મચ્છર કેટલાક લોકોને વધારે કેમ કરડે છે, શું ત્વચાની ગંધ નક્કી કરે છે?

ઇમેજ સ્રોત, boonchai wedmakawand via Getty Images
- લેેખક, લાઇક કૅથરીન
- પદ, બીબીસી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
હું મચ્છરને જાણે ચુંબકની જેમ મારી તરફ ખેંચું છું. ઉનાળાની રજાઓમાં હું દુનિયાના કોઈ પણ ખૂણે જાઉં, એક વાત લગભગ નિશ્ચિત રહે છે કે મચ્છર મને ચોક્કસ કરડશે.
મચ્છર કરડવાના લીધે મારી ત્વચા પર ખંજવાળ્યાનાં મોટાં-મોટાં નિશાન થઈ જાય છે, જે ઘણાં અઠવાડિયાં સુધી રહે છે.
જોકે, મારી સાથે રહેતા અન્ય બે લોકો પર મચ્છરની કશી ખાસ અસર નથી દેખાતી. તેમને ભાગ્યે જ કોઈ મચ્છર કરડે છે. અને જો કરડી જાય તો પણ, માત્ર એક નાનું લાલ નિશાન બને છે, જે જલદી ગાયબ થઈ જાય છે.
મારા મિત્રો ઘણી વાર મજાકમાં કહે છે કે મારું લોહી 'ખૂબ મીઠું' છે, તેથી મચ્છર મને વધારે કરડે છે. રસપ્રદ વાત એ છે કે એ વાતમાં થોડી ઘણી સચ્ચાઈ હોઈ શકે છે.
હકીકતમાં, આપણા શરીરમાંથી ઘણા પ્રકારના જૈવિક સંકેત નીકળે છે; જેમ કે, આપણા શ્વાસ અને શરીરની ગંધ. આ જ સંકેત નક્કી કરે છે કે મચ્છર કઈ વ્યક્તિ તરફ વધારે આકર્ષાશે. કેટલાક લોકોમાં આ સંકેત એટલા મજબૂત હોય છે કે મચ્છર આપોઆપ તેમની તરફ ખેંચાઈ આવે છે.
તો ચાલો, એ ત્રણ મુખ્ય કારણ સમજીએ, જેના લીધે આ લોહી ચૂસનાર કીટક આપણને શોધી લે છે.
શિકાર આસપાસ હોવાની જાણ આ રીતે થાય છે

ઇમેજ સ્રોત, Getty Images
માત્ર માદા મચ્છર જ મનુષ્યને કરડે છે. તે આપણા લોહીથી એટલા માટે આકર્ષાય છે, કેમ કે તેનાથી તેમને પ્રોટીન મળે છે, જે ઈંડાને વિકસિત કરવામાં મદદરૂપ છે.
મચ્છર લગભગ 10 મીટર (33 ફૂટ) દૂરથી જ પોતાના શિકારને ઓળખી શકે છે. તે પોતાની જોવા અને સૂંઘવાની શક્તિની મદદથી આવું કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લક્ષ્યને ઓળખવામાં વાતાવરણમાં રહેલા કાર્બન ડાયૉક્સાઇડ (સીઓટૂ)ના એ કણ પણ ભૂમિકા ભજવે છે જે આપણે આપણા શ્વાસ અને ત્વચાના માધ્યમથી બહાર કાઢીએ છીએ.
મનુષ્યના શ્વાસમાં રહેલો કાર્બન ડાયૉક્સાઇડ મચ્છરોને એવો સંકેત આપે છે કે આસપાસ કોઈ સંભવિત શિકાર છે. આ સંકેત મળતાં જ મચ્છરોની શિકાર શોધવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે અને તે એ વ્યક્તિની દિશામાં આગળ વધવા લાગે છે.
બાળકોની તુલનાએ વયસ્કોને મચ્છર વધુ કરડે છે, કેમ કે, તેઓ હવામાં વધારે કાર્બન ડાયૉક્સાઇડ છોડે છે.
આ જ કારણ છે કે મચ્છર માત્ર મનુષ્ય તરફ જ નથી આકર્ષાતા, બલકે કાર્બન ડાયૉક્સાઇડના અન્ય સ્રોતો તરફ પણ ખેંચાઈ આવે છે.
આ જ કારણે મચ્છરોને ફસાવતી જાળમાં ડ્રાઇ આઇસ અને બૉટલ્સમાં ભરેલા કાર્બન ડાયૉક્સાઇડનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
શરીરની ગરમીથી પણ મચ્છર આકર્ષાય છે

ઇમેજ સ્રોત, FreshSplash via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંશોધનો દર્શાવે છે કે મચ્છર કોઈ શરીરની ગરમી અને ભેજ તરફ પણ આકર્ષાય છે. કાર્બન ડાયૉક્સાઇડના કારણે ઉત્પન્ન થતી ગરમી અને ભેજ આ આકર્ષણમાં વધારો કરે છે.
આ જ કારણે ગર્ભવતી મહિલાઓને અન્ય મહિલાઓની સરખામણીએ લગભગ બે ગણા વધારે મચ્છર કરડી શકે છે.
આવું એટલા માટે થાય છે, કેમ કે, ગર્ભાવસ્થા દરમિયાન શરીરનું મેટાબૉલિઝમ અને શ્વાસ લેવાની ગતિ વધી જાય છે. તેનાથી શરીર વધારે ગરમી ઉત્પન્ન કરે છે અને વધારે કાર્બન ડાયૉક્સાઇડ બહાર છોડે છે.
બ્રિટનની ડરહમ યુનિવર્સિટીમાં સાર્વજનિક સ્વાસ્થ્ય કીટશાસ્ત્ર (પબ્લિક હેલ્થ એન્ટોમૉલોજી)ના પ્રોફેસર સ્ટિવ લિંડસે કહે છે, "તમારા શરીરમાં એક નાની ભઠ્ઠી જેવું કામ ચાલી રહ્યું હોય છે, તેથી તે વધારે ગરમ થઈ જાય છે."
જે લોકો વ્યાયામ કે કસરત કરે છે, તેઓ પણ મચ્છરોને વધારે આકર્ષિત કરે છે, ખાસ કરીને કસરત કરતા સમયે કે તેના પછી તરત.
તેનું કારણ એ છે કે કસરત કરવા દરમિયાન શરીરનું મેટાબૉલિઝમ ગતિશીલ થઈ જાય છે, જેનાથી વધારે કાર્બન ડાયૉક્સાઇડ નીકળે છે; સાથે જ, શરીર વધારે ગરમ થઈ જાય છે અને પરસેવો પણ વધારે થાય છે.
આ જ પ્રમાણે, ભારે શરીર ધરાવતા લોકો પણ મચ્છરોને વધારે આકર્ષે છે, કેમ કે, તેમનું શરીર સામાન્ય રીતે વધારે ગરમી ઉત્પન્ન કરે છે અને તેઓ વધારે કાર્બન ડાયૉક્સાઇડ છોડે છે.
ત્વચાની ગંધ નક્કી કરે છે કે મચ્છર કોને કરડશે?

ઇમેજ સ્રોત, Getty Images
મચ્છર જ્યારે પોતાના લક્ષ્યથી 10 મીટર (33 ફૂટ) કરતાં ઓછા અંતરે પહોંચી જાય છે, ત્યારે તે ત્વચા અને શ્વાસમાંથી આવતી ગંધ સહિત ઘણા સંકેતોની મદદથી પોતાના શિકારને ઓળખી લે છે.
પ્રોફેસર સ્ટિવ લિંડસે કહે છે, "આ બધો ગંધનો ખેલ છે. મચ્છર કોને કરડશે, તે મોટા ભાગે એ વ્યક્તિના શરીરની ગંધ પર આધાર રાખે છે. શરીરમાંથી નીકળતા રાસાયણિક પદાર્થોની ગંધનો તફાવત જ એ નક્કી કરે છે. મચ્છર એક રાસાયણિક દુનિયામાં રહે છે."
લિંડસે અને તેમના સાથી વૈજ્ઞાનિકોએ એવી માન્યતાને પણ ખોટી સાબિત કરી છે જેમાં કહેવામાં આવે છે કે "જેમનું લોહી મીઠું હોય, તેમને મચ્છર વધારે કરડે છે".
તેમના સંશોધન અનુસાર, મચ્છર હકીકતમાં દરેક વ્યક્તિની ત્વચામાંથી નીકળતી ખાસ અને અલગ ગંધ તરફ આકર્ષાય છે.
આપણી ત્વચા પર રહેતા સૂક્ષ્મ જીવ (માઇક્રોઑર્ગેનિઝમ) કાર્બોહાઇડ્રેટ, ફૅટી ઍસિડ અને પેપ્ટાઇડ જેવા પદાર્થોને તોડીને બાષ્પશીલ જૈવિક સંયોજનો (વોલેટાઇલ ઑર્ગેનિક કમ્પાઉન્ડ્સ) બનાવે છે.
આ સંયોજનો સરળતાથી હવામાં ફેલાઈ જાય છે અને મચ્છર તેમને ઓળખી શકે છે. આપણી ત્વચામાંથી 500 કરતાં વધારે પ્રકારનાં બાષ્પશીલ જૈવિક સંયોજનો નીકળે છે.
મચ્છર પહેલાંથી જ ત્વચા પર રહેલા એમોનિયા અને લૅક્ટિક ઍસિડ તરફ આકર્ષાય છે. જો ત્વચા પર કાર્બોક્સિલિક ઍસિડ પણ હોય, તો તેનું આકર્ષણ વધી જાય છે.
રૉકફેલર યુનિવર્સિટીના સંશોધનમાં શું જાણવા મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની રૉકફેલર યુનિવર્સિટીના સંશોધકોએ 64 લોકોની ત્વચાની ગંધનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ માટે ભાગ લેનારા લોકોને છ કલાક સુધી નાયલૉનનાં કપડાં પહેરાવવામાં આવ્યાં, જેથી તે કપડાંમાં ત્વચાની ગંધ ભળી શકે.
એ બાદ, મચ્છરોને આ નમૂનામાંથી પોતાની પસંદગી નક્કી કરવાની તક આપવામાં આવી. પરિણામો દ્વારા જાણવા મળ્યું કે મચ્છર એવા લોકોની ગંધને વધારે પસંદ કરે છે, જેમની ત્વચા પર કાર્બોક્સિલિક ઍસિડનું આવરણ વધારે હોય છે.
સંશોધકોએ પ્રત્યેક વ્યક્તિ માટે 'મચ્છર આકર્ષણ સ્કોર' તૈયાર કર્યો. જે વ્યક્તિનો સ્કોર સૌથી વધારે હતો, તે સૌથી ઓછા સ્કોરવાળા વ્યક્તિની તુલનાએ 100 ગણા વધારે આકર્ષક જોવા મળ્યા.
રસપ્રદ વાત એ રહી કે લોકોની જીવનશૈલીમાં ફેરફાર થયા છતાં આ તફાવત ઘણાં વર્ષો સુધી જળવાઈ રહ્યો. પ્રોફેસર સ્ટિવ લિંડસે કહે છે, "મચ્છરો માટે તમારું આકર્ષણ મહદંશે પહેલેથી નક્કી હોય છે."
ત્વચા પર રહેલા બૅક્ટેરિયા પણ આકર્ષણ વધારી શકે છે

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images
ત્વચા પર રહેતા સૂક્ષ્મ જીવો (માઇક્રોઑર્ગેનિઝમ)નો પ્રકાર પણ એ નક્કી કરે છે કે મચ્છર કોઈ વ્યક્તિ તરફ કેટલા આકર્ષિત થશે.
નેધરલૅન્ડ્સની વાગેનિંગેન યુનિવર્સિટીના સંશોધકોએ જોયું કે જે લોકો તરફ મેલેરિયા ફેલાવનાર મચ્છર વધારે આકર્ષાતા હતા, તેમની ત્વચા પર રહેલા બૅક્ટેરિયાની સંરચના બીજા કરતાં અલગ હતી. તેમની ત્વચા પર બૅક્ટેરિયાની સંખ્યા વધારે હતી, પરંતુ તેમની પ્રજાતિઓની વિવિધતા ઓછી હતી.
તેનું એક કારણ એ હોઈ શકે છે કે એ ત્વચા પર રહેલા બૅક્ટેરિયા શરીરની ખાસ ગંધ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હકીકતમાં, ત્વચા પર બૅક્ટેરિયા ન હોય તો વ્યક્તિના પરસેવામાં લગભગ કોઈ ગંધ નહીં હોય.
જોડિયા લોકો પર કરવામાં આવેલા અભ્યાસોમાં પણ જોવા મળ્યું છે કે એકસમાન જોડકા (આઇડેન્ટિકલ ટ્વિન્સ) લોકો પર મચ્છર લગભગ એક જ સ્તરે આકર્ષિત થાય છે; જ્યારે અસમાન જોડકા (નૉન-આઇડેન્ટિકલ ટ્વિન્સ) લોકોનાં શરીર તરફના મચ્છરના આકર્ષણમાં તફાવત જોવા મળ્યો.
આનાથી સંકેત મળે છે કે શરીરની એ ગંધ, જે એ નક્કી કરે છે કે મચ્છર કોઈ વ્યક્તિ તરફ કેટલા આકર્ષાશે, આનુવંશિક (જેનેટિક) રીતે પણ પ્રભાવિત થઈ શકે છે. એટલે કે, તેનો સંબંધ આપણા જીન સાથે પણ હોઈ શકે છે.
દરેક વ્યક્તિ પર મચ્છર કરડવાની અલગ અસર થાય છે

ઇમેજ સ્રોત, Getty Images
મચ્છર કરડે ત્યારે દરેક વ્યક્તિના શરીરની પ્રતિક્રિયા અલગ-અલગ હોઈ શકે છે.
એક વ્યાપક આનુવંશિક અભ્યાસમાં જોવા મળ્યું કે આપણા શરીરની ઇમ્યૂન સિસ્ટમ સાથે સંબંધ ધરાવતા જીન એ બાબત સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે કે મચ્છર કરડે ત્યારે આપણું શરીર કેવી પ્રતિક્રિયા કરશે.
રસપ્રદ વાત એ છે કે આ જ જીન શરીરમાં થતી એલર્જી સાથે સંકળાયેલા જીન્સ સાથે પણ સંબંધ ધરાવે છે.
આ ઉપરાંત, કેટલાક લોકોમાં મચ્છર કરડ્યા પછી ત્વચા પર વધારે સોજો અને મોટા નિશાન થવાની સંભાવના હોય છે. તેનાથી તેમને લાગી શકે છે કે મચ્છર ચુંબકની જેમ તેમની તરફ આકર્ષાય છે.
વૈજ્ઞાનિક ફર્ગ્યુશન કહે છે, "કેટલાક લોકોને લાગે છે કે તેમને મચ્છર વધારે કરડે છે, જ્યારે હકીકતમાં તેમનું શરીર મચ્છર કરડવાથી વધારે પ્રતિક્રિયા આપતું હોય છે; બીજી તરફ, કેટલાક લોકોને ઘણી વાર મચ્છર કરડે છે, પરંતુ તેમના શરીર પર તેની ખૂબ ઓછી અસર જોવા મળે છે."
જોકે, કેટલાક લોકો જૈવિક રીતે અન્યની તુલનાએ મચ્છર માટે વધારે આકર્ષક હોઈ શકે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ મચ્છરથી સંપૂર્ણ સુરક્ષિત નથી હોતા.
ફર્ગ્યુસન કહે છે, "જો તમને લાગતું હોય કે મચ્છર તમને નથી કરડતા, તોપણ તમારે તેનાથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવી જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















