રાજકોટમાં દોઢ કરોડની સોના-ચાંદીની લૂંટ : ઉત્તર પ્રદેશના કારીગરે કેમ કરી સાથી કર્મચારીની હત્યા?

રાજકોટ લૂંટ તન્વી ગ્રૂપ સોના-ચાંદી વેપારી ગોલ્ડ સિલ્વર હત્યા ક્રાઇમ પોલીસ બીબીસી ગુજરાતી સૌરાષ્ટ્ર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, તન્વી ગ્રૂપની રાજકોટમાં આવેલી એક ઑફિસ.
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

ભારતમાં સોના-ચાંદીના દાગીના વેચતી અનેક નામાંકિત કંપનીઓને ઘરેણાં બનાવી આપતા તન્વી ગ્રૂપના કર્મચારી લાલજીભાઈ સરધારા પર બુધવારે સાંજે રાજકોટમાં ચાર લૂંટારાઓએ ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી. લૂંટારાઓ આશરે એક કિલો સોનું અને બે કિલો ચાંદી લઈને કારમાં ફરાર થઈ ગયા હતા.

રાજ્યના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવી ગુરુવારે રાજકોટની મુલાકાતે આવવાના હતા, તેના અમુક કલાકો પહેલાં જ જાહેરમાં હત્યા અને લૂંટનો બનાવ બનતાં રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ હતી.

રાજકોટ શહેર પોલીસને રાજસ્થાન પોલીસની મદદ મળતાં, પોલીસે આખરે ગુજરાત અને રાજસ્થાનમાંથી 10 લોકોની ધરપકડ કરી છે. લૂંટાયેલો તમામ મુદ્દામાલ તેમની પાસેથી જપ્ત કરવામાં આવ્યો હોવાની જાહેરાત રાજકોટ શહેર પોલીસના ઍડિશનલ કમિશનર ચૈતન્ય માંડલિકે શુક્રવારે કરી હતી.

પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તન્વી ગ્રૂપના એક વર્તમાન કર્મચારી અને એક ભૂતપૂર્વ કર્મચારીની આ લૂંટમાં સીધી સાઠગાંઠ હતી.

રાજકોટની ગણના સોના-ચાંદીના દાગીના બનાવતાં ભારતના સૌથી મોટાં કેન્દ્રોમાં થાય છે. આ ઉદ્યોગમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાંથી આવેલા હજારો કારીગરો કામ કરે છે.

આ હત્યા અને લૂટ બાદ રાજકોટના સોના-ચાંદીનાં ઘરેણાં બનાવતા ઉદ્યોગકારોનું કહેવું છે કે, તન્વી ગ્રૂપના જ કર્મચારીઓની મદદથી ઉત્તર પ્રદેશની એક ગૅંગે રાજકોટ આવીને લૂંટ ચલાવતાં, દાગીના ઉદ્યોગ અને પોલીસ એમ બંને માટે એક નવો સુરક્ષાનો પડકાર ઊભો થયો છે.

સિક્યૉરિટી ગાર્ડ હોવા છતાં સોનું લઈને નીકળેલા કર્મચારીની હત્યા

રાજકોટ લૂંટ તન્વી ગ્રૂપ સોના-ચાંદી વેપારી ગોલ્ડ સિલ્વર હત્યા ક્રાઇમ પોલીસ બીબીસી ગુજરાતી સૌરાષ્ટ્ર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, સીસીટીવી ફુટેજમાં એક હુમલોખોર લાલજીભાઇ સરધારાને ગરદનથી પકડતો જ્યારે અન્ય આરોપી થેલો ઝૂંટવતો દેખાય છે.

આ ઘટના બાદ તન્વી ગ્રૂપના સ્થાપક બિપિન વિરડિયાએ ગુરુવારે રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એફઆઈઆરમાં બિપિન વિરડિયાએ જણાવ્યું હતું કે, આજી જીઆઈડીસીમાં આવેલી તેમની કંપનીની એક રિફાઇનરીમાં સોના અને ચાંદીને શુદ્ધ કરવાનું કામ થાય છે. ત્યારબાદ તે શુદ્ધ કરાયેલા સોના-ચાંદીમાંથી દાગીના બનાવવાનું કામ નજીકમાં આવેલા અન્ય એક બિલ્ડિંગમાં થાય છે.

બિપિન વિરડિયાએ પોલીસ ફરિયાદમાં આપેલી વિગતો મુજબ, બુધવારે સાંજે રિફાઇનરીમાંથી એક કર્મચારીએ દાગીના બનાવતા યુનિટમાં ફોન કરીને જાણ કરી હતી કે, "પંદરેક મિનિટ પછી આશરે 946 ગ્રામ સોનું અને બે કિલો ચાંદી શુદ્ધ થઈ જશે, તેથી તેને લેવા માટે કોઈ માણસને મોકલો."

બિપિન વિરડિયાએ પોતાની ફરિયાદમાં વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રિફાઇનરીમાંથી ફોન આવ્યા બાદ કંપનીમાં પ્રોડક્શન અને ઑપરેશન્સ એટલે કે ઘરેણાં બનાવવાની પ્રક્રિયાનો હવાલો સંભાળતા તુષાર સાવલિયાએ 53 વર્ષીય લાલજીભાઈ અને સિક્યૉરિટી ગાર્ડ બાવનજી પઢિયારને સાંજે સાડા સાત વાગ્યે રિફાઇનરીએ મોકલ્યા હતા.

પરંતુ પોણા આઠ વાગ્યાની આસપાસ લાલજીભાઈ સોના-ચાંદી એક થેલામાં ભરીને પોતાના સ્કૂટર પર બેઠા, કે તરત જ બે અજાણ્યા શખસો તેમની તરફ ધસી આવ્યા હતા.

રાજકોટ લૂંટ તન્વી ગ્રૂપ સોના-ચાંદી વેપારી ગોલ્ડ સિલ્વર હત્યા ક્રાઇમ પોલીસ બીબીસી ગુજરાતી સૌરાષ્ટ્ર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, લાલાજીભાઇ સરધારા
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી (CCTV) કૅમેરામાં કેદ થઈ હોવાનું પોલીસ જણાવી રહી છે.

કૅમેરાના રેકૉર્ડ કરાયેલા ફૂટેજમાં દેખાય છે કે, એક હુમલાખોર લાલજીભાઈની પાછળથી આવીને તેમની ગરદન પકડી લે છે, જ્યારે બીજો હુમલાખોર તેમના હાથમાંથી થેલો આંચકીને રોડ પર ઊભેલી કાર તરફ ભાગે છે. ત્યારબાદ લાલજીભાઈ સ્કૂટર છોડીને થેલો આંચકીને ભાગનારા લૂંટારાની પાછળ દોડે છે.

લાલજીભાઈ પાછળ દોડતા હોવાથી થેલો લઈને ભાગેલો લૂંટારો કારમાં બેસી શક્યો નહોતો, જ્યારે કારનો ચાલક કાર લઈને બીજી તરફ ભાગી ગયો હતો. લાલજીભાઈ લૂંટારાનો પીછો કરીને તેને પકડી લે છે, પરંતુ એ જ વખતે લૂંટારો લાલજીભાઈની છાતીમાં ગોળી મારી દે છે.

ગોળી વાગતાં જ લાલજીભાઈ જમીન પર ઢળી પડે છે, જ્યારે લૂંટારો દોડીને કારમાં બેસીને ત્યાંથી ફરાર થઈ જાય છે.

સીસીટીવી ફૂટેજમાં કંપનીનો સિક્યૉરિટી ગાર્ડ શરૂઆતમાં લાલજીભાઈને બચાવવા માટે તેમની પાછળ દોડતો દેખાય છે. પરંતુ લૂંટારાએ લાલજીભાઈને ગોળી મારી દીધા બાદ, ગાર્ડ કાર જે દિશામાં ગઈ હતી તેની વિરુદ્ધ દિશામાં ભાગતો દેખાય છે.

હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લાલજીભાઈને તાત્કાલિક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આરોપી લૂંટારા કોણ છે?

રાજકોટ લૂંટ તન્વી ગ્રૂપ સોના-ચાંદી વેપારી ગોલ્ડ સિલ્વર હત્યા ક્રાઇમ પોલીસ બીબીસી ગુજરાતી સૌરાષ્ટ્ર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, પકડી લેવાયેલા 10 આરોપીઓ

રાજકોટમાં સોના-ચાંદીના વેપારીના કર્મચારી લાલજીભાઈ સરધારાની હત્યા અને લૂંટના કેસમાં પોલીસે તમામ 10 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ગુરુવારે બપોરે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર જગદીશ બાંગરવાએ પત્રકારોને માહિતી આપી હતી કે, હત્યા અને લૂંટ આચરનારા આરોપીઓમાંથી કેટલાકને ઝડપી લેવાયા છે અને તેમને રાજકોટ લાવવામાં આવી રહ્યા છે.

ત્યારબાદ શુક્રવારે બપોરે રાજકોટ શહેર પોલીસના ઍડિશનલ કમિશનર ચૈતન્ય માંડલિકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ હુમલામાં 10 પુરુષો સામેલ હતા અને દસેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપીઓ ઉત્તર પ્રદેશના ચંદૌલી, ગાઝીપુર, મિરઝાપુર અને સોનભદ્ર જિલ્લાના વતની છે.

ઝડપાયેલા આરોપીઓ કોણ છે?

પોલીસે પકડાયેલા દસ આરોપીઓની ઓળખ નીચે મુજબ દર્શાવી છે:

અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ રાજપૂત (ઉંમર 27 વર્ષ)

અનુરાગસિંહ રાજપૂત (ઉંમર 21 વર્ષ)

વિશાલસિંહ રાજપૂત (ઉંમર 23 વર્ષ)

શિવમ ગુપ્તા (ઉંમર 19 વર્ષ)

વેદાંતકાન્ત ઉર્ફે અમન પાંડે (ઉંમર 28 વર્ષ)

પવનકુમાર ચૌબે (ઉંમર 39 વર્ષ)

અરવિંદ ઉર્ફે નીરજ તિવારી (ઉંમર 35 વર્ષ)

શૈલેષકુમાર ખરવાર (ઉંમર 31 વર્ષ)

અજિતકુમાર પાંડે (ઉંમર 24 વર્ષ)

શિવમ પાંડે (ઉંમર 26 વર્ષ)

આરોપીઓના વતન અંગે વિગતો આપતાં પોલીસે જણાવ્યું હતું કે, અશ્વિનીકુમાર, શૈલેષકુમાર, અજિતકુમાર અને શિવમ પાંડે ચંદૌલી જિલ્લાના; અનુરાગસિંહ, વિશાલસિંહ અને શિવમ ગુપ્તા ગાઝીપુરના; વેદાંતકાન્ત અને પવનકુમાર સોનભદ્રના તેમજ અરવિંદ મિરઝાપુર જિલ્લાના વતની છે.

નોકરીમાંથી કાઢી મૂક્યો તો પૂર્વ કર્મચારીએ રચ્યું ષડયંત્ર

રાજકોટ લૂંટ તન્વી ગ્રૂપ સોના-ચાંદી વેપારી ગોલ્ડ સિલ્વર હત્યા ક્રાઇમ પોલીસ બીબીસી ગુજરાતી સૌરાષ્ટ્ર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, લૂંટ અને કથિત હત્યાની ઘટના બાદ બુધવારે રાત્રે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી રહેલા રાજકોટ શહેર પોલીસના કમિશનર બ્રજેશકુમાર ઝા (ડાબેથી બીજા) અને રાજકોટ ક્રાઇમ બ્રાંચના ડેપ્યુટી કમિશનર જગદીશ બાંગરવા (ડાબે)

ડીસીબીએ પોતાની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, અશ્વિનીકુમાર હાલ ખેતીવાડીમાં મજૂરી કરે છે અને ચંદૌલીના કમરિયા ગામમાં રહે છે.

રાજકોટ શહેર પોલીસના ઍડિશનલ કમિશનર ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, આશરે છ મહિના પહેલાં સુધી તે રાજકોટમાં તન્વી ગ્રૂપમાં કામ કરતો હતો.

બીબીસી સાથે વાત કરતાં ઍડિશનલ કમિશનરે કહ્યું, "અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશે તન્વી ગ્રૂપમાં જોડાયા બાદ દોઢેક વર્ષ સુધી કામ કર્યું હતું. પરંતુ કંપનીને લાગ્યું કે તે કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયાસ કરે છે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરે છે, તેથી કંપનીએ તેને નોકરીમાંથી આશરે છ મહિના પહેલાં છૂટો કરી દીધો હતો."

તેમણે ઉમેર્યું, "નોકરીમાંથી કાઢી મુકાતાં લંકેશ વિચારવા લાગ્યો કે તન્વી ગ્રૂપમાં ઘણા પૈસા આવે છે અને કંપનીએ તેનું અપમાન પણ કર્યું છે. આથી તેણે તન્વી ગ્રૂપમાં લૂંટ ચલાવવાનું કાવતરું ઘડવા માંડ્યું હતું. આ સમગ્ર લૂંટનો તે જ મુખ્ય સૂત્રધાર છે."

ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે, કંપનીના વર્તમાન કર્મચારી શૈલેષકુમારે આ કાવતરામાં લંકેશની મદદ કરી હતી.

"બનાવના દિવસે શૈલેષકુમાર પળેપળની માહિતી લંકેશને આપતો હતો. લૂંટારાઓ બે દિવસ અગાઉ રાજકોટ આવી પહોંચ્યા હતા અને શૈલેષકુમારે આપેલી માહિતીના આધારે લૂંટ આચરી હતી. લંકેશે અન્ય આરોપીઓને કહ્યું હતું કે, તેમનો હેતુ સોના-ચાંદી લૂંટવાનો છે, પરંતુ જો કોઈ વચ્ચે પડે તો તેને ગોળી મારીને પણ લૂંટ ચલાવવાની છે," તેમ ઍડિશનલ કમિશનરે જણાવ્યું હતું.

પોલીસ અધિકારીએ આપેલી વિગતો મુજબ, યોજના મુજબ લંકેશ, અનુરાગસિંહ અને અન્ય બે આરોપીઓ કારમાં બેસીને તન્વી ગ્રૂપની રિફાઇનરી પાસે ગોઠવાઈ ગયા હતા.

લાલજીભાઈ સોના-ચાંદી ભરેલો થેલો લઈને રિફાઇનરીની બહાર આવ્યા, એટલે તરત જ અનુરાગસિંહ તેમની તરફ દોડ્યો અને થેલો ઝૂંટવી લીધો.

લાલજીભાઈએ પ્રતિકાર કરતાં અનુરાગસિંહે પોતાની પાસે રહેલી બંદૂકમાંથી ત્રણ ગોળીઓ છોડી હતી. પરિણામે લાલજીભાઈને છાતીના ભાગે જીવલેણ ઈજા થઈ હતી.

ઍડિશનલ પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, લૂંટાયેલા સોના-ચાંદીના મૂલ્યમાંથી સિત્તેરથી એંશી ટકા રકમ લૂંટ ચલાવનારા ચાર લૂંટારાઓને મળવાની હતી, જ્યારે બાકીની રકમ અન્ય છ આરોપીઓ વચ્ચે વહેંચાવાની હતી.

"શૈલેષકુમાર એમ વિચારતો હતો કે તે ક્યારેય પકડાશે નહીં. આથી જ પોલીસને શંકા ન જાય તે માટે તપાસ દરમિયાન તે પોલીસ ટીમ સાથે જ હાજર રહેતો હતો," તેમ માંડલિકે ઉમેર્યું હતું.

આરોપીઓ કેવી રીતે પકડાયા?

રાજકોટ લૂંટ તન્વી ગ્રૂપ સોના-ચાંદી વેપારી ગોલ્ડ સિલ્વર હત્યા ક્રાઇમ પોલીસ બીબીસી ગુજરાતી સૌરાષ્ટ્ર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, શુક્રવારે પત્રકાર પરિષદને સંબોધી રહેલા ચેતન્ય માંડલિક

રાજકોટ શહેર પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ મધ્ય પ્રદેશ થઈને બે મોટરકારમાં ગુજરાત આવ્યા હતા અને લૂંટ આચર્યા બાદ અલગ-અલગ જૂથમાં રાજસ્થાન તથા કચ્છ સરહદ તરફ ફરાર થઈ ગયા હતા.

રાજકોટ શહેર પોલીસના ઍડિશનલ કમિશનર ચૈતન્ય માંડલિકે વિગતો આપતાં જણાવ્યું હતું કે, "નવ આરોપીઓ વેદાંતકાન્ત પાંડેની બે કારમાં બેસીને મધ્ય પ્રદેશમાંથી પસાર થઈને ગુજરાત આવ્યા હતા. તેમાંની એક કારમાં ચાર આરોપીઓ રાજકોટ આવ્યા હતા, જ્યારે અન્ય પાંચ આરોપીઓ બીજી કારમાં ચોટીલા રોકાઈને રાજકોટથી આવનારી કારની રાહ જોઈ રહ્યા હતા."

દોઢ કરોડ રૂપિયાથી વધુની કિંમતનું સોનું-ચાંદી લૂંટ્યા બાદ ચાર આરોપીઓ પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવીને ચોટીલા પહોંચ્યા હતા. ત્યાં અગાઉથી રાહ જોઈ રહેલી બીજી કારમાં સોના-ચાંદીનો મુદ્દામાલ સંતાડીને તમામ આરોપીઓ ત્યાંથી ભાગ્યા હતા.

માંડલિકે ઉમેર્યું કે, રાજકોટથી આવેલી કારમાંથી એક આરોપી ચોટીલા રોકાયેલી કારમાં બેસી ગયો હતો અને બંને કાર રાજસ્થાન તરફ ભાગી હતી. જ્યારે ત્રણ આરોપીઓ ચોટીલા ઉતરી ગયા હતા અને ત્યાંથી ટ્રકમાં બેસીને મોરબી તથા કચ્છ જિલ્લાની સરહદે આવેલી એક હોટલમાં રોકાયા હતા.

જોકે, સીસીટીવી કૅમેરા અને અન્ય ટેક્નિકલ માહિતીના આધારે રાજકોટ પોલીસે શોધી કાઢ્યું હતું કે, રાજકોટ આવેલી કાર રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવાડા વિસ્તારમાં છે. આથી રાજકોટ શહેર પોલીસે સિરોહી જિલ્લા પોલીસને માહિતી આપતાં, સ્થાનિક પોલીસે તે ગાડીમાં સવાર ચાર આરોપીઓને પકડી લીધા હતા.

ત્યારબાદ રાજકોટ શહેર પોલીસને માહિતી મળી હતી કે, ચોટીલાથી જે બીજી કારમાં સોના-ચાંદી લઈ જવાયું હતું તે કાર રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બડગાંવમાં છે. રાજકોટ શહેર પોલીસે તે માહિતી ઉદયપુર જિલ્લા પોલીસને આપતાં, સ્થાનિક પોલીસે તે કારમાં બેઠેલા ત્રણ લોકોને ઝડપી લીધા હતા.

પોલીસે કારની સીટ તેમજ આરોપીઓએ પગમાં પહેરેલાં બૂટના તળિયામાં સંતાડેલો લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપીના વકીલનો તાત્કાલિક સંપર્ક થઇ શક્યો ન હતો. આરોપીનો પક્ષ જ્યારે જાણવા મળશે ત્યારે અહીં ઉમેરો કરવામાં આવશે.

રાજકોટના ગોલ્ડ-સિલ્વર વેપારીઓની ચિંતા

રાજકોટ લૂંટ તન્વી ગ્રૂપ સોના-ચાંદી વેપારી ગોલ્ડ સિલ્વર હત્યા ક્રાઇમ પોલીસ બીબીસી ગુજરાતી સૌરાષ્ટ્ર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, લૂંટ અને હત્યાના બનાવ બાદ મિડીયા સાથે વાતચીત કરી રહેલ તન્વી ગ્રૂપના સ્થાપક બિપિન વિરડિયા

બીબીસી સાથે વાત કરતાં રાજકોટ ગોલ્ડ ડીલર્સ ઍસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ જણાવ્યું હતું કે, તન્વી ગ્રૂપના કર્મચારી પર થયેલા હુમલાથી રાજકોટના સોના-ચાંદી અને દાગીના ઉદ્યોગમાં ભય વ્યાપી ગયો છે.

તેમણે કહ્યું હતું કે, "રાજકોટના આ ઉદ્યોગમાં પશ્ચિમ બંગાળના આશરે સવા લાખ કારીગરો ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના પણ કેટલાક કારીગરો કામ કરે છે. આ બનાવથી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ભયનો માહોલ છે, કારણ કે આ ઘટનાથી સાબિત થઈ ગયું છે કે આ ઉદ્યોગમાં કેટલું જોખમ રહેલું છે."

ભાયાભાઈ સાહોલિયાએ ઉમેર્યું હતું કે, આ ઉદ્યોગમાં બહારનાં રાજ્યોથી આવતા લોકોનો હાલ કોઈ વિકલ્પ પણ નથી.

તેમણે જણાવ્યું, "બંગાળના કારીગરો શેઠને ભોળવીને સોનું કે ચાંદી લઈને ભાગી જવાના બનાવો ક્યારેક ક્યારેક બનતા રહે છે, જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનના લોકોમાંથી કેટલાકની માનસિકતા લૂંટીને તેમજ હત્યા કરીને પણ સોનું-ચાંદી લઈ જવાની હોય છે. પરંતુ એ પણ હકીકત છે કે આ કારીગરોને કામ આપ્યા વગર આ ઉદ્યોગ હાલના સંજોગોમાં ચાલે તેમ નથી."

તેમણે વધુમાં કહ્યું, "આ રાજ્યોમાંથી આવતા કારીગરો નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને કામના પૂરા કલાકો આપે છે. તેઓ નાનામાં નાની મજૂરી કરી લેવાની પણ તૈયારી દર્શાવે છે, જ્યારે ગુજરાતીના કારીગરો કહી દે છે કે તેવાં કામ તેમને નહીં ફાવે. ગુજરાતી કામદારોને આ પ્રકારનાં કામોમાં રુચિ હોતી નથી. બાકી જો અમે ₹20,000 પગાર આપીને પશ્ચિમ બંગાળ કે ઉત્તર પ્રદેશના કારીગરને કામ આપતા હોઈએ, તો તે કામ અમે ગુજરાતના લોકોને શા માટે ન આપીએ?"

શુક્રવારે પ્રેસ કૉન્ફરન્સને સંબોધતાં ભાયાભાઈ સાહોલિયાએ ઘરેણાં ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને અપીલ કરી હતી કે, તેઓ સારા સિક્યૉરિટી ગાર્ડ્સ રાખે અને સોના-ચાંદીના મોટા જથ્થાની હેરફેર સ્કૂટર કે મોટરસાઇકલ દ્વારા કરવાના બદલે કાર દ્વારા કરે તથા તે દરમિયાન કર્મચારીઓની સંખ્યા પણ વધુ રાખે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન