, સરનામું, તસવીર, પરિવાર કે શાળા સાથે જોડાયેલી માહિતી સામેલ હોઈ શકે છે, તેને સાર્વજનિક કરવા પર રોક છે.
કિશોર ન્યાય કાયદાની કલમ 74 પણ બાળકની ઓળખ સાર્વજનિક કરવા સામે સુરક્ષા પ્રદાન કરે છે, તેથી જમુઈ જેવા મામલામાં વાઇરલ વીડિયોને આગળ શૅર કરવો વિદ્યાર્થી અને છાત્રાની ગોપનીયતા અને ગરિમાને વધુ નુકસાન પહોંચાડી શકે છે.
ડૉ. કમલજિતકોરના મતે, જો પોલીસ કાર્યવાહી ન કરે, તો ફરિયાદી બીએનએસએસની કલમ 173(4) હેઠળ વરિષ્ઠ પોલીસ અધિકારી પાસે પહોંચી શકે છે અને જરૂર પડ્યે અદાલતનો રસ્તો પણ અપનાવી શકે છે.
'મોરલ પોલીસિંગ'ને અટકાવવા માટે શું કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. બિંદુ ડોગરાના મતે, આની શરૂઆત બાળકોથી થવી જોઈએ.
શાળાઓ અને કૉલેજોમાં માત્ર લૈંગિક સંવેદનશીલતા જ નહીં, પરંતુ વિવિધ સંસ્કૃતિ અને સામાજિક ઓળખો પ્રત્યે સંવેદનશીલતા વિકસિત કરવાની પણ જરૂર છે.
તેઓ કહે છે કે બાળકોને એ સમજાવવું જરૂરી છે કે દરેક વ્યક્તિ એક જેવાં કપડાં પહેરશે નહીં, એક જેવું વર્તન કરશે નહીં અને ન તો એક જેદી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિથી આવશે.
તેથી કોઈ અલગ વર્તનને તરત ખોટું માનવાને બદલે તેને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
તેમના મતે, માત્ર પુસ્તકોનું જ્ઞાન પર્યાપ્ત નથી. વિદ્યાર્થીઓને વિવિધ સામાજિક પરિસ્થિતિઓને સમજવાની અને તેની સામે લડવાની વ્યાવહારિક સમજ પણ આપવી જોઈએ.
પોલીસની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ
ડૉ. ડોગરાના મતે, આવા કેસોને ફક્ત લૈંગિકતા અથવા સામાજિક નૈતિકતાના દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ કાયદા અને અધિકારોના દૃષ્ટિકોણથી જોવા જોઈએ.
આની સાથે જ સર્વાઇવરમાં એ ભોરોસો પેદા કરવો પણ જરૂરી છે કે જો તેમની સાથે કંઈ ખોટું થાય છે, તો તેઓ પોતાની શાળા, કૉલેજ, સંસ્થા કે પોલીસને તેની જાણકારી આપી શકે છે.
ખાસ કરીને સગીરોના મામલામાં પરિવારો અને સંસ્થાઓ દ્વારા એવું વાતાવરણ બનાવવું જરૂરી છે, જ્યાં બાળકો ડર કે શરમથી ઘટના છુપાવવાને બદલે મદદ માગી શકે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























