You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હું એક સેક્સ ઍજ્યુકેટર છું પણ મને મારા ગર્ભનિરોધકો વિશે શંકા થવા લાગી છે'
- લેેખક, ગ્રેસ ડીન
- વાંચવાનો સમય: 6 મિનિટ
સેક્સ ઍજ્યુકેટર તરીકે મિલી ઇવાન્સ ગર્ભનિરોધક વિશે મોટાભાગના લોકો કરતાં વધુ જાણકારી ધરાવે છે. પરંતુ, હોર્મોનલ કોઈલ (આઇયુએસ) લગાવતા પહેલાં - તે તેમના શરીર માટે યોગ્ય છે કે કેમ, તે અંગેની અનેક શંકા-કુશંકાઓ તેમને ઘેરી વળી હતી.
તેમની સોશિયલ મીડિયા ફીડ તેમને હોર્મોનલ ગર્ભનિરોધકનો ઉપયોગ ન કરવાની સલાહ આપતા કૉન્ટેન્ટથી છલકાઈ ગઈ હતી. તે સ્વયંને પૂછતી હતીઃ શું ખરાબ અનુભવનું જોખમ ઉઠાવવું જોઈએ?
26 વર્ષનાં ઇવાન્સ છ મહિના સુધી ઍપોઇન્ટમેન્ટનું બુકિંગ પાછું ઠેલતાં રહ્યાં. "અમુક દાવા તો એટલા સજ્જડ હતા, કે તેનાથી મને - હું જે જાણતી હતી તે સાચું હતું કે કેમ, તેના પર શંકા થવા માંડી," એમ તેમણે જણાવ્યું હતું.
આ કોઈ અસાધારણ કહાણી નથી - જો તમે ઉંમરની વીસીએ પહોંચેલી સતત ઓનલાઇન રહેતી યુવતી હો, તો તમે ગર્ભનિરોધક ગોળી, કોઈલ અને ઇમ્પ્લાન્ટ જેવાં હોર્મોનલ ગર્ભનિરોધકો વિશે અઢળક વાતચીત થતી સાંભળી હશે.
આ વાતચીત સામાન્યતઃ બે શ્રેણીમાં વિભાજિત થઈ શકે છેઃ પ્રથમ શ્રેણીમાં, મહિલાઓ તેમણે વેઠેલી આડઅસરો વિશે જણાવે છે. જ્યારે બીજી શ્રેણીમાં લોકો ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપે છે અને હોર્મોન્સને ઘણી વખત વિચારધારા સાથે જોડી દે છે. ઇવાન્સ બીજી શ્રેણીને લઈને ચિંતિત છે.
છ વર્ષથી માન્યતા મેળવી ચૂકેલાં ઇવાન્સ કહે છે કે, કૉન્ટેન્ટમાં "જમણેરી, ધાર્મિક અને મુખ્યત્વે અમેરિકન તત્ત્વો" રહેલાં છે. આ કૉન્ટેન્ટને ઘણી વખત "શુદ્ધ જીવનશૈલી" તથા "દિવ્ય નારીત્વ"ના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે.
આ પ્રકારની પોસ્ટ્સ લોરેનની ઇન્સ્ટાગ્રામમાં પણ જોવા મળે છે. 25 વર્ષનાં લોરેન માન્ચેસ્ટરમાં રહે છે અને તેઓ ઘણા ફિટનેસ તેમજ વેલનેસ ઇન્ફ્લુએન્સર્સને ફોલો કરે છે. તેઓ કહે છે કે, હોર્મોનલ ગર્ભનિરોધકને "બદનામ" કરનારા અને તેને "અકુદરતી" ગણાવતા કૉન્ટેન્ટથી તેમને ચીઢ છે.
ચાર વર્ષથી કમ્બાઇન્ડ પિલ લઈ રહેલાં લોરેન કહે છે કે, તેનાથી તેમને પ્રિમેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસોર્ડરનાં લક્ષણો ઘટાડવામાં મદદ મળી છે. તે પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમનું એક ગંભીર સ્વરૂપ છે, જેના કારણે તેમને માસિક ધર્મ પહેલાં અસહ્ય દુખાવો થતો હતો અને તેમનું વર્તન પણ બદલાઈ જતું હતું. તેઓ કહે છે, "આ ગોળીએ મારું જીવન બદલી નાખ્યું છે." પણ સાથે જ તેઓ ઉમેરે છે કે, સોશિયલ મીડિયાની પોસ્ટ્સ તેમના સકારાત્મક અનુભવને "અમાન્ય" ઠેરવે છે અને તેમને એવો સવાલ કરવા પ્રેરે છે કે, શું તેમનો નિર્ણય સાચો છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરનાં વર્ષોમાં અમેરિકામાં હોર્મોનલ ગર્ભનિરોધકને બદનામ કરતું કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાવા માંડ્યું છે. સામાન્ય સર્ચ કરતાં એક એવી પોસ્ટ જોવા મળે છે, જેમાં નવી-સવી માતા બનેલી એક યુવતી અનાયાસે જન્મેલા શિશુને પકડીને બેઠી છે અને 17 વર્ષની તે છોકરી ઇન્સ્ટાગ્રામ પર ગર્ભનિરોધક વિશે સલાહ માગી રહી છે. તેની નીચેની એક કોમેન્ટ (જેને 800 કરતાં વધુ લાઇક્સ મળી છે)માં લખ્યું છેઃ બર્થ કન્ટ્રોલ "તમારા માટે ઘણું ખરાબ છે."
અન્ય એક યુઝરે જણાવ્યું હતું કે, ગર્ભનિરોધક "બિનજરૂરી" છે, જ્યારે બીજા યુઝરે ગોળી પ્રત્યે નફરત દર્શાવતાં કહ્યું કે, તેના કારણે તેમણે હતાશાનો સામનો કરવો પડ્યો હતો.
સાઇકોસેક્સ્યુઅલ અને રિલેશનશિપ થેરપિસ્ટ ઇવી પ્લમ્બના જણાવ્યા પ્રમાણે, તબીબી યોગ્યતા ધરાવવાનો દાવો કરનારા લોકો પણ ઓનલાઇન અને પોડકાસ્ટ્સમાં ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.
વિમેન્સ હેલ્થ પ્લેટફોર્મ 'લોડાઉન'નાં મેડિકલ ડિરેક્ટર ડોક્ટર ફ્રેન યાર્લેટ જણાવે છે કે, કેટલાક દાવા સદંતર ખોટા છે, જ્યારે અન્ય દાવા "સંદિગ્ધ પદ્ધતિ" ધરાવતા નાના સ્તરે હાથ ધરાયેલા અભ્યાસો પર આધારિત છે તેમજ માહિતીને સંદર્ભની બહાર રજૂ કરે છે - જેમ કે, "ગોળી તમારા ક્લિટોરિસને સંકોચી શકે છે" એ પ્રકારનો કરવામાં આવતો દાવો.
સોશિયલ મીડિયા કન્ટેન્ટને કારણે પેદા થઈ બીક?
જોકે, આ અભિગમમાં આવેલો આ ફેરફાર કેવળ ઓનલાઇન કે અમેરિકામાં જ નથી થઈ રહ્યો. બ્રિટનના સેક્સ્યુઅલ હેલ્થ નિષ્ણાતો કહે છે કે, આ વાતચીતો વાસ્તવિક જીવનમાં ક્લિનિકોમાં રોજિંદા ધોરણે વધુને વધુ થઈ રહી છે.
લંડનનાં જનરલ પ્રેક્ટિશનર જેની ઢિંગરા કહે છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગર્ભનિરોધકોને લઈને વધુ "અણગમો" જોવા મળી રહ્યો છે. કેટલાક દર્દીઓ આડઅસરો વિશે ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે, સોશિયલ મીડિયાનું કન્ટેન્ટ જોયા પછી તેઓ ડરી ગયા હતા.
એનએચએસ કહે છે કે, હોર્મોનલ ગર્ભનિરોધકની સામાન્ય આડઅસરોમાં માથું દુખવું, મૂડ બદલાવો, વજન વધી જવું, સ્તનમાં દુખાવો અને ખીલનો સમાવેશ થાય છે, પણ તે આડઅસરો સમય વીતવા સાથે શમી જતી હોય છે. તેમાં એમ પણ જણાવાયું છે કે, હોર્મોનલ ગર્ભનિરોધકથી લોહીના ગઠ્ઠા અને સ્તન કૅન્સરનું જોખમ વધી શકે છે, પણ તે જોખમ "ઘણું ઓછું" છે.
બ્રિટનમાં આ ઓનલાઇન વાતચીતો ગર્ભનિરોધકના વપરાશને કેટલો પ્રભાવિત કરી રહી છે, તે ચોક્કસપણે જણાવવું મુશ્કેલ છે. યુસીએલ ખાતે પ્રજનન આરોગ્યનાં પ્રોફેસર જેની હોલ જણાવે છે કે, એનએચએસના ડેટામાં ફાર્મસીમાંથી ગોળી લેનારા લોકોનો સમાવેશ થતો નથી. તેઓ કહે છે કે, એકંદરે ડેટા સૂચવે છે કે, લોકો હોર્મોનલ ગર્ભનિરોધકથી દૂર જઈ રહ્યા છે.
તેમાં ગયા વર્ષે પ્રકાશિત થયેલા એક અભ્યાસનો સમાવેશ થાય છે. તે અભ્યાસ મુજબ, 2018 અને 2023ની વચ્ચેના ગાળામાં ગર્ભાવસ્થાથી બચવા માટે હોર્મોનલ ગર્ભનિરોધકનો ઉપયોગ કરનારી મહિલાઓની સંખ્યા ઘટી ગઈ હતી. આ માહિતી ઇંગ્લૅન્ડ તથા વેલ્સમાં ગર્ભપાત કરાવવા માગતી હજ્જારો મહિલાઓ પાસેથી મેળવવામાં આવી હતી.
વધુમાં, ગયા વર્ષે ઘણા અભ્યાસોની સમીક્ષા પરથી માલૂમ પડ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ગર્ભનિરોધકની નકારાત્મક આડઅસરો કરતાં તેના લાભ વિશે વધુ ચર્ચા કરવામાં આવતી હોય છે.
સમસ્યા: સંદર્ભ વિના કરાતી સાચી વાતો
ઇવાન્સ કહે છે કે, વાસ્તવિકતા એ છે કે, ડરામણી વાતો ઝડપથી ધ્યાન ખેંચે છે અને વાઇરલ થઈ જતી હોય છે. જ્યારે, કોઈલને "ખરેખર પસંદ કરનારી" કોઈ મહિલાને આટલા વ્યૂ મળતા નથી. "લોકો અત્યંત નકારાત્મક અનુભવો તરફ દોરવાતા હોય છે... એવા અનુભવો, જેને લોકો આઘાતજનક અનુભવ ગણાવે, અથવા તો તેઓ કહે તેમનું લોહી ગંઠાઈ ગયું હતું, વગેરે," એમ તેમણે ઉમેર્યું હતું.
સેક્સ ઍજ્યુકેટર કેરી વોલ્સ્ટેનહોમ આ વાત સાથે સંમત થતાં કહે છે કે, તે "ડરામણી વાતો" વાંચીને લોકો નક્કી કરે છે કે, ગર્ભનિરોધક તેમના માટે યોગ્ય નથી.
આમ, જો લોકો હોર્મોનલ ગર્ભનિરોધકથી મોં ફેરવી રહ્યા હોય, તો તેના બદલે તેઓ શું વાપરી રહ્યા છે? સેક્સ્યુઅલ હેલ્થ પ્રોફેશનલ્સ કહે છે કે, ફર્ટિલિટી ટ્રેકિંગ એપ્સનો પ્રસાર વધી રહ્યો છે. વળી, ગર્ભનિરોધક ગોળી, કોઈલ અને ઇમ્પ્લાન્ટથી અલગ, તેઓ બ્રિટનમાં સોશિયલ મીડિયા પર જાહેરાત કરી શકે છે, કારણ કે તેના માટે પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડતી નથી.
કેટલીક મહિલાઓ તેમનો "કુદરતી" વિકલ્પ તરીકે પ્રચાર કરે છે. તેમના છેલ્લા માસિક ધર્મ અને તેમના શરીરના તાપમાનના આધારે આ એપ્સ એવી સંભવિત ફર્ટાઇલ વિન્ડોની આગાહી કરે છે, જે સમય દરમિયાન લોકોએ સમાગમ ટાળવો જોઈએ કે પછી સુરક્ષાત્મક સાધનનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ, તે પૈકીની ઘણી એપ્સ પીરિયડ ટ્રેકર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે કે પછી ગર્ભધારણમાં મદદ કરવા માટે બનાવાઈ છે. આથી, ગર્ભધારણ અટકાવવા માટે તેના પર નિર્ભર રહેવું જોઈએ નહીં.
નિષ્ણાતો સ્પષ્ટપણે કહે છે કે, હોર્મોનલ ગર્ભનિરોધકની આડઅસરોનો અનુભવ કેટલાક લોકોને "થઈ શકે છે અને થશે" - દવા આ રીતે જ કામ કરે છે. પણ તેમણે કહ્યું હતું કે, લોકો તેના ફાયદા વિશે સાંભળતા જ નથી.
એમએસઆઇ રિપ્રોડક્ટિવ ચોઇસિઝ ખાતે હેડ ઑફ કોન્ટ્રાસેપ્શન કાયલા હિલી કહે છે કે, હોર્મોનલ ગર્ભનિરોધકો માસિક ધર્મમાં ભારે રક્તસ્રાવ કે પછી પીએમએસનાં લક્ષણોને ઘટાડવામાં સહાયરૂપ નીવડી શકે છે. આ ઉપરાંત તે પીડાદાયક માસિક ધર્મની એન્ડોમેટ્રિયોસિસ તથા એડેનોમાયોસિસ જેવી સ્થિતિનાં લક્ષણોમાં પણ રાહત આપે છે.
સોશિયલ મીડિયાના ઘોંઘાટ વચ્ચે ઇવાન્સ કહે છે કે, ત્યાં ઘણી હતાશ થઈ ગયેલી મહિલાઓ પણ છે, જેઓ હોર્મોનલ ગર્ભનિરોધક અંગેના તેમના સાચા નકારાત્મક અનુભવો જણાવવા માગે છે. નિષ્ણાતોના મતે, સમસ્યા એ છે કે, તે વાતો સાચી હોય, તો પણ કોઈ પ્રકારના સંદર્ભ વિના જ તે જણાવવામાં આવતી હોય છે.
કેટલીક મહિલાઓને એવું લાગે છે કે, આડઅસરો અંગેની તેમની ચિંતા ગંભીરતાથી લેવામાં આવતી નથી અને તેઓ પણ ગર્ભનિરોધકના ભારણથી પરેશાન છે, એમ હોલે જણાવ્યું હતું. વર્તમાન સમયમાં પુરુષો માટે કોઈ હોર્મોનલ ગર્ભનિરોધક નથી, જોકે, કેટલાક જેલ અને ગોળીઓનું પરીક્ષણ ચાલી રહ્યું છે.
અને ઇવાન્સને ચિંતા છે કે, એન્ટિ-બર્થ કન્ટ્રોલ કેમ્પેન ચલાવનારા લોકો અને સ્ત્રીનું કામ વધુને વધુ બાળકો પેદા કરવાનું હોવાનું માનતા લોકો તે વાસ્તવિક નિરાશાનો ઉપયોગ કરી રહ્યા છે.
અંતે, ઇવાન્સે સોશિયલ મીડિયાના કન્ટેન્ટથી પ્રભાવિત થયા વગર ચાલુ સપ્તાહના પ્રારંભમાં જ કોઈલ નખાવી. તેઓ કહે છે કે, કોઈલ ફિટ કરી આપનારા હેલ્થકેર પ્રોફેશનલ સાથે ચર્ચા કર્યા પછી તેમનામાં પોતાના નિર્ણય અંગે "વિશ્વાસ"નો સંચાર થયો હતો.
ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ જણાવ્યા બાદ, તેમને એવા લોકોના મૅસેજ આવ્યા હતા, જેમણે કહ્યું હતું કે, તેમની પોસ્ટ જોઈને તેમને રાહત થઈ હતી, "કારણ કે, નકારાત્મક કન્ટેન્ટથી તેઓ નિરાશ થઈ ગયા હતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન