'મતચોરી, કાયદોચોરી, અને સંસ્થાચોરી': રાહુલ ગાંધીની ચૂંટણીપંચ અંગેની પ્રેસ કૉન્ફરન્સમાં આરોપ, ભાજપે શું કહ્યું

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સુધાંશુ ત્રિવેદી, જ્ઞાનેશકુમાર, બીબીસી ગુજરાતી, ચૂટંણીપંચ, એસઆઈઆર, RAHUL GANDHI, SUDHANSHU TRIVEDI, GYANESH KUMAR, ELECTION COMMISSION OF INDIA
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન ઍક્સપ્રેસમાં બુધવારે છપાયેલા એક ઇન્વેસ્ટિગેવટિવ અહેવાલ બાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે એક ખાસ પ્રેસ કૉન્ફરન્સ કરી.

રાહુલ ગાંધીએ આ દરમિયાન દાવો કર્યો કે તેઓ સતત ત્રણ વર્ષથી પુરાવા સાથે 'મતચોરી'નો મુદ્દો ઉઠાવતા રહ્યા છે અને હવે બે ચૂંટણીકમિશનરનોએ ચૂંટણીપંચમાં ગરબડનો મુદ્દો ઉઠાવ્યો છે.

કૉંગ્રેસ નેતાએ આ દરમિયાન ફેબ્રુઆરી 2025થી માંડીને અત્યાર સુધી એ પ્રેસ કૉન્ફરન્સ અને કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો, જ્યારે-જ્યારે તેમણે કહેવાતા 'મતચોરી'નો મુદ્દો ઉઠાવ્યો હતો.

રાહુલ ગાંધીએ સવાલ ઊભા કરતા કહે છે કે ઇંદિરા ગાંધીએ પોતાની લોકપ્રિયતાના શિખર પર પણ ચૂંટણી હાર્યાં, પરંતુ ગત ઘણી ચૂંટણી બાદ 'ઍન્ટિ-ઇન્કમબન્સી' જાણે કે ખતમ જેવી થઈ ગઈ.

તેમણે મુખ્ય ચૂંટણીકમિશનર જ્ઞાનેશકુમારનું રાજીનામું માગતા કહ્યું કે લોકશાહીને બરબાદ નથી થવા દેવાની.

ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલમાં શું છપાયું હતું?

અંગ્રેજી અખબારના ઇન્વેસ્ટિગેટિવ અહેવાલ છપાયા બાદ વિરોધ પક્ષ કેન્દ્રની મોદી સરકાર અને કેન્દ્રીય ચૂંટણીપંચના કામકાજ સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

અખબારના આ અહેવાલમાં દાવો કરાયો છે કે બે ચૂંટણીકમિશનરોએ ચૂંટણીપંચનાં પગલાં અંગે 'દસ માસમાં 14 વખત વાંધો' નોંધાવ્યો.

અહેવાલ મુજબ, "આ વાંધા ચૂંટણીકમિશનર સુખબીરસિંહ સંધૂ અને વિવેક જોશીએ પોતાની જાતને અંધારામાં રાખવાથી માંડીને નવા મતદારોને સામેલ કરવા અને દૂર કરવા અંગે નોંધાવ્યા અને 'બિનઆધિકારિક, ગેરકાયદેસર'પગલાં પર સવાલ ઉઠાવ્યા."

ચૂંટણીપંચની ભૂમિકા સામે વિપક્ષ પહેલાંથી જ સવાલ ઉઠાવતો રહ્યો છે.

રાહુલ ગાંધીએ શું શું સવાલ ઉઠાવ્યા?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી, અમિત શાહ અને ગૌતમ અદાણી સહિત સાત લોકોની તસવીરો બતાવીને દાવો કર્યો કે તેઓ લોકશાહીને તબાહ કરનારા લોકો છે

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હરિયાણા, છત્તીસગઢ, યુપી જેવાં રાજ્યોમાં હંમેશાં ચૂંટણી બાદ સરકારો બદલાતી હતી, પરંતુ અચાનક ચૂંટણીમાંથી ઍન્ટિ-ઇન્કમબન્સી ખતમ થઈ ગઈ.

તેમણે કહ્યું, "આવું એટલા માટે છે, કારણકે હું એક રાજકીય પરિવારમાંથી આવું છું અને મેં 50 કરતાં વધુ વર્ષ એક રાજકીય પરિવારમાં પસાર કર્યા છે. લોકશાહી માહોલમાં કામ કનારો કોઈ પણ રાજકીય નેતા એવું નિવેદન નથી આપી શકતો, કારણ કે ભારતમાં 'ઍન્ટિ-ઇન્કમબન્સી' (સત્તાવિરોધી લહેર) નામની એક પાયાની તાકત હોય છે, જે ખૂબ ઝડપથી કોઈ પણ સરકારનો વિરોધ કરવા લાગે છે અને કોઈને છોડતી નથી."

"ઇંદિરા ગાંધીજી બાંગ્લાદેશ યુદ્ધ જીતે છે, પોતાની લોકપ્રિયતાના શિખર પર છે, અને પછી અચાનક એક-બે વર્ષની અંદર જ જબરદસ્ત સત્તાવિરોધી લહેર અને ભારે દબાણનો સામનો કરવો પડે છે."

"એક પછી એક, ઘણા નેતાઓ સાથે ઠીક આવું જ થાય છે. આવું કૉંગ્રેસના નેતાઓ સાથે થાય છે, ક્ષેત્રીય પક્ષો સાથે થાય છે, પરંતુ કોઈ કારણે, નરેન્દ્ર મોદી સાથે આવું ક્યારેય નથી થતું. અમિત શાહ સાથે નથી થતું, ભાજપ સાથે નથી થતું."

બીબીસી ગુજરાતી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "ભારતની સૌથી મોટી રાજકીય તાકત ક્યાં ગાયબ થઈ ગઈ છે. તેના અમે જવાબ શોધી રહ્યા હતા અને અંતે અમને એનો જવાબ મળ્યો. મત આપણા દેશનો પાયો છે."

"વોટ જેને ચૂંટણીપંચ સુરક્ષિત રાખે છે. તેને બંધારણથી તાકત મળે છે. જો વોટ નષ્ટ થઈ રહ્યા છે તો આપણું બંધારણ તબાહ થશે."

"તેની કોઈ તાકત નહીં રહે, તેનું કોઈ કામ નહીં રહે. જો બંધારણ તબાહ થાય છે તો આપણા કાયદા ખતમ થઈ જશે અને સંસ્થાનોનો કોઈ અર્થ નહીં રહે. આ અમારા વોટ પર હુમલો છે. આ દરેક નાગરિકની અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર હુમલો છે. અમે સતત કહી રહ્યા છીએ કે મત સાથે કોઈ ન કોઈ તકલીફ છે. ચૂંટણીપંચ તેને સુરક્ષિત રાખે છે."

ભાજપે રાહુલ ગાંધીની રાજકીય સમજ સામે સવાલ ઉઠાવ્યા

ઇન્ડિયન ઍક્સપેસના અહેવાલ અંગે સુધાંશુ ત્રિવેદીએ પૂછ્યું કે શું આ અહેવાલમાં કોઈ પણ ચૂંટણીકમિશનરનું નિવેદન છે ખરું?
ઇમેજ કૅપ્શન, ઇન્ડિયન ઍક્સપેસના અહેવાલ અંગે સુધાંશુ ત્રિવેદીએ પૂછ્યું કે શું આ અહેવાલમાં કોઈ પણ ચૂંટણીકમિશનરનું નિવેદન છે ખરું?
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુધાંશુ ત્રિવેદીએ પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીનું રાજકારણ અંગેનું જ્ઞાન શૂન્ય હોવાનો દાવો કર્યો.

તેમણે કહ્યું, "1967 બાદથી તામિલનાડુમાં કૉંગ્રેસ પરત નથી ફરી, બંગાળમાં 1977થી કૉંગ્રેસની ક્યારેય વાપસી નથી થઈ. બિહારમાં 1990 બાદથી ક્યારેય કૉંગ્રેસ નથી આવી."

"યુપીમાં 1989 બાદથી ગાંધી પરિવારના ગૃહરાજ્યમાં પણ તેમની સરકાર નથી રહી. 1999 બાદથી ઓડિશામાં પણ સરકાર નથી રહી. રાહુલ ગાંધીને જ્ઞાન નથી."

"રાહુલજી અને સોનિયાજીના આવ્યા બાદ ઍન્ટિ ઇન્કમબન્સીનો સામનો કરવો પડ્યો છે. ગાંધી પરિવાર 100 વર્ષથી કૉંગ્રેસ પાર્ટીની સત્તા પર છે."

"આજે ઍન્ટિ ઇન્કમબન્સી એટલી મજબૂત થઈ ગઈ છે કે તેઓ પોતાની બેઠક કોઈ સહયોગી દળના ટેકા વગર નથી જીતી શકતા."

"25 વર્ષથી રાયબરેલી અને અમેઠી બેઠક સમાજવાદી પાર્ટીના સમર્થનથી કૉંગ્રેસ પાર્ટી જીતતી રહી, નહીંતર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીમાં એ ક્ષમતા નથી કે પોતાની ખાનદાની બેઠક પોતાના દમ પર જીતી બતાવે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વાયનાડ બેઠક મુસ્લિમ લીગના સમર્થનથી જીતી હતી."

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ અંગે સુધાંશુ ત્રિવેદીએ સવાલ પૂછ્યો કે શું આ રિપોર્ટમાં કોઈ ચૂંટણીકમિશનરનું નિવેદન છે?

તેમણે કહ્યું, "એ ન્યૂઝ રિપોર્ટમાં શું કઈ પણ ચૂંટણીકમિશનરનું નિવેદન છે? નથી, તો પછી કયા આધારે કોઈ કહી શકે કે ચૂંટણીકમિશનર આવું બોલી રહ્યા છે."

"હું અખબારોની સ્વતંત્રતાનું સન્માન કરતા કહું છું કે કાયદેસર રીતે સંબંધિત વ્યક્તિને પૂછવામાં આવે છે. શું તેમનું નિવેદન છે? નથી."

"શું તમારી પાસે એવો કોઈ અહેવાલ છે કે જેમાં જણાવાયું હોય કે સર્વસંમતિથી નિર્ણય નથી થયો? શું તમારી પાસે કોઈ પ્રેસ કૉન્ફરન્સ છે, જેમાં ત્રણેય કમિશનર ન હાજર હોય?"

"તો આ વાતનો આધાર શો છે? હું સીધો કૉંગ્રેસ પાર્ટીને પૂછવા માગું છું કે જે અહેવાલમાં કોઈ પણ ચૂંટણીકમિશનરનું કોઈ નિવેદન નથી, ઑફ ધ રેકૉર્ડ પણ કોઈ જવાબ નથી. તો તેનો આધાર શો છે?"

'મતચોરી, કાયદોચોરી અને પછી સંસ્થાનચોરી'

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણીકમિશનર જ્ઞાનેશકુમારને હઠાવવાની માગ કરી છે

રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી, અમિત શાહ અને ગૌતમ અદાણી સહિત સાત લોકોની તસવીરો બતાવતા કહ્યું કે આ લોકો લોકશાહીને તબાહ કરનારા લોકો છે અને ભારતીય ચૂંટણીમાં 100 ટકા ગરબડ થઈ રહી છે.

"બે ચૂંટણીકમિશનરોએ જ્ઞાનેશકુમાર સામે સવાલ ઉઠાવ્યા છે. મેં સતત આ સવાલ ઉઠાવ્યા, પરંતુ હવે બે કમિશનરોએ સવાલ ઉઠાવ્યા છે. જ્ઞાનેશકુમારને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ચૂંટ્યા છે."

"હવે બે ચૂંટણીકમિશનર કહી રહ્યા છે કે જ્ઞાનેશકુમાર આપણી વોટિંગ સિસ્ટમને થઈ રહેલા નુકસાન માટે જવાબદાર છે. મતચોરી બાદ કાયદોચોરી થાય છે અને પછી સંસ્થાચોરી થાય છે."

"જો મત ચોરી લેવાયો છે અને સંસદમાં બેઠેલો કોઈ સાંસદ કોઈ પણ કાયદો બનાવે તો એ ગેરકાયદેસર છે."

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ દરમિયાન એક ટાઇમલાઇન પણ બતાવી, જેમાં તેમણે બતાવ્યું કે તેમણે ક્યારે ક્યારે ચૂંટણીપંચમાં ગરબડ અને 'મતચોરી'નો મુદ્દો ઉઠાવ્યો હતો.

રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે તેમણે પોતાની અસંમતિ નોટ જ્ઞાનેશકુમારની પસંદગી વખતે વડા પ્રધાન મોદીને આપી હતી, પરંતુ તેમણે જ્ઞાનેશકુમારને પસંદ કર્યા.

"સંસ્થાન પર દબાણ વધ્યું છે અને અમને સતત અંદરથી સમાચાર મળી રહ્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન