You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા–ઈરાનની મંત્રણા નિષ્ફળ રહેતાં યજમાન પાકિસ્તાનને શું મળ્યું?
- લેેખક, અસદ સુહૈબ
- પદ, બીબીસી ઉર્દૂ ડોટ કૉમ, ઇસ્લામાબાદ
- વાંચવાનો સમય: 6 મિનિટ
'ઇસ્લામાબાદ ટૉક્સ' નિષ્ફળ રહી હોવા છતાં પાકિસ્તાને એ ઇરાદાનો પુનરુચ્ચાર કર્યો છે કે તે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થની ભૂમિકા ભજવતું રહેશે.
પાકિસ્તાનના વિદેશમંત્રી ઇસ્હાક ડારે આશા વ્યક્ત કરી છે કે બંને પક્ષ યુદ્ધવિરામ માટે પોતપોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખશે. ઇસ્હાક ડાર એમ કહેવા માગતા હતા કે તેમણે સેનાપ્રમુખ માર્શલ આસિમ મુનીર સાથે બંને પક્ષો વચ્ચે થયેલી 'કઠિન પરંતુ સકારાત્મક વાર્તા'ના ઘણા રાઉન્ડમાં તેમની મદદ કરી.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઈરાની પ્રતિનિધિમંડળે પણ મંત્રણા માટે મધ્યસ્થતાના પ્રયાસોનાં વખાણ કરીને પાકિસ્તાનને એક 'સારું યજમાન' ગણાવ્યું.
બંને દેશો વચ્ચે યુદ્ધ અટકાવવા અને ઇસ્લામાબાદમાં મંત્રણાનું ટેબલ તૈયાર કરવાને જ ઘણાં વર્તુળો પાકિસ્તાનની મોટી કૂટનીતિક સફળતા માનતાં હતાં, જેનાથી વૈશ્વિક સ્તરે પાકિસ્તાનનું કદ વધ્યું છે. પરંતુ અંતિમ સમજૂતી ન થતાં ઇસ્લામાબાદમાં નિરાશા પણ છે.
પાકિસ્તાનને 'ઇસ્લામાબાદ મંત્રણા' દ્વારા શું પ્રાપ્ત થયું અને શું તે હજુ પણ બંને પક્ષો વચ્ચે શાંતિ સમજૂતી કરાવવાની ક્ષમતા ધરાવે છે? જો યુદ્ધ ફરી શરૂ થયું તો પાકિસ્તાન આગળ કયો રસ્તો અપનાવશે? એ જાણવા માટે બીબીસીએ ઘણા નિષ્ણાતો સાથે વાત કરી છે.
મધ્યપૂર્વ બાબતોના નિષ્ણાત અને પંજાબ યુનિવર્સિટી (લાહોર)ના પૉલિટિકલ સાયન્સ વિભાગના પૂર્વ પ્રમુખ ડૉક્ટર ફારૂક હસનાત કહે છે કે આ વાટાઘાટને નિષ્ફળ ન કહી શકાય, કેમ કે આ પ્રકારની વાતચીતમાં ઘણો સમય લાગે છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે બંને પક્ષોએ એમ નથી કહ્યું કે આ વાટાઘાટ નિષ્ફળ થઈ ગઈ છે, પરંતુ તેઓ પોતાની કેટલીક શરતો માટે સમજૂતી નથી કરી શકતા.
અમેરિકા અને ઈરાને એક બારી ખુલ્લી રાખી છે
નોંધવું જોઈએ કે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મંત્રણા પછી કહેલું કે ઇસ્લામાબાદમાં અમેરિકા સાથે થયેલી વાતચીતમાં ઘણા મુદ્દા પર સહમતી થઈ છે, જોકે, બે-ત્રણ મહત્ત્વના મુદ્દા અંગે મતભેદના કારણે હજુ સુધી વ્યાપક સમજૂતી નથી થઈ શકી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાનના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈનું કહેવું હતું કે મંત્રણા 'અવિશ્વાસના વાતાવરણ'માં શરૂ થઈ હતી અને એક જ બેઠકમાં સમજૂતી થવાની આશા ઓછી હતી.
ડૉક્ટર ફારૂક હસનાત કહે છે કે પાકિસ્તાને આ આખા વિવાદમાં પોતાને એક તટસ્થ પક્ષ સાબિત કર્યો છે. "આ જ કારણે બંને પક્ષ ઇસ્લામાબાદ આવવા માટે તૈયાર થયા."
તેમના કહેવાનો અર્થ એ હતો કે ભલે સમજૂતી ન થઈ, પરંતુ બંને પક્ષ એવું માની રહ્યા છે કે કેટલીક બાબતોમાં વાત આગળ વધી છે.
તેમનું કહેવું હતું કે પાકિસ્તાનની આ સફળતા ખૂબ મોટી છે કે તેણે એવા બે પક્ષોને સામસામે બેસાડી દીધા, જેમણે 1979 પછી ક્યારેય સીધી વાતચીત નહોતી કરી.
"બંને પક્ષોને એકબીજાની સામે બેસાડવા એ જ પાકિસ્તાનની મોટી સફળતા છે."
વરિષ્ઠ રાજનેતા અને પૂર્વ સીનેટર મુશાહિદ હુસૈન સૈયદ કહે છે કે આ ઐતિહાસિક મંત્રણા પ્રક્રિયાને ચાલુ રાખવા માટે અમેરિકા અને ઈરાને એક બારી ખુલ્લી રાખી છે અને એવું પાકિસ્તાનના પ્રયાસોથી જ થયું છે.
બીબીસી સાથેની વાતચીતમાં મુશાહિદ હુસૈન સૈયદે કહ્યું કે ઇસ્લામાબાદમાં થયેલી વાટાઘાટનું ત્રણ ગણું મહત્ત્વ છે.
તેમના અનુસાર, 21 કલાક સુધી મંત્રણા ચાલવાનો અર્થ એ છે કે બંને પક્ષોએ ખૂબ વિસ્તારથી ચર્ચા કરી છે અને તેમાં બંને દેશોના તકનીકી નિષ્ણાતો પણ સામેલ હતા.
મુશાહિદ હુસૈન સૈયદનું કહેવું હતું કે બીજી મહત્ત્વપૂર્ણ વાત આ મંત્રણાઓમાં ઉચ્ચ સ્તરીય નેતાઓની ભાગીદારી છે, જેમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફ સામેલ થયા.
મુશાહિદ હુસૈન સૈયદનું કહેવું હતું કે બંને પક્ષો તરફથી પાકિસ્તાનની ભૂમિકાને સકારાત્મક ગણાવવી એ વાતની સાબિતી છે કે પાકિસ્તાને શાંતિ પ્રયાસો માટે કેટલી ગંભીરતાથી કોશિશ કરી.
વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક ઝાહિદ હુસૈન કહે છે કે ઇસ્લામાબાદ મંત્રણામાં કોઈ 'બૅકથ્રૂ' ન થયો; "જોકે, આ વાતચીત ખતમ પણ નથી થઈ, જે એક સારો સંકેત છે."
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "પાકિસ્તાનની એ ભૂમિકા ચાલુ રહેશે જેની બંને પક્ષો સરાહના કરી રહ્યા છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે જો મંત્રણાનો બીજો રાઉન્ડ થાય તો તે પાકિસ્તાનમાં થશે કે નહીં."
ઝાહિદ હુસૈન કહે છે, "મંત્રણા પછી પાકિસ્તાનનું મહત્ત્વ ઘણું વધી ગયું છે, કેમ કે પાકિસ્તાન 21 કલાક સુધી ચાલનારી જટિલ વાતચીતનો ભાગ રહ્યું છે અને આગામી કોઈ પણ રાઉન્ડમાં બંને પક્ષ પાકિસ્તાનનો જ સંપર્ક કરશે."
તેમના અનુસાર, હાલના સમયે એવો કોઈ દેશ નથી જે પાકિસ્તાનની જગ્યા લઈ શકે.
પાકિસ્તાનની મોટી સફળતા
મુશાહિદ હુસૈન સૈયદ પણ ડૉક્ટર ફારૂક હસનાત સાથે સંમત થતાં કહે છે કે બંને પક્ષોને સામસામે બેસાડવા એ જ પાકિસ્તાની એક ખૂબ મોટી સફળતા છે.
તેમના અનુસાર, કોઈ સમજૂતી ન થયા છતાં, બંને પક્ષોનાં નિવેદન સંતુલિત અને માપમાં હતાં, તેથી સાવચેતી જાળવી રાખીને આશા રાખી શકાય છે.
વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક તલત હુસૈન કહે છે કે પાકિસ્તાને એવા સમયે પગલું ભર્યું, જ્યારે દુનિયાને તેની સૌથી વધારે જરૂર હતી.
ઍક્સ પર પોતાની પોસ્ટમાં તલત હુસૈને કહ્યું કે અંધાધૂંધી વચ્ચે એક યુદ્ધને રોકાવીને પાકિસ્તાને મધ્યસ્થ તરીકે પોતાની ભૂમિકાને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવી અને સાબિત કર્યું કે કાયમી શાંતિ માત્ર વાતચીત દ્વારા જ સ્થપાય છે.
તેમનું કહેવું હતું કે પાકિસ્તાનની સૌથી મોટી સફળતા એ જ છે કે તેણે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈરાનની વચ્ચે તૂટી ગયેલી વાતચીતની કડીને ફરીથી સાંધી દીધી. કૂટનીતિ એક મૅરથોન દોડ જેવી છે.
મુશાહિદ હુસૈન સૈયદ કહે છે કે બૉલ હવે અમેરિકાના કોર્ટમાં છે અને હવે એ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર નિર્ભર કરે છે કે તે પોતાને ઈરાનયુદ્ધના 'કળણ'માંથી બહાર કાઢે છે કે નેતન્યાહૂ જેવા યુદ્ધના જનૂનમાં રહેતા નેતાઓની વાતોમાં આવી જાય છે.
એટલાન્ટિક કાઉન્સિલમાં દક્ષિણ એશિયાના સિનિયર ફેલો માઇકલ કુગલમૅન કહે છે કે અમેરિકા પોતાની આંતરિક રાજકીય સ્થિતિઓના કારણે એક એવી સમજૂતી ઇચ્છતું હતું, જેના દ્વારા તે આ યુદ્ધમાંથી બહાર નીકળી શકે.
ઍક્સ પર પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મોકલવાથી અમેરિકાના સંકલ્પ વિશે ખબર પડતી હતી.
તેમના અનુસાર, "ઉપરાષ્ટ્રપતિ વેન્સની પ્રેસ કૉન્ફરન્સ છતાં તે (સંકલ્પ) હજુ સમાપ્ત નથી થયો. હજુ વધારે વાટાઘાટ થઈ શકે છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે એ મંત્રણા પાકિસ્તાનમાં થશે કે ક્યાંક બીજે."
જો યુદ્ધ ફરી શરૂ થયું તો પાકિસ્તાન કોના પક્ષે ઊભું હશે?
શનિવારે સાઉદી સુરક્ષા મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાનમાંથી એક સૈન્ય ટુકડી પૂર્વી ક્ષેત્રમાં આવેલા અબ્દુલ અઝીઝ એરબેઝ પર પહોંચી છે.
સાઉદી સુરક્ષા મંત્રાલય તરફથી શનિવારે ઍક્સ પર મુકાયેલા નિવેદન અનુસાર, "બંને મિત્ર રાષ્ટ્ર વચ્ચે થયેલી સંયુક્ત વ્યૂહાત્મક સંરક્ષણ સમજૂતી હેઠળ આ તહેનાતી કરવામાં આવી છે."
નિવેદનમાં આગળ કહેવાયું છે કે પાકિસ્તાની ટુકડીમાં પાક વાયુસેનાનાં યુદ્ધ અને સહાયક વિમાન સામેલ છે. "એનો હેતુ બંને દેશનાં સશસ્ત્ર દળો વચ્ચે મિલિટરી કો-ઑર્ડિનેશનને મજબૂત કરવાનો, કાર્યવાહીની તૈયારીમાં ઝડપ લાવવાનો અને ક્ષેત્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરવાનો છે."
ડૉક્ટર ફારૂક હસનાત કહે છે કે જો યુદ્ધ ફરીથી શરૂ થયું, તો પાકિસ્તાને મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડશે. તેમના અનુસાર, "જો અમેરિકાએ ઈરાન પર ફરીથી હુમલા શરૂ કર્યા, તો ઈરાન પણ ક્ષેત્રમાં અમેરિકાના સહયોગી દેશો પર હુમલા કરશે."
તેઓ કહે છે કે અત્યાર સુધી ઈરાને સાઉદી અરેબિયા પર ખૂબ ઓછા હુમલા કર્યા છે, પરંતુ જો યુદ્ધ ફરી શરૂ થયું અને ઈરાને સાઉદી અરેબિયા પર પણ હુમલા કર્યા, તો પાકિસ્તાન પર દબાણ વધશે.
તેમના અનુસાર, "જો સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે સીધું યુદ્ધ શરૂ થયું, તો બની શકે છે કે યમનના હૂતી સાઉદી અરેબિયા પર હુમલા શરૂ કરી દે."
ડૉક્ટર ફારૂક હસનાત કહે છે કે જો એવું થયું તો પાકિસ્તાનની સેના યમનના હૂતી વિદ્રોહીઓની કાર્યવાહીઓને રોકશે, તેથી પાકિસ્તાનનું ઈરાન સાથે સીધું યુદ્ધ નહીં થાય.
'પાકિસ્તાન ઈરાનની સાથે કોઈ સંઘર્ષનું જોખમ ન ઉઠાવી શકે'
યાદ રહે કે વર્ષ 2015માં સાઉદી અરેબિયા યમન પર હુમલા પહેલાં પાકિસ્તાનને પોતાની સેના મોકલવાની વિનંતી કરી હતી, જેને સંસદમાં પ્રસ્તાવ રજૂ થયા પછી ખારિજ કરી દેવામાં આવી હતી. તે દરમિયાન પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચેના સંબંધોમાં કડવાશ પણ આવી ગઈ હતી.
ફારૂક હસનાત કહે છે કે ગયા વર્ષે સાઉદી અરબની સાથે થયેલી સુરક્ષા સમજૂતીની પણ સંસદમાંથી મંજૂરી લેવામાં નહોતી આવી, અને હવે વધારાની સેના મોકલતાં પહેલાં પણ સંસદમાંથી પરવાનગી લેવાઈ નથી.
તેમનું કહેવું હતું કે પાકિસ્તાન ઈરાનની સાથે કોઈ યુદ્ધનું જોખમ ન ઉઠાવી શકે, કેમ કે બંને પડોશી દેશ છે. "જો પાકિસ્તાનને કોઈ સ્તરે પક્ષકાર બનવું પડે તો તેણે સંસદને વિશ્વાસમાં લઈને નિર્ણય કરવો જોઈએ."
નોંધવા જેવી વાત એ છે કે આની પહેલાં 2018માં પાકિસ્તાનની સેનાએ જાહેરાત કરી હતી કે તેણે સલાહ અને ટ્રેનિંગ આપવાના મિશન માટે સેનાની વધારાની ટુકડીઓને સાઉદી અરેબિયામાં તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે પાકિસ્તાનની સંસદના ઉપલા ગૃહ 'સીનેટ'એ સરકાર પાસેથી આ બાબતમાં જવાબ માગ્યો હતો.
તે સમયે પાકિસ્તાની સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સાઉદી અરબમાં 1,180 પાકિસ્તાની સૈનિક પહેલાંથી તહેનાત છે, જે 1982માં થયેલી એક દ્વિપક્ષીય સમજૂતી હેઠળ ત્યાં મોકલવામાં આવ્યા હતા.
ઝાહિદ હુસૈન કહે છે કે પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની સુરક્ષા સમજૂતી નવ મહિના પહેલાં થઈ હતી અને તેના વિશે બધાને ખબર છે.
તેઓ કહે છે કે 'ઇસ્લામાબાદ વાર્તા' નિષ્ફળ રહેવા છતાં બંને પક્ષોએ યુદ્ધવિરામ સમાપ્ત કરવાની જાહેરાત નથી કરી, કેમ કે બંને પક્ષ હવે વધુ યુદ્ધ નથી ઇચ્છતા.
"તેથી હાલ એવું નથી લાગતું કે ફરીથી યુદ્ધ શરૂ થશે અને ઈરાન સાઉદી અરેબિયાને નિશાન બનાવશે."
ઝાહિદ હુસૈન કહે છે કે ઈરાન અને પાકિસ્તાનના સંબંધ જે સ્તરે પહોંચી ગયા છે, તેને જોતાં ઈરાન પણ એવું કોઈ પગલું નહીં ભરે જે પાકિસ્તાનને આ વિવાદમાં સામેલ થવા માટે મજબૂર કરે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન