'આ વિસ્તારમાં કેરી અને ચીકુ થાય છે, પ્લાન્ટ આવશે તો ખેતીવાડીને નુકસાન થશે', નવસારીના ખેડૂતો ફર્ટિલાઇઝર કંપનીનો કેમ કરી રહ્યા છે વિરોધ?

ઇમેજ સ્રોત, Pankaj Patel
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ફર્ટિલાઇઝર કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ (IPL)ની સંભવિત યોજનાઓ સામે મોટા પાયે વિરોધ શરૂ થયો છે.
ઇન્ડિયન પોટાશ લિમિટેડ, નવસારીમાં પહેલેથી જ પ્લાન્ટ ધરાવે છે, જેના વિસ્તરણની સંભાવના છે. આ ઉપરાંત ચીખલી તાલુકામાં પણ એક શુગર ડેરીની જમીન પર આઇપીએલનો પ્લાન્ટ સ્થપાય તેવી અટકળો હોવાથી આસપાસનાં ગામોમાં વિરોધના સૂર ઉઠ્યા છે.
ગામલોકોને ભય છે કે ફર્ટિલાઇઝર સાથે સંકળાયેલા પ્લાન્ટથી 'હવા, જમીન અને પાણી પ્રદૂષિત થશે' અને તેમની ખેતીને ભારે 'નુકસાન' જશે.
નવસારીના અષ્ટગામ પાસે આવેલી ઇન્ડિયન પોટાશ લિમિટેડ (આઇપીએલ) કંપનીના રાસાયણિક ખાતર ઉત્પાદન એકમની સૂચિત વિસ્તરણ યોજના સામે આસપાસનાં લગભગ 80 ગામો વિરોધ કરી રહ્યાં છે. તાજેતરમાં 30 જૂને આ મામલે સરકાર દ્વારા જાહેર સુનાવણી યોજાઈ હતી તેમાં પણ ગામલોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

ઇમેજ સ્રોત, Virendra Desai
આ વિરોધપ્રદર્શન સાથે જોડાયેલા સ્થાનિક આગેવાન અને વ્યવસાયે ઍડ્વોકેટ વીરેન્દ્ર દેસાઈએ બીબીસીને જણાવ્યું કે "પ્લાન્ટની નજીકના વિસ્તારમાં કેરી અને ચીકુની ખેતી થાય છે. જો અહીં પ્લાન્ટ શરૂ થાય અને પ્રદૂષણ ફેલાશે તો અમારી ખેતીવાડીને ભારે નુકસાન જવાનું જોખમ છે."
આસપાસનાં ગામના સરપંચો અને બીજા લોકોએ નવસારીના કલેક્ટરને રજૂઆત પણ કરી છે જેમાં તેમની દલીલ છે કે આઇપીએલના પ્લાન્ટની નજીકના વિસ્તારમાં આદિવાસી આશ્રમ શાળાઓ, હૉસ્ટેલો અને પાંજરાપોળ આવેલાં છે. પ્લાન્ટના કારણે અહીં વસતા લોકો અને પશુઓના આરોગ્ય સામે જોખમ પેદા થયું છે.
તેમણે એવી દલીલ પણ કરી છે કે પહેલેથી આ પ્લાન્ટના કારણે જે પ્રદૂષણ થયું છે તેનાથી તેમની ખેતીલાયક જમીન 'ખરાબ' થઈ ગઈ છે અને મોટું 'આર્થિક નુકસાન' ભોગવવું પડ્યું છે.
વીરેન્દ્ર દેસાઈએ જણાવ્યું કે "એક બાજુ સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે. તે રસાયણો મુક્ત પ્રાકૃતિક ખેતીની હિમાયત કરે છે, બીજી તરફ પર્યાવરણને નુકસાન થાય તેવી ફર્ટિલાઇઝર ઉત્પાદક કંપનીને વિસ્તરણની મંજૂરી આપે તે યોગ્ય નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Pankaj Patel
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામના લોકોએ પણ બે અઠવાડિયા અગાઉ લોકોએ જનજાગૃતિ રેલી યોજી હતી. અહીં ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા કાવેરી શુગર ફૅક્ટરીની જમીન ખરીદવામાં આવી છે જ્યાં ફર્ટિલાઇઝર પ્લાન્ટ બનવાની સંભાવના છે.
સાદડવેલ ગામનાં સરપંચ વૈશાલી પટેલે જનજાગૃતિ રેલી વખતે કહ્યું હતું કે, "અમારા ગામમાં ટૂંક સમયમાં પોટાશ કંપની આવી રહી છે જેના વિરોધમાં અમે 1,500 લોકોએ રેલી યોજી છે. બીજાં ગામના લોકો પણ રેલીમાં જોડાઈ રહ્યા છે. અમે આ પ્લાન્ટ સામે છેલ્લે સુધી લડી લેવાના છીએ."
તેમણે કહ્યું કે તેમના ગામની નજીક ફર્ટિલાઇઝર કંપની આવશે તો જમીન અને પાણી પ્રદૂષિત થવાનો ખતરો છે. અમે આ મામલે ગ્રામસભા પણ યોજવાના છીએ.
ગામના એક આગેવાન પંકજ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "અમે આદિવાસીઓ પ્રકૃતિના પૂજક છીએ અને અમને પ્રકૃતિ સાથે રહેવું ગમે છે. તેની જગ્યાએ રાસાયણિક ખાતરની કંપની આવે તે જોખમી છે."
તેમણે કહ્યું કે "અમારા ગામની નજીક શુગર ફૅક્ટરી આવે તેની સામે વાંધો નથી, પણ કેમિકલ કંપની આવવી ન જોઈએ. અહીં કાવેરી શુગર ફૅક્ટરી હતી જે ફડચામાં ગઈ હોવાથી ઇન્ડિયન પોટાશ કંપનીએ તેની જમીન ખરીદી લીધી છે."

ઇમેજ સ્રોત, Pankaj Patel
ઍડ્વોકેટ વીરેન્દ્ર દેસાઈએ જણાવ્યું કે, "નવસારીના અષ્ટગામ નજીક અગાઉ ટી. જે. એગ્રો નામની કંપનીનું રાસાયણિક ખાતરનું કારખાનું હતું. તે કારખાનું બંધ થયા પછી ત્રણ વર્ષમાં આસપાસના વિસ્તારોમાં કેરી, ચીકુ વગેરેના પાકનું ઉત્પાદન બહુ સારું રહ્યું. ત્યાર પછી ત્યાં ઇન્ડિયન પોટાશે ખાતર બનાવવાનું શરૂ કર્યું. જેના કારણે નજીકમાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. કેરીના બગીચાઓમાં મૉર આવતા બંધ થઈ ગયા. અમને બીક છે કે આ પ્લાન્ટનું વિસ્તરણ થશે તો અહીંનું ભૂગર્ભજળ પીવાલાયક નહીં રહે."
તેમણે કહ્યું કે આ વિસ્તારમાં હાઇવે નજીક આવેલાં અષ્ટગામ, વેગામ, ઉન, મુનસાડ, સદલાવ, સિસોદરા વગેરે ગામો પ્રાકૃતિક ખેતી માટે જાણીતા છે. આવી જગ્યાએ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો આવે તો ખેતીને કાયમ માટે 'નુકસાન' થશે.
ઇન્ડિયન પોટાશ શું કામ કરે છે?

ઇમેજ સ્રોત, IPL
ઇન્ડિયન પોટાશ લિમિટેડના ફેસબૂક પેજ પ્રમાણે આ કંપની ભારતમાં કૃષિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને દેશમાં છ લાખથી વધુ ગામોમાં ફર્ટિલાઇઝર મળી રહે તેવડું મોટું વિતરણ નૅટવર્ક ધરાવે છે.
ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઑપરેટિવ લિમિટેડ (ઇફકો) પાસે આઇપીએલમાં લગભગ 34 ટકા હિસ્સો છે અને તે આ કંપનીમાં સૌથી મોટી હિસ્સેદાર છે. ઇફકોની વેબસાઇટ મુજબ આઇપીએલ મુખ્યત્વે આયાતી પોટાશ, ફૉસ્ફેટિક અને નાઇટ્રોજેનસ ફર્ટિલાઇઝરના ટ્રેડિંગ સાથે સંકળાયેલી છે. કંડલા ખાતે ઇફકોના ફર્ટિલાઇઝર પ્લાન્ટ માટેનો પોટાશ આઇપીએલ પાસેથી મેળવવામાં આવે છે. ફર્ટિલાઇઝર ઉપરાંત આઇપીએલ એ ડેરી અને ખાંડના બિઝનેસમાં પણ છે.
હિંદુ બિઝનેસલાઇનના 10 જુલાઈના અહેવાલ પ્રમાણે આઇપીએલ અને જૈન ઇરિગેશન સિસ્ટમ લિમિટેડ કંપનીએ ગુજરાતમાં શેરડીની ખેતીને વૈજ્ઞાનિક, ટકાઉ અને ટૅક્નૉલૉજી આધારિત બનાવવા માટે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
બીબીસીએ આ અંગે કંપનીનો પ્રતિભાવ જાણવા માટે ફોન અને ઇમેઇલ મારફત પ્રયાસ કર્યો છે, પરંતુ કંપનીનો સંપર્ક થઈ શક્યો નથી. કંપનીનો કોઈ પ્રતિભાવ આવશે તો આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.
બીબીસીએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓનો સંપર્ક કરવાની પણ કોશિશ કરી છે. તેમનો જવાબ મળશે ત્યારે તેમનો પક્ષ અહીં ઉમેરી દેવામાં આવશે.
બીજી તરફ, નવસારીના કલેક્ટર મનીષ ગુરુવાનીએ પ્રદર્શનકર્તાઓને ખાતરી આપી હતી કે તેઓ આ મામલે તપાસ કરશે અને યોગ્ય પગલાં ભરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























