તમારા કાન પણ બહેરા થઈ રહ્યા છે? હેડફોન વાપરતા પહેલાં આટલું જાણી લો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, એલિઝાબેથ એન. બ્રાઉન
- પદ, બીબીસી ફ્યુચર
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
માત્ર રૉકેટ લૉન્ચ અને ડેથ મેટલ કૉન્સર્ટ જ સાંભળવાની ક્ષમતા ગુમાવવાનું કારણ નથી હોતાં. ઘણી રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ પણ નુકસાન પહોંચાડી શકે છે. આવનારા દાયકાઓમાં તમારી શ્રવણશક્તિને સલામત રાખવા માટે તમે શું કરી શકો તે અહીં જાણીએ.
જો તમે થોડા સમય માટે જિમમાં કસરત કરવાનું છોડી દો તો પરિશ્રમ, પરસેવો અને નિયમિત અભ્યાસ દ્વારા થોડા મહિનામાં ફરી સ્નાયુઓને મજબૂત કરી શકો છો. પરંતુ શ્રવણશક્તિનું એવું નથી.
તે એક વાર ગુમાવ્યા પછી ફરી કેળવી શકાતી નથી.
અમેરિકાના ઓહાયોમાં આવેલી ક્લીવલૅન્ડ ક્લિનિકનાં ઑડિયોલૉજિસ્ટ અને શ્રવણશક્તિના નિષ્ણાત વેલેરી પાવલોવિચ રફ કહે છે, "એક વાર એ ગઈ, તો ગઈ."
ઉંમર વધતા આપણી સાંભળવાની ક્ષમતા ઓછી થતી જાય છે, એ વાત આપણે સારી રીતે જાણીએ છીએ.
પરંતુ હવે ઑડિયોલૉજિસ્ટને નાની ઉંમરના દર્દીઓમાં પણ શ્રવણશક્તિ ઘટવાનાં પ્રમાણ મળી રહ્યાં છે. તેમાં કિશોરો અને દસ વર્ષથી નાનાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
અમેરિકાના એરિઝોનામાં આવેલી મેયો ક્લિનિકનાં ઑડિયોલૉજિસ્ટ જેમી બોગલ કહે છે, "નાની ઉંમરે આપણે કાનની સલામતીને લઈને સામાન્ય રીતે બહુ બેદરકાર હોઈએ છીએ."
"પરંતુ કાનને નુકસાન પહોંચાડતી આવી ઘટનાઓની અસર સમય જતાં એકઠી થતી રહે છે. એટલે નાની ઉંમરે આપણે જે કંઈ કર્યું હોય તેની અસર જીવનનાં પાછળનાં વર્ષોમાં દેખાઈ શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માત્ર રૉકેટના પ્રક્ષેપણનો ધડાકો કે ડેથ મેટલ મ્યુઝિકના કૉન્સર્ટ જ ચિંતાનું કારણ નથી.
રોજિંદા જીવનની ઘણી સામાન્ય પ્રવૃત્તિઓ પણ લાંબા ગાળે સાંભળવાની ક્ષમતા પર આશ્ચર્યજનક અસર કરી શકે છે.
આવનારા દાયકાઓ સુધી તમારા કાનને કેવી રીતે સલામત રાખવા એ જાણવા માટે વાંચો.
શ્રવણશક્તિ કેવી રીતે કાર્ય કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
કાનના પડદાની પાછળ, અંદરના ભાગે ઊંડે પ્રવાહીથી ભરેલો એક ભાગ આવેલો હોય છે, જેને 'કોક્લિયા' કહેવામાં આવે છે. તેની અંદરની સપાટી પર વાળ જેવી હજારો અત્યંત સૂક્ષ્મ કોશિકાઓ હોય છે.
દરેક કોશિકાના ઉપરના ભાગે નાજુક રેસાઓનું ઝૂમખું હોય છે અને તેના નીચેના ભાગે એક ચેતાકોષ જોડાયેલો હોય છે. આ ચેતાકોષ શ્રવણચેતામાં જોડાય છે, જે વિદ્યુત સંકેતોને મગજ સુધી પહોંચાડે છે.
ધ્વનિ જ્યારે અવાજના દબાણનાં મોજાં સ્વરૂપે કાનમાં પ્રવેશે છે, ત્યારે આ અતિસૂક્ષ્મ રેસાઓ પવનમાં ઝૂલતાં વૃક્ષોની જેમ લહેરાવા લાગે છે. તેમનું આ હલનચલન વિદ્યુત આવેગોમાં રૂપાંતરિત થાય છે, જેને આપણું મગજ ધ્વનિ તરીકે ઓળખે છે.
મોટાભાગનાં સ્થળોએ જે અવાજે સંગીત વગાડવામાં આવે છે, તેનાથી તમારા કાનના આંતરિક ભાગ પર દબાણ થાય છે અને તેના લીધે ફક્ત 10 કે 15 મિનિટ પછી તે નુકસાનકારક બની જાય છે.
લાંબા સમય સુધી અતિશય ઊંચા અવાજના સંપર્કમાં રહેવું એ જાણે આ સૂક્ષ્મ રેસાઓ પર તોફાની પવન ફૂંકાવા જેવું છે. એવા અવાજને કારણે રેસાઓ વળી અથવા તૂટી જાય છે. આપણી પાંપણના વાળની જેમ આ રેસાઓ ફરી ઊગતા નથી.
શ્રવણશક્તિ ગુમાવવાની અસરો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉંમર વધવાની સાથે શ્રવણશક્તિ ઘટે તો વ્યક્તિ સામાજિક રીતે એકલી પડી શકે છે. વેલેરી પાવલોવિચ રફ કહે છે કે વાત બરાબર ન સાંભળવાને કારણે કંઈક ખોટું બોલાઈ જશે એવી ચિંતા કરતા લોકો મિત્રતા અને સામાજિક સંબંધોથી ધીમે ધીમે દૂર થવા લાગે છે.
ઘણા અભ્યાસોમાં ઉંમર સાથે ઘટતી શ્રવણશક્તિનો સંબંધ બુદ્ધિક્ષમતા ઘટવા અથવા ડિમેન્શિયા સાથે પણ જોડવામાં આવ્યો છે.
જોકે, અત્યાર સુધી એકત્ર થયેલા પુરાવાઓથી એ સાબિત થતું નથી કે શ્રવણશક્તિ ગુમાવવાથી જ મગજમાં આવા ફેરફારો થાય છે.
સંભવ છે કે શ્રવણશક્તિનું ઘટવું અને ડિમેન્શિયા બંને એક જ અંતર્ગત પ્રક્રિયાનાં લક્ષણો હોઈ શકે છે.
પાવલોવિચ રફ કહે છે, "શરૂઆતના તબક્કામાં ઘણી વાર આ બંને વચ્ચે ગેરસમજ થઈ શકે છે. શક્ય છે કે વ્યક્તિની બુદ્ધિક્ષમતા ઘટી ન હોય, પરંતુ તેને બરાબર સંભળાતું ન હોય."
પાવલોવિચ રફ કહે છે, "મનુષ્યના કાનમાં જન્મથી લઈને અત્યાર સુધીના બધા વાળના કોષો હોય છે. એક વાર એ કોષો નાશ પામે પછી થયેલું નુકસાન કાયમી હોય છે. તેને ફરી સુધારી શકાતું નથી."
પાવલોવિચ રફ જણાવે છે કે ઝેબ્રાફિશ અને મરઘાં જેવાં કેટલાંક પ્રાણીઓમાં વાળકોષો ફરીથી વિકસે છે. તેમની આ ક્ષમતાથી પ્રેરણા લઈને સંશોધકો મનુષ્યના કાનમાં પણ આ સૂક્ષ્મ રેસાઓ ફરી ઉગાડવા માટે જનીન-આધારિત ઉપચાર વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પરંતુ એવો ઉપચાર ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી બચાવ જ શ્રેષ્ઠ ઉપાય છે. તમારી પાસે જે શ્રવણશક્તિ છે, તેનું જતન કરો.
કૉન્સર્ટ અને હેડફોન પર સંગીત

ઇમેજ સ્રોત, GettyImages
પાવલોવિચ રફ કહે છે, "લાઇવ સંગીત સામાન્ય રીતે ધ્વનિવર્ધક ઉપકરણો દ્વારા વધુ ઊંચા અવાજે વગાડવામાં આવે છે અને તે હંમેશાં જરૂર કરતાં વધારે લાઉડ હોય છે."
મોટા ભાગનાં કાર્યક્રમસ્થળોએ જેટલા ઊંચા અવાજે સંગીત વગાડવામાં આવે છે, તેમાં માત્ર 10થી 15 મિનિટ રહેવાથી જ અંદરના કાન પર પડતો ભાર નુકસાનકારક બની શકે છે. "એટલે તમે આખો કૉન્સર્ટ માણવા ઇચ્છતા હો તો કાનમાં ઇયરપ્લગ પહેરવા જોઈએ. પરંતુ ફોમ ઇયરપ્લગ સંગીતના મૂળ અવાજને વિકૃત કરી શકે છે."
તેના બદલે એવા 'હાઈ-ફિડેલિટી ઇયરપ્લગ' પસંદ કરો, જે સંગીતનું મૂળ સ્વરૂપ બદલ્યા વિના તેના અવાજની તીવ્રતા ઓછી કરે. પાવલોવિચ રફ કહે છે, "25 ડોલર (19 પાઉન્ડ) કે તેનાથી ઓછી કિંમતે પણ સારી ગુણવત્તાવાળા હાઈ-ફિડેલિટી ઇયરપ્લગ મળે છે." સંગીતના ખરા રસિયાઓ ખાસ સંગીતકારો માટે બનાવવામાં આવતા કસ્ટમાઇઝ્ડ ઇયરપ્લગ ખરીદવાનું વિચારી શકે છે.
ઑડિયોલૉજિસ્ટ વ્યક્તિના કાનના આકાર પ્રમાણે તેને તૈયાર કરે છે અને તેની કિંમત લગભગ 175 ડૉલર (133 પાઉન્ડ) હોય છે.
આ જ સલાહ રમતગમતની સ્પર્ધાઓમાં પણ લાગુ પડે છે, કારણ કે ઘણાં સ્ટેડિયમોમાં દર્શકોના ઉત્સાહભર્યા ઘોંઘાટથી સર્જાતા ઊંચા ડેસિબલના સ્તરને ગૌરવ ગણવામાં આવે છે.
પાવલોવિચ રફ કહે છે, "રમતગમતની સ્પર્ધાઓ દરમિયાન હું ઘણી વાર નાનાં બાળકોને કાનની સલામતી માટેનાં સાધનો પહેરેલાં જોઉં છું, પરંતુ તેમનાં માતા-પિતાએ પહેર્યાં હોતાં નથી."
"તમારા પોતાના કાનનું શું? આ બાળક મોટું થાય ત્યારે તે જે કહે એ તમે સાંભળી શકો, એવું નથી ઇચ્છતા?"
ઑડિયોલૉજિસ્ટના જણાવ્યા પ્રમાણે, વાહનની બારી ખુલ્લી રાખીને મુસાફરી કરવાની ટેવ ધરાવતા લોકોમાં કાનની શ્રવણશક્તિ ઘટી જવાના કિસ્સા જોવા મળે છે.
આપણામાંથી મોટાભાગના લોકો ક્યારેક જ કોન્સર્ટ અને રમતગમતના કાર્યક્રમોમાં જતા હોય છે. તેના બદલે સંગીત અને મોટા અવાજો સાથેનો આપણો મુખ્ય સંપર્ક હેડફોન દ્વારા થતો રહે છે.
પાવલોવિચ રફ કહે છે, "લાંબા સમય સુધી ખૂબ ઊંચા અવાજે સંગીત સાંભળવાને કારણે કિશોરો અને નાનાં બાળકોમાં પણ શ્રવણશક્તિ ઘટવાનાં લક્ષણો દેખાવા લાગ્યાં છે." તેઓ તાજેતરમાં ક્લિનિકમાં સારવાર માટે આવેલી છ વર્ષની એક બાળકીનો કિસ્સો યાદ કરે છે. તેના પરિવારે તેની સાંભળવાની ક્ષમતામાં કોઈ ફેરફાર નોંધ્યો નહોતો, પરંતુ પાવલોવિચ રફને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શાળાના લેપટોપમાં અવાજનું સ્તર સતત સૌથી ઊંચું રાખીને સાંભળવાને કારણે તેના કાનને નુકસાન થયું હતું.
સ્વીડનમાં નવ વર્ષનાં બાળકો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં નિયમિત હેડફોન વાપરતાં બાળકો અને હેડફોન ન વાપરતાં બાળકોની શ્રવણશક્તિ વચ્ચે નાનો, પરંતુ આંકડાકીય રીતે નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો.
સંશોધકોનો અંદાજ છે કે 35 વર્ષથી ઓછી ઉંમરના આશરે 1.35 અબજ લોકો ધ્વનિવર્ધક ઉપકરણો દ્વારા વધારવામાં આવતા ઊંચા અવાજો અને વ્યક્તિગત રીતે સંગીત સાંભળવાનાં સાધનોને કારણે અકાળે શ્રવણશક્તિ ગુમાવવાનું જોખમ ધરાવી શકે છે.
ઘણાં ઉપકરણોમાં અવાજને સલામત મર્યાદામાં રાખવા માટે આપમેળે કામ કરતી 'વૉલ્યુમ લિમિટર' સુવિધા હોય છે.
પાવલોવિચ રફ કહે છે, આ સુરક્ષિત મર્યાદાની અવગણના ન કરવી ખૂબ જરૂરી છે.
તેઓ કહે છે, "તમે હેડફોન પહેર્યા હોય છતાં તમારી નજીક ઊભેલી વ્યક્તિ સાથે સરળતાથી વાતચીત કરી શકતા હો, તો અવાજનું સ્તર સલામત છે."
"પરંતુ સામેની વ્યક્તિએ તમારી સાથે વાત કરવા બૂમ પાડવી પડે અથવા તમને તેનો અવાજ બિલકુલ ન સંભળાય, તો સમજવું કે હેડફોનનો અવાજ ઘણો વધારે છે."
ઘોંઘાટિયા કામની અસર

ઇમેજ સ્રોત, Getty Images
નીંદણ કાપવાનું મશીન, ખરેલાં પાંદડાં ઉડાડવાનું બ્લોઅર, ઘાસ કાપવાનું મશીન કે ઘરમાં જાતે કોઈ વસ્તુ બનાવતી વખતે વપરાતી વીજકરવત—બાગકામ અને ઘરની મરામત માટેનાં સાધનોનો અવાજ ધાર્યા કરતાં ઘણો વધારે હોઈ શકે છે. સદભાગ્યે, અમેરિકાના અનેક વિસ્તારોમાં વધારે ઘોંઘાટ કરતાં પેટ્રોલથી ચાલતાં સાધનોને બદલે ઓછો અવાજ કરતાં વીજળીથી ચાલતાં સાધનોનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવી રહ્યો છે.
પાવલોવિચ રફ અને બોગલના કહ્યા મુજબ, આવી પ્રવૃત્તિઓ કરતી વખતે કાનની સલામતી માટે ઇયરપ્લગ, કાનને સંપૂર્ણ ઢાંકી દેતાં ઇયરમફ અથવા જરૂર પડે તો બંને એકસાથે પહેરવાં ખૂબ જરૂરી છે.
સામાન્ય રીતે, તમે સહન કરી શકો એટલું સૌથી ઊંચું 'નૉઇઝ રિડક્શન રેટિંગ' કે NRR ધરાવતું સાધન પસંદ કરવું વધુ સારું છે.
NRRનો પ્રત્યેક પોઇન્ટ અવાજની તીવ્રતા લગભગ એક ડેસિબલ જેટલી ઘટાડે છે.
બોગલ કહે છે, "ઇયરમફ કદમાં થોડાં મોટાં હોય છે, પરંતુ તે અવાજ સામે વધુ સારું રક્ષણ આપે છે અને તેમાં ગરબડ કરવી મુશ્કેલ હોય છે."
બોગલ અને પાવલોવિચ રફ કહે છે કે જો તમે ઘોંઘાટિયાં કામો કરતી વખતે સંગીત કે પોડકાસ્ટ સાંભળવા ઇચ્છતા હો, તો બહારનો અવાજ અટકાવતાં નૉઇઝ-કૅન્સલિંગ ઇયરમફ પહેરવાં જોઈએ.
હવામાન ખુશનુમા બને ત્યારે કારના કાચ નીચે ઉતારીને તાજી હવા માણવાનું મન થાય એ સ્વાભાવિક છે.
શાંત રસ્તાઓ પર આમ કરવામાં કોઈ વાંધો નહીં, પરંતુ પાવલોવિચ રફ ચેતવણી આપે છે કે હાઇવે પર બારી ખુલ્લી રાખીને મુસાફરી કરવાથી શ્રવણશક્તિને નુકસાન થઈ શકે છે.
તેઓ કહે છે કે પવનનો ધસારો આપણે ધારીએ તેના કરતાં ઘણો વધારે ઘોંઘાટ કરતો હોય છે. બારી ખુલ્લી રાખીને મુસાફરી કરવાની ટેવ ધરાવતા લોકોમાં ઑડિયોલૉજિસ્ટ ઘણી વાર એક જ કાનની શ્રવણશક્તિ ઘટી હોવાનું નોંધે છે. તેમાં વળી રેડિયો સમસ્યાને વધુ ગંભીર બનાવે છે.
પવનના અવાજમાં સંગીત સ્પષ્ટ સંભળાય એ માટે આપણે અજાણતાં જ રેડિયોનો અવાજ વધારી દઈએ છીએ. પાવલોવિચ રફ કહે છે, "આ રીતે કાન પર બેવડો માર પડે છે."
તેઓ ઉમેરે છે કે મોટરસાઇકલ ચલાવનારાઓએ હંમેશાં ઇયરપ્લગ પહેરવાં જોઈએ. જોકે, એવા 'હાઈ-ફિડેલિટી ઇયરપ્લગ' વાપરવા જોઈએ, જે ઍમ્બ્યુલન્સ જેવાં કટોકટીનાં વાહનોના સાયરન તથા આસપાસના ટ્રાફિકના અવાજો સંભળવા દે અને મોટરસાઇકલના એન્જિનની પ્રચંડ ગર્જનાને હળવી કરી દે.
ઇયરપ્લગનો અતિશય ઉપયોગ

ઇમેજ સ્રોત, GettyImages
આ બધું વાંચ્યા પછી જો તમને એવું લાગતું હોય કે તમે ધાર્યું હતું તેના કરતાં વધુ વાર કાનમાં ઇયરપ્લગ પહેરવાની જરૂર છે, તો આવું વિચારનાર તમે એકલા નથી. કાનમાં કોઈ પણ વસ્તુ નાખતી વખતે પણ ખૂબ સાવચેતી રાખવી જોઈએ.
કાન પોતાની જાતે સાફ થતી ભઠ્ઠી જેવા છે. કાનનો મેલ કાનની નહેરને ભીની અને સલામત રાખવાની સાથે મૃત ત્વચા તથા જમા થયેલા બેક્ટેરિયાને બહાર કાઢવાનું કામ પણ કરે છે. 'ત્વચાના કન્વેયર બેલ્ટ' જેવી કુદરતી પ્રક્રિયા અને બોલતી કે ચાવતી વખતે જડબાની થતી હલનચલનને કારણે કાનનો મેલ તથા તેની સાથે ચોંટેલો કચરો ધીમે ધીમે કાનના પડદાથી બહારના છિદ્ર તરફ ધકેલાય છે. સ્નાન કરતી વખતે એ સરળતાથી ધોવાઈ જાય છે.
કોટન બડ કે ઇયરપ્લગ જેવી કોઈ પણ વસ્તુ કાનમાં નાખવાથી કાનનો મેલ દબાઈને વધુ અંદર, કાનના પડદા તરફ ધકેલાઈ શકે છે.
તેના કારણે ખંજવાળ આવી શકે છે અથવા કાનમાં દબાણ અનુભવાઈ શકે છે. સમય જતાં મેલનો ગઠ્ઠો અવરોધ ઊભો કરી શકે છે, જે ધ્વનિતરંગોને મંદ પાડે છે. પરિણામે અવાજ ઝાંખો કે દબાયેલો સંભળાય છે. જમા થયેલા બેક્ટેરિયા અને અંદર ભરાઈ રહેલો ભેજ કાનમાં ચેપનું કારણ પણ બની શકે છે.
જો તમને કાનમાં મેલ જમા થવાની શંકા હોય, તો ડોક્ટર કે ઓડિયોલોજિસ્ટની સલાહ લેવી યોગ્ય છે. જોકે, ડૉક્ટરની ચિઠ્ઠી વિના મળી શકતાં કેટલાંક ટીપાં પણ ઉપલબ્ધ છે, જે કાનના મેલને નરમ બનાવે છે. ત્યાર બાદ બલ્બ સિરિન્જ અને હૂંફાળા પાણીની મદદથી તેને ધીમેથી બહાર કાઢી શકાય છે.
પાવલોવિચ રફ કહે છે કે કાનનો મેલ અંદર દબાઈ જવાને અને ચેપ લાગવાના જોખમને કારણે દરરોજ રાત્રે ઇયરપ્લગ ન પહેરવાં શ્રેષ્ઠ છે. જોકે, ઘોંઘાટવાળા વિસ્તારમાં રજાઓ ગાળતી વખતે અથવા રાતની વિમાનયાત્રા દરમિયાન થોડા સમય માટે ઇયરપ્લગ પહેરવામાં વાંધો નથી. શરત એટલી કે દિવસ દરમિયાન કાનને પોતાની મેળે સાફ થવાની તક મળવી જોઈએ.
શ્રવણશક્તિની તપાસ ક્યારે કરાવવી?

ઇમેજ સ્રોત, Getty Images
તમે કાનની સલામતી માટે નિયમિત અને કાળજીપૂર્વક ઇયરપ્લગ પહેર્યા હોય, પરંતુ ભીડભર્યા ઓરડામાં ચાલતી વાતચીત સમજવામાં તકલીફ પડવા લાગી હોય તો શ્રવણશક્તિની તપાસ કરાવવાનો સમય આવી ગયો છે કે નહીં, એ કેવી રીતે ખબર પડે?
ઉદાહરણ તરીકે, અમેરિકાનાં અનેક રાજ્યોની શાળાઓમાં નાનાં બાળકોની શ્રવણશક્તિ તપાસવાની વ્યવસ્થા હવે ઘણી સારી થઈ ગઈ છે. બોગલ કહે છે. "પણ ઉંમર વધ્યા પછી કોઈ સમસ્યા ધ્યાનમાં ન આવે ત્યાં સુધી આપણે સામાન્ય રીતે શ્રવણશક્તિની ખાસ તપાસ કરાવતા નથી."
પરંપરાગત રીતે 60 વર્ષની ઉંમર પહેલાં શ્રવણશક્તિની તપાસ કરાવવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ સાંભળવાની ક્ષમતા કોઈ પણ ઉંમરે ઘટી શકે છે.
પાવલોવિચ રફ કહે છે કે ઘોંઘાટભર્યા વાતાવરણમાં વાતચીત સમજવામાં મુશ્કેલી પડતી હોય તો 30 વર્ષના કે તેથી પણ નાની ઉંમરના લોકોએ તેની અવગણના ન કરવી જોઈએ.
પાવલોવિચ રફ કહે છે, "સાંભળવામાં સહેજ પણ મુશ્કેલી જણાય કે તરત જ તપાસ કરાવવાની હું ભલામણ કરીશ. ઘણી વાર વધુ પડતા ઘોંઘાટને કારણે શ્રવણશક્તિ ઘટે એ પહેલાં ટિનાઇટસ થાય છે, એટલે કે કાનમાં સતત ઘંટડી, સિસોટી કે ગણગણાટ જેવો અવાજ સંભળાય છે. તેથી જો તમે ઊંચા અવાજના સંપર્કમાં આવ્યા હો અને કાનમાં રણકાર સંભળાતો હોય તો તમારે શ્રવણશક્તિની તપાસ કરાવી લેવી જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























