You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છના ખેડૂતે એવું કયું સંશોધન કર્યું કે ખજૂરની ખેતી હવે ભારતમાં થઈ શકશે?
કચ્છના મુદ્રા તાલુકાના ઝરપરા ગામે રહેતા 52 વર્ષીય મેઘરાજ બારોટ કહે છે કે તેમનો પરિવાર સવાસો વર્ષથી ખજૂરીના બગીચા બનાવી બાગાયત ખેતી કરે છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતા મેઘરાજ બારોટ કહે છે કે તેમણે ખજૂરના એક ઠળિયામાંથી એક છોડ તૈયાર કરીને વર્ષ 2000ની આસપાસ તેમના બગીચામાં વાવ્યો અને તેનો ઉછેર કર્યો. ચારેક વર્ષ પછી તે ખજૂરીમાં ફળ આવ્યાં.
મેઘરાજ બારોટ કહે છે, "તે સમયે મારા બગીચામાં આશરે 350 ખજૂરી હતી, પરંતુ આ ખજૂરીની ખારેકમાં જે મીઠાશ હતી તે અન્ય ઝાડમાં ન હતી. તેની ખારેક લીલી હોય તો પણ એટલી જ મીઠી હતી. મેં એ પણ જોયું કે વરસાદ આવી જાય તો પણ એ ઝાડની ખારેક ફાટતી કે ખરતી ન હતી. ફળની લૂમને વરસાદથી બચાવવા ઢાંકી ન હોય તો પણ ઓછી ખારેક ખરતી હતી. તેથી, મને લાગ્યું કે આ ઝાડ કંઈક અલગ છે."
મેઘરાજ બારોટ ઉમેરે છે કે તેમની દીકરી સોનલના નામ પરથી તેમણે તે ખજૂરીને "સોના" નામ આપ્યું. 2009માં તેમણે આ સોનાની વાત મુન્દ્રા ખારેક સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોને કરી.
મેઘરાજ બારોટના દાવો સાચા છે કે નહીં તેની ખાતરી કરવા વૈજ્ઞાનિકોએ સોના પર સંશોધન કરવાનું ચાલુ કર્યું. સાથે સાથે વર્ષ 2010માં હૈદરાબાદની એઇસ ટૅક્નૉલૉજીઝ નામની એક ખાનગી કંપનીએ મેઘરાજ બારોટ પાસેથી સોના ખજૂરીના થડમાં ઊગેલું એક પીલુ એટલે કે બછડું ખરીદી તેમાંથી ટીસ્યૂ ક્લચર ટૅક્નૉલૉજીથી સોના ખજૂરીના રોપા તૈયાર કરવાનું કામ ચાલુ કર્યું.
'આટલી સારી ખજૂર બીજાની વાડીમાં પણ હોવી જોઈએ'
મેઘરાજ બારોટ કહે છે, "હૈદરાબાદની લૅબોરેટરીએ કહ્યું કે સોનાની ખારેક 100 ટકા ખારેક જેવી લાગે છે. તેથી, લૅબોરેટરીએ "સોના" પાછળ "100" જોડ્યું અને "સોના-100" નામ આપ્યું."
મુન્દ્રા ખારેક સંશોધન કેન્દ્રના માર્ગદર્શન હેઠળ વર્ષ 2023-24માં મેઘરાજ બારોટે સોના-100ને ખારેકની એક અગલ જાત તરીકે માન્યતા માગતી એક અરજી ભારત સરકારના નેજા હેઠળ કામ કરતી પ્રોટેક્શન ઑફ પ્લાન્ટ વૅરાયટીઝ ઍન્ડ ફાર્મર્સ રાઇટ્સ ઑથૉરિટીને આપી.
ઑથૉરિટીએ અરજી માન્ય રાખી 8 ડિસેમ્બર, 2025ના રોજ સોના-100ને ખેડૂત દ્વારા વિકસાવાયેલ ભારતીય ખજૂરની જાત તરીકે માન્યતા આપી. તે સાથે જ મેઘરાજ બારોટને 2040 સુધી ખારેકની તે જાત પર વિશેષાધિકાર આપ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ આ ખાસ જાતના છોડ સૌ ખેડૂતોને વાજબી ભાવે મળી રહે અને વધારે લોકો તેની ખારેક ખાઇ શકે તેવા ઉદ્દેશથી મેઘરાજ બારોટે સોના-100ના છોડ પર રૉયલ્ટી વસૂલવાના પોતાના વિશેષાધિકારને ત્યજીને તેને ઓપન-સોર્સ જાહેર કરી દીધી છે.
તેમણે બીબીસીને જણાવ્યું, "મને એમ થયું કે આટલી સારી ખારેક આપણા એકની વાડીમાં હોય અને બીજાની પાસે ન હોય તે સારું ન લાગે. તે બધા ખાય તે સારું લાગે. તેથી, મેં સોના-100 પરના મારા હક્ક જતા કર્યા છે."
વૈજ્ઞાનિકોને મેઘરાજભાઈની ખારેકમાં શું ખાસિયત જણાઈ?
મુન્દ્રા ખારેક સંશોધન કેન્દ્રના વર્તમાન વડા દેવશી બૈડિયાવદરા કહે છે કે વૈજ્ઞાનિકોને પણ મેઘરાજ બારોટની સોના-100 ખજૂરી ખાસ લાગી.
તેઓ કહે છે કે કચ્છમાં અત્યારે અંદાજે 19 લાખ ખજૂરીનાં ઝાડ છે. તેમાંથી મોટાં ભાગનાં બીજ કે માદા ખજૂરીના થડમાં ઊગી નીકળતા પીલામાંથી છોડ બનાવીને વાવવામાં આવ્યાં છે.
તેઓ કહે છે કે બીજમાંથી તૈયાર કરેલા છોડ નર છે કે માદા તેની ખબર ઝાડમાં ત્રીજા કે ચોથા વર્ષે ફૂલ આવે ત્યારે પડે છે. વળી, એક જ ખજૂરીના ફળના બીજમાંથી ઊગેલ ખજૂરીના ખલેલાના રંગ, સ્વાદ, આકાર અને કદ બહુ અલગ-અલગ હોઈ શકે છે તેમ તેઓ જણાવે છે.
"પરંતુ તેમાંથી કેટલાક સારી ગુણવત્તાના છોડના ફળ બહુ ઉત્તમ ગુણવત્તાના હોઈ શકે છે. અમારાં સંશોધન અને અવલોકનોમાં ધ્યાને આવ્યું કે મેઘરાજ બારોટની સોના-100 ખજૂરીની ખારેકની મીઠાશ અદભુત હતી, રંગ આકર્ષક લાલ હતો અને ફળનું કદ અન્ય ખજૂરીઓનાં ફળ કરતાં મોટું હતું." એમ બૈડિયાવદરા ઉમેરે છે.
મૂળ ઇરાક દેશની બરહી જાતની ખજૂરી છોડ દીઠ 150થી 200 કિલો પીળા રંગના ખલેલાનું ઉત્પાદન આપે છે અને ટીસ્યૂ કલ્ચર પદ્ધતિથી તૈયાર કરાયેલા તેના છોડ વિદેશમાંથી સરળતાથી મળી રહે છે. તેથી કચ્છના ખેડૂતો વર્ષ 2006થી બરહીનું મોટા પાયે વાવેતર કરી રહ્યા છે અને કચ્છ જિલ્લામાં આ જાતના અંદાજે બે લાખ છોડ છે તેમ બૈડિયાવદરા કહે છે.
બૈડિયાવદરા કહે છે, "અમારા સંશોધનમાં એવું ધ્યાને આવ્યું કે મેઘરાજ બારોટની સોના-100ની ખારેક બરહી કરતાં 15 દિવસ વહેલા પાકી જાય છે. તેને 15 જૂનથી 30 જૂન વચ્ચે ઉતારી શકાય છે અને ઝાડ દીઠ 100થી 125 કીલો ઉત્પાદન મળે છે, પરંતુ બરહી કરતાં ભાવ ઊંચા મળવાથી એકંદરે વળતર વધારે મળે છે."
બૈડિયાવદરા કહે છે ટીસ્યૂ કલ્ચર પદ્ધતિથી સોના-100ના રોપા વર્ષ 2015માં તૈયાર થઈ જતા હૈદરાબાદની કંપનીએ કેટલાક રોપા મેઘરાજભાઈને ભેટમાં આપ્યા અને બીજાનું વેચાણ ચાલુ કર્યું.
તેઓ ઉમેરે છે કે 2025 સુધીમાં કચ્છમાં ખેડૂતોએ ટીસ્યૂ ક્લચર અને બછડામાંથી તૈયાર કરેલા સોના-100 જાતના આશરે 10,૦૦૦ રોપાનું વાવેતર કર્યું છે અને તે બરહીનો એક સારો વિકલ્પ સાબિત થઈ રહી છે.
સોના-100એ કોના માટે ખારેકની ખેતીનાં દ્વાર ખોલ્યાં છે?
ડૉ. કપિલ મોહન શર્મા 2016થી 2025 સુધી મુન્દ્રા ખારેક સંશોધન કેન્દ્રમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા હતા અને મેઘરાજ બારોટની સોના-100ના ખાસ ગુણધર્મોનો અભ્યાસ કરતી ટીમનો એક ભાગ હતા.
બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે વહેલી પાકી જવાની અને થોડો ઘણો વરસાદ ખમી જવાની ક્ષમતાને કારણે સોના-100 ખેડૂતોમાં લોકપ્રિય થઈ રહી છે.
તેમણે કહ્યું, "વર્ષ 2025 પહેલાંના પાંચમાંથી ત્રણ વર્ષ દરમિયાન ખજૂરીમાં ફળની મોસમ હતી તે દરમિયાન વાવાઝોડા આવ્યાં. વાર્ષિક વરસાદ પણ સરેરાશ 40 ઇંચ પડ્યો. તેમ છતાં અમારા અવલોકનમાં જણાયું કે અન્ય જાતોની સરખામણીએ સોના-100નાં ફળ ફાટવાનો અને ખરી પડવાનો દર અન્ય જાતોની તુલનાએ ઘણો ઓછો હતો."
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે ખારેક સંશોધન કેન્દ્ર ચલાવે છે. વર્ષો સુધી આ કેન્દ્રના વડા તરીકે ફરજ બજાવી 2025માં દાંતીવાડા યુનિવર્સિટીના સંશોધન નિદેશક તરીકે નિવૃત્ત થયેલા કૃષિ વૈજ્ઞાનિક ડૉ. મુરલીધરન કહે છે કે સોના-100એ કચ્છના ખેડૂતોને આબોહવા પરિવર્તન અને વરસાદ પડવાની બદલાઈ રહેલી પૅટર્ન સામે ઝઝૂમવાની આશા આપી છે.
તેઓ કહે છે કે ખારેક સંશોધન કેન્દ્રમાં 1989માં કામ કરતી વખતે કચ્છમાં અગાઉનાં 100 વર્ષમાં નોંધાયેલા વરસાદનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો અને તેમના ધ્યાને આવ્યું કે કચ્છમાં વરસાદ પડતો હોય તેવા દિવસોની સંખ્યા આખા વરસમાં 11 જ રહેતી અને વાર્ષિક સરેરાશ 14 ઇંચ વરસાદ પડતો, પરંતુ 2001થી તેમાં વધારો થયો છે.
ડૉ. મુરલીધરન ઉમેરે છે, "વળી, કચ્છમાં ચોમાસું જુલાઈના મધ્યમાં આવવાને બદલે હવે જૂનમાં પહોંચવા લાગ્યું છે. આબોહવા અને વરસાદની પૅટર્નમાં પરિવર્તન કચ્છમાં ખારેકની ખેતી માટે સૌથી મોટું જોખમ છે. આવા સંજોગોમાં જો કોઈ ખારેક 15 દિવસ વહેલી પાકે તો તે ઘણો સમય કહેવાય અને જો તે વરસાદ તેમ જ ભેજવાળા વાતાવરણન સામે મોડેરેટ્લી ટોલરન્ટ (મધ્યમ સહનશીલતા ધરાવતી) હોય તો બહુ ફાયદારૂપ કહેવાય. સોના-100 કચ્છના ખેડૂતોને આબોહવા પરિવર્તન અને બદલાયેલા વરસાદની પૅટર્ન સામે ઝઝૂમવાની ક્ષમતા આપી શકે છે."
ડૉ. મુરલીધરન કહે છે કે સોના-100 જાતે કચ્છ સિવાય અન્ય વિસ્તારોમાં પણ ખેડૂતો માટે ખારેકની ખેતીનાં દ્વાર ખોલ્યાં છે.
તેઓ કહે છે, "મોરબીમાં હિતેશ અમૃતિયા નામના ખેડૂત દસ વર્ષથી સોના-100નો સારો પાક લઈ રહ્યા છે. આ આ નવી જાત કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં, ખાસ કરીને થરાદ વિસ્તારમાં અને રાજસ્થાનમાં આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત મધ્ય ભારતના બુંદેલખંડ સહિત દેશના વર્ષાછાંયાવાળા વિસ્તારોમાં પણ આ જાત વાવી શકાય છે."
ભારતમાં ખજૂરનું ઉત્પાદન કેમ થઈ શકતું નથી?
ડૉ. સીએમ મુરલીધરન કહે છે કે ભારતમાં ખજૂરીને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ફૂલ આવે છે અને પછી તેમાં ફળ બેસે છે. ફૂલ આવ્યાં બાદ 19થી 23 અઠવાડિયે ફળ પાકવાની શરૂઆત થાય છે. ફળનો આ તબક્કો ખલાલ અવસ્થા તરીકે ઓળખાય છે. આ અવસ્થામાં ફળનો રંગ લીલામાંથી પીળો કે આછો જાંબલી થવા લાગે છે. આ અવસ્થાનાં ફળ ખલેલા તરીકે ઓળખાય છે, પરંતુ ગુજરાતમાં મોટા ભાગના લોકો ખલેલાને પણ ખારેક જ કહે છે.
ડૉ. મુરલીધરન કહે છે કે 23થી 27 અઠવાડિયાં સુધીમાં ફળ ઋતબ અવસ્થામાં રહે છે. આ અવસ્થામાં ફળ વધારે પાકતાં નરમ પડવા લાગે છે અને તેનો કલર ઘાટો જાંબલી થવા લાગે છે.
તેઓ કહે છે કે ઋતબ અવસ્થામાં ફળને ઉતારીને તડકામાં સૂકવવામાં આવે તો તેમાંથી સૂકી ખારેક બને છે. 28 અઠવાડિયાં બાદ ફળ તામેર અવસ્થામાં પહોંચી જાય છે અને પૂરેપૂરું પાકી જાય છે.
ડૉ. મુરલીધરન કહે છે કે આ અવસ્થામાં ફળ નરમ ખજૂર બની જાય છે અને તેનો રંગ ઘટ્ટ જાંબલી કે કાળો થઈ જાય છે.
પરંતુ ભારતમાં ખજૂરના પાક માટે એક કુદરતી પરિબળ અવરોધ બને છે.
ડૉ. મુરલીધરન કહે છે, "ખજૂરીનાં ફળને ઋતબ અને તામેર અવસ્થાએ પહોંચવા માટે 40 ડિગ્રી સેલ્સિયલ આસપાસના તાપમાનવાળું ગરમ અને સૂકા હવામાનની જરૂરી છે, પરંતુ ભારતમાં ફળ ખલાલ અવસ્થાએ પહોંચે ત્યાં સુધીમાં જૂન મહિનો આવી ગયો હોય છે અથવા અડધો વીતી ગયો હોય છે. એ સમયે નૈર્ઋત્યનું ચોમાસું પણ ખજૂરીના બગીચા ધરાવતા ગુજરાત સહિત દેશનાં મોટાં ભાગનાં રાજ્યોમાં પહોંચી ગયું હોય છે. વરસાદી વાતાવરણમાં ખજૂરીનું ઝાડ વધારે ભેજ ખેંચવા માંડે છે. પરિણામે, તેનાં ફળ ફાટી જાય છે અને ખરવા માંડે છે. તેથી, ભારતમાં ફળને ખલાલ અવસ્થાએ જ ઉતારી લેવા પડે છે."
ડૉ. મુરલીધરન ઉમેરે છે કે ભારતમાં ખલેલાને પણ વરસાદથી નુકસાન થવાની ભીતિ સતત રહે છે.
દેશવિદેશમાંથી ખજૂરની આયાત
દુનિયામાં આ સૂકા મેવાની આયાત કરતા દેશોની યાદીમાં ભારત સૌથી ઉપર છે.
ભારતીય કૃષિ સંશોધન પરિષદની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર દુનિયામાં નિકાસ કરાતી ખારેક-ખજૂરનો 38 ટકા હિસ્સો ભારત ખરીદી લે છે. ખજૂરીના ફળને તેની પાક અવસ્થા અનુસાર લખેલા, સૂકી ખજૂર એટલે કે ખારેક અને નરમ ખજૂર કે પિંડ ખજૂર કહેવાય છે.
ભારત સરકારના સત્તાવાર આંકડા અનુસાર, ભારતમાં 22000 હેક્ટરમાં ખજૂરીનું વાવેતર છે. તેમાંથી આશરે 94 ટકા એટલે કે 20,625 હેક્ટર વાવેતર વિસ્તાર તો એકલા ગુજરાત રાજ્યમાં જ છે તેવું ગુજરાત સરકારના બાગાયત વિભાગનો તાજેતરનો અહેવાલ જણાવે છે.
વળી, ગુજરાતના વાવેતરમાં એકલો કચ્છ જિલ્લાનો ફોળો 19387 હેક્ટર છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, આંધ્ર પ્રદેશ-તેલંગણા, તામિલનાડુ અને મહારાષ્ટ્ર રાજ્યોમાં ખજૂરીના થોડા બગીચા આવેલો છે.
ખજૂરીનો ગણનાપાત્ર વાવેતર વિસ્તાર હોવા છતા ભારતની વિટંબણા એ છે કે દેશમાં ખારેકની એક પેશી પણ નથી પાકતી નથી. તેથી, ઇરાક, સંયુક્ત આરબ અમીરાત, ઈરાન, સાઉદી અરેબિયા, ઓમાન, ટ્યુનિશિયા, અલ્જિરિયા વગેરે દેશોમાંથી ખારેકની મોટા પાયે આયાત કરાય છે.
ભારત સરકારના સત્તાવાર આંકડા અનુસાર 2024-25માં ભારતે 2464 કરોડ રૂપિયા ખર્ચીને 53.22 કરોડ કિલો ખારેક આયાત કરી હતી. તે જ રીતે 11 કરોડ રૂપિયા ખર્ચીને આશરે 10 લાખ કિલો ખજૂરની પણ આયાત કરી હતી.
કેન્દ્ર સરકારના આંકડા મુજબ 2024-25ના વર્ષ દરમિયાન ભારતના ખજૂરીના બગીચાઓમાં 20.70 કરોડ કિલો ફળ ઉતારવામાં આવ્યા હતા. તેમાંથી 17.30 કરોડ કિલો ફળ ગુજરાતના બગીચાઓમાંથી ઉતારવામાં આવ્યા હતા, પરંતુ તે બધા ફળને પાકવાની શરૂઆતની ખલાલ અવસ્થામાં જ ઉતારી લેવામાં આવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન