ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની ઑફર ઠુકરાવી તો વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Lev Radin/Pacific Press/LightRocket via Getty Images
ઈરાને કહ્યું છે કે હોર્મુઝ જળમાર્ગને ફરીથી ખોલવાનો એકમાત્ર રસ્તો વાતચીત અને રાજદ્વારી ઉકેલ છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા આપવામાં આવેલી તે ઑફર નામંજૂર કરી છે, જેમાં એક સપ્તાહની અંદર હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખોલવાની વાત કરવામાં આવી હતી.
ન્યૂ યૉર્કમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ જણાવ્યું, "અમેરિકાના તરફથી ઈરાનને અત્યાર સુધી કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી."
અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાને હોર્મુઝ ખોલવાનો પ્રસ્તાવ એટલા માટે મૂક્યો છે કારણ કે, તે યુદ્ધમાં નબળી સ્થિતિમાં છે. જોકે અરાગચીએ સ્પષ્ટ કર્યું કે ઈરાન પોતાના પ્રસ્તાવ સાથે જોડાયેલી શરતોથી પાછળ હટશે નહીં.
ઈરાનના વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, આ શરતોમાં સમગ્ર પ્રદેશમાં ચાલી રહેલા તમામ સંઘર્ષોને સમાપ્ત કરવાનો સમાવેશ થાય છે. તેમાં લેબનોનમાં ચાલી રહેલો સંઘર્ષ પણ સામેલ છે.
આ ઉપરાંત, ઈરાને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો દૂર કરવાની માંગ પણ કરી છે.
આ દરમિયાન ઈરાની અધિકારીઓએ જહાજોને ચેતવણી આપી છે કે તેઓ હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવા માટે એવા માર્ગોનો ઉપયોગ ન કરે, જેને ઈરાને "અનધિકૃત માર્ગો" તરીકે વર્ણવ્યા છે.
ઈરાન પર દબાણ વધારવા માટે અમેરિકા અપનાવી રહ્યું છે આ વ્યૂહરચના, નાણા મંત્રીએ જણાવ્યું

ઇમેજ સ્રોત, Tasnim News
અમેરિકાના નાણા પ્રધાન સ્કૉટ બેસેન્ટે જણાવ્યું છે કે વૉશિંગ્ટન ઈરાન પર આર્થિક દબાણ વધારવા માટે અનેક દેશો સાથે મળીને કામ કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે જણાવ્યું કે તેમના નિર્દેશ હેઠળ વિવિધ દેશોમાં પ્રતિનિધિમંડળો મોકલવામાં આવ્યાં હતાં, જેથી તે દેશોની સરકારોને ઈરાન પર વધુ આર્થિક દબાણ લાવવા માટે રાજી કરી શકાય.
બેસેન્ટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "મારા નિર્દેશ હેઠળ ટીમોને વિશ્વના વિવિધ દેશોમાં મોકલવામાં આવી હતી, જેથી તેઓ ત્યાંની સરકારો સાથે વાતચીત કરે અને ઈરાની શાસન સામે પગલાં લેવા માટે અપીલ કરે. આ પ્રયાસોની અસર હવે જોવા મળી રહી છે."
તેમણે આગળ લખ્યું, "તુર્કી અને ઓમાને પોતાના દેશોમાં માટે મહાન ઍર (Mahan Air)ની ઉડાનો બંધ કરવાની જાહેરાત કરી છે. યુએઈએ ઈરાની ઍરલાઇન્સની તમામ ઉડાનો સ્થગિત કરી દીધી છે. ઉપરાંત, યુએઈ અને તુર્કીની મોટી બૅન્કોએ ઈરાન સાથેના નાણાકીય વ્યવહારો બંધ કરી દીધા છે."
બેસેન્ટે વધુમાં જણાવ્યું, "ઈરાનના નેતૃત્વે પણ સ્વીકાર્યું છે કે યુદ્ધની અસર અર્થતંત્ર પર પડી રહી છે. ઈરાની ચલણ રિયાલનું મૂલ્ય ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયું છે. હું બ્રિટન, તુર્કી, ઓમાન અને યુએઈની સરકારોનો આભાર વ્યક્ત કરું છું. અમે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું, કારણ કે ઈરાનને તેના આતંકવાદી એજન્ડાને આગળ વધારતાં રોકવા માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે."
સ્કૉટ બેસેન્ટે ધ વૉલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલને પણ શૅર કર્યો હતો. અહેવાલ અનુસાર, અમેરિકાના ટ્રેઝરી વિભાગના અધિકારીઓ છેલ્લાં બે અઠવાડિયાંમાં 50થી વધુ દેશો સાથે તેહરાન પર આર્થિક દબાણ વધુ કડક બનાવવાની યોજનાઓ અંગે ચર્ચા કરી ચૂક્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાએ કહ્યું, 'સ્થાયી બેઠક માટે ભારતને અમારું સમર્થન'

ઇમેજ સ્રોત, Reuters
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતની સ્થાયી સભ્યપદની દાવેદારીને રશિયાનું સમર્થન મળ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરતાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે શનિવારે સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે પશ્ચિમી દેશોને વધારાની સ્થાયી બેઠકો આપવાનો વિરોધ કર્યો હતો.
લાવરોવે કહ્યું, "સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની પ્રક્રિયા હેઠળ પશ્ચિમી દેશોને, ખાસ કરીને જર્મની અને જાપાનને, કોઈ વધારાની સ્થાયી બેઠક આપવી જોઈએ નહીં, કારણ કે તેઓ હવે સૈન્યવાદ અને પ્રતિશોધના માર્ગે આગળ વધી રહ્યા છે."
લાવરોવે સુરક્ષા પરિષદમાં એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના પ્રતિનિધિત્વમાં વધારો કરવાની જરૂરિયાત દર્શાવી હતી.
તેમણે કહ્યું, "અમે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના પ્રતિનિધિત્વમાં વધારો કરવાના પક્ષમાં છીએ. અમે સ્થાયી બેઠક માટે બ્રાઝિલ અને ભારતની ઉમેદવારીને સમર્થન આપીએ છીએ."
રશિયાનું આ વલણ એવા સમયે સામે આવ્યું છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા અંગે સભ્ય દેશો વચ્ચે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામાન્ય ચર્ચા દરમિયાન મોરિશિયસે પણ સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સભ્યપદની દાવેદારીને સમર્થન આપ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 13 લોકોનાં મોત, અનેક વિસ્તારોમાં પૂરનો ખતરો

ઇમેજ સ્રોત, ANI
ઉત્તર પ્રદેશમાં શનિવારે વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં 13 લોકોનાં મોત થયાં છે.
રાહત કમિશનર ડૉ. હૃષિકેશ ભાસ્કર યશોદે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં આ માહિતીની પુષ્ટિ કરી હતી.
તેમણે જણાવ્યું, "છેલ્લા 48 કલાકથી રાજ્યના અનેક ભાગોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. તેનો પ્રભાવ ખાસ કરીને પૂર્વી ઉત્તર પ્રદેશ અને નેપાળની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વધુ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ ચક્રવાત અસનાના પ્રભાવને કારણે સર્જાઈ છે."
કમિશનરે વધુમાં જણાવ્યું, "અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને વિવિધ માધ્યમો દ્વારા લોકોને ચેતવણીઓ આપવામાં આવી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળા અને કૉલેજો બંધ કરી દેવામાં આવી છે, જ્યારે મુખ્ય મંત્રી પણ સ્થિતિની દેખરેખ રાખી રહ્યા છે."
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, 17 લોકો ઘાયલ પણ થયા છે. એજન્સીએ અધિકારીઓના હવાલાથી જણાવ્યું છે કે રાજ્યના 63 જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે અને કેટલાક વિસ્તારોમાં અચાનક પૂર આવવાનો મધ્યમ સ્તરનો ખતરો યથાવત્ છે.
ગત 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશમાં સામાન્ય કરતાં 19 ગણો વધુ વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદ, આંધી અને ઝડપી પવનના કારણે ઊભા પાકોને નુકસાન પહોંચ્યું છે અને 117 મકાનોને નુકસાન થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, અલગ-અલગ ઘટનાઓમાં માટીની દિવાલ તૂટી પડતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં.
તે જ સમયે, ભારે વરસાદ અને ઝડપી પવન દરમિયાન વૃક્ષો ધરાશાયી થતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં અને 14 લોકો ઘાયલ થયા હતા. લખીમપુર ખીરી, અમેઠી, બારાબંકી અને ગોરખપુર જિલ્લાઓમાંથી જાનહાનિના અહેવાલ સામે આવ્યા છે.

ઇમેજ સ્રોત, ANI
લખનઉના ચૈના ગામમાં માટીના મકાનની દિવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ લોકો ઘાયલ થયા હતા. તેમને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
કન્નૌજમાં સતત વરસી રહેલા વરસાદના કારણે 20 કાચાં મકાનોને નુકસાન થયું છે.
હવામાન વિભાગના આંકડા મુજબ, શુક્રવારથી શનિવાર સવારે સુધી લખનૌમાં 125.8 મીલીમીટર વરસાદ નોંધાયો હતો.
ફર્રુખાબાદમાં સામાન્ય કરતાં 200 ગણો, કાનપુર નગરમાં 160 ગણો તેમજ કન્નૌજ, કાનપુર દેહાત અને હરદોઈમાં સામાન્ય કરતાં 130 ગણો વધુ વરસાદ નોંધાયો હતો.
ભારતીય હવામાન વિભાગે શનિવારે પૂર્વી ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી.
રવિવારે પણ અનેક સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























