રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ ભ્રષ્ટાચારના કેસમાં નોકરીમાંથી ડિસમિસ કરાયા - ન્યૂઝ અપડેટ

રાજકોટની ધર્મેન્દ્રજી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલને ભ્રષ્ટાચારના કેસમાં નોકરીમાંથી રૂખસદ અપાઈ
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

રાજકોટસ્થિત ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. પરેશ રાવલને કથિત ભ્રષ્ટાચારના કેસમાં ટર્મિનેટ કરવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગના એક આદેશ પ્રમાણે હાલમાં ધર્મેન્દ્રસિંહજી કૉલેજના પ્રિન્સિપાલ અને ભુજની લાલન કૉલેજના તત્કાલીન કાર્યકારી આચાર્ય પરેશ રાવલ સામે સાબિત થયેલા આરોપીની ગંભીરતા, ફરજ પ્રત્યે નિષ્ઠા અને પ્રામાણિકતાના અભાવને ધ્યાનમાં રાખીને 'ભવિષ્યમાં સરકારી નોકરી માટે ગેરલાયક ઠરે નહીં' તે રીતે નોકરીમાંથી રુખસદ આપવામાં આવી છે.

તેમની સામે આરોપ છે કે તેઓ ભુજની લાલન કૉલેજમાં ઑગસ્ટ 2011થી ડિસેમ્બર 2018 દરમિયાન કાર્યકારી આચાર્ય હતા, ત્યારે કોઈ પણ પ્રકારની પ્રક્રિયાને અનુસર્યા વગર વર્ક ઑર્ડર આપીને 25.36 લાખનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ 2016માં કૉલેજને ફાળવાયેલી 50 લાખની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યો હતો.

બીબીસી સાથે વાત કરતા ડૉ. પરેશ રાવલે જણાવ્યું કે "મારી સામે એક જૂની ઇન્કવાયરી ચાલુ હતી જેમાં મને આખરે રિમૂવ કર્યો છે. સરકાર તેનું કામ કરે છે. હું આ મામલે કોર્ટમાં જઈશ."

એશિયન ગેમ્સ 2026 : નીરુ ઢાંડાએ રચ્યો ઇતિહાસ, મહિલા ટ્રેપ શૂટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ

હરિયાણાનાં 26 વર્ષીય નીરુએ ફાઇનલમાં 28નો સ્કોર નોંધાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો
ઇમેજ કૅપ્શન, હરિયાણાનાં 26 વર્ષીય નીરુએ ફાઇનલમાં 28નો સ્કોર નોંધાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો

જાપાનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતનાં નીરુ ઢાંડાએ મહિલા ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

આ સાથે જ તેઓ એશિયન ગેમ્સમાં મહિલા ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય શૂટર બની ગયાં છે.

હરિયાણાનાં 26 વર્ષીય નીરુએ ફાઇનલમાં 28નો સ્કોર નોંધાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. સાથે જ તેમણે એશિયન ગેમ્સનો નવો રેકૉર્ડ પણ બનાવ્યો હતો. અગાઉનો રેકૉર્ડ 24નો હતો.

ચીનનાં સન યુનોંગે 26 પૉઇન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે કુવૈતનાં અબ્દુલમાલિક હજરે 21 પૉઇન્ટ સાથે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.

આ ગોલ્ડ મેડલ સાથે ભારત મેડલ ટેબલમાં 11મા સ્થાને પહોંચી ગયું છે. ભારતે અત્યાર સુધીમાં 5 ગોલ્ડ, 21 સિલ્વર અને 21 બ્રૉન્ઝ મેડલ જીત્યા છે.

નીરુએ આ પહેલાં મહિલા ટ્રેપ ટીમ સ્પર્ધામાં પણ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.

તે ઉપરાંત, જુલાઈ 2026માં તેઓ ટ્રેપ શૂટિંગના વર્લ્ડકપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા શૂટર પણ બન્યાં હતાં.

ગોલ્ડી બરાડ અમેરિકાના મોસ્ટ વૉન્ટેડ અપરાધીઓના લિસ્ટમાં સામેલ

બીબીસી ગુજરાતી ગોલ્ડી બરાડ અમેરિકા ભારત એફબીઆઈ મોસ્ટ વોન્ટેડ
ઇમેજ કૅપ્શન, ગોલ્ડી બરાડની માહિતી આપનાર માટે કરોડો રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે

અમેરિકાની ફેડરલ તપાસ એજન્સી એફબીઆઈએ સતિંદરજિતસિંહ ગોલ્ડી બરાડને પોતાના 'ટેન મોસ્ટ વૉન્ટેન્ડ ફ્યુઝિટિવ્સ' એટલે કે દેશના 10 સૌથી વૉન્ટેડ અપરાધીઓના લિસ્ટમાં સામેલ કર્યા છે.

એફબીઆઈ મુજબ ગોલ્ડી બરાડ પર લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે જોડાયેલા હોવાનો આરોપ છે.

એફબીઆઈનું કહેવું છે કે ગોલ્ડી બરાડનું સંગઠિત અપરાધી જૂથ અમેરિકાના કૅલિફોર્નિયા સહિત અમેરિકા અને કૅનેડાના ઘણા ભાગોમાં હિંસક ઘટનાઓમાં સામેલ રહ્યું છે.

એજન્સીનો આરોપ છે કે ગોલ્ડી બરાડ આ અપરાધિક નેટવર્ક સાથે જોડાયેલા છે અને ઘણા સમયથી તેમની શોધખોળ ચાલુ છે.

એફબીઆઈએ ગોલ્ડી બરાડની ધરપકડ કરવામાં મદદની માહિતી આપનાર માટે 10 લાખ ડૉલર (લગભગ 9.6 કરોડ રૂપિયા)થી વધુ ઇનામની જાહેરાત કરી છે.

એજન્સીએ સામાન્ય લોકોને અપીલ કરી છે કે તેમની પાસે ગોલ્ડી બરાડ વિશે માહિતી હોય તો તાત્કાલિક લૉ ઍન્ફોર્સમેન્ટ એજન્સીઓને જાણ કરે.

સુરક્ષા કારણોથી OpenAi ચેટ જીપીટીનું નવું મૉડલ લૉન્ચ નહીં કરે

બીબીસી ગુજરાતી ઓપનએઆઈ ચેટ જીપીટી
ઇમેજ કૅપ્શન, કંપનીના કહેવા પ્રમાણે સુરક્ષાના માપદંડમાં મૉડલ સફળ નથી રહ્યું (ટોમ અલ્ટમેન, ફાઈલ ફોટો)

ચેટજીપીટી બનાવનાર કંપની ઓપનએઆઈએ મંગળવારે એ વાતની પુષ્ટિ કરી હતી કે નવી પેઢીના એઆઈ મૉડલ જીપીટી 6.1 અસ્ટ્રાનું લૉન્ચિંગ હાલમાં નહીં કરવામાં આવે.

કંપનીનું કહેવું છે કે આ મૉડલ સુરક્ષા અને ભરોસાના નિશ્ચિત માપદંડ પર સંપૂર્ણ રીતે પાર નથી પડ્યું.

ઓપનએઆઈમાં સેફ્ટી સિસ્ટમ્સના વડા સાચી જૈને જણાવ્યું કે આ એઆઈ મૉડલ પોતાની જાતે ઇન્ટરનેટ બ્રાઉઝ કરવાનું અને ઍપ્સના ઉપયોગ જેવું કામ કરી શકે છે, પરંતુ તેનું પર્ફૉર્મન્સ કંપનીની અપેક્ષા પ્રમાણે નથી રહ્યું.

તેમણે કહ્યું કે આ મૉડલને એ સમજવામાં મુશ્કેલી જણાઈ કે તેણે કયા ક્ષેત્ર અને કયા અધિકાર હેઠળ કામ કરવાનું છે.

સાથે સાથે એ પણ સ્પષ્ટ નથી કે તે યૂઝર્સને પોતાના કામ વિશે કેટલી સચોટ અને પારદર્શક માહિતી આપે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન