ગીરમાં માણસો પર સિંહોના હુમલા : ગિરનારની સીડી પર ટ્રૅકર્સ મૂકવા પડ્યા, સરકારે બીજાં શું પગલાં લીધાં અને તેની કેટલી અસર થશે

સિંહો, ગીરનાં જંગલ, ગિરનાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

11 જુલાઈ, 2026ની વહેલી સવારે ગિરનાર પર્વત પર ચડવાની નવી સીડી પર સિંહોએ કથિત રીતે હુમલો કરતા 12 વર્ષના મયુર ચૌહાણ નામના બાળકનું મૃત્યુ થયું હતું. દોઢ મહિનાની અંદર સિંહોના કથિત હુમલામાં આ સાતમું માનવ મોત હતું.

આ પહેલાં 25 મે, 2026થી ચાલતા આ ઘટનાક્રમમાં અમરેલીના જિલ્લાના વારાહ સ્વરૂપ, કોવાયા, જુના સાવર, ચતુરી અને અંટાળિયા ગામે સિંહોના કથિત હુમલામાં એક એક માનવ મૃત્યુ નોંધાઈ ચૂક્યા હતા.

અમરેલીના ખાંભા તાલુકાના ચાતુરી ગામની ઘટનામાં મૃત્યુ પામનાર જિયાન સિંધાની ઉમર માત્ર પાંચ વર્ષ હતી.

આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગઢડા ગામે પણ સિંહોના એક કથિત હુમલામાં છૂટક મજૂરી કરનાર એક પુરુષનું મૃત્યુ થયું હતું.

પરંતુ ગિરનાર પર્વત પર ચડવાની નવી સીડી પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અહીં લગભગ બારેય મહિના યાત્રાળુઓની ભીડ રહે છે અને મયુર તેના કાકાનો હાથ પકડીને ભવનાથ તળેટીમાંથી ગિરનાર પર ચઢાણ કરવાની શરૂઆત કરી માંડ પચાસેક પગથિયાં ચડ્યો હતો ત્યાં જ સિંહે હુમલો કરતાં તેનું મૃત્યુ થયું હતું.

તે જ રીતે મે મહિનામાં ભાવનગરના પાલિતાણા શહેરની ભાગોળે આવેલા શેત્રુંજય પર્વત પર ચડવાની સીડી પર પણ સિંહો આવી ગયા હતા અને એક સિંહ એક યાત્રાળુની થેલી લઈને નાસી ગયો હતો.

એક તરફ જૂનાગઢ અને ગિરનારને એક ધાર્મિક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ત્યારે આ ઘટનાથી યાત્રાળુઓની સલામતી સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે. પરિણામે વનવિભાગે કેટલાક તાત્કાલિક પગલાંની જાહેરાત કરી છે.

સાસણના વાઇલ્ડલાઇફ ટ્રૅકર્સને ગિરનારની સીડી પર કેમ મૂકાયા?

ગિરનાર પરથી ઊતરી રહેલ લોકો

ઇમેજ સ્રોત, Hanif Khokhar/BBC

ઇમેજ કૅપ્શન, ગિરનાર પરથી ઊતરી રહેલા લોકો

ગિરનાર પર્વત તેમ જ દાતાર પર્વત જૂનાગઢ વન્યજીવ અભયારણ્યમાં આવેલા છે.

ગુજરાતના વન વિભાગ અનુસાર આ અભયારણ્ય 178.8 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે.

વર્ષ 2025માં હાથ ધરાયેલી સિંહ વસ્તી ગણતરી દરમિયાન ગિરનાર અભયારણ્ય અને તેની આજુબાજુના વિસ્તારમાં કુલ 54 એશિયાઈ સિંહો નોંધાયા હતા.

શનિવારની ઘટના બાદ રવિવારે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ એક ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી હતી.

આ મીટિંગ બાદ વન વિભાગે સાસણ વન્યજીવ વિભાગના અનુભવી વાઇલ્ડલાઇફ ટ્રૅકર્સને ગિરનારની સીડી નજીક સિંહોની અવરજવર પર નજર રાખવા તેમ જ સિંહોના કારણે યાત્રાળુઓની સલામતી ન જોખમય તેના માટે કામ કરવાની જવાબદારી સોંપાઈ છે.

ગિરનારની સીડીને સુરક્ષિત બનાવવા માટે સાસણથી બોલાવાયેલ ટ્રેકર્સ

ઇમેજ સ્રોત, Hanif Khokhar/BBC

ઇમેજ કૅપ્શન, ગિરનારની સીડીને સુરક્ષિત બનાવવા માટે સાસણથી બોલાવાયેલા ટ્રૅકર્સ

વાઇલ્ડલાઇફ ટ્રૅકર્સ ખાસ કરીને એશિયાઈ સિંહોના પગેરાનું ધ્યાન રાખવામાં, તેમના અવલોકન કરી તેમના વર્તન, તંદુરસ્તી વગેરેની જાણકારી રાખનાર કર્મચારીઓ ગણાય છે.

હાલ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાઓમાં સિંહો વસે છે અને આ વિસ્તારો જૂનાગઢ (ટેરિટોરિયલ) ફૉરેસ્ટ ડિવિઝન, ગીર (પૂર્વ) વનવિભાગ, ગીર (પશ્ચિમ) વન વિભાગ, શેત્રુંજી વન્યજીવ વિભાગ, સાસણ વન્યજીવ વિભાગ, પોરબંદર વન્યજીવ વિભાગ વગેરે વિભાગોમાં વહેંચાયેલા છે.

આ દરેક વિભાગો પાસે નાની-મોટી સંખ્યામાં વાઇલ્ડલાઇફ ટ્રૅકર્સ છે. પરંતુ તેમાં સાસણ વન્યજીવ વિભાગના ટ્રૅક્ટર્સ તેમના કામમાં સૌથી નિપુણ કર્મચારીઓ મનાય છે.

ગિરનાર અને દાતારની સીડીઓ માટે 25 નવા ટ્રૅકર્સની ભરતી

ગિરનાર પર્વત

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ગિરનાર પર્વત

જૂનાગઢ ટેરિટોરિયલ ડિવિઝનના નાયબ વન સંરક્ષક અક્ષય જોશીએ બીબીસીને જણાવ્યું કે સાસણથી પાંચ નિષ્ણાત ટ્રૅકર્સને ગિરનારની સીડી પર ડ્યુટી સોંપવામાં આવી છે.

એક અખબારી યાદીમાં અક્ષય જોશીએ જણાવ્યું, "તા.13 જુલાઈ 2026ના રોજ માનનીય વન અને પર્યાવરણ મંત્રીશ્રી, ગુજરાત રાજ્યના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આપવામાં આવેલા માર્ગદર્શનના અનુસંધાને ગિરનાર સીડી માર્ગ પર યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા માનવ-વન્યજીવ સંઘર્ષમાં ઘટાડો લાવવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે."

"તે અનુસંધાને, સાસણ વન્યજીવ વિભાગની અનુભવી ટ્રેકર ટીમ ગિરનાર ખાતે આવી પહોંચી છે અને કામગીરી શરૂ કરી છે."

"આ ટીમ ગિરનાર સીડી માર્ગના સમગ્ર વિસ્તારમાં વન્યપ્રાણીઓની અવરજવર પર સતત નજર રાખશે, સંવેદનશીલ વિસ્તારોનું મૉનિટરિંગ કરશે તેમજ માનવ-વન્યજીવ સંઘર્ષની સંભાવનાઓ ઘટાડવા માટે જરૂરી પ્રતિબંધાત્મક પગલાં લેશે. સાથે જ યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સહયોગ આપશે."

ગિરનાર પર્વત પર ચડી રહેલ લોકો

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ગિરનાર પર્વત પર ચડતા લોકો

જૂનાગઢ ટેરિટોરિયલ ડિવિઝનના નાયબ વન સંરક્ષક અક્ષય જોશીની ઑફિસે વર્તમાનપત્રોમાં એક ભરતીની નોટિસ છપાવી 25 ટ્રૅકર્સની ભરતી કરવાની જાહેરાત કરી છે.

ભરતી કરેલ ટ્રૅકર્સને ગિરનાર પર ચડવાની નવી સિડી, જૂની સીડી તેમ જ દાતાર પર ચડવાની સિડી પર ફરજ સોંપવામાં આવશે તેમ નોટિસમાં જણાવવામાં આવ્યું છે. આ ભરતી ગુજરાતના વન વિભાગના નેજા હેઠળ કામ કરતી ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીના નેજા હેઠળ જૂનાગઢ ટેરિટોરિયલ ફૉરેસ્ટ ડિવીઝન કરશે.

અખબારી યાદીમાં જણાવાયું કે, "ગિરનાર સીડી માર્ગ માટે કાયમી ટ્રૅકરોની ભરતી અંગે જાહેરાત અગાઉથી પ્રસિદ્ધ કરવામાં આવી ચૂકી છે."

"ટ્રૅકરોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સાસણ વન્યજીવ વિભાગની ટ્રૅકર ટીમ દ્વારા આ કામગીરી ચાલુ રાખવામાં આવશે."

ડ્રોનથી સિંહોની અવરજવર પર કેવી રીતે નજર રાખવમાં આવશે?

ગિરનારનું એક દ્રશ્ય, આ પર્વત પર ચડવા માટે હવે રોપવેની સુવિધા પણ છે

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ગિરનારનું એક દ્રશ્ય, આ પર્વત પર ચડવા માટે હવે રોપવેની સુવિધા પણ છે

રવિવારની મીટિંગ બાદ મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાત કરતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે જૂનાગઢમાં વન્યજીવ અભ્યારણ્યમાં રહેતા સિંહો પર ગિરનાર અને દાતાર વિસ્તારમાં ડ્રોન કૅમેરાથી નજર રાખવામાં આવશે.

આ ડ્રોન કૅમેરા થર્મલ ઇમેજિંગ કરવા એટલે કે રાત્રે પણ તાપમાનનો ભેદ પારખી હાજર પ્રાણીના ફોટો કે વીડિઓ લેવા સક્ષમ હશે.

વન અને પર્યાવરણમંત્રી અર્જુન મોઢવાડિયાને ટાંકીને રાજય સરકારે સોમવારે એક અખબારી યાદીમાં જણાવ્યું, "સમગ્ર વિસ્તારમાં વન્યજીવોની હિલચાલ પર સતત નજર રાખવા માટે થર્મલ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ગિરનાર પર્વત પર યાત્રાઓની સુરક્ષા માટે વન વિભાગનાં 25 ટ્રૅકર કાયમી વૉચ રાખશે."

ગિરનાર પર્વત

ઇમેજ સ્રોત, Hanif Khokhar/BBC

ઇમેજ કૅપ્શન, ગિરનાર પર્વત

આ ઉપરાંત મોઢવાડિયાએ એવી પણ જાહેરાત કરી કે ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં વન્યજીવોની અવરજવર વધુ રહે છે તેવા સંવેદનશીલ સ્થળોએ કાયમી ચેક પોસ્ટનું નિર્માણ કરી સતત મોનિટરિંગ કરવામાં આવશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ટૂંકા ગાળામાં નોંધપાત્ર સંખ્યામાં સિંહો દ્વારા માણસો પર કથિત હુમલા કરાતા આખી પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ગુજરાત સરકાર વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકોની સેવા લેવાનું પણ વિચારી રહી છે.

સાઇલન્સ ઝોન, સીડી પર જાળી જેવા પગલાં ભરાશે?

ગિરનારની ધટના બાદ પરિસ્થિતિની સમીક્ષા કરવા બોલાવાયેલ મિટીંગની અધ્યક્ષતા કરી રહેલ અર્જુન મોઢવાડિયા

ઇમેજ સ્રોત, Information Department, Gujarat

ઇમેજ કૅપ્શન, ગિરનારની ઘટના બાદ પરિસ્થિતિની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા અર્જુન મોઢવાડિયા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અર્જુન મોઢવાડિયાને ટાંકીને સોમવારની અખબારી યાદીમાં સરકારે જણાવ્યું કે ગિરનાર અને દાતાર સીડી માર્ગને 'સાયલન્સ ઝોન' જાહેર કરવામાં આવશે, જેથી વન્યજીવોને અનાવશ્યક ખલેલ ન પહોંચે અને માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતા ઘટે.

અક્ષય જોશીએ જણાવ્યું કે સીડી પર ધાર્મિક મંત્રોચાર, સૂત્રોચાર કે સંગીત વગાડવા પર મનાઈ ફરમાવવામાં આવશે જેથી વન વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે.

જૈન ધર્મમાં શેત્રુંજય પર્વતનું અનેરું મહત્ત્વ છે. આ પર્વત જૈન ધર્મના સૌથી મોટા ધાર્મિક સ્થળોમાં ગણના પામે છે અને દર વર્ષે લખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે શેત્રુંજી પર્વત પર જાત્રાએ આવે છે.

પરંતુ 14.50 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા શેત્રુંજ્ય પર્વત એક રિઝર્વ્ડ ફૉરેસ્ટ એટલે કે અનામત જંગલ છે અને ભાવનગર ટેરિટોરિયલ ફૉરેસ્ટ ડિવિઝન હેઠળ આવેલો છે.

આ ડિવિઝનના નાયબ વન સંરક્ષક યોગેશકુમાર દેસાઈએ બીબીસીને જણાવ્યું કે શેત્રુંજ્ય રિઝર્વ્ડ ફૉરેસ્ટ હવે સિંહોનું રહેઠાણ છે પરંતુ સિંહો અને જૈન શ્રાવકો વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય તેના માટે વન વિભાગ પુરતી તકેદારી રાખે છે.

તેમણે કહ્યું , "શેત્રુંજય પર્વત સિંહોનું રહેઠાણ છે તેથી ક્યારેક ક્યારેક સિંહો પર્વત પર ચડવાની સીડીઓ નજીક આવી જાય છે. પરંતુ અમારો સ્ટાફ તેમની પર નજર રાખતો રહે છે અને અને જરૂર જણાય તો સીડીથી દૂર લઈ જાય છે."

"તેથી, માણસો અને વન્યજીવો વચ્ચે ઘર્ષણના બનાવ શેત્રુંજી રિઝર્વ્ડ ફૉરેસ્ટમાં બન્યા નથી."

"શ્રાવકો શેત્રુંજી પર ચડી રહ્યા હતા ત્યારે સિંહો સીડી પર આવી ગયાનો બનાવ બન્યો ત્યારે પણ અમારો સ્ટાફ ત્યાં હાજર હતો અને સિંહ યાત્રાળુની જે બેગ લઈને ભાગી ગયા હતો તેને પણ તરત પરત મેળવી લેવાઈ હતી."

યોગેશકુમારે કહ્યું કે પાલીતાણામાં તેમના વિભાગની પાલીતાણા રેન્જના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર, રાઉન્ડ ફૉરેસ્ટર્સ અને બીટ ગાર્ડ્સ ફરજ પર રહે છે.

યોગેશકુમારે કહ્યું કે, "આ સ્ટાફના સભ્યો પગપાળા ચાલીને સઘન પેટ્રોલિંગ કરતા રહે છે. અમે કલ્યાણજી આનંદજી પેઢી સાથે મળીને લોકજાગૃતિના કાર્યક્રમો પણ કરતા રહીએ છીએ."

"તેથી, શેત્રુંજ્યની યાત્રાએ આવતા જૈન શ્રાવકોને શેત્રુંજયમાં સિંહોની હાજરી વિશે ખબર હોય છે."

"તેમ છતાં સાવચેતીના પગલારૂપે પાલીતાણાની તળેટીથી શરૂ કરીને ગઢ સુધીના સીડીના ભાગને તારની જાળીથી સુરક્ષિત કરવાની વિચારણા ચાલી રહી છે."

આ પગલાં પૂરતાં સાબિત થશે?

જૂનાગઢમાં પ્રકૃતિ શિક્ષણનું કામ કરતી વસુંધરા નેચર ક્લબના પ્રમુખ પ્રણવ વઘાસિયા કહે છે કે વન વિભાગે લીધેલ આ પગલાં સિંહો અને માનવો વચ્ચે ઘર્ષણના બનાવો ઘટાડવામાં મદદરૂપ થશે પરંતુ કેટલાક હયાત નિયમોનો ચુસ્ત અમલ કરાય તો પણ પરિસ્થિતિ સુધરી શકે તેમ હતી.

બીબીસી સાથે વાત કરતા પ્રણવ વઘાસિયાએ કહ્યું, "વાસ્તવિકતા તો એ છે કે ગિરનાર પર ચડવાની નવી સીડીની જ્યાંથી શરૂઆત થાય છે તે ભવનાથ તળેટી પણ જૂનાગઢ વન્યજીવ અભયારણ્યની વચ્ચે આવે છે તેથી ત્યાં સિંહોની હાજરી નોંધાય તે અજુગતું ન ગણાય."

"પરંતુ ઘર્ષણ નિવારવાના પગલાં ચોક્કસ લઈ શકાય. ગિરનારની સીડીમાં આશરે 10,000 પગથિયાં છે અને સિંહોની અવરજવર ભવનાથ તળેટીથી શરૂ કરીને શરૂઆતનાં 3000 પગથિયાં સુધી જ નોંધાય છે. સીડીના આ ભાગમાં જો 25 ટ્રૅકરોને ફરજ પર મૂકાશે તો લોકોને સિંહોની અવરજવર વિશે અગમચેતી આપી શકાશે. "

પ્રણવ વઘાસિયા

ઇમેજ સ્રોત, Pranav Vaghasiya

ઇમેજ કૅપ્શન, પ્રણવ વઘાસિયા

વઘાસિયાએ ઉમેર્યું કે ડ્રોનથી સિંહોના વિચરણ પર નજર રાખવાથી પણ જો સિંહો સીડીની દિશા તરફ આગળ વધે તો યાત્રાળુઓને વેળાસર ચેતવણી આપી શકાશે.

તેઓ કહે છે કે, "પરંતુ ચિંતા એ છે કે ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં વન વિભાગના સ્ટાફની કેટલીય જગ્યાઓ ખાલી છે."

"એક બીટ ગાર્ડને બીજા બે કે ત્રણ બીટના ચાર્જ સોંપી કામ ચાલે છે. સિંહો અને માનવો વચ્ચે ઘર્ષણ ટાળવા પૂરતો કાયમી સ્ટાફ મૂકવો પડશે.

"વળી, સીડીઓને સાયલન્સ ઝોન જાહેર કરવાની વાત મને સમજાતી નથી. સીડીઓ અભયારણ્યની અંદર આવેલી છે અને અભયારણ્યો કાયદાકીય રીતે સાયલન્સ ઝોન જ હોય."

"કોઈ અભયારણ્યના ઇકો સેન્સિટિવ ઝોનની અંદર પણ ઘોંઘાટ થાય તેવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણો હોય."

"તેમ છતાં ગિરનાર વન્યજીવ અભયારણ્યના ઇકો સેન્સિટિવ ઝોનનમાં ડીજે લાઉડ મ્યુઝિક વગેરે ચાલે છે. આ તાતકાલિક અટકે તે જરૂરી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન